લાંબી બહેરની ગઝલઃ અહીં જ આવશે..!
અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે જ તો પછી અહીં જ આવશે;
સતત રટણ, નદીનો તટ, મધુર પવન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
મને ત્યજી જનારને કશું નહીં કહું, અહીં જ રાહ જોઈને ઊભો રહીશ;
સખત છે સાધના ને પ્રેમમાં ગહન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
અહીં તહીં તું દરબદર ખુદાની શોધ કર નહીં, ખુદા ય ખુદ તને જ શોધતો;
સરળ હૃદય, દયાનો ભાવ, શ્વેત મન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
છે વૃક્ષનો જ કારભાર, વૃક્ષનું જ રાજપાટ, વૃક્ષનાં નગરજનો બધાં;
ને પંખીઓના માનમાં સભર ગગન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
ફરી સજાવ આંગણું, ફરી પુકાર કર એ આસપાસમાં કશે હશે જ પણ,
અતૂટ મન, સખત તલપ અને લગન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
– અનિલ ચાવડા
Leave a Reply