ખીણ જેમ ખોદાતું જાય રોજ મારામાં સૂક્કા એક ઝાડ જેમ ઝૂરવું,
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?
પડતર જમીન ઉપર એકલા ઊગીને કેમ નીકળે આ એકએક દાડો?
મારાં આ મૂળિયામાં દિવસે ને દિવસે તો થાતો જાય ઊંડો એક ખાડો;
બીજાની કરવી શું વાત સાલું વધતું જાય મારું મારી જ સામે ઘૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?
આસપાસ મુઠ્ઠીઓ વાળીને આમતેમ રોજરોજ દોડે વેરાન,
મને ફરકાવવામાં વાયુ પણ હાંફ્યો પણ હોય તો જ ફરકે ને પાન!
જીવનની ધાધર પર ઇચ્છાની આંગળીનું અટકે નહીં સ્હેજે વલૂરવું.
સમજાવો સમજાવો કોક મને સમજાવો મારે એ કેમ કરી પૂરવું?
– અનિલ ચાવડા
Leave a Reply