આગવી એક સંપદાના નામ પર.
આપ-લે કરવી કૃપાના નામ પર.
સ્થિર બેઠો વારતાના નામ પર.
આ સમય કંઈ કેટલાંના નામ પર.
હાથ ને હૈયાથી છૂટ્યું છે ઘણું,
નામજોગાં થઈ જવાના નામ પર.
દાવ પર સઘળું મૂકી રમતા રહ્યા,
મોસમી સૌ મનસૂબાના નામ પર.
તું હકીકતને વખોડે, શક્ય છે,
એક અમથી ધારણાંના નામ પર.
કોઈનું કંઈ પણ ખપે નહિ એમ કહી,
દાદ માંગે છે દુઆના નામ પર !
નાડ ટોળાંની અગર પકડી શકો,
નામ થઈ જાશે કળાના નામ પર.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply