એમ થયું અજ્વાળું…
શાખ રહે તાજી એથી આ, મૂળને ઊંડા ગાળું.
પરપોટાની લીલાને મેં, નોખી નજરે જોઈ
મેઘ-ધનુષી રંગો વચ્ચે, હાથ-વગી ક્ષણ પ્રોઈ
ઓછું-અદકું કંઈ નથી આ, પળનો મહિમા ભાળું.
એમ થયું અજ્વાળું.
વૈશાખી સૂરજ જેવા અહિં, પ્રશ્નો રોજ ઊગે છે
ગુલમ્હોર સમી સમજણને, પર્ણો ધૈર્ય-તણાં ફૂટે છે
ચાતક સરખી પ્યાસ અષાઢી મેઘ થઈને ખાળું.
એમ થયું અજવાળું.
ગમતાં ગીતો ગાઈ અને એકાંત જરા શણગાર્યું
જાત મૂકી કાગળ ઉપર, મુઠ્ઠીનું મૂલ્ય વધાર્યું
ખીલવાની ક્ષણ જેમ વધાવી, ખરવું પણ ઉજાળું.
એમ થયું અજવાળું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply