ડૂબી શકો તો દરિયો છું હું, તરી જાવ તો તળાવ જેવો,
વહી શકો તો નદી સમો છું, રહી જાવ તો પડાવ જેવો.
અડકો તો હું ફૂલ સમો છું, પ્રસરી જઉં તો મહેક સમો છું,
પ્રભાત થઈને મને મળો તો છું ઝાકળના સ્વભાવ જેવો.
એક્કેક શ્વાસ માપીને લઉં છું છંદોબદ્ધ જીવું છું હું,
રડી પડું તો મંદાક્રાંતા, ઊછળકૂદમાં કટાવ જેવો.
જેવી રીતે મળશો એવી રીત મુજબનો માણસ છું હું,
થાવ હલેસા નાવ સમો છું, ભીતર ઊતરો તો વાવ જેવો.
બંને બાજુ છું હું તો પણ એક્કે બાજુ ક્યાંય નથી હું,
આમ જુઓ તો ઘટનાવિહિન આમ જુઓ તો બનાવ જેવો.
– અનિલ ચાવડા
Leave a Reply