આવ્યું વહેતું મઝાનું બાળપણ એક છોકરી ને એક છોકરો.
હાથમાં હાથ લઇ બેઉ ઝુલતા,ખુંદતા ગામ પાદર ને વગડો.
થોડા રીસામણા થોડા મનામણા મસ્તીમાં ચડી ખેચાતો ચોટલો.
એક ચહેરો ખીલતો જોવાને, બીજો જાણીને બુજીને હારતો.
આખો દિવસ તોફાને ચડી જતો સાંજે ભેગો ખવાતો રોટલો.
એક છોકરી ને એક છોકરો….
જૂવો થનગનતી આવી જુવાની એક છોકરી ને એક છોકરો.
નજરોએ લાજ શરમનાં તોરણ બાંધ્યા પ્રેમ આંખોની ભાષા બોલતો
છોકરી ખોબે દરિયો ઉલેચતી, સાથી સપના ભેગે ભેગા ચણતો.
નજરોમાં ગુપચુપ થાતી વાતો ,શૈશવ આવી નખરાં ચાળા કરતો.
ઉન્માદે ચડીને ટેરવા જોડાતા, ત્યારે મનનો ટહુકતો મોરલો
એક છોકરી ને એક છોકરો…..
મનની સઘળી વાતો મનમાં રાખી એક છોકરી ને એક છોકરો.
સમજણ આવી માથે ચડાવ્યો ,સહિયારા શાણપણનો ટોપલો.
જૂની ઘટ્ટ થયેલી લાગણીઓને સમય નશીબની કરવતે વહેરતો.
ઢોલ ઢબુક્યા ગીતો ગવાયા,રડતી આંખે મહીયરનો છૂટ્યો ઓટલો.
ભીતરે ફૂટી ટશરો ગીતો લખાયા,ચીતરાયો જગભરમાં આખો ચોપડો.
એક છોકરી ને એક છોકરો….
ના પ્રીત બંધાઈ,ના માયા વછૂટી, જીવનનો કેવો ગૂંચાયો કોયડો
હૈયાની દાબડીમાં બે મોતી રૂંધાયા,એક છોકરી ને એક છોકરો.
એક છોકરી ને એક છોકરો….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply