અંદરથી ઊગે છે એવું પ્રેમનું છે અજવાળું.
કોઇના હોવાથી સઘળું નોખી નજરે ભાળું..
એવું પ્રેમનું છે અજવાળું.
આમ જુઓ તો કારણવિણ આ પ્રેમ સહજ થઇ જાતો
તાપ સમયનો ખાળી લેવા સમજણથી સચવાતો.
હાથવગું હૈયું રાખીને એના રાગે ઢાળું..
એવું પ્રેમનું છે અજવાળું.
તોરણને તડકે મૂકીને નજરોને ટિંગાડી
ઘર-આંગણ તો ઠીક જુઓ મેં શેરી આખી વાળી
આજ નહીં તો કાલે ફળશે સપનું રોજ ઉગાડું..
એવું પ્રેમનું છે અજવાળું.
આશ ગુલાબી જાપીને મેં પીડ જુદાઈની વેઠી
વાત હ્રદયની કહેવી’તી તો મૌન ધરી ને બેઠી
ખુદને રોજ લખું કાગળને ખુદને હું સંભાળું..
એવું પ્રેમનું છે અજવાળું.
~ લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply