દિવસ
તાજા જન્મેલા બાળકના રુદનનો સ્વર પ્રસરે તેમ
નવજાત સૂર્યકિરણો ચોમેર પ્રસરી વળ્યાં
ઝાડ, ડાળ, પાન પર થઈને
રસ્તામાં, શેરીમાં, ફળિયામાં
ગલીકૂંચીમાં થઈને
દોડતો દોડતો તડકો યુવાન થઈ ગયો
ને
બપોરને પરણી ગયો
યુવાની ધખતી રહી
સાંજ પડી એટલે
ઘરડું અજવાળું
ઝાંખી ઝાંખી આંખે સૃષ્ટિને જોઈ રહ્યું
અંધારું યમરાજની જેમ આવી
દિવસના ખોળિયામાંથી જીવ લઈ ગયું…
– અનિલ ચાવડા
Leave a Reply