આઘું-પાછું કરવું જરીક મન, આઘું-પાછું કરવું. . .
ચાલ સમયની તાગી લઈ ને, વહેવું અથવા ઠરવું !
જરીક મન આઘું-પાછું કરવું
ઈચ્છાના પતંગિયાની ઊંચેરી ઉડાન
કેમ કરીને એની ઉપર, રાખું હું લગામ ?
અંતે એક ઉપાય કર્યો કે, ખોવાઈને જડવું. . . !
જરીક મન આઘું-પાછું કરવું
વાંસલડી તો વીંધાઈને, પીડ પરાઈ હરતી
હલકી ફૂલકી ફૂંકને પણ એ, હૈયા સરસી ધરતી
ભાવ તણી ભરતીમાં આમ જ, ડૂબી પાર ઉતરવું. . . !
જરીક મન આઘું-પાછું કરવું
ભીતરનો અસબાબ વધારી, સહેજ કમર કસવાની
લાગણીઓને ઢીલ દઈ ને, હાથવગી કરવાની
આગળ વધવા શીખવાનું છે, ક્યાં થી પાછા ફરવું. . . !
જરીક મન આઘું-પાછું કરવું
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply