અંતે એવું થાશે. .
સમય, તું આમ અગર વળ ખાશે.
રોજ નવી રંગોળી દ્વારે વાટ નીરખતી થાશે…
સમય, તું આમ અગર વળ ખાશે…
વાટ સમજની ઝીણી છે પણ કેવું તેજ વધારે,
ત્રીજી આંખે જોઉં મને હું અંધારાની ધારે,
તારા પગલે ધીરજ મારી સાવ સહજ લંબાશે. .
સમય, તું આમ અગર વળ ખાશે…
થાય વધારે શું તારાથી ? આપ જરા અણસારા,
હાથ હલેસાં હું યે કરી લઉં દૂર ભલે હો કિનારા,
તારી આંચે પાકટ થઈ ને તારા વાર ખમાશે. . .
સમય, તું આમ અગર વળ ખાશે…
દાવ હવે બસ મારો છે તો ચાલ તને તરસાવું,
આષાઢી અસબાબ વધારી હું યે તને હંફાવું,
મારું હોવું તારી સાથે દૂર સુધી સચવાશે. .
સમય, તું આમ અગર વળ ખાશે…
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply