એવો વરસાદ અમે પીધો !
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો,
મનગમતો મનમાં કોઈ આવ્યો વિચાર એને ખેતરની જેમ ખેડી લીધો.
ભીંજાતા બચવા કોઈ ભીંતે લપાય
અને કોક કોક છત્રીઓ ગોતે;
આપણે તો પહોળા બે હાથ કરી
આભ સામું ઝાડ જેમ ઊભા ‘ર્યા પોતે!
બાથે ભરાય નહીં એવા આ વાયરાને શ્વાસોથી બથોડી લીધો!
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો!
વાછટ છે, ઝરમર છે, છાંટા છે,
ક્યાંક વળી નેવેથી દડદડતો રેલો,
કોકે ત્યાં આભ મહીં પાણીથી લસલસતો
વાદળનો ખોલ્યો છે થેલો;
સૂરજની હાજરીમાં ધોધમાર વરસીને તડકાને નવડાવી દીધો!
પાંપણ ધરાય નહીં ત્યાં સુધી દોમ દોમ એવો વરસાદ અમે પીધો!
~ અનિલ ચાવડા
Leave a Reply