વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ?
હું રોડ વચાળે ઊભેલા ડિવાઇડર પરનો છોડ.
મનેય થાતું, પંખી આવે,
ખૂબ ટહુકે, માળો બાંધે,
જરા ગોઠવી તણખલાઓ
મારી અંદર કશુંક સાંધે;
(પણ) પહેરેદાર બની ઉભો છે બંને બાજુ રોડ,
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ?
ચરણ ચાલવા, જીભ બોલવા,
ક્યાં છે કોઈ દિલાસો?
કંટાળું તોય માણસ માફક
ખાઈ શકું ના ફાંસો;
તૂટક તૂટક જીવતર એમાં લાખો છે તડજોડ;
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ?
– અનિલ ચાવડા
Leave a Reply