એક સુંવાળું ફૂલ, ફૂલ પે ઝાકળબિંદુ, ઝાકળ અંદર મહેલ, મહેલમાં તું છે;
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
સુગંધ પોતે દે સરનામું, પણ સરનામે પ્હોચું ત્યાં તો
સ્વપ્નપરીની પાંખોને ફફડાટ,
પનીહારી થઈ આવ હવે તું મને ભરી લે હું જ નીર છું
હું જ સ્વયં છું એક નદીનો ઘાટ.
નામ જરા જ્યાં લઉં તારું ત્યાં એવું લાગે જીવનભરની શીતળ થઈ ગઈ લૂ છે.
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
વાદળ થાઉં થાઉં કરતો હોઉં હજી હું ત્યાં તો
મારી આજુબાજુ કોઈ થતું આકાશ,
જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ એમ
તું રુંવેરુંવામાં પહેરાવી દે ‘હાશ..!’
એમ વણાતું જાય કોઈ મારામાં જાણે વસ્ત્રો અંદર ભળી ગયેલું રૂ છે.
તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે?
– અનિલ ચાવડા
Leave a Reply