ભીંતો સખત ચણીને, હું ચોતરફ ઊભો છું,
એમાં મને પુરીને, હું ચોતરફ ઊભો છું.
ભૂલા પડેલ સુખને મારા ઘર તરફ વાળું,
બસ એજ આશ લઈને, હું ચોતરફ ઊભો છું.
પંપાળું? હાથ ફેરવું? જોયા કરું? કરું શું ?
મારો સગો બનીને, હું ચોતરફ ઊભો છું.
ભાગી નહીં શકાશે છોડી સ્વયંને એવો
ઘેરો મને કરીને, હું ચોતરફ ઊભો છું.
ભાગું “મિતેશ” થી ને આવે “મિતેશ” સામે,
ચારે દિશા બનીને, હું ચોતરફ ઊભો છું.
~ મિતેશ રાવળ
Leave a Reply