અધૂરી વાત અટકાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી,
અચાનક વેશ બદલાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
હજી હમણાં સુધી જેને તણખલું બોલતા પણ ઠીક આવડતું ન’તું;
એ માણસ શ્હેર સળગાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
સરળ હાથે અમે જયાં સ્હેજ અમથો ઠીક ગંજીપો કર્યો ને ત્યાં જ એ-
રમત આખી ય પલટાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
પછી તો ઘેનમાં હું એમ ડૂબેલો રહયો, હું એમ ડૂબેલો રહ્યો;
કે મોકો દ્વાર ખખડાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
‘ગયો એવો તરત આવું’ -કહ્યું એ વાતને વર્ષો થયાં, હું ત્યાં જ છું;
મને તું કૈંક સમજાવી અને ચાલ્યો ગયો ને કૈં ખબર પણ ના પડી.
– અનિલ ચાવડા
Leave a Reply