ચાલો રમીએ મીરાં મીરાં
મસ્ત બનીને આજ ફકીરા, ચાલો રમીએ મીરાં મીરાં,
અંગ અધીરાં શ્વાસ અધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
ગોકુળથી લઇ મથુરા, મથુરાથી મેવાડ લગી જે વ્હેતા,
એ સૂર બધાયે લીરે લીરા, ચાલો રમીએ મીરાં મીરાં.
ગીત-ગીતમાં પ્રિત-પ્રિતમાં રીત-રીતમાં અજબ-ગજબની,
છાની છલકે એક મદિરા, ચાલો રમીએ મીરાં મીરાં.
મોરપીંછની કલગી સાથે રંગ-રંગનાં સમણાં મારાં,
સઘળાં બોલ્યાં ધીરાં ધીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
રોમ રોમમાં આજ અચાનક લાગ્યું એવું તીણું તીણું,
રણકયાં છાતી વચ મંજીરાં, ચાલો રમીએ મીરાં મીરાં.
– અનિલ ચાવડા
Leave a Reply