આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે
આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠનું શહેર છે
‘જબ કૂત્તે પે સસ્સા આયા’ની જૂની ઘટનાનું
અડધું-પડધું હકીકતોનું ને અડધું સપનાનું
કરી શકો તો જલસાનું નહીંતર મડદાનું
બૂમ પાડો તો બ્હેરું ને મૂગા રહો તો પડઘાનું
અડધું-પડધું શંકાનું ને અડધું શ્રદ્ધાનું
આમ કોઈનું નહીં, ને આમ બધાનું
‘સી.જી. રોડ’, ‘એસ.જી. રોડ’
નમ્રતા એટલી કે રોડને પણ ‘જી… જી…’ કહીને બોલાવે
પણ ક્યારેય આજીજી ન કરે
આશ્રમ જેવા આશ્રમને એ રોડ બનાવી દોડે
ગાંધી, સુભાષ, સરદાર અને નહેરુને તો બ્રીજ બનાવી
એમની પર માલની હેરાફેરી કરે
ફ્લાય ઓવરમાં ફ્લાય કરે
હોટલને પણ પતંગ બનાવી ઉડાડે
તમને સિગારેટ જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ન આવવા દે
‘બકા… બકા…’ કહીને બચકું ભરી લે ને ખબર પણ ન પડે
મીઠાની જરીક મુઠ્ઠી ભરવા માટે
છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે
ટૂંકમાં,
માત્ર કૂપન માટે જ છાપું ન મંગાવતા આ શહેરને
પોળમાં રહેવું ગમે છે
ડ્હોળમાં નહીં!
– અનિલ ચાવડા
Leave a Reply