⚔ ગુજરાતનો ભવ્ય ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ રાષ્ટ્રકૂટવંશ — ઉત્પત્તિ અને પ્રારંભિક ઈતિહાસ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૭૫૩ – ઇસવીસન ૯૮૨)
———- ભાગ – ૧ ———-
➡ કોઈપણ નવો રાજવંશ સ્થપાય ત્યારે એના સંસ્થાપકે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. જો કે એ રાજવંશ માત્ર નસીબના જોરે જ સતા પર નથી આવી જતો. એણે તે સમયની અને તે પહેલાની સ્થિતિ -પરિસ્થિતિનો તાગ મેળવવો જ પડતો હોય છે. ક્યાં કશું ખોટું થયું હોય તો એને એ કેવી રીતે સુધારવું એ જ સંસ્થાપકના દિલોદિમાગમાં છવાયેલું રહેતું હોય છે. સલાહ સૂચનો પણ મેળવાતા હોય છે પણ આ બધામાંસંસ્થાપકની શક્તિને જરાય ઓછી આંકવી ન જોઈએ. ક્યારેક કયારેક આમાં પહેલાની હારનો બદલો લેવાની ભાવના અને પ્રજાકીય વિદ્રોહ પણ કામ કરી જતો હોય છે. પણ સરવાળે ફાયદો તો જે તે રાજ્યને જ થાય છે કે એને એક નવી વિચારધારા વાળો રાજવંશ મળે છે એ સારો છે કે ખરાબ એ તો આવનારો સમય જ બતાવવાનો છે. ભારતના ઘણાં રાજવંશો એવાં પણ છે કે જેનો બહુ જલ્દીથી અંત આવી ગયો હોય. એમાં એવું થતું હોય છે કે સંસ્થાપક રાજા અત્યંત શક્તિશાળી હોય પણ એનાં વંશજો અત્યંત નબળા હોય. આનું પરિણામ ભારતીય ઈતિહાસ અને ગુજરાતના ઇતિહાસે ઘણી વાર ભોગવ્યું છે. એટલે જ તો તમને બધી વંશાવળી ઓ વધારે અને ઘણી લાંબી લાગે છે. પણ ઈતિહાસ એટલે ઈતિહાસ એતો આ બધાંને અવગણીને આગળ વધતો જ રહેવાનો ક્ષણેક્ષણ સદાકાળ !
➡ ગુર્જર પ્રતિહાર વંશ તો પૂરો થઇ ગયો ઇસવીસન ૭૩૦થી ઇસવીસન ૧૦૩૬. એટલે કે ૩૦૬ વરસ. આ સમય દરમિયાન ભારતે અને ગુજરાતે ૩ સૈકા પસાર થતાં જોયાં છે. ઘણી ચડતી -પડતી અને ઘણી લીલી સુકીઓ જોઈ છે અને વિકાસ પણ જોયો જ છે. આ ગુર્જર પ્રતિહાર વંશ વખતે જ રાષ્ટ્રકૂટ વંશ અસ્તિત્વમાં તો હતો જ. કારણકે આ બે વંશ વચ્ચે લગભગ ૧૫૦ વરસ સુધી કન્નૌજ પરનાં અધિપત્યને લઈને મહા સંગ્રામ થયો હતો. ગુર્જર પ્રતિહાર વંશના સ્થાપક રાજા નાગભટ્ટે રાષ્ટ્રકૂટો પર વિજય મેળવ્યો હતો તો આ ગુર્જર પ્રતિહાર વંશનો અંત પણ રાષ્ટ્રકૂટવંશને હાથે થયો હતો ઇસવીસન ૧૦૩૬માં. ગુર્જર પ્રતિહાર વંશી અંતિમ શાસક યશપાલને હરાવીને રાષ્ટ્રકૂટના રાજા દંતિદુર્ગે ગુજરાતમાં રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કરી હતી.
➡ રાષ્ટ્રકૂટવંશ એ ભારતનો જ રાજવંશ હતો કે જેણે ગુજરાત પર રાજ્ય કર્યું હતું. સમગ્ર ગુજરાત પર નહીં પણ ગુજરાતના એક મર્યાદિત ભાગ ઉપર જ. ગુજરાતના માન્યખેટ એટલે કે લાટપ્રદેશ પર જે ખેડા નજીક આવેલો પ્રદેશ છે ત્યાં રાજ કર્યું હતું. ભારતમાં રાષ્ટ્ર્કૂટની ત્રણ શાખાઓ પ્રવર્તમાન હતી.
[૧] પૂર્વીય રાષ્ટ્રકૂટો
[૨] પશ્ચિમી રાષ્ટ્રકૂટો
[૩] વેંગીના રાષ્ટ્રકૂટો
આ ત્રણે વિભાગો વિષે આપણે જોઈશું. પણ સૌથી પહેલાં આ રાષ્ટ્રકૂટ શબ્દની ઉત્પત્તિ વિષે જાણી લઈએ
✔ રાષ્ટ્રકૂટની ઉત્પત્તિ :-
➡ રાષ્ટ્રકૂટોની ઉત્પત્તિ વિષે જુદા જુદા મત અભિપ્રેત છે. ગુફાઓમાંથી મળેલા પ્રાચીન શિલાલેખોમાં ભોજ, રાઠી, રાષ્ટ્રીક જેવાં નામો મળે છે. આવી રાઠ કે રઠ જાતિઓનો એક સમૂહ (કૂટ) તે”રઠકૂટ” કહે છે. રાઠોડ – રાઠોર શબ્દ આમાંથી જ ઉત્પન્ન થયો છે. આ રાજકુલ રટ્ટ જાતિનું હતું. રટ્ટનો મૂળ પુરુષ તરીકે ઓળખાયેલા તરીકેનો ઉલ્લેખ આ વંશના કેટલાંક લેખોમાં આવે છે. આ રટ્ટ -રટ જાતિના નાયકો સમય જતાં કૂટ (નાયક) નામ પામ્યા ને એ રટકૂટ- રટ્ટકૂટનું સંસ્કૃત રૂપ “રાષ્ટ્રકૂટ” થયું.
➡ રાષ્ટ્રકૂટોના લેખોમાંના ઉલ્લેખોમાં “રટ્ટ” અને “રાષ્ટ્રકૂટ “માં નો “રાષ્ટ્ર” એક અર્થ સુચવતાં લાગે છે પરંતુ એમાં “કૂટ” વિષે કંઈ સૂચન મળતું નથી.
➡ ચાલુક્ય તથા રાષ્ટ્રકૂટ રાજાઓના અભિલેખોમાં કેટલીકવાર જુદા જુદા અધિકારીઓના જે નામ આપવામાં આવે છે તેમાં “રાષ્ટ્રકૂટ”નામે અધિકારીઓનો સમાવેશ થાય છે. અહીં આ શબ્દનો અર્થ સ્પષ્ટત: “રાષ્ટ્રનો વડો” કે “રાષ્ટ્રનો નાયક” (અર્થાત રાજ્યપાલ} એવો થાય છે .
➡ આમાં અહીં “કૂટ”નો અર્થ સ્પષ્ટ થાય છે પરંતુ રાષ્ટ્રનો અર્થ રાજ્યનો મોટો વહીવટી વિભાગ એવો થાય છે. છતાં જે રાષ્ટ્રકૂટો આગળ જતાં રાજ સત્તા ધરાવતાં થયા તેઓ પોતાના મૂળપુરુષ તરીકે રટ્ટનો ઉલ્લેખ કરે છે. આથી “રાષ્ટ્રકૂટ”માંના વિભાગવાચક “રાષ્ટ્ર”ને પ્રાચીન જાતિવાચક “રટ્ટ” સાથે સીધો સંબંધ હોવો જોઈએ. તો શરૂઆતમાં રટ્ટ નાયકો, જે મોટા વહીવટી વિભાગોનો વહીવટ કરતાં હશે તે વિભાગ સમય જતાં તેઓના નામ પરથી રટ- રટ્ટ- રાષ્ટ્રનામે ઓળખતા થયાં હોય એવું સંભવે છે. આગળ જતાં એ શબ્દનો જાતિવાચક અર્થ વિસારે પડતો ગયો ને એનો આ વિભાગવાચક અર્થ જ પ્રચલિત રહ્યો એવું માલૂમ પડે છે.
➡ સમય જતાં જ્યારે ઘણાં રાજકુલ કોઈને કોઈ પ્રાચીન પ્રસિદ્ધ પુરુષમાંથી પોતાની ઉત્પત્તિ દર્શાવવા લાગ્યાં ત્યારે રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ પોતાની ઉત્પત્તિ પુરાણપ્રસિદ્ધ યાદવકુલ સાથે સાંકળી.
➡ નવમી સદીના આરંભમાં આ રાજાઓની પ્રશસ્તિ રચનાર કવિઓ એ વંશના રાજા ગોવિંદને નામસામ્ય પરથી યદુકુલના ગોવિંદ (કૃષ્ણ) સાથે સરખાવતાં. રાષ્ટ્રકૂટ રાજાઓનું રાજચિહ્ન ગરુડ હતું. તેઓ શ્રી વલ્લભ, પૃથ્વીવલ્લભ અને શ્રીપૃથ્વીવલ્લભ જેવાં બિરુદ ધરાવતા. એ પરથી તે રાજાઓ ભગવાન વિષ્ણુના ઉપાસક હોવાનું સ્પષ્ટ જણાય છે. આથી ભગવાન વિષ્ણુના અવતાર માનતા ગોવિંદની ઉપમાનું ઘણું સાર્થક્ય છે.
➡ નવમી સદીમાં આગળ જતા વળી એવી માન્યતા પ્રચલિત થઇ કે ચક્રવર્તિ રાષ્ટ્રકૂટો યાદવવંશમાંથી ઉત્પન્ન થયા છે. સંજાણનાં તામ્રપત્રો ઇસવીસન ૮૭૧માં તે વિશેનો ઉલ્લેખ મળે છે. તેમાં “વીરનારાયણ” (કૃષ્ણ)માંથી આ કુળની ઉત્પત્તિ થઇ હોવાનું જણાવ્યું છે. દસમી સદીમાં વળી એ માન્યતામાં એવી વિગત ઉમેરાઈ કે રાષ્ટ્રકૂટો યદુવંશની સાત્યકિ શાખામાં ઉત્પન્ન થયાં. સાથે સાથે તેઓનો મૂળપુરુષ રટ્ટ હોવાની હકીકત પણ તેમાં જોડવામાં આવીણે યદુકુલમાં તુંગ રાજાઓ ને તેમાં રટ્ટ નામે રાજા એવો સંબંધ સાંકળવામાં આવ્યો.
➡ સાત્યકિમાંથી કુલોત્પત્તિ તારવવાની કલ્પનામાં શ્રીકૃષ્ણના વંશજ હોવાની માન્યતાનો મેળ મળે નહીં એ મુદ્દો અહીં ધ્યાન બહાર રહી ગયો લાગે છે. કેમ કે સાત્યકિ ભીમ સાત્વતના પુત્ર અનમિત્રના વંશમાં થયા, જ્યારે શ્રીકૃષ્ણ તો ભીમ સાત્વતના પુત્ર દેવમિઢૂષના વંશજ હતા. આમ રાષ્ટ્રકૂટો યદુફૂલના હોવાની માન્યતા ચાલુ રહી, પરંતુ યાદુકુલની શાખા બદલાઈ ગઈ.
✔ પ્રારંભિક ઈતિહાસ :-
➡ આઠમી સદીની મધ્યમાં દખ્ખણમાં ચક્રવર્તિ ચાલુક્યોની સત્તાને સ્થાને ચક્રવર્તિ રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી. તે પહેલાં રાષ્ટ્રકૂટ કૂલનાં કેટલાક નાનાં નાનાં રાજ્ય સ્થપાયાં હતાં. આ રાજવંશો એક વંશની શાખા હોવાનું કેટલીકવાર માનવામાં આવેલું પરંતુ “રાષ્ટ્રકૂટ” અધિકારીઓમાંથી આ કૂલોની ઉત્પત્તિ થઇ હોય, તો એ ભાગ્યે જ સંભવિત ગણાય.
➡ રાષ્ટ્રકૂટોનું એક પ્રાચીન રાજકુલ માનપુરમાં સત્તા ધરાવતું. આ રાજકુલનો સ્થાપક માનાંક હતો. એ મૂળ કોઈ બીજા રાજ્યનો રાષ્ટ્રકૂટ (સુબો) હશે. તેણે વિદર્ભ અને અશ્મ્ક પ્રદેશ જીતી લીધા હતાં. એ પ્રદેશમાં ત્યારે વાકાટકોનું રાજ્ય પ્રવર્તતું હતું. માનાંકે કુંતલો અર્થાત કદંબોને પણ વશ કર્યા.
➡ તેનાં પછી તેનો પુત્ર દેવરાજ ગાદીએ આવ્યો. તેના પુત્ર અવિધેયનું દાનશાસન કોલ્હાપુર પાસેથી મળ્યું છે. બીજા પુત્ર અભિમન્યુનું પણ એક દાનશાસન મળ્યું છે. રાજધાની માન્પુરમાંથી અભિમન્યુએ ઊંડિકવાટિકા ગામનું દાન કરેલું અને આ દાન જયસિંહની હાજરીમાં કરવામાં આવેલું. આ દાનપત્ર છઠ્ઠી સદીનું જણાવાયેલું હોઈ આ જયસિંહ તે વાતાપિના ચાલુક્ય કુળનો જયસિંહ વલ્લભ હોય એવું માનવાનું મન થાય પરંતુ તે છતાં માન્પુરના રાષ્ટ્રકૂટો સાથે તેણે સંબંધ હોવાની કંઈ નિશ્ચિતતાથી નક્કી થઇ શકતું નથી. ખાસ કરીને પ્રાચીન ચાલુક્યોના શાસનો પર કદંબ શૈલીની મોટી અસર રહેલી છે. એ લક્ષમાં લેતાં માન્પુરના રાજ્યકર્તાઓને પ્રાચીન ચાલુક્યોએ કે કોંકણના મૌર્યોએ આખરી વશ કાર્ય તે પણ જ્ઞાત નથી.
➡ પરંતુ કેટલાક પુરાવા મુજબ પછીના ચાલુક્ય વંશના જયસિંહ વલ્લભે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પુત્ર ઇન્દ્રને હરાવીણે દક્ષિણની રાજસત્તા લઇ લીધી. આથી જયસિંહ વલ્લભ તે પ્રાચીન બાદામીના ચાલુક્યોનો નાનો ઠાકોર હોય તેવું લાગે છે.
➡ આ પરથી એટલું તારવી શકાય કે માનપુરના રાષ્ટ્રકૂટોને મૌર્યોએ કે નલોએ વશ કાર્ય હશે અને પછી એ લોકો પર પ્રાચીન ચાલુક્યોનું આધિપત્ય પ્રવર્ત્યું હશે.
➡ આ રાજવંશના પાટનગર માનપુરના સ્થળનિર્ણયની બાબતમાં વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે.ડૉ. ભગવાનલાલે માનપુર એ માન્યખેટ (માલખંડ) ધારેલું. પણ એ હવે સંભવિત જણાતું નથી. મનપુર એ નામ સ્પષ્ટત: આ રાજ્કુલના તેમ જ પાટનગરના સ્થાપક માનાંકના નામ પરથી પડેલું છે. તો કેટલાંકે માનપુરને મધ્યપ્રદેશના રેવા જીલ્લામાં આવેલું માનપુર હોવાનું ધારેલું. અવિધેયના દાનપત્રના પ્રાપ્તિસ્થાન પરથી એ નગર મારવાડના દક્ષિણ ભાગમાં આવેલું હોવાનું સ્પષ્ટ થાય છે. આથી આ મનપુર એ સતારા જીલ્લામાં આવેલું માન હોવાનો મત વધારે સ્વીકાર્ય લાગે છે.
➡ લગભગ ઇસવીસન ૭૪૩માં રાષ્ટ્રકૂટ શિવરાજના પુત્ર ગોવિંદરાજ સતારા-રત્નાગિરિ પ્રદેશમાં ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાના તબ નીચે રાજ્ય કરતો હતો. તે પંચમી – છઠ્ઠી સદીમાં એ પ્રદેશમાં રાજ્ય કરતાં માનપૂર્ણ રાષ્ટ્રકૂટોના કુળનો નબીરો હોવા સંભવે છે .
➡ રાષ્ટ્રકૂટોનું બીજું રાજકુલ અચલપૂરમાં સત્તા ધરાવતું હોવાનું જાણવા મળે છે. તે મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જીલ્લાનું એલિયપુર હોવાનું જાણવા મળે છે.
➡ આ રાજ્કુલના નન્નરાજના બે દાનપત્રો મળે છે. તેમાં તેના ત્રણ પૂર્વજો જણાવવામાં આવ્યાં છે.પહેલા દુર્ગરાજ જે પુલકેશી બીજાનો ખંડિયો હતો લગભગ ઇસવીસન ૬૫૦. પછી ગોવિંદ રાજ અને ગોવિંદરાજ પછી સ્વામિકરાજ . આ સ્વામિકરાજનો પુત્ર નન્નરાજ જેનું બીજું નામ યુધ્ધાસુર હતું. તેના દાનપત્રોનાં સમય પરથી તેનો રાજ્યકાલ ઇસવીસન ૬૯૦-૭૩૫ આંકવામાં આવ્યો છે.
➡ દંતિદુર્ગના પૂર્વજો મૂળ ઓસ્માનાબાદ જિલ્લા (મહારાષ્ટ્ર રાજ્ય)ના લદેલૂરના વાતની હતાં. પણ ઇસવીસન ૬૨૫ના અરસામાં તેઓ વિદર્ભમાં આવેલ અચલપુર (એલિચપુર)માં જઈ વસ્યા. તેઓની નાની ઠકરાત હતી. તેનો સંસ્થાપક દંતિવર્મા પહેલો હતો. આ કુળના રાજાઓ ચાલુક્ય સામ્રાજ્યના સામંતો હતા. દંતતિવર્માના વંશમાં ગોવિંદ કર્ક અને ઇન્દ્ર નામે રાજાઓ થયા. ઇન્દ્ર ચાલુક્ય કુળની કુંવરી સાથે પરણ્યો. ત્યાર પછી આ રાષ્ટ્રકૂટનો અભ્યુદય થયો. ઇન્દ્રનો પુત્ર દંતિદુર્ગ (દંતિવર્મા -) લગભગ ઇસવીસન ૭૩૩મ ગાદીએ આવ્યો. તેણે અચ્લ્પુરના રાષ્ટ્રકકૂટો પર સત્તા જમાવી. એને લગભગ ઇસવીસન ૭૫૦માં દખ્ખણમાં સર્વોપરી સત્તા સ્થાપી જણાય છે.
➡ તે વખતે બાદમીના ચક્રવર્તિઓની ગાદી ઉપર ચાલુક્ય વિક્રમાદિત્ય બીજો હતો. દંતિદુર્ગે ચાલુક્ય વિક્રમાદિત્યણે હરાવ્યો અને પોતાના રાજ્યની સ્વતંત્રતા સ્થાપિત કરી. (લગભગ ઇસવીસન ૭૫૦ ).
➡ દંતિદુર્ગ રાજાના પિતા ઇન્દ્રરાજે યુધ્ધમાં ચાલુક્ય રાજપુત્રી ભગનાગાનું હરણ કરીને ખ્ર્ત્કમાં તેની સાથે ગાંધર્વ વિવાહ કર્યો. કોઈકે આ વિવાહણે રાક્ષસ વિવાહ એવું પણ નામ આપેલું છે. આ ખેટકને મધ્ય ગુજરાતનું ખેટક (ખેડા) માનીને આ બનાવને સામાન્યત: રાષ્ટ્રકૂટોના ગુજરાત પરના પ્રથમ વિજયી તરીકે લેખવામાં આવ્યું છે . આ ગુજરાત વિજયણે પ્રતાપે જ ગુજરાત એ રાષ્ટ્રકૂટોની સાત્તાનાઓ હિસ્સો બન્યું હતું. આ બનાવ ઇસવીસન ૭૨૨ના અરસમાં બન્યો ગણાય છે. એ સમયે મહીની ઉત્તરે આવેલા ખેટક ક્ષેત્ર પર મૈત્રકોની સતા પ્રવર્તતી હતી ત્યારે ભરૂચમાં ગુર્જરોની અને નવસારીમાં ચાલુક્યોમી લાટ શાખાની સત્તા પ્રવર્તતી હતી . ડૉ એચ. જી. શાસ્ત્રીના મત મુજબ ઇન્દ્રરાજના સંબંધમાં આવતું ખેટક એ મધ્ય ગુજરાતનું ખેટક હોવાનું ભાગ્યે જ સંભવે છે.
➡ આમાં કોઈ ઈતિહાસ સ્પષ્ટ થતો નથી જ. ગુજરાતનો ઈતિહાસ કા તો પુરાવાના અભાવે કે કાં તો વધારે પડતું મહત્વ દાનપત્રો આપવાને લીધે એ જોઈએ તેટલો પ્રજા સમક્ષ આવી શક્યો નથી. કશું નાં મળતું હોય એટલે મૂળ અને કૂળની વાતો ચાલુ કરી દે છે. ગુજરાતના સુખ્યાત ચાવડાવંશ -સોલંકી યુગ કે વાઘેલા યુગ જેટલું મહત્વ આ બધાંને આપવામાં આવ્યું નથી- મળતું પણ નથી જ જે છે એને ચઢાવી- વધારીને કહેવામાં આવ્યું છે. એનું એક કારણ એ પણ છે કે આ બધાં વંશો મૂળ ગુજરાતના નહોતાં એઓ ગુજરાતનાં બાહ્યપ્રદેશનાં હતાં, એટલે એમણે ગુજરાતની બહાર કેવું રાજશાસન કર્યું હતું તે પણ જાણી લેવું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આવંશ કેવો હતો તે અને તેણે ક્યારથી અને કેવી રીતે ગુજરાત પર રાજ્ય કર્યું હતું તે . ગુજરાતનો ઈતિહાસ આમેય વિવાદોમાં જ સંકળાયેલો રહ્યો છે સતત. એમાં ગુજરાતી ઈતિહાસકારો – સાહિત્યકારોનું ખોટું અર્થઘટન પણ એટલું જ જવાબદાર છે . આમાંથી સાચો ઈતિહાસ બહાર કાઢવો એ ખરેખર દુષ્કર કાર્ય છે . જેને બહર તો લાવવો જ પડશેને યેનકેન પ્રકારેણ !
➡ એટલે ભારતીય ઈતિહાસકારો આ વિષે શું કહે છે એપણ જાણવું એટલું જ જરૂરી છે. કારણકે આ ભારતનો એક બહુ યશસ્વી રાજવંશ છે અને તેના પરાક્રમોની ગાથા હજુ પણ ઇતિહાસમાં અમર છે.
રાષ્ટ્રકૂટ પર માત્ર ગુજરાતીઓનો અધિકાર નથી એના પર સમગ્ર ભારતીયોનો આધિકાર છે . ભારતીયોએ પણ એમની ઉત્પત્તિ વિષે કૈંક વિગતે વાત કરી છે. આ રાષ્ટ્રકૂટ વંશની વિગતે ગુજરાતને અનુલક્ષીને છણાવટ કરવામાં આવશે જ તે પણ ભારીતી સમૃદ્ધ ઇતિહાસની સાથે સાથે જ. આ વંશની કુલ ત્રણ શાખાઓ હતી. એમની મૂળ શાખા સત્તા પર આવી અ પહેલાં પણ તેમને રાજ કર્યું હતું ભારત પર અને ગુજરાત પર પણ . એ બધી વંશવળીઓ બીજાં ભાગમાં આવશે . થોડુક વિગતવાર અને પધ્ધતિસરનો ઈતિહાસ બને તે માટે આ ભાગ અહીં જ સમાપ્ત કરું છું. વિગતવાર ઈતિહાસ અને લોકોને રસ પડે ઈતિહાસ તો બીજાં ભાગથી જ શરુ થશે !
ગુજરાતનો ઈતિહાસ
(ક્રમશ :}
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply