એક પથ્થરની ઘણી સેવા કરી,
એક નવોઢાએ પ્રભુ- પૂંજા કરી.
અડચણોના એમણે રસ્તા કરી,
એમ દિલના મ્હેલમાં જગ્યા કરી.
એક સુંદર આંખવાળી માછલી,
એક દરિયાને જીતી સત્તા કરી.
ત્યાં હજી અંધાર છે, એ વસ્તીમાં,
મંત્રીઓ આવ્યા’તાં જ્યાં દિવા કરી.
કાલ બારી, બારણાં થઈશું અમે,
આજ તો ઊભા છીએં છાયા કરી.
કાચબા જેવા ગયા આગળ વધી,
આપણે હારી ગયા ચર્ચા કરી.
શબ્દની કાતરથી તેં ચિર્યા હ્રદય,
ને, અમે જીવ્યા સંબંધ ભેગા કરી.
દુશ્મનો કરતાં વધારે દોસ્તો,
દૂર થઇ ગ્યાં, હાથ સૌ ઊંચા કરી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply