Sun-Temple-Baanner

રાજા સારંગદેવ વાઘેલા


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રાજા સારંગદેવ વાઘેલા


⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔

ஜ۩۞۩ஜ રાજા સારંગદેવ ஜ۩۞۩ஜ

(ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬)


➡ ઇતિહાસમાં ક્યારેય ઢાંકપીછોડો થતો નથી કે ક્યારેય તે અલિપ્ત રહી શકતો નથી. ઈતિહાસને ઇતિહાસની નજરે જોવાનો સમય પાકી ગયો છે હવે. જો કે અત્યાર સુધી ઇતિહાસમાં જે અનેક વિસંગતતા પ્રવર્તિત હતી તે હવે એક સાચો રાહ પકડવાની હતી. ઇતિહાસમાં નિરૂપણ નું બહુ જ વધારે મહત્વ છે એટલે એ કેવી રીતે થયું છે તેનું જ મહત્વ વધારે છે. ઇતિહાસમાં ઘણું આપણને ના ગમે એવું તો બનવાનું પણ એજ ઈતિહાસ છે એમ પણ આપણાથી ના જ માની લેવાય ને ! ઈતિહાસ એ ઈતિહાસ છે એ ઈતિહાસ કથા કે અનુશ્રુતિઓ નથી તેની હવે જ આપણને ખબર પડવાની હતી. ઇતિહાસમાં ઘટનાઓનું જ વધારે મહત્વ છે જે હવે જ બનવાની હતી જો કે આ તો હજી શરૂઆત છે જેની ચરમસીમા તો ૨૨ વરસ પછી આવવાની હતી. જે ઘટના બની છે તે કેમ ઘટી એનું વિગતે આલોચન-અવલોકન અવશ્યપણે થવું જોઈએ. જો આવું નહીં કરવામાં આવે તો ઈતિહાસ અળગો થઇ જશે આપણાથી એ તો નક્કી જ છે.

➡ વાઘેલાયુગમાં સાહિત્યકારો ધીરે ધીરે ઈતિહાસથી દૂર જઈ રહ્યાં હતાં એટલે જ તો તો મુસ્લિમ સાહિત્યકારોનું ચડી વાગ્યું વાગ્યું છે. જેની વિગતે વાત આ પછીના રાજામાં કરવામાં આવશે. મુસ્લિમ સાહીત્યકારોની વાત નીકળી જ છે તો જેમણે કર્ણદેવ વાઘેલા પર લખ્યું છે તેમણે એ પહેલાનાં રાજા એટલે કે અત્યારે જે રાજા વિષે લખવાનો છું તે રાજા સારંગદેવ વિષે પણ એમણે લખ્યું છે જેમાં ઘણું બધું ખોટું તો છે જ. હવે એક વાત પર ધ્યાન દોરવાં માંગું છું કે જે મુસ્લિમ સાહિત્યકારોએ આ વિષે લખ્યું છે તેઓ માત્ર કર્ણદેવ વાઘેલા વખતે જ સ્વયંભુ ફૂટી નહોતાં નીકળ્યા. તેમનો જન્મ તો ક્યારનોય થઇ જ છુક્યો હતોં. તેઓ સમગ્ર ભારત અને ગુજરાતની પરિસ્થિતિથી વાકેફ જ હતાં અને તેઓ આ રાજા સારંગદેવની કારકિર્દી અને ગતિવિધિથી સંપૂર્ણપણે વાકેફ જ હતાં. એટલે તેઓએ આ રાજા વિષે પણ લખ્યું છે. આમ જોવાં જઈએ તો તે અસ્વીકાર્ય જ છે પણ તેમને આ પહેલાં લખ્યું અને પછી કર્ણદેવ વિષે પછી લખ્યું એવો તર્ક આમાં ચાલી શકે એમ નથી કારણકે એવું બની શકે છે તેમને કર્ણદેવ વિષે લખીને ખિલજીના વખાણ કરવાં હોય એટલે એની પૂર્વભૂમિકા રૂપે તેમણે આ રાજા પર હાથ અજમાવ્યો હોય. આવું તેઓ કરી શક્યાં કારણકે તે સમયે સમકાલીન સાહિત્યકારોએ ચુપકીદી સાધી હતી. પણ તેઓ સંપૂર્ણપણે મુકબધીર બની ગયાં કર્ણદેવ વાઘેલા વખતે. આ જ ચુપકીદી એ નાસૂર બની જવાની હતી એની આપણને ક્યાં ખબર હતી ? ખબર પહેલેથી પડે તો તો તે ઈતિહાસ કહેવાય જ નહીં ને ! ઈતિહાસ હંમેશા અનિશ્ચિતતા પર જ આધારિત હોય છે. જેને નિશ્ચિતતામાં ખપાવવા શૌર્ય કથાઓવાળા અને આ ડાકલા વગાડનાર લોકકથાકારો નાહકના વલખાં જ મારે છે. ખરેખર શું બન્યું હશે કે ખરેખર શું બન્યું હતું તેની તેમને સમજણ પણ નથી અને ખબર પણ નથી હોતી ! આમાંને આમાં ઇતિહાસના એક રાજવીવંશનો મૃત્યુઘંટ વાગી ગયો અને સાથે સાથે ગુજરાતમાંથી રાજપૂત યુગનો પણ !

➡ સમકાલીન સાહિત્યકારો પાસે વાઘેલાયુગના રાજા અર્જુનદેવ કે રામદેવ વિષે કોઈ ચોક્કસ માહિતી જ નથી. જે રાજા વીસલદેવ વખતે તેવી જ સ્તો ! એટલે જ તેઓ ઉલ્લેખો અને અનુમાનો પર જીવે છે. શું સાચું છે એ તેઓ દર્શાવવા માટે અશક્તિમાન જ છે. રાજા સારંગદેવ વિષે એમણે બને એટલી માહિતી આપવાનો પ્રયત્ન જરૂર કર્યો છે પણ એમાં જે ખૂટે છે એ છે સચ્ચાઈનો રણકો ! બને એટલો પ્રયત્ન કરીએ આની સચ્ચાઈ બહાર લાવવાનો પણ એ અઘરું તો છે જ ! જે માહિતી પ્રાપ્ત થાય છે એતો મુસ્લિમ સાહિત્યકારો જેવાં કે અમીર ખુશરો પાસેથી થાય છે. ખુશરોને ધોવાનું કાર્ય હું કર્ણદેવ વાઘેલામાં કરીશ એટલે એને અત્યારે તો પુરેપુરો નહિ ધોઉં પણ આ એજ ખુશરો છે જેને આમાં પણ ઘણી ખોટી વિગતો આપી છે એ વિષે અંગુલીનિર્દેશ જરૂર કરીશ.

➡ રાજા સારંગદેવની વાત શરુ કરતાં પહેલાં એમનો સમયકાળ જોઈ લેવો અત્યંત આવશ્યક છે. એમનો સમયગાળો છે ઇસવીસન ૧૨૭૫ થી ૧૨૯૬. હવે કોઈક એમ કહે છે કે રાજા સારંગદેવ એ રામદેવ પછી ઇસવીસન ૧૨૭૫માં જ રાજગાદીએ બિરાજમાન થયાં હતાં . પણ વાઘેલાયુગના સાહીત્યકારોની ખાસિયત જોતાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવવું અઘરું છે . પણ આપણે એમ માનીને ચાલીએ કે તેઓ ઇસવીસન ૧૨૭૫-૧૨૭૬માં રાજગાદીએ આવ્યાં હશે. આની વિગતે ચર્ચા આપણે આગળ જતાં કરવાનાં જ છીએ પણ આ એક એવો સમયગાળો છે જે રાજપૂત યુગની સાથોસાથ દિલ્હી સલ્તનતના સ્થાપક ગુલામ વંશનો પણ અંતિમ સમય હતો. આજ ગાળો એવો છે જેમાં ભારતમાં બે વંશો સમાપ્ત થઇ ગયાં. જો કે ગુજરાતમાંથી વાઘેલાવંશની સમાપ્તિ તો ઇસવીસન ૧૨૯૮- ૧૨૯૯માં થઇ હતી પણ તેની નીમ એ આજ સમયમાં ખિલજીવંશે નાખી હતી એટલે એમ કહી શકાય તેમ જ છે.

વાઘેલાવંશ તો ઇસવીસન ૧૨૯૮ પછી ૧૩૦૪માં સમાપ્ત થયો હતો એ વિષે પણ ઘણાં મતમતાંતર છે અને વિવાદો પણ જે આગળ જતાં આપણે જોવાનાં જ છીએ. પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે આ બંને વંશો એ આ સમયગાળા દરમિયાન અંતિમ શ્વાસ લઇ રહ્યાં હતાં જેમાં ગુલામ વંશનો અંત પહેલાં આવ્યો હતો. અલ્યા ભાઈ ગુલામ વંશનો અંત આવે તો જ વાઘેલાવંશનો અંત આવેને આ તો સાવ દીવા જેવી સ્પષ્ટ બાબત છે.

➡ રાજા સારંગદેવના સમયમાં ક્યા ક્યા ગુલામ વંશના શાસકો હતાં તેના પર એક નજર નાંખી લઈએ….
આ સમયે ગીયાસ-ઉદ -દીન -બલબન રાજ કરતો હતો દિલ્હીમાં. તે આમ તો અર્જુનદેવ અને રામદેવના સમયમાં પણ હતો. પણ તેનો શાસનકાળ એ ઈસવીસન ૧૨૬૬થી ઇસવીસન ૧૨૮૭ સુધીનો હોઈ તે પણ રાજા સારંગદેવના શાસનકાળ દરમિયાન ૧૨ વરસ ગાદીપતિ રહ્યો હતો. ખ્યાલ રહે કે આ જ સમય દરમિયાન એણે રાજસ્થાન અને હરિયાણાના અમુક પ્રદેશો પર હુમલા કર્યા હતાં. અવધ અને અલવર તથા ભરતપુર પણ તેણે આક્રમણો કર્યા હતાં.

➡ બલબને ઇસવીસન ૧૨૬૫ થી તેનાં મૃત્યુ સુધી ઇસવીસન ૧૨૮૭થી સુલતાન તરીકે શાસન કર્યું. બલબનનો વારસો તેનાં મોટા પુત્ર પ્રિન્સ મુહમ્મદ ખાનને મળ્યો હતો એજ સાચો દિલ્હીની ગાદીનો વારસદાર હતો. પરંતુ તે ૯ માર્ચ ૧૨૮૫ ના રોજ મંગોલ સામેની લડાઇમાં મરી ગયો. તેનો બીજો પુત્ર બુગરા ખાન, એમ માનવામાં ખચકાતો ન હતો સિંહાસન એ તેની પોતાની જ માલિકીનું છે પણ તે છોડવા તૈયાર પણ હતો અને તેના બદલે બંગાળનો શાસક રહેવાની માંગ કરી. તેથી બલબને તેના પૌત્ર કૈકખસરાઉ રાજકુમાર મહંમદના પુત્ર તરીકે વારસદાર તરીકે પસંદ કર્યા. જો કે, તેના મૃત્યુ પછી તેના ઉમરાવોએ મુઈઝ-ઉદ-દીન કૈકાબાદને સુલતાન તરીકે નામાંકિત કર્યા. આમ બલબન પછી આ કૈકાબાદ દિલ્હીની રાજગાદી પર બેઠો ઇસવીસન ૧૨૮૭માં. આ કૈકાબાદ એ ખુબ નબળો શાસક હતો એનું હ્રદયરોગથી અવસાન થયું ઇસવીસન ૧૨૯૦માં અને એનો ૩ વરસનો પુત્ર શમશુદ્દીન કયુમારને દિલ્હીની ગાદીએ બેસાડયો જેને ઉથલાવીને એટલે કે ગુલામવંશના ઉમરાવોને બલબનનો સેનાપતિ જલાલ -ઉદ-દીન-ફીરુઝ ખિલજી એ દિલ્હી સલ્તનતનો સુલતાન બન્યો અને ગુલામવંશનો અંત આણી ખિલજી વંશની સ્થાપના કરી ઇસવીસન ૧૨૯૦માં. હવે જ ભારતને માટે અને ગુજરાતને માટે ખતરો મંડરાવાનો હતો અને એમાં ગુજરાત પણ તહસનહસ થઇ જવાનું હતું.

હવે ગુલામ વંશના શાસકો વિષે વિષે તો આપણે જોયું
તો હવે ખિલજી વંશના શાસકો વિષે પણ જોઈ લઈએ……

✔ ખિલજી વંશ –

✅ જલાલુદ્દીન ખિલજી – (ઇસવીસન ૧૨૯૦ – ઇસવીસન ૧૨૯૬)
✅ અલાઉદ્દીન ખિલજી – (ઇસવીસન ૧૨૯૬ – ઇસવીસન ૧૩૧૬)
✅ શિહાબુદ્દીન ઓમર – (ઇસવીસન ૧૩૧૬)
✅ કુત્બુદ્દીન મુબારક શાહ – (ઇસવીસન ૧૩૧૬ – ઇસવીસન ૧૩૨૦)
✅ ખુશરૂ ખાન – (ઇસવીસન ૧૩૨૦)

➡ આ બધાં જ શાસકોનાં નામ અને તેમની સાલવારી યાદ રાખજો ભવિષ્યમાં આ બધાં નામો કામમાં આવવાંના જ છે !

જલાલુદ્દીન ખિલજીએ આ સમયગાળા દરમિયાન રણથંભોર પર હુમલો કર્યો હતો જેને મહાન પૃથ્વીરાજ ચૌહાણના વંશજ રાજા હમીરદેવે નિષ્ફળ બનાવ્યો હતો. આ માટે વાંચો — “હમીર રાસો” અને મારો લેખ રાજા હમીર દેવ ઉપરનો ! અ જલાલુદ્દીન ખિલજીએ એક એવું ખરાબ કર્યું હતું જે બહુ જ નજીકના ભવિષ્યમાં નડવાનું હતું. પણ એની વાત પછીથી કરીશું. પણ આ જલાલુદ્દીને પોતાનાં ભત્રીજા અલી ગુરશાસ્પ ખાનની કારાના ગવર્નર તરીકે નિમણુક કરી. આ જ ગુરશાસ્પ ખાન જે પાછળથી કુખ્યાત સુલતાન અલાઉદ્દીન ખિલજી બન્યો. ઉલુગખાનની વાત આપણે કર્ણદેવ વાઘેલા માટે બાકી રાખીએ છીએ. પણ આ ગુરશાસ્પ ખાને મળવામાં ભીલસામાં હુમલો કર્યો હતો. આ ભીલસા એ એક બહુ મોટું મંદિર છે જે તે સમયમાં વાઘેલા,ચાહમાનો અને યાદવોના કબજામાં હતું. અહીં હુમલા કરવાથી આ ખિલજીને ઘણાં બધાં પાલતુ જાનવરો અને ઘણી વધારે પ્રમાણમાં સંપત્તિ મળી.આ પછી ખિલજીએ દેવગિરી જે યાદવોની રાજધાની હતી ત્યાં અને ગ્વાલિયર પર હુમલા કરી તેની સંપતિ લુંટી તેને નષ્ટ કર્યું ! આ બધું ચુસ્ત મુસ્લિમ કવિ અને ઇતિહાસકાર અમીર ખુશરોએ એમનાં પુસ્તકમાં નોંધ્યું છે તે કેટલું સાચું અને ખોટું છે તેની વિગતે છણાવટ રાજા કર્ણદેવમાં કરવામાં આવવાની જ છે. એટલે આ ખિલજી પિષ્ટપેષણ આપણે પછી કરીશું . અત્યારે આટલી વાત પુરતી છે. હવે થોડીક બીજી ઘટનાઓ પર પણ નજર નાંખી લઈએ ……..

➡ એ પહેલાં થોડીક વાતો પછી ગુલામવંશની પણ કરી જ લઈએ. આ ઘૌર રાજ્યનો ઈતિહાસ બહુજ લાંબો છે હોં. આપણે જે ઘૌર સામ્રાજ્યને ઓળખીએ છીએ – જાણીએ છીએ તે મહંમદ ઘોરીથી જ ભારત પર અને ગુજરાત પર આક્રમણોનો સિલસિલો વધ્યો હતો. ઈલ્તુમિશે ઇસવીસન ૧૨૦૫-૧૨૦૬માં ઘોરી સુલતાન મુઈઝ અદ-દીન મહંમદ ઘોરી હતું તેને માટે પંજાબના ખોખ્ખરો સામે યુદ્ધ કર્યું હતું. આ ઈલ્તુમિશે ઇસવીસન ૧૨૨૮માં બંગાળ, ગ્વાલિયર, ભીલસા અને ઉજ્જૈન ઉપર હુમલાઓ કર્યા હતાં. એ વખતે પણ ભિલસા અને ઉજ્જૈન એ સોલંકીઓના તાબામાં જ હતાં. એટલે સાહિત્યકારોએ એ વાતને કદાચ ઇસવીસન ૧૨૨૮ની વાત વીર ધવલ સાથે જોડી દીધી હોય એવું પણ બને અને એટલે જ ગુજરાતના સમકાલીન સાહિત્યમાં આ મુઈઝ-ઉદ -દીન ઘોરીનું નામ એ અપભ્રંશ થઈને મોજદીનકે મોજ્જુદીન દર્શાવેલું જણાય છે પણ તે વખતે ગુજરાત પર કોઈ આક્રમણો નહોતાં થયાં પણ ઈસ્વીસન ૧૧૯૭માં મહંમદ ઘોરીએ ઐબકને મોકલીને ગુજરાત પર આક્રમણ કરાવેલું હોઈ ઘોરીનું નામ મોજદીન કે મોજ્જુદીન રાખવામાં આવેલું જણાય છે. આ ઈલ્તુમિશે ઇસવીસન ૧૨૩૪ – ૧૨૩૫માં ભિલસા અને ઉજ્જૈન પર ફરી પાછું આક્રમણ કર્યું હતું અને ઉજૈનના જગવિખ્યાત અને પૌરાણિક મહાકાલેશ્વર મંદિરને પણ નુકશાન પહોંચાડયું હતું અને એમ કહેવાય છે કે આ શિવલિંગને તોડીને બાજુનાં કોટીતીર્થ કુંડમાં નાંખી દીધું હતું.

➡ એક જાણકારી એ પણ આપી દઉં કે મ્લેચ્છ નામનો રાજવંશ કામરૂપ દેશમાં એટલે કે હાલના આસામમાં ઇસવીસન ૬૫૦થી ઇસવીસન ૯૦૦ દરમિયાન રાજ્ય કરતો હતો.આ મ્લેચ્છ શબદનો પ્રયોગ મહાભારતમાં પણ થયો છે. મહાભારતમાં અ મ્લેચ્છોને પાંડવોએ અને કર્ણએ હરાવ્યાનાં ઉલ્લેખો મળે છે કહેવાનો મતલબ છે કે આ શબ્દ પહેલી વાર હમ્મીર-મદ-મર્દનમાં નથી પ્રયોજાયો કારણ કે સંસ્કૃતમાં મ્લેચ્છનો અર્થ થાય છે અર્ધ સંસ્કારી વિદેશી પ્રજા ! જો કે હમ્મીર મદ મર્દનમાં આ “મ્લેચ્છ” શબ્દ એ મુસ્લિમ શાસક અને સમગ્ર મુસ્લિમો માટે વપરાયો છે.

➡ આ તેરમી સદીમાં એક મોંગલ શાસક કુબ્લાઈ ખાને ઈસવીસન ૧૨૭૧માં યુઆન રાજવંશની સ્થાપના ચીનમાં કરી હતી.
મધવાચાર્ય નામના એક પ્રખ્યાત ભારતીય તત્વચિંતક પણ આ જ તેરમી સદીમાં થયાં હતાં.
પર્સિયન કવિ શેખ સાદી પણ આ જ સદીમાં થયાં હતાં.
ઇસવીસન ૧૨૮૦માં વેનિસ ઈટાલીમાં આઈગ્લાસની પણ શોધ થઇ હતી તો આજ સદીમાં હસ્તપ્રતોની સાચવણીનું પ્રમાણ વધ્યું હતું. તો પેચિયા સીસ્ટમ જે ગ્રંથોની કોપી કરવાની એક વ્યવસ્થા છે તેઓ ઇટાલીના શહેરો અને યુનીવર્સીટીઓમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મંદિરની વાત કરીએ તો આ ૧૩મી સદીમાં ભુવનેશ્વરમાં અનંત વાસુદેવ મંદિર પણ બન્યું હતું તો કર્ણાટકમાં હરિહરેશ્વર નામનું એક પ્રખ્યાત શિવ મંદિર પણ બંધાયું હતું. બીજી પછી ક્યારેક કરશું અત્યારે હવે મૂળ વાત રાજા સારંગદેવની કરીએ.

✔ રાજા સારંગદેવ –

➡ રાજા સારંગદેવ એ રાજા રામદેવ પછી અણહિલવાડની રાજગાદીએ આવતાં રાજા છે. થોડોક વિવાદ જરૂર થયો છે કે કોણ પહેલું રાજગાદીએ આવ્યું તે બાબતે રાજા રામદેવ કે રાજા સારંગદેવ. પણ એ બધાંમાં તથ્ય એ તારવવામાં આવ્યું છે કે રાજા સારંગદેવ ઇસવીસન ૧૨૭૬માં પાટણની રાજગાદીપર બિરાજમાન થયાં હતાં.

➡ રાજા અર્જુનદેવની હયાતીમાં કદાચ થોડાં વખત સુધી તેમનાં મોટાં પુત્ર રામદેવે રાજ્યનો ભાર ઉપાડયો હશે પણ અર્જુનદેવનાં જીવતા જ તેઓ મૃત્યુ પામ્યા હોય કે ગમે તેમ હોય પણ અર્જુનદેવ પછી તેમનાં નાના પુત્ર સારંગદેવના જ રાજ્યનો આરંભ થયો છે. વિક્રમ સંવત ૧૩૫૪ની ઇડરની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં તેમને “રામાનુજ” રામદેવનો નાનોભાઈ સ્પષ્ટપણે કહ્યો છે.

✔ રાજ્યારંભ –

➡ રાજા અર્જુનદેવમાં જોયું તેમ રાજા સારંગદેવના રાજ્યનો અર્માંભ વિક્રમ સંવત ૧૩૩૦ અને વિક્રમ સંવત ૧૩૩૨ દરમ્યાન થયો હોવાનું સ્પષ્ટ છે. વિચારશ્રેણી અનુસાર તો સંવત ૧૩૩૧માં સારંગદેવ રાજગાદીએ આવ્યાં હોવાનું સ્પષ્ટ જણાય છે.

✔ રાજા સારંગદેવની જીતો –

✔ માળવા સાથે યુદ્ધ –

➡ વિક્રમ સંવત ૧૩૩૩ન આમરણના લેખમાંથી, સંવત ૧૩૪૩ની દેવપટ્ટનની પ્રશસ્તિમાંથી તથા વિક્રમ સંવત ૧૩૫૦ના આબુ ઉપરના વિમલ વસહિમાંથી ઉપલબ્ધ લેખમાંથી જણાય છે કે રાજા સારંગદેવે માળવા પર ચઢાઈ કરી હતી અને વિજય મેળવ્યો હતો. વિક્રમ સંવત ૧૩૩૨ના માગશર સુદી અગિયારસના લેખમાં મળવાની જીતનો ઉલ્લેખ નથી,પણ આ જીતનો પ્રથમ ઉલ્લેખ વિક્રમ સંવત ૧૩૩૩ન જેઠ સુદ પાંચમને રવિવારના લેખમાં છે. આથી આ બનાવ એ બંને મિતિ વચ્ચે અર્થાત એના અમલની શરૂઆતમાં બન્યો હોવો જોઈએ. આ લેખોમાં તેમને માળવાના ક્યા રાજાને હરાવ્યો તેનો કોઈ જ ઉલ્લેખ આવતો નથી. પરંતુ આ અંગેનો સ્પષ્ટ ઉલેખ આપણણે મુરલીધર મંદિરની પ્રશસ્તિમાંથી મળી આવે છે. તેમાં આ લડાઈમાં રાજા સારંગદેવે ગોગને નસડયો એમ લખ્યું છે. સ્વ તનસુખરામ ત્રિપાઠીએ મુરલીધર મંદિરની પ્રશસ્તિ ઉપરના પોતાનાં વિવેચમાં જણાવ્યું છે તેમ આ ગોગનો ઉલ્લેખ બીજે કોઈ ઠેકાણે ઉપલબ્ધ નથી. પણ શરૂઆતમાં માળવાના રાજાના મિત્ર અને પાછળથી તેનાં અડધા રાજ્યના માલિક થઇ બેઠેલાં ગોગદેવને સારંગદેવે હરાવ્યાનો ઉલ્લેખ ફારસી તવારીખોમાં મળે છે.

➡ વિક્રમ સંવત ૧૪૯૫ (ઇસવીસન ૧૪૩૯)ના રાણપુરના લેખમાં ગુહલોત વંશના લક્ષ્મણસિંહ નામે રાજકુમારે માળવાના રાજા ગોગદેવને હરાવ્યા બદલ તેના યશોગાન ગાયાં છે.

➡ માળવાના રાજા અર્જુનવર્મન બીજાંના સમયમાં રણથંભોરના ચાહમાન હમીરે, યાદવ રાજા રામચંદ્રે અને વાઘેલા રાજવી સારંગદેવે માળવા પર હુમલો કર્યો હતો. આ અર્જુનવર્મનનો સમય ઇસવીસન ૧૨૭૦ (સંવત ૧૩૨૬} થી ઇસવીસન ૧૨૮૩ (સંવત ૧૩૩૯) હતો.

ફિરિસ્તાના જણાવ્યા પ્રમાણે અલ્લાઉદ્દીને જયારે આઈન-ઉલ-મુલ્ક મુલતાનીને માળવા ઉપર ચડાઈ કરવા મોકલ્યો ત્યારે ૪૦૦૦૦નું હયદળ, ૧૦૦૦૦નું પાયદળ સૈન્ય સાથે માળવના રાજા કોકે તેનો સામનો કર્યો હતો. આ કોક એ ગોગનું અપભ્રંશ થયેલ જણાય છે.

અમીર ખુશરો જણાવે છે કે – જયારે ખિલજી લશ્કરે માળવા પર ચડાઈ કરી ત્યારે તેના રાજા રાય મલકદેવ અને તેનાં પ્રધાન કોકે ૪૦૦૦૦ હજારના સૈન્ય સાથે મુકાબલો કર્યો હતો. આ પ્રધાન કોક સૈન્ય ઉપર સારો કાબુ ધરાવતો હતો અને રાજા કરતાં તેની સત્તા માળવામાં વધારે હતી પણ તેઓ મુસ્લિમો સામે હારી ગયાં. કોક રણમાં મૃત્યુ પામ્યા અને તેમનાં શિરને બાદશાહ પાસે મોકલવામાં આવ્યું.

વસક નામે એક બીજો મુસ્લિમ ઇતિહાસકાર જણાવે છે કે –
લગભગ વિક્રમ સંવત ૧૩૨૬ (ઇસવીસન ૧૨૭૦)ના અરસામાં માળવાનો રાજા મૃત્યુ પામ્યો અને તેના રાજ્યનો માલિક તેનો દીકરો પ્રધાન બન્યો. તેના દીકરાની નાની વયનો લાભ લઈને રાજ્યના ઘણા સત્તાશાળી માણસો જુદા જુદા પ્રદેશના માલિક થઇ પડયા. શક્ય છે કે વસકના જણાવ્યા પ્રમાણે આમાં ગોગ પણ હોય. આ અમીર ખુશરો માળવાના સત્તાધારી પ્રધાન તરીકે જે ગોગનો ઉલ્લેખનો ઉલ્લેખ કર્યો છે. તેમ જ ફિરીસ્તા જે ગોગના પૂર્વ ઇતિહાસથી જાણકાર ન હતો તે તેણે માળવાના રાજા તરીકે ઓળખાવે એ સંભવિત છે.

આ ઉપરથી જણાય છે કે માલવાનું રાજ્ય સારંગદેવના સમયમાં ઘણું નિર્બળ બનેલ હોવાથી માળવાના રાજાને તથા આ ગોગને બંનેને રાજા સારંગદેવે હરાવ્યા હોય.

✔ યાદવો સાથે યુદ્ધ –

➡ સંવત ૧૩૪૩ની દેવપટ્ટન પ્રશસ્તિમાં જણાવ્યું છેકે રાજા સારંગદેવે યુધ્ધમાં યાદવોને હરાવ્યા. આ પ્રશસ્તિમાં ક્યા યાદવ રાજાને હરાવ્યો તેનો ઉલ્લેખ નથી મળતો. સંવત ૧૦૩૩ના લેખમાં માળવાના રાજાને હરાવ્યાનો ઉલ્લેખ છે પણ યાદવોને હરાવ્યાનો ઉલ્લેખ નથી. આથી આ બનાવ સંવત ૧૩૩૩થી સંવત ૧૩૪૩ સુધીમાં બનેલો હોવા સંભવ છે. આ યાદવ રાજવી તે દેવગિરિનો યાદવ રાજવી રામચન્દ્ર હોવા સંભવ છે.

➡ શક સંવત ૧૧૯૪ (વિક્રમ સંવત૧૩૨૮)ના થાણા પાસેના ઓવળે ગામમાંથી મળી આવેલા દાનપાત્રમાં યાદવ રાજા રામચંદ્રણે ગુર્જરદલન – કંઠીરવ કહ્યો છે. એટલે યાદવો અને ગુર્જરો વચ્ચે સંવત ૧૩૨૮ પહેલાં યુદ્ધ થયું હોવું જોઈએ. સંવત ૧૩૨૮ અને તે પહેલાં ગુજરાતમાં રાજા અર્જુનદેવ ગાદીએ હતાં. આથી આ યુદ્ધમાં સારંગદેવ યુવરાજ તરીકે લડયો હોવાનો સંભવ છે. એ પરાક્રમની નોંધ દેવપટ્ટન પ્રશસ્તિમાં લીધી હશે. સારંગદેવના સમયના અન્ય ઉપલબ્ધ લેખોમાં યાદવો સાથેના યુદ્ધનો ઉલ્લેખ મળતો નથી. સંવત ૧૩૫૦ના આબુના લેખમાં તેમને જે બિરુદ લગાડવામાં આવ્યું છે તેમાં ફક્ત માળવાના રાજવીને હરાવનાર તરીકેનો ઉલ્લેખ છે.યાદવ વિજય વિષે કોઈ જ ઉલ્લેખ નથી. વિક્રમ સંવત ૧૩૫૪ની મુરલીધર પ્રશસ્તિમાં પણ યાદવ વિજયનો કોઈ ઉલ્લેખ નથી.

✔ મુસ્લિમ આક્રમણ –

➡ રાજા સારંગદેવના સમયમાં મુસ્લિમોએ આક્રમણ કર્યું હોવાનું તેમના સમયના ઉપલબ્ધ લેખોમાં જોવાં મળતું નથી. વિક્રમ સંવત ૧૩૪૪ના સિરોહી રાજ્યમાં ગિરવાડામાં પાટનારાયણનાં મંદિરમાંથી મળી આવેલ ચંદ્રાવતીના પરમાર વંશના છેલ્લા રાજા પ્રતાપસિંહના લેખમાં સારંગદેવનાં મંડલેશ્વર (સુબા) વીસલદેવે મુસ્લિમોણે હરાવ્યાનો ઉલ્લેખ છે. આ લેખમાં ચંદ્રાવતીના પ્રતાપસિંહને ચંદ્રાવતીના મંડલેશ્વર વીસલદેવના તાબેદાર તરીકે વર્ણવ્યો છે.

આ મુસ્લિમ આક્રમણનો ઉલ્લેખ આબુના અચલેશ્વર મંદિરમાંથી ગુહલોત વંશના સમરસિંહનાં વિક્રમ સંવત ૧૩૪૨ના મળી આવેલા લેખમાં મળે છે તેમાં લખ્યું છે કે તેજસિંહનો પુત્ર સમર આદિ વરહ તુરુશ્ક રૂપ સમુદ્રમાં ડૂબી ગયેલી ગુજરાતની પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. તુરુષ્કની સેના રાજા સારંગદેવની સેનાની બીકથી સત્યપુર (સાચોર)થી પાછી વળી ગઈ એવો એક ઉલ્લેખ મળે છે.

➡ વંથલીમાંથી મળી આવેલ સારંગદેવના સમયના સંવત ૧૩૪૬ના લેખમાં જણાવ્યું છે કે – રાજા સારંગદેવના મહામંડલેશ્વર વિજયાનંદે ભાનુ સાથે લડવાની ઈચ્છાથી ભૂભૃતપલ્લી ઉપર ચઢાઈ કરી. આ વિજયાનંદ તે વાઘેલા શાખાના રાજવી વીરધવલની પુત્રી નાગલ્લદેવીનો પુત્ર હોવાનું વંથલીમાંથી મળી આવેલ એક બીજા લેખ ઉપરથી જણાય છે અને આ ભાનુ તે ધુમલી પ્રસિદ્ધ વીર ભાણ જેઠવો હોવાનું જણાય છે. ભૂભૃતપલ્લી તે હાલનું ઘુમલી છે. તે જેઠવા રાજપૂતની પ્રાચીન રાજધાની હતી અને તેના ખંડેર અત્યારે પણ બરડાના ડુંગરમાં છે.

✔ રાજા સારંગદેવને મળેલા બિરુદો –

➡ રાજા સારંગદેવના સમયના મળી આવેલાં લેખોમાં તેમનાં વિષે જુદા જુદાં વિશેષનો વપરાયેલા જોવાં મળે છે. વિક્રમ સંવત ૧૩૩૩નાં આમરણમાંથી મળી આવેલા લેખમાં ” માલવધરા ધૂમકેતુ ગુર્જરધરણી(ધરણ) સમુ વરી સપ્તમ ચક્રવર્તિ ભુજબલ મલ્લ મહારાજ સારંગદેવ” એમ લખ્યું છે.. આ બિરુદોમાં માલવભૂમિનો ધૂમકેતુ ગુર્જર ભૂમિનો ઉધ્ધાર કરવાની વરાહ અવતાર સપ્તમ ચક્રવર્તિ અને ભુજબલ મલ્લમાં ભુજબલનો ખાસ કોઈ અર્થ હોય એમ લાગતું નથી. સપ્તમ ચક્રવર્તિમાં કૈક અર્થ રહેલો હોય એમ જણાંય છે..આ અંગે શ્રી દીશળકર એમ ધારણા કરે છે કે આમાં પોતાનાં વંશના અગાઉના ૬ ચક્રવર્તિઓ ગણ્યા હશે એમાં બે તો વીસલદેવ અને અર્જુનદેવ હશે બાકીના ચારમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ, અજયપાલ, કુમારપાળ અને રાજા મુળરાજ સોલંકી પ્રથમને ગણ્યાં હશે. પરંતુ આ કલ્પના બરાબર નથી, કેમ કે સારંગદેવ પહેલા ભીમદેવ બીજાંનેણે પણ સપ્તમ ચક્રવર્તિ કહેલ છે. વળી આ યાદીમાં મહારાજ સિદ્ધરાજથી ગણતાં ૬ ચક્રવર્તિઓનો મેળ મેળવવા માટે ભીમદેવ બીજાને તથા ત્રિભુવનપાલને બાકાત રાખવા પડે છે.આથી પહેલાંના ૬ ચક્રવર્તિઓ તે સ્વ. શ્રી રા ચુ મોદી જણાવે છે દ્રયાશ્રયની ટીકામાં જણાવેલા માંધાતા ધુધુમાર,હરિશ્ચન્દ્ર પુરુરવા, ભરત અને કાર્તવીર્ય એ છ ચક્રવર્તિઓ હોવાં જોઈએ અને પછી સારંગદેવ સાતમો ચક્રવર્તિ હોવાનો દાવો કરે છે.

➡ ત્રીજા બિરુદની જેમ બીજું બિરુદ પણ સારંગદેવની પ્રતાપશાલિતાનું સામાન્ય યશોગાન સૂચવે છે, પરંતુ પહેલાં બીરુદમાં એમના સંગીન પરાક્રમનો ઉલ્લેખ થયો હોય એમ જણાય છે.
એમનાં આ પરાક્રમનો ઉલ્લેખ એના અન્ય લેખોમાં પણ આવે છે. એમાંના વિક્રમ સંવત ૧૩૫૦ના આબુ પરના લેખમાં એમને “અભિનવ સિદ્ધરાજ” તરીકે પણ બિરદાવ્યા છે. એમનાં અન્ય ઉપલબ્ધ લેખોમાં આ બિરુદ જોવાં મળતું નથી પણ આ બિરુદ રાજ ભીમદેવ બીજાંને તથા રાજા વીસલદેવને લગાડવામાં આવતું હતું.

કચ્છમાંના ખોખરાના સંવત ૧૩૩૨ના આમરણના સંવત ૧૩૩૨નાં લેખમાં એમને મહારાજ કહ્યાં છે. પરંતુ અન્ય લેખોમાં તેમને મહરાજાધિરાજ કહ્યાં છે.

ખોખરાના લેખમાં વળી એમને પ્રૌઢ પ્રતાપ નારાયણાવાતાર અને લક્ષ્મી સ્વયંવરનાં બિરુદ આપેલાં છે.

✔ રાજા સારંગદેવના મહામાત્યો –

➡ રાજા સારંગદેવના સમયની રાજકીય વ્યવસ્થાને લગતી માહિતી તેમનાં સમયના ઉપલબ્ધ સાધનોમાંથી ઘણી ઓછી મળે છે. તેમનાં રાજયનાં મહામાત્યોનાં નામ તે સમયનાં મળી આવેલાં લેખોમાંથી મળે છે. સંવત ૧૩૩૨નાં સારંગદેવનાં કચ્છમાંના ખોખરા ગામના પાળિયા ઉપરના લેખમાં મહામાત્ય તરીકે “કાન્હ”નું નામ જોવાં મળે છે. એટલે સારંગદેવના રાજ્યકાળના આરંભિક વર્ષોમાં આ ‘કાન્હ” સત્તા ઉપર આવ્યાં હોવાનું સંભવે છે. પણ રાજા સારંગદેવનો એક સાલ વગરનો લેખ કચ્છમાંથી મળી આવ્યો છે, તેમાં સારંગદેવ પ્રૌઢ પ્રતાપ શ્રી (માલદેવ)એમ લખેલું છે. આથી આ લેખ કદાચ રાજા સારંગદેવના શરૂઆતના સમયમાં લખાયો હશે અને તે વખતે કદાચ માલદેવ મહામાત્ય હશે પણ તે વધુ સમય રહ્યો હોય તેમ જણાતું નથી. મહામાત્ય કાન્હ સંવત ૧૩૩૯ સુધી સત્તા પર રહ્યો હોય એમ જણાય છે. કાન્હ પછી મધુસુદન નામે મહામાત્ય સત્તા પર આવ્યો હોય તેમ લાગે છે. તેમનો પ્રથમ ઉલ્લેખ વિક્રમ સંવત ૧૩૪૩ની હસ્તપ્રતો ઉપરથી મળે છે. આ મધુસુદનનો છેલો ઉલ્લેખ સંવત ૧૩૪૮ના આનાવડમાંથી મળી આવેલા સારંગદેવના લેખમાં મળે છે. આથી તે સંવત ૧૩૪૮ સુધી સત્તા પર રહ્યાં હોવાનું સંભવે છે. વિક્રમ સંવત ૧૩૫૦ના વિમલવસહિમાંથી મળી આવેલા લેખમાં “વાધૂય” મ્હામાત્ય તરીકે આવ્યો હોવાનું જણાય છે.

➡ ધોળકાના પંડિત ચંણ્ડુએ રચેલ નૈષધ કાવ્યની ટીકાના અંત પ્રશસ્તિના શ્લોકમાં સંવત ૧૩૫૩ ભાદરવા સૂદ તેરસને રવિવાર તથા રાજાનું નામ શ્રી સારંગદેવ તથા મહામાત્યનું નામ માધવ લખેલું છે. આમ સારંગદેવના મૃત્યુ સમયે માધવ અમાત્ય પદે હોવાનું જણાય છે અને એ જ માધવ કર્ણ બીજાના સમયમાં ચાલુ રહ્યો એમ લાગે છે. જરા યાદશક્તિને ઢંઢોળીને રાખજો કારણ કે આ જ નામ રાજા કર્ણદેવમાં અતિ મહત્વનું સાબિત થવાનું છે. ઈતિહાસ ભલે એમ લાગે છે એમ કહી છટકી જતો હોય પણ બધાજ લાગતાંવળગતાંઓનો એમાં પર્દાફરાશ થવાનો જ છે એની તૈયારી રાખજો. આ નામ એમાં અગત્યનું ભાગ ભજવવાનું છે એટલે કહું છું આટલું.

✔ રાજા સારંગદેવના અન્ય અધિકારીઓ –

➡ સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા સાચવવા માટે રાજા સારંગદેવે “પાલ્હ”ની નિમણુક કરી હોય તેમ સંવત ૧૩૩૩ના લેખ ઉપરથી જણાય છે. આ પાલ્હનો ઉલ્લેખ અર્જુનદેવના સમયમાં વિક્રમ સંવત ૧૩૩૦નાં લેખમાં પણ આવે છે. આથી એમ જણાય છે કે મહામાત્ય માલદેવની માફક આ પાલ્હ પણ રાજા અર્જુનદેવના સમયથી સત્તા પર ચાલુ રહ્યો હશે.

➡ આ ઉપરાંત ચન્દ્રાવતીમાં મહારાજ શ્રી વીસલદેવ રાજા સારંગદેવના મહમંડલેશ્વર તરીકે સત્તા ભોગવતો હતો એમ સંવત ૧૩૫૦ના વિમલસિંહના લેખમાં જણાવ્યું છે. પેથડ, પાલનપુરમાં મુદ્રાઅધિકારી હતો એમ સંવત ૧૩૪૮ના અનાવડાના લેખમાંથી મળી આવે છે.

✔ રાજા સારંગદેવના લોકોપયોગી કાર્યો –

➡ વિક્રમ સંવત ૧૩૪૩ની દેવપટ્ટનની પ્રશસ્તિ પરથી જણાય છે કે –
આ સમયે પ્રખ્યાત સોમનાથના મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધ્ધાર કરવામાં સોમનાથ મંદિરના છઠ્ઠા મહંત શ્રી ત્રિપુરાન્તકે મહત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત તેમણે સોમેશ્વરનાં મંદિરના મંડપની ઉત્તરે જીર્ણ ઘટિકાગૃહની પાસે ભગવાન શંકરના પાંચ મુખ જેવાં પાંચ મંદિર બંધાવ્યા હતાં. આ મહંતે રાજા સારંગદેવના નામથી એક કુંડ પણ બંધાવ્યો હોવાનો ઉલ્લેખ પણ આ પ્રશસ્તિમાં છે. વિક્રમ સંવત ૧૩૪૮ના સારંગદેવના અનાવડમાંથી મળેલા લેખમાંથી જણાય છે કે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને નૈવેદ્ય માટે પાલ્હણપૂરના મુદ્રા અધિકારી પેથડે દાન આપ્યાનું જણાય છે. આ ઉપરાંત આ લેખ દ્વારા જણાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણની પૂજા નિમિત્તે પેથડ વગેરે પંથે લાગા બાંધી આપ્યાં હતાં. આ લાગા આપનારાઓમાં શાહુકાર, શેસ્થ, પુરોહિત, સોની, કંસારા, સમસ્ત વાણિજ્યાર (વણજાર)અને સમસ્ત નૌવિત્ત્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

➡ સંવત ૧૩૫૦ (ઇસવીસન ૧૨૯૪)ના આબુના વિમલ વસહિકામાંથી મળેલા રાજા સારંગદેવના સમયના લેખ ઉપરથી જણાય છે કે રાજા સારંગદેવનાં મંડલેશ્વર ચંદ્રાવતીના વીસલદેવે વિમલ વસહિ અને લુણિગવસહિ નામના બે મંદિરોના ખર્ચ માટે તથા અન્ય ઉત્સવ માટે વેપારીઓ અને અન્ય ધંધાદારીઓ ઉપર અમુક રકમના લાગા બાંધી આપ્યા હતાં. આ મંદિરની યાત્રાએ આવનાર યાત્રીઓ પાસેથી મુડકા વેરો ન લેવાનું ઠરાવ્યું હતું. તેમ જ યાત્રીઓને કોઈ પણ વસ્તુની ચોરી થાય તો તેની જવાબદારી આબુના ઠાકોરો ઉપર નાંખવમાં આવી હતી.

વિક્રમ સંવત ૧૩૫૨ન ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળેલા લેખ પરથી માહિતી મળે છે કે આ મંદિર બાદડા નામની શ્રાવિકાએ બંધાવેલ અને તેનો જીર્ણોધ્ધાર તેમના જ વંશજ વિજયસિંહે કરેલો. આ લેખ મંદિરના નિર્વાહ માટે વિક્રમ સંવત ૧૩૫૨ માં અપાવેલ શાસનપત્રનો છે.

✔ રાજા સારંગદેવના સમયની સાહિત્યિક પ્રવૃત્તિઓ –

➡ રાજા સારંગદેવના સમયમાં સાહિત્ય પ્રવૃત્તિ તદ્દન અટકી હોય તેવું જણાતું નથી. મહામાત્ય પુરોહિત શ્રી ભારધ્વાજનાં પુત્ર અને જાતે પુરોહિત શ્રી જયંત ભટ્ટે કાવ્યપ્રકાશ નામની ટીકા લખી હતી. આ ટીકા સારંગદેવ પોતાનાં વિજયી લશ્કર સાથે જયારે આશાપલ્લી (આશાવલ )માં હતો ત્યારે રચાઈ હતી. આથી રાજા સારંગદેવની ઉજ્જવલ કારકિર્દીનો કૈંક ખ્યાલ આવે છે.

➡ ધોળકાના પંડિત ચંણ્ડુએ નૈહ્ધ કાવ્યની ટીકા રચી છે, તેમાં અંત પ્રશસ્તિના લોકોમાં સંવત ૧૩૫૩ ભાદરવા સુદ તેરસને રવિવાર તથા શ્રી સારંગદેવ અને મહામાત્ય માધવ એમ લખેલું છે આથી આ ટીકા રાજા સારંગદેવના સમયમાં રચાઈ હોવાનું જણાય છે. આ ઉપરાંત આ સમયમાં જૈન ધર્મના પણ કેટલાંક ગ્રંથો રચાયા હોવાનું જણાય છે.

✔ રાજ્ય વિસ્તાર –

➡ રાજા સારંગદેવના સમયના મળી આવતાં લેખો પરથી જણાય છે કે તેનો રાજ્યવિસ્તાર ઉત્તરમાં અબુ અને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ફેલાયેલો હતો. દક્ષિણમાં લાનો પ્રદેશ પણ તેની સત્તા નીચે હોય એમ જણાય છે.

✔ ગુણદોષ –

➡ રાજા સારંગદેવના સમયના મળી આવતાં સાધનો ઉપરથી જણાય છે કે તેઓ શૈવધર્મમાં માનતાં હોવાં છતાં ધાર્મિક સહિષ્ણુતાવાળો હતો. વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મ તરફ તેમણે સમદ્રષ્ટિ રાખી હતી તથા અન્ય ધર્મના મંદિરોનો જીર્ણોધ્ધાર તેમ જ આવકના સાધનો માટે સગવડતાઓ આપી હતી. મુસ્લિમો પર અત્યાચાર કર્યાનો કે તેમનાં દેવસ્થાનોને નુકશાન કર્યાનો કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ સાધનોમાં જોવાં મળતો નથી. ટૂંકમાં …. રાજા સારંગદેવ એક વીર અને યશસ્વી રાજવી હતાં.

✔ રાજા સારંગદેવનો અંત –

➡ રાજા સારંગદેવના સમયનો છેલ્લો લેખ વિક્રમ સંવત ૧૩૫૨નો ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળ્યો છે. આ ઉપરાંત ધોળકાના પંડિત ચંણ્ડુએ રચેલી નૈષધ કાવ્યની ટીકામાં અંતે પ્રશસ્તિના શ્લોકમાં વિક્રમ સંવત ૧૩૫૩ના ભાદરવા સુદ તેરસણે રવિવાર તથા રાજા સારંગદેવે અને મહામાત્ય માધવ એમ લખેલું છે. પરંતુ એમાં ખરું વર્ષ સંવત ૧૩૫૨ હોવું જોઈએ,એમ જણાય છે. માંગરોળના એક લેખમાં વિક્રમ સંવત ૧૩૫૩નાં ચૈત્ર સુદી સાતમને દિવસે રાજા કર્ણદેવનું રાજ્ય ચાલતું હોવાનું જણાવેલું છે. એ અનુસાર રાજા કર્ણદેવનું રાજ્ય વિક્રમ સંવત ૧૩૫૨ના ભાદરવા સુદ તેરસ અને સંવત ૧૩૫૩ના ચૈત્ર સુદ નોમ વચ્ચે શરુ થયું હોવું જોઈએ. વિચારશ્રેણીમાં રાજા કર્ણદેવ વાઘેલા એટલે કે કર્ણદેવ બીજાંનાં રાજ્યની શરૂઆત વિક્રમ સંવત ૧૩૫૩માં થઇ એમ જણાવ્યું છે. આથી રાજા સારંગદેવનો રાજ્યકાળ સંવત ૧૩૩૧થી સંવત ૧૩૫૩ સુધીનો હોવાનું માલુમ પડે છે. આમ રાજા સારંગદેવ વિક્રમ સંવતના ગોટાળાને કારણે બાવીસ વર્ષ અને ઇસવીસન પ્રમાણે વીસ – એકવીસ વર્ષ રાજ્ય કરી સંવત ૧૩૫૩-૫૪ (ઇસવીસન ૧૨૯૬)માં મૃત્યુ પામ્યા.

એમનાં પછી એમનો ભત્રીજો કર્ણદેવ વાઘેલા (કર્ણદેવ બીજો) રાજગાદીએ આવ્યો હોઈ તેઓ પોતે એ અપુત્ર મરણ પામ્યાં હોય એવું લાગે છે.

✔ ઉપસંહાર –

➡ ૨૧ વરસ સુધી રાજ્ય કરવું એ કંઈ નાનીસુની વાત તો નથી જઅને એ પણ સારી રીતે અને યુધ્ધો જીતીને. એકંદરે વાઘેલા વંશમાં રાજા સારંગદેવ એક સારાં રાજા જ ગણાય. જેમણે પોતાના સાહસ અને બાહુબળથી ગુજરાતને ટકાવી રાખ્યું હતું અને એનો વિસ્તાર પણ કર્યો હતો. કેટલાંક મતમતાંતરો જરૂર છે જેમાં એમના શાસનકાળના સમયને લાગતાં વધુ છે. મુસ્લિમ આક્રમણ ખરેખર તો એમના સમયમાં નહોતું થયું પણ તે પછી થવાનું હતું જેનો અહી ઉલ્લેખ કરવામાં આવે છે એ તો માળવા પર થયેલાં આક્રમણનો છે જેમાં રાજા સારંગદેવની સંડોવણીનાં કોઈ સાક્ષ્ય પ્રમાણ મળતાં જ નથી. રાજા સારંગદેવાના સમયમાં ગુજરાતની પ્રજા હળીમળીને રહેતી હતી એમ ચોક્કસ પણે કહી શકાય તેમ જ છે. સોમનાથના જીર્ણોધ્ધાર સિવાય એવું કોઈ ઉડીને આંખે વળગે તેવું બાંધકામ થયું નથી અને તેની જરૂર પણ નથી! રાજાને તો બસ એટલું જોઈએ કે એમની પ્રજા સુખેથી રહે જેમાં સારંગદેવ પાર ઉતર્યા એમ કહી શકાય તેમ જ છે.

➡ મારો હવે પછીનો લેખ રાજા કર્ણદેવ વાઘેલા પર !
હું આ લેખને પર્દાફરાશ લેખ એવું નામ આપું છું.
એ આખો જ વાંચજો શરૂથી અંત સુધી તેમાં તમને ઘણી સચ્ચાઈની ખબર પડશે ! એટલે એ વાંચવાનું કોઈ ચૂકતાં નહીં જ !

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.