જાગતી રાતે
પીડાના થોડા ટુકડા પીગળાવી,
સાચવી, સંતાડી મૂક્યા મેં
રેશમી તકિયાની ઓથે…..
સવારના કુણાં તડકાએ
જોવા માંગ્યા.
મેં પણ આપી દીધા. …
તડકાએ ઉડાવી દીધા
એ ટુકડા
મુઠ્ઠી ભરી ભરીને. ..
અદ્ધર ઝીલી એ ટુકડા,
નભનો કાગળ બનાવી હવાએ
લખી નાખી લયબદ્ધ કવિતા ….
એકાએક હવામાન બદલાઈ ગયું.
ઉંહકારા સાંભળી
વાદળ, વીજળી, હવા, પાણી
એકજૂથ થઈ ગયા….
હવાએ નક્કી કર્યા
ઊંહકારાના આરોહ અવરોહ…..
વંટોળ ગાવા લાગ્યું
ગમગીન ગીત…
અર્થ સમજાવવા માટે
ફાટી પડ્યુ આભ. …..
ત્રાટક્યું ડામાડોળ અસ્તિત્વ
ગુસ્સાની વીજળી બની ….
બંધ તોડી રેલાયું
ચોતરફ
શબ્દોનું ધસમસતું પૂર. …
આંખથી ટપકેલી
મૂંગી સંવેદનાથી
આખરે થયું
એક પ્રલયકારી ઈતિહાસનું
અવતરણ …
~ હેમશીલા માહેશ્વરી ‘શીલ’
Leave a Reply