⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
ஜ۩۞۩ஜ રાજા કર્ણદેવ વાઘેલા ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૦૪)
—— ભાગ – ૭ —–
➡ અમીર ખુશરોના કાવ્યમાં આવેલ ક્મલાદેવી વિશેની હકીકત સત્યથી વેગળી છે. કોઈપણ હિંદુ સ્ત્રી આવી રીતે રહેવાં તૈયાર ન જ થાય. બદાઉની અને ફરિસ્તહ પણ આ વાત સ્વીકારતા નથી અને મૌન સેવે છે. અમીર ખુશરો એવું માને છે કે — હિન્દુઓને અને એમની સ્ત્રીઓને ચારિત્ર્ય જેવું કંઈ છે જ નહીં અને એની એ રૂઢીચુસ્ત માન્યતાને આધારે આ કમલાદેવી અને દેવલદેવીની વાત ઉપજાવી કાઢી છે. આ વાત એક ચુસ્ત મુસ્લિમ હોવાનો અને સ્પષ્ટપણે હિંદુ વિરોધી હોવાનો પુરાવો આપવાં માટે જ કરવામાં આવી છે. હિંદુ વિરોધી હોવાનો પુરાવો આનાથી વધુ સારી રીતે ક્યાંય પણ જડી શકે એમ જ નથી.
➡ જુના હિંદુ અને જિન લેખકો આ વિશે સામાન્યત: સદંતર મૌન સેવે છે. પદ્મનાભ સિવાય કોઈ જ આ વાતનો ઉલ્લેખ કરતાં નથી . એમાય તેઓ માત્ર કમલાદેવીનો જ ઉલ્લેખ કરે છે દેવલદેવીનો તો નહીં જ ! રાસમાળામાં ફાર્બસે જે કંઈ હકીકતો લખી છે તે ભાટ-ચરણોના વૃત્તાંત ઉપરથી લખી છે. ભાટ- ચારણોનાં વૃત્તાંતો એ લોકપ્રચલિત કથાઓ છે.
➡ કવિ ખુશરોનાં કાવ્યમાં જણાવેલ દેવલદેવીની ઉંમર વિષે વધુ વિચારતા એમ લાગે છે કે જ્યારે કમલાદેવીને દિલ્હી જવામાં આવી ત્યારે દેવલદેવીની ઉમર હિજરી સંવત ૬૯૯ (ઇસવીસન ૧૨૯૯)માં ૬ માસની હોય તો હિજરી સંવત ૭૦૪ (ઇસવીસન ૧૩૦૪-૦૫)માં તે ૬ વર્ષની હોય. ખિજ્રખાનનું પ્રથમ લગ્ન અલપખાનની દીકરી સાથે થયા બાદ થોડાં વખતમાં એનું બીજું લગ્ન હિજરી સંવત ૭૧૩ (ઇસવીસન ૧૩૧૩)માં દેવલદેવી સાથે થયું. અ વખતે તેની ઉંમર ૧૪ વર્ષની હોવી જોઈએ. આ સમયે ૧૪ વર્ષની ઉંમરે લગ્ન થતાં હતાં. ફરિસ્તહ લખે છે કે જયારે ગુજરાત પર પ્રથમ ચડાઈ થઇ ત્યારે દેવલદેવી હિજરી સંવત ૬૯૭ (ઇસવીસન ૧૨૯૭)માં ૪ વર્ષની હતી. જયારે તે તે દિલ્હી આવી ત્યારે હિજરી સંવત ૭૦૬ (ઇસવીસન ૧૩૦૬)માં તેની ઉંમર ૧૨ કે ૧૩ વર્ષની હતી અને હિજરી સંવત ૭૧૩ (ઇસવીસન ૧૩૧૩ )માં જયારે તેનું લગ્ન ખિજ્રખાન સાથે થયું તેની ઉંમર લગભગ ૨૦ વર્ષની હશે. ફરિસ્તહે આ માહિતી શાના આધારે આપી તે જાણવા મળતું નથી.
➡ ખુશરો જણાવે છે કે — જયારે દેવલદેવી દિલ્હી પહોંચી ત્યારે તેની ઉંમર આઠ અને ખિજ્રખાનની ઉંમર દસ વર્ષની હતી. આ એક ગંભીર ભૂલ હોવાનો સંભવ છે કારણ કે ઉપર પ્રમાણે ગણતા દેવલદેવી ગુજરાત પર મુસ્લિમોની ચડાઈ વખતે બે કે ત્રણ વર્ષની હોવી જોઈએ, હિજરી સંવત ૭૧૩ (ઇસવીસન ૧૩૧૬)માં મુબારકશાહ ૨૦ વર્ષની ઉમરે ગાદીએ આવ્યો હતો. તો ઇસવીસન ૧૩૧૯માં ખિજ્રખાનની ઉંમર ૨૪ વર્ષની હોય તે એ અસંભવિત નથી.
➡ ખિજ્રખાનનાં મૃત્યુ બાદ દેવલદેવીનું શું થયું તેનાંવીશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ઇલિયટ અને ડાઉસનનાં જણાવ્યાં પ્રમણે તો અમીર ખુશરોનાં “આશિક”કાવ્યમાં જણાવ્યું છે કે ખિજ્રખાનનાં મરણ બાદ દેવલદેવી ખિજ્રખાનને વળગી રહી. ત્યારે એનાં હાથ કાપી નાંખવામાં આવ્યાં અને એને કપાયેલા હાથે છોડી દેવામાં આવી. પરંતુ હોડીવાલા જણાવે છે કે — “આશિક”નાં મૂળ ગ્રંથમાં આવો કોઈ ઉલ્લેખ આવતો જ નથી. પછીના લેખકોમાં ફરિસ્તાહ અને બ્દાઉની આવી કોઈ વાત કરતાં નથી પરંતુ તેઓ દેવલદેવીને પરાણે કુતુબુદ્દીનનાં જનાનખાનામાં દાખલ થવું પડયું હોવાનું જણાવે છે
✔ મારી ટીપ્પણી –
➡ એક વાત કહો મને કે — જે માત્ર સાહિત્યિક કૃતિ છે એની ઐતિહાસિકતા વિષે એટલું બધું પિષ્ટપેષણ શા માટે ? માન્યું કે દેવલદેવી એ કાલ્પનિક પાત્ર છે તો પછી એમની માતા કમલાદેવીની વાત પણ ક્યાં સાચી છે? એ પણ સદંતર ખોટી જ છે ને ! ઇતિહાસની રૂચી આપણી જળવાતી નથી એનું કારણ જ આવાં ખોટાં વિવાદો અને અને ખોટી તર્કસંગતતા જ છે. દેવલદેવી વિષે આ બધાં એ તો ૧૯મી -૨૦મી પણ આ ૨૧મી સદીમાં પણ હજી આપણે સ્ટેટસની વાડાબંધીમાંથી બહાર નથી જ આવ્યાં ને! કોઇપણ જગ્યાએ આ દેવલદેવી કે ક્મલાદેવીનાં પાત્રની હયાતી પુરવાર નથી જ થતી. રાજા હોય એટલે રાણી પણ હોય અને એને બીજી રાણીઓ પણ હોય અને એને પુત્ર -પુત્રીઓ પણ હોવાનાં જ. છેક સોલંકી યુગની ગાથાઓથી ચાલ્યું આવ્યું છે કે રાજાઓ અપુત્ર હતાં અને એમને કોઈ પુત્રીઓ પણ નહોતી જ. એ વાત વાઘેલા કુળનાં મધ્યભાગમાં પણ સાચી ઠરતી જણાય છે. પુત્રીની વાત ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવી મહારાજ સિદ્ધરાજ જયસિંહથી. ત્યારે એવું સાબિત થયું કે એ તો એમનાં દત્તક પુત્રી છે. રાણીઓ તો બધી જ મહાન હતી સોલંકીયુગમાં અને એકમેકથી ચડિયાતી હતી. પણ જયારે વાત ચૌલાદેવીની આવી કે સાહિત્યકારો તે જમાનાથી અત્યાર સુધીનાંએ તેને જ મહત્વ આપ્યું છે. એટલે વિધિનાં ખેલ છે કે સિદ્ધરાજ જયસિંહ પછી આ ચૌલાદેવીનાં વંશજોએ રાજગાદી સાંભળી. એટલાં જ માટે ચૌલાદેવી જ્યારે હયાત હતાં ત્યારે તેમનું પાત્રાલેખન અને એમની મહત્તા જોઈએ તેટલી સમકાલીન સાહિત્યમાં નથી કરવામાં આવ્યું જે નવલકથાઓમાં અદભૂત રીતે ઉઠાવવામાં આવ્યું છે. હે મિત્રો ….. એકાદ વરસ જવા દેજો પછી આ ચૌલાદેવીનાં પાત્રાલેખન પર મિત્રોની ફરમાઇશ પૂરો કરતો લેખ હું અવશ્ય જ લખવાનો છું એમાં બીજાં પાત્રો પણ આવરવામાં આવશે એ અત્યારથી જ કહી દઉં છું. હવે આ ચૌલાદેવીનું નામ એટલું બધું મહત્વનું હતું કે ત્યાર પછી માત્ર એમનાં નામને આવરી લેતાં બીજાં નામોનો ઉપયોગ એ ૩૦૦ -૩૫૦ વરસ પછી પણ મુસ્લિમ સાહિત્યકારોએ કરવાં માંડયો એમાંથી જ ઉદભવ્યું આ ખુશરોનું કૌલાદેવી (કમલાદેવી)નું પાત્ર. વાઘેલાવંશની એક ખાસિયત એ પણ હતી કે વીસલદેવની પત્ની નાગલ્લદેવી સિવાય કોઈની પત્નીનું નામ જાણીતું નહોતું. બસ ખાલી પુત્રીઓની આપલે જે સિદ્ધરાજ જયસિંહના સમયથી શરુ થઇ એ ક્યાંય અટકવાનું નામ જ નહોતી લેતી.
➡ રાજનૈતિક લાભો ખાટવા આવાં કૌટુંબિક સંબંધો બાંધવામાં આવતાં હતાં. આરબ કન્યા રાજા બપ્પા રાવલ સાથે પરણે એને આપણે ખુશી ખુશી વધાવતાં જ હતાં ને ! પણ તે વખતે મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં નહોતો આવ્યો એનાં આગમન પછી જ આ બધી માથાકૂટ ઉભી થઇ છે પણ એમાં કોઈ મુસ્લિમ કન્યા હિંદુ રાજાને પરણી નથી તે છેક મહાન સમ્રાટ બાજીરાવ પેશ્વામાં મસ્તાનીની વાતમાં આવ્યું ત્યાં સુધી તો નહીં જ. મુસ્લિમોએ પણ હિંદુ કન્યા સાથે લગ્ન કર્યા એની શરૂઆત અકબરથી થઇ ગણાય.એ તો સોએ સો ટકા એક રાજકીય લાભ ખાટવાનો જ આશય હતો. દ્રષ્ટાંતો છે પણ એ ગૌણ છે આવું બીજે બન્યું હશે પણ અપણને એનો ખ્યાલ નથી એટલું જ. પણ એ બધું અકબર પછી જ થયું એમ સહેજે કહી શકાય તેમ છે અને અકબરનો સમય તો ૧૬મી સદીની મધ્યનો છે. જયારે આ તો વાત આક્રાન્તાઓની અને એમનાં ધર્મજનુનની છે એ પણ ૧૪મી સદીની શરૂઆતમાં જ !
➡ વાત વાઘેલાવંશની કરીએ તો રાજાઓની પત્ની વિષે તો કોઈને પણ ખબર નહોતી જો કે એનો ક્યાંય પણ ઉલ્લેખ પણ પ્રાપ્ત થતો નથી. રાજા કર્ણદેવનાં રાજયકાલ વિષે જે ક્યાંયથી પણ ઉલ્લેખો પ્રાપ્ત થયાં છે તેમાં રાણી કમલાદેવીનો ઉલ્લેખ નથી. એ માધવની પત્ની હતી કેશવની પત્ની હતી એ વિષે પણ મતમતાંતર જ છે. એક માટે વિચારશ્રેણીમાં એવું આવ્યું કે માધવની પત્ની કમલાદેવીનું હરણ રાજા કર્ણદેવ કરી ગયાં એ સિવાય એમણે તો શું બીજાં કોઈએ પણ કશું જ કહ્યું નથી. આ વાત ઇતિહાસના ચોપડે એટલાં માટે માટે આવી કે મેરુતુંગે એનો ઉલ્લેખ કર્યો છે. હવે આ વાત પર થોડી નજર નાખી લઈએ. સોલંકી યુગની એક શાખા એટલે વાઘેલા વંશ. હવે આ વાઘેલા વંશ એ ગુજરાતમાં ઠેર ઠેર અસ્તિત્વ ધરાવતો હતો જેમાં એક નામ સૌરાષ્ટ્રનું પણ હતું અને વઢવાણ એ સૌરાષ્ટ્રનું એક અતિ મહત્વનું પ્રવેશદ્વાર ગણાતું હતું ત્યાં લોકો બડો વંશ વાઘેલા એવું કહેતાં હતાં અને રાજા કર્ણનાં ખુબ જ વખાણ કરતાં હતાં. રાજા કર્ણદેવ વાઘેલા જે પાટણનાં રાજા હતાં તેમનાં સમય પહેલાથી એટલે કે રાજા સારંગદેવનાં સમયથી સુરેન્દ્રનગર જીલ્લા પર વાઘેલા વંશનો દબદબો હતો. પણ તો પછી રાજા કર્ણદેવના સમયમાં આ સુરેન્દ્રનગર જીલ્લાનો કે વઢવાણનો પછી ક્યાંય પણ ઉલ્લેખ કેમ નથી થયો ? મહામાત્ય માધવની પત્નીને ભગાડીને રાજા કર્ણદેવ પાટણ લઇ ગયાં અને કોક કોક સાહિત્યકારે વઢવાણમાં રાજા કર્ણદેવે માધવના ભાઈ કેશવને હણ્યો એ વાત કરી અને કેશવની પત્ની સતી થઇ એ વાત પણ કરી. કોઈકે આ ક્મલાદેવીને કેશવની પણ પત્ની બતાવી છે. ચાલો માની લઈએ કે કમલાદેવી એ માધવની જ પત્ની હતી પણ પછી તે રાજા કર્ણદેવની પત્ની બન્યાં પછી એમનું જીવન કેવું હતું તે તો કોઈ જ કહેતું નથી. મેરુતુંગ પણ અ બાબતે પણ મૌન સેવે છે. મેરુતુંગે આ વાત લખી છે પાછી વઢવાણમાં જ ! વઢવાણમાં રાજા કર્ણદેવ નાસીને છુપાઈ પણ શક્યાં જ હોત ને. કુખ્યાત ખિલજીનાં આક્રમણમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ છે પણ વઢવાણ જેવાં તે સમયના સમૃદ્ધ નગરનો નહીં. એ જો ત્યાં ગયો હોત તો ત્યાની વાવો કે રાણકદેવીનું મંદિર કે એનો કિલ્લો પણ ના બચ્યો હોત. તાત્પર્ય એ કે વઢવાણ વિષે ખિલજી અને એનો આશિક ખુશરો એ બંને અજાણ હતાં. હવે મનમાં એ પ્રશ્ન થાય કે તો પછી કમલાદેવીનું પાત્ર કે એમનું નામ ખુશરોએ લીધું ક્યાંથી ? તો એનો પણ જવાબ હું આપી જ દઉં કે કદાચ ખુશરો એ ખીલજીનાં સૈન્ય સાથે ગુજરાત આવ્યો હોય એટલે જ એણે ભરૂચ પાસે નર્મદાની ઊંડાઈ માપી ન શકાય એટલી ઊંડી છે અને સોમનાથની વાત કરી છે. તે વખતે પાટણ તો આસાનીથી કબજે થઇ ગયું હતું તો ખુશરોને રાજા કર્ણદેવની કોક પત્ની કે સ્ત્રીઓ એમની કૃતિ માટે ગમી ગઈ હોય અથવા ખિલજીએ કરેલી લૂંટમાં એવીકોઈ હસ્તપ્રત કે ઉલ્લેખ હાથમાં આવ્યો હોય જેમાં ખાલી આ નામનો જ ઉલ્લેખ થયેલો હોય જોઈ તો કોઈએ જ ના હોય એવું બને ! લોકો દ્વારા સાંભળેલું પણ હોય કે મેરુતુંગ પાસેથી આ કૃતિનો પ્લોટ પણ તેમણે લીધો હોય એવું બની શકે છે કદાચ. બધાં જ નાસી ગયાં અને એમાં માધવ પણ માર્યો ગયો તો પછી અ મેરુતુંગ કેમનો બચી ગયો હતો? કે પછી તે વઢવાણની બહાર જ નહોતો નીકળ્યો કે શું ? એમણે આપેલી બીજી વિગતો ઘણી સાચી પણ છે પણ કામ્લાદેવીની તો નહીં જ. એનો એક જ જવાબ છે કે — કમલાદેવીને ઇતિહાસની અનુમતિ નથી જ મળેલી. શું મેરુતુંગ કે શું ખુશરો બધાં એ આ નામનો ખાલી ઉપયોગ જ કર્યો છે .
➡ મેરુતુંગે માધવની પત્નીનું હરણ કર્યું અને ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવાં નિમંત્ર્યો એટલી જ વાત કરી છે. ક્મલાદેવીનાં નામનો ઉલ્લેખ કૌલાદેવી તરીકે તો ખુશરોએ જ કર્યો છે. ખુશરોએ જ વાતમાં મોણ વધારે નાંખ્યું છે. ગુજરાત પર આક્રમણની તારીખો બધે જ ખોટી અપાયેલી છે. કમલાદેવી ખિલજી સાથે લગ્ન કરી લે છે એ વાત પણ ખોટી. ક્મલાદેવી ૮ વરસ પછી દેવલદેવીની માંગણી કરે છે એ વાત પણ ખોટી. દેવલદેવી કર્ણદેવથી વિખુટી પડી ગઈ હતી એ વાત પણ ખોટી. દેવલદેવીને પ્રેમ થયો હતો ખિજ્રખાન સાથે એ વાત પણ ખોટો અને એને લગ્ન કર્યા હતાં ખિજ્રખાન સાથે એ વાત પણ ખોટી . ખિલજીએ બીજું આક્રમણ કરેલું એ વાત પણ ખોટી જ ઠરે છે આનાથી. અંત પણ ન્યાયિક નથી જ એ માત્ર મુસ્લિમ હોવાનો પુરાવો માત્ર બની રહ્યું છે. કોઈ પણ રાજપૂત કન્યા એ શટલકોક નથી કે એને આમતેમ ફંગોળી શકાય. રાજપૂત નારી એ છે તો આખરે રાજપૂત જ ને ! રાજપૂત એક સ્વમાની જાતિ છે એ વાત ખુશરોને ખ્યાલ ના હોય એ સ્વાભાવિક છે. પણ એમને કરેલી ગુસ્તાખી હજી પણ આપણો પીછો નથી જ છોડતી ને ! ક્મલાદેવીની બધી સાલવારી ખોટી જ આપી છે આ ખુશરો એ. એક વાત કહું આ ખિલજીના સમયમાં જ કેમ બધી રાણીઓની વાત અસ્તિત્વમાં આવી પહેલાં ક્મલાદેવી પછી જત્યપાલદેવી પછી પદ્માવતી અને રણથંભોરની રાણી આ પહેલાં તો ક્યાં રાજા થયાં હતાં અને એમને કઈ અને કેટલી પત્નીઓ હતી એની પણ કોઈને ખબર નથી જ તો પછી આ સમયગાળા દરમિયાન જ કેમ ફૂટી નીકળી ? ચિત્તોડ અને રણથંભોરની વાત તો ખુશરોએ કરી જ નથી તો પછી એમની કલમ કેમ ગુજરાત પર જ ઝુકી. તો એનો સીધો જવાબ છે ગુજરાત પર ખિલજીની આસાન જીત અને ગુજરાતની સમૃદ્ધિ અને જાહોજલાલી જેનાથી ખુશરો અભિભૂત થઇ ગયાં હતાં. જે પહેલું હોય એને જ કૃતિમાં ઢાળવું સહેલું પડે એ તો સ્પષ્ટ જ વાત છે,
➡ એ કૃતિ એ કૃતિ જ છે એને એજ રીતે મૂલવાય એને ઈતિહાસ સાથે ના સંકળાય. એક ઉલ્લેખ ઇતિહાસનો કેવો દાટ વાલે છે એનો આ ઉત્તમ નમુનો છે . આવું બીજે પણ થવાનું જ છે એનાથી ખુશરો અજાણ જ હતાં. ટૂંકમાં…… આ ક્મલાદેવી અને દેવલદેવી ઇતિહાસમાં થયાં જ ન્હોતાં. ધેટ સ ઓલ !
➡ રાજા કર્ણદેવની આસપાસ ફરતી ઘટનાઓમાં રાજા કર્ણદેવની વાત તો ભુલાઈ જ જાય છે જાણે ! તો એજ વાત કરી આ વાતનું સમાપન કરીએ હવે !રાજા કર્ણદેવ વાઘેલાનો હું બચાવ કરું તે પહેલાં કેટલીક વાતો બધાંએ જાણી લેવી જ જોઈએ.
➡ અલાઉદ્દીન ખિલજી ઘણો જ શક્તિશાળી અને પરાક્રમી શાસક હતો, પણ તે ક્રૂર અને ધર્મઝનૂની હતો અને હિન્દુઓની વિરુદ્ધ હતો. એ કટ્ટરવાદી મુસ્લિમ હતો એક રીતે તે માનસિક અતંકવાદી જ હતો. ખબર નહીં કેમ તેણે ભારતમાં એટલી બધી સફળતા મળી તે. સામનો તો બધે જ થયો હતો પણ એમાં આપની એકતા નહોતી એ જ કારણ સામે આવીને ઉભું રહ્યું અને આપણને નડયું. નડયું તે છેક પછીના ૬૦૦ વરસ સુધી નડયું. આ જ વખતે જો બધાં એ ભેગાં થઈને સામનો કર્યો હોત તો આજે આપણે આવાં દિવસો ના જ પડત. ખિલજી એક કુટનીતિજ્ઞ હતો એજ બધે કામ આવી એ માણસોને લાલચો આપી ફોડતો રહ્યો અને ભારતમાં જીત મેળવતો રહ્યો. ભાઈ કાગડા તો બધે જ કાળા એમાં દોષનો ટોપલો કોઈ એકનાં માથે ઢોળવાનો શો ફાયદો ? ખિલજી સમગ્ર ભારતમાં પોતાની સત્તા જમાવવાની મહત્વાકાંક્ષા રાખતો હતો. એનાં વીસ વરસના શાસનકાળ દરમિયાન મંગોલોએ હિંદ પર અવારનવાર હુમલાઓ કર્યા છતાં ખિલજીએ હિન્દુસ્તાનનાં બળવાન ગણાતાં રાજ્યો ગુજરાત, રણથંભોર, માળવા, ચિત્તોડ, ઝાલોર ,સીરવાન વગરે જીત્યાં એટલું જ નહીં પણ દક્ષિણમાં છેક દેવગિરિ વારંગલ,વગરે કબજે કરી તેનાં સરદાર મલિક કાફૂરે રામેશ્વર સુધી સત્તા જમાવવાનો પ્રયાસ કર્યો. આધ્લ્ક દ્રવ્ય તેની પાસે આવ્યું. કંઈ કેટલાંય રાજાઓ લડયા, કેટલાંય મરાયા. કેટલાંકે ખંડણી આપી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. ગુજરાતની જેમ માળવામાં પણ દિલ્હીની સુબાગીરી સ્થપાઈ. ત્યાર પછી ધીરે ધીરે મહરાષ્ટ્ર અને ખાનદેશ પણ સંપૂર્ણ રીતે મુસ્લિમ અમલ હેઠળ આવી ગયાં.
➡ ગુજરાતના ચૌલુક્યો મેવાડ અને મારવાડના રાજપૂતોની માફક સત્તા જાળવી શક્યાં નહીં અને માળવાના પ્ર્મારો અને મહરાષ્ટ્રનાં યાદવોની માફક સત્તા ગુમાવી બેઠાં તેમાં રાજા કર્ણદેવની નિર્બળતા કે મહામાત્ય માધવનું વૈમનસ્ય જવાબદાર ના ગણાય. પણ હિંદુ રાજાઓનો અંદરોઅંદરનો કુસંપ, વંશ પરંપરાથી ઉતરી આવતી વેરવૃત્તિ, તદ્દન નિમ્ન કક્ષાની લશ્કરી વ્યવસ્થા અને પ્રજાની અસલામતી વગેરે કારણભૂત છે. કંઈ કેટલાંય રાજવીઓ મુસ્લિમો સામે પોતાની પુરતી તાકાતથી લડવાં છતાં સંપ, દૂરંદેશી અને મુત્સદ્દીગીરીનાં અભાવે એમાંના અનેક મુસ્લિમો સામે નિષ્ફળ નીવડયા. ગુજરાતના ઇતિહાસમાં એ નિષ્ફળતા તેમ જ અપયશ વાઘેલા રાજવી કર્ણદેવણે મળ્યો અને ગુજરાતમાંથી આમ રાજપૂત વંશનો સફાયો થઇ ગયો સદાયને માટે !
➡ ટૂંકમાં મુલરાજ સોલંકી, ભીમદેવ સોલંકી પ્રથમ, કર્ણદેવ સોલંકી, મહારાજ સિદ્ધરાજ જયસિંહ , કુમારપાળ , વીસલદેવ, સરન્ગ્દેવ જેવાં પરાક્રમી રાજવીઓના સમયમાં ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી હતી અને જે સમૃદ્ધિ મેળવી હતી , જે વિકાસ સાધ્યો હતો શિલ્પસ્થાપત્યનાં ક્ષેત્ર અને વેપારધંધામાં તેનો કમનસીબે વાઘેલા રાજવી કર્ણદેવનાં સમયમાં સંપૂર્ણપણે નાશ થયો સાથે સાથે સોલંકી કુળની વાઘેલા શાખાનો પણ અંત આવ્યો !
➡ હવે જ સમય આવ્યો છે રાજા કર્ણદેવ વાઘેલાનો બચાવ કરવાનો ….. રાજા કર્ણદેવને લંપટ કોણે કહ્યો ? ઇતિહાસમાં થયેલાં સાહિત્યિક ઉલ્લેખોએ જ ને ? ઇતિહાસમાં કોઈ પણ રાજાની વાત જયારે કરતાં હોઈએ ત્યારે તેમનાં કુટુંબની વાતો આપણે અવશ્ય જ કરતાં હોઈએ છીએ. આમાં તો એમનાં પિતા સિવાય બીજું કશું મળતું જ નથી. એમાંય તે રાજા કર્ણદેવનાં પિતાનાં રાજ્યકાળ અને એમનાં આકસ્મિક મૃત્યુ માટે પણ મતમતાંતર જ પ્રવર્તે છે સર્વ જગ્યાઓએ. એ રાજા થયાં જ હતાં કે નહીં તે વિષે કોઈ જ ચોક્કસપણે કહી શકતું જ નથી. એવુંજ એમનાં પુત્ર રાજા કર્ણદેવ વાઘેલાની બાબતમાં પણ બન્યું છે.એમાં રાજા સારંગદેવ વિષે પણ ઠોસ માહિતી તો પ્રાપ્ત થતી જ નથી. રાજા સારંગદેવ એ રાજા કર્ણદેવનાં કાકા થાય. એક રીતે જોવાં જઈએ તો આ આખાં કુટુંબ વિષે કોઈજ સરખી માહિતી ઉપલબ્ધ નથી થતી એ હકીકત છે. એમાં રાજા કર્ણદેવના પત્ની અને પુત્રીનાં નામો જે ઇતિહાસે તો આપ્યાં જ નથી કે નથી આપ્યાં સમકાલીન સાહિત્યકારોએ તો એને જ પરમ સત્ય કઈ રીતે માની લેવાય. રાજા કર્ણદેવનાં પત્ની અને પુત્રીના નામો તો કપોળકલ્પિત છે જેનાં નામે આજે નવલકથાવાળા ચરી ખાય છે તે જ સ્તો. ચલો એ નામો ના હોય તો પણ કશો વાંધો નહોતો પણ રાજા કર્ણદેવે રાજપૂત થઈને સામનો કર્યા વગર દક્ષિણ દિશામાં દોટ મૂકી હતી એવી વાતો કોણે કરી ? આ સાહિત્યએ જ ને ! જે રાજા બે વર્ષથી પાટણની ધુરા સંભાળતો હોય અને એની પહેલાં યુવરાજ પદે અનેક કારનામાઓ કરી ચુક્યો હોય એ શું બિલકુલ સામનો કર્યા વગર પાટણને અને ગુજરાતને મુસ્લિમોનાં હાથમાં જવાદે ખરો ! નહીં ને તો પછી આવી ધડમાથા વગરની વાતો ફેલાવવાનો શું અર્થ ? નિષ્ફળતા એ કોરોના જેવી હોય છે જેનો ચેપ જલ્દીથી જ બધાંને લાગી જતો હોય છે. ઇતિહાસમાં એવાં ઘણાં દાખલા છે કે નિષ્ફળતાનું રોદણું રડયા કરવાનો કોઈ જ અર્થ નથી સરતો. મહાદજી સિંધિયા આનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પણ એ ઘણાં પછીથી થયાં છે. યુધ્ધમાં તો ઘણાં રાજપૂતો હાર્યા છે આમતો બધાં જ હાર્યા છે પણ તેમણે દુશ્મનોને બહુ હંફાવ્યા હતાં. ઘણાયુદ્ધો જીત્યાં હોય પહેલીવાર પણ બીજી વાર હાર્યા હોય એનાં દ્રષ્ટાંત બીજે શોધવાં જવાની જરૂર જ નથી આપણા ગુજરાતના ઇતિહાસમાં પણ એક વાર આવું બની જ ચુક્યું છે. ગુજરાતે કોઈ જ નિર્ણાયક યુદ્ધો લડયા જ નથી પછી જીતવાની તો ક્યાં વાત જ આવી વચ્ચે ? તેમ છતાં ગુજરતમાં વસતાં રાજપૂતોએ અને ગુજરાતના સત્તાધીશ રજપૂતોએ મુસ્લિમો કે અન્ય આક્રમણોનો સામનો તો કર્યો જ છે. માળવા સાથે યુદ્ધો થયાં હતાં ગુજરાતને જે પણ ખાલી ઉલ્લેખિત જ છે મેવાડ પર હુમલા કર્યા હતાં તે પણ સમકાલીન સાહિત્યની જ દેન છે અને શાકંભરી ચાહમાનો પરનાં આક્રમણો પણ સાહિત્યની જ દેન છે. ગુજરાતના નકશામાં માત્ર ખિલજીનાં આક્રમણ પછી કચ્છ સિવાયનો પ્રદેશ એ ખીલજીના તાબામાં આવી ગયો હતો તે ખિલજીવંશ વખતે દર્શાવાય છે તો પછી સોલંકી યુગનાં સુવર્ણકાળ વખતે કેમ નહિ અને રાજા કર્ણદેવના સમયમાં કેમ નહીં . ક્યાંકને ક્યાંક તો કશું ખોટું થયેલું જ છે જેનો વાંધો મૂળમાંથી જ છે એમાં એકલાં કર્ણદેવનો વાંક કાઢી શક્ય જ નહીં કે દોષનો ટોપલો એકલાં કર્ણદેવ વાઘેલા પર ઢોળી શકાય તેમ જ નથી. ગુજરાતને લૂંટવામાં તો ત્યાર પછી ઘણાં રાજાઓએ ભાગ ભજવ્યો હતો એમાં મેવાડી રાણાઓ મુખ્ય હતાં.સોલંકીયુગમાં તેના અંત સમયે રાજા ભીમદેવ સોલંકીએ ઘણા યુદ્ધો હાર્યા છતાં તેમાં પણ મહાન પૃથ્વીરાજનાં હાથે હાર્યા છતાં અને ક્રૂર અને ઘાતકી ઐબકનાં આક્રમણ પછી પણ તેમણે સત્તા ટકાવી રાખી જ હતી. તો સવાલ એ પેદા થાય છે કે તો આ વખતે કેમ નહીં ? અરે ભાઈ ઇસવીસન ૧૨૯૯માં હાર્યા છતાં રાજા કર્ણદેવ ઈસવીસન ૧૩૦૫ સુધી સત્તા ટકાવી શક્યાં હતાં પણ તે અમુક જ ભાગમાં તે પછી ખિલજીએ કોક રીતે એ પ્રદેશો રાજા કર્ણદેવના અવસાન પછી પાછાં મેળવી દીધાં હતાં. ખિલજીનાં બીજાં આક્રમણણે તો હું પણ નકરું જ છું. પહેલી વખતની કારમી હાર છતાં રાજા કર્ણદેવ વાઘેલાનું નસીબ કામ કરી ગયું હતું. પણ તેમનું શું થયું પહેલી હાર પછી અને તેઓ કઈ રીતે સત્તા પર આવ્યાં તે તો કોઈને પણ ખબર નથી જ પણ આવ્યાં એ હકીકત તો છે ને ! આને એક સફળ રાજા જ કહેવાય કે નહીં. બીજાં કોઈ રાજા હોય તો તેઓ નાસીપાસ થઇજાય ફરી પાછાં સત્તા ઉપર આવે જ નહીં અને આવ્યા પછી ૪-૫ વરસ તો ટકે જ નહીં હા આમાં રાજા ભીમદેવ બીજાંણે અપવાદ ગણવાં. પણ ભીમદેવ બીજાંના સમયે એલ લૂંટનો જ હેતુ સત્તાની મહેચ્છા નહોતી તેમ છતાં પણ રાજા કર્ણદેવે ગુજરાતની ધુરા સાંભળી હતી. આ એક સારાં રાજાની નિશાની જ ગણાય. ના નડી એમની કહેવાતી લંપટતા કે ના નડી એમની અણઆવડત. આ બધું જ એ માત્ર સાહિત્યની જ દેન છે. રાજા કર્ણદેવની પછીની વિગતો અને અને એમનું અવસાન કેવી રીતે થયું તે તો હજી પણ અધ્યાહાર જ છે. એ કેવી રીતે હાર્યા તે પણ કોઈ જણાવતું નથી એ લડયા કે નહીં એ પણ કોઈ જ જણાવતું નથી. કારણ કે સમકાલીન સાહિત્યને તો માત્ર રસ છે માધવની પત્નીનાં રાજા કર્ણદેવ દ્વારા થયેલાં હરણમાં જ. આમાં અનુશ્રુતિઓ અને ભાટ-ચારણોની વાર્તાઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. રાજા કર્ણદેવ વિષે પુરતી વિગતો પ્રાપ્ત ના થાય એમાં વાંક સમકાલીન અને ધર્મઝનૂની મુસ્લિમ સાહિત્યકારોનો જ વાંક ગણાય રાજા કર્ણદેવનો નહી જ ! રાજાના અંગત જીવનમાં ડોકિયું કરતાં પહેલાં એ કેવી રીતે હાર્યા એનું યોગ્ય તારણ આપવું અત્યંત આવશ્યક છે. રાજા એ રાજા જ છે અને એ મરે ત્યારે એ રાજા જ હોય ભલે ને હારેલાં કેમ ના હોય !
➡ બાય ધ વે આ લંપટતા એટલે શું ? જે પાત્ર થયું જ નથી અને જેને વિષે કોઈને કશી ખબર જ નથી એનાં માત્ર એક વાક્યના ઉલ્લેખથી એ કઈ લંપટતા સાબિત નથી જ થતી . એના કોઈ પ્રમાણો તો મળવાં જોઈએ ને. આખા ગુજરાતના ઇતિહાસમાં અ જ એક એવાં રાજા છે જેમનાં વિષે કોઈ જ કશું સરખી રીતે જાણતું નથી. પહેલાં યોગ્ય જાણકારી તો આપો પછી જ કોઈ અનુમાન બાંધો. હારના કારણો વિગતે તપાસવાની જરૂર ખરી ! આ એક રાજાની હાર નથી , આ એક વંશની હાર નથી , આ સમગ્ર ગુજરાતના અસ્તિત્વની હાર છે. ઈતિહાસ હજી સુધી એ સાબિત નથી કરી શક્યો કે રાજા કર્ણદેવની હાર કઈ રીતે અને ક્યાં થઇ તે. જો કે એક વાત તો સત્ય છે કે રાજા કર્ણદેવ વાઘેલાની કારમી હાર ઇસવીસન ૧૨૯૯માં થઇ હતી અને વાઘેલાવંશનો અને ગુજરાતમાંથી રાજપૂતયુગનો અંત આવ્યો હતો. આ એક જ વાતને ઈતિહાસકારો ગોળગોળ ફેરવીને સૈકાઓ વિત્યાં હોવાં છતાં કર્યા જ કરે છે. એ હાર પરથી ધડો લેવાનો હતો ભારતીય- ગુજરાતી પ્રજાએ. પણ નહીં ગુજરતઅને ભારતે તો હારમાળા સર્જી દીધી હતી ઈતિહાસ એની સાક્ષી પુરાવે છે.
➡ સાહિત્યકારોનું પણ એ કર્તવ્ય બને છે કે ભલે હાર તો હાર એનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવું જોઈએ .સમકાલીન નહીં તો એની પછી થયેલાં સાહિત્યકારોએ. રાજા કર્ણદેવની બાબતમાં તે સમયગાળા દરમિયાન નહીં તો એ પછીના સમયમાં આ હારનું પૃથક્કરણ અવશ્ય થવું જોઈતું હતું પણ એમને તો ગલગલીયા પેદા કરે એવી વાર્તાઓમાં જ રસ હતો જે પૂરી પાડી આ ક્મલાદેવી અને દેવલદેવીનાં પાત્રે એમાં જ તેઓ રાજા કર્ણદેવ સહિત સર્વેને અન્યાય કરી બેઠાં. આમાં રાજા કર્ણદેવનો વાંક એટલો જ કે તેઓ ગુજરાતને ના બચાવી શક્યાં. ત્યાર પછી પણ ક્યાં ગુજરાત બચ્યું હતું તે ! આ તો મહન ચક્રવર્તિ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હોય નહિ અને ગુજરાતમાં પેશ્વોનું શાસન સ્થપાય નહીં. એ શાસનમાં પણ કેટલાંક રાજાઓ આડા જરૂર ફાટ્યાં હતાં એટલે જ વિશ્વવિખ્યાત શાસક સમ્રાટ બાજીરાવ પેશ્વાએ ગુજરાતને એક કર્યું હતું તે સમયના રજવાડાઓનાં રાજવીઓને હરાવીને અને સોમનાથને ભયમુક્ત કર્યું હતું મોગલોથી. ગુજરાતને જ્યાં રાજા કર્ણદેવ વાઘેલાની જ કદર નથી તે શું ખાખ શિવાજી મહારાજ કે બાજીરાવ પેશ્વાની કદર કરવાનાં હતાં ? ઈતિહાસ એક ફોર્મેટ પર આધારિત હોય છે. જેમ કે -કૌટુંબિક વિગતો, તેમનાં મંત્રીઓ, તેમના સમયમાં બંધાયેલા યાદગાર શિલ્પ-સ્થાપત્યો , તેમણે કરેલાં યુધ્ધો અને તેમનો અંત. આબધી બાબતોમાં રાજા કર્ણદેવ વાઘેલાની બાબતમાં આપણી સમક્ષ પહોંચાડવામાં તેઓ સદંતર નિષ્ફળ નિવડયાં છે. એક ટીપ આપું છું એનાં પરથી સૌ સાનમાં સમજી જજો. ગુજરાતમાં માત્ર કેમ માત્ર શિવલિંગો કે શૈવધર્મી રાજાઓનાં જ દેવસ્થાનો તૂટ્યા જ્યાં આખું ગુજરાત તહસનહસ થઇ ગયું હતું ત્યારે ગુજરાતમાં બીજાં ધર્મના દેવસ્થાનોનો વિકાસ પુષ્કળ પ્રમાણમાં થયો હોવાં છતાં તેમનાં દેવસ્થાનોને ઉની આંચ સુધ્ધાં પણ નથી આવી. આમાં હું ઇસ્લામ ધર્મની વાત એટલાં માટે નથી કરતો કે અ બધાંનાં કર્તા-હર્તા તો તેઓ જ હતાં. મારો મોઘમ ઈશારો તમે સમજી જ ગયાં હશો જેનો પડઘો એ સમકાલીન સાહિત્યમાં પણ પડેલો દેખાય છે. ખોટું આજ છે જે લખાયું તે અને જે ખોટું અત્યાર સુધી આપણને ભણાવાયું તે. હવે તમે નક્કી કરજો કે ખરેખર વાંકમાં કોણ છે તે . રાજા કર્ણદેવ – ઈતિહાસ કે સમકાલીન સાહિત્ય ! મેં જે કસમ ખાધી હતી કે હું રાજા કર્ણદેવ વાઘેલાનો હારને બાદ કરતાં હું બચાવ જરૂર કરીશ. રાજા કર્ણદેવ વાઘેલાનાં આત્માએ પણ મને કહ્યું હતું કે — હું હાર્યો જરૂર છું એનું મને દુખ છે પણ હું હાર્યો એના કરતાં ખરાબ વધુ ચીતરાયો એનું મને દુખ છે. હું હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું પણ સાથે સાથે બીજાં લાગેલાં કલંકોનો ભાર લઈને અશ્વત્થામાની જેમ ભટક્યા પણ નથી કરવાં માંગતો. આ નગ્નસત્ય તમે લોકો સમક્ષ લાવજો .” જે પ્રતિજ્ઞા મેં પૂર્ણ કરી છે. છતાં તે સ્વીકારવાની જવાબદારી આખરે તો તમારી જ છે.
✔ અસાઈત ઠાકર –
➡ એક વાત કરવાની રહી ગઈ હતી કે રાજા કર્ણદેવના સમયમાં જયારે અલ્લાઉદ્દીન ખિલજીનું આક્રમણ થયું હતું ત્યારે આ સમયે પાટણમાં એક બ્રાહ્મણ ભાઈ અસાઈત ઠાકર પણ ત્યાં હયાત હતાં. તેમનાં વિશેની કથાઓનો આપણે અહીં ઉલ્લેખ બિલકુલ નથી કરતાં પણ તેમણે આ કુખ્યાત ખીલજીના સૈન્ય સામે પાટણની દીકરીઓની લાજ બચવવા પોતાનો ધર્મ ભ્રષ્ટ કર્યો હતો એવું કહેવાય છે. પણ પછી તેમને બાજુના ગામવાળાએ આશરો આપ્યો હતો અને ત્યાં તેમણે પોતાનાં ૩ સંતાનો સાથે ભવાઈ મંડળીની સ્થાપના કરી હતી.આમ એ સમયમાં ગુજરાતના પ્રસિદ્ધ એક લોકનાટ્ય પ્રકાર “ભવાઈ”નો જન્મ થયો હતો. અસાઈત ઠાકરનો સમયગાળો રાજા કર્ણદેવ વાઘેલાનો જ છે પણ એમાંથી લોકવાયકાઓની બાદબાકી થવી જોઈએ. અસાઈત ઠાકર જ “ભવાઈ”નો પિતા છે એટલું જ યાદ રાખવું જોઈએ.
➡ અસાઈત ઠાકરે લોકોનું મનોરંજન થાય અને એકનો એક વેશ દરરોજ ન ભજવવો પડે તે માટે ૩૬૦ જેટલાં વેશની રચના કરી. જેમાં સૌથી જુનો એટલે કે સૌપ્રથમ ભજવાયેલો વેશ એ રામદેવપીરનો વેશ છે.
✔ અસાઈત ઠાકરના જાણીતાં ભવાઈ વેશો –
✅ [૧] રામદેવપીરનો વેશ
✅ [૨] ઝંડા ઝૂલણનો વેશ
✅ [૩] મણીબા સતીનો વેશ
✅ [૪] પતઈ રાવળ
✅ [૫] મિંયાબીબીનો વેશ
✅ [૬] કાન-ગોપીનો વેશ
✅ [૭] છેલબટાઉ
✅ [૮] વિકો સિસોદિયાનો વેશ
✅ [૯] કજોડાનો વેશ
✅ [૧૦] સધરા જેસંગનો વેશ
✔ હવે છેલ્લો મુદ્દો વાઘેલા વંશના વંશજો કે રાજા કર્ણદેવ પછીની વાઘેલા શાખાઓ –
➡ રાજા કર્ણદેવ પછીના વાઘેલાઓ વિષે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાતમાં આ ખરાબ સમય વીતી ગયાં પછી પણ વાઘેલા કુળના કેટલાંક રાજવંશ સત્તારૂઢ રહ્યા હતાં. વિક્રમ સંવત ૧૫૫૫નાં અડલજનાં લેખ પરથી જણાય છે કે દંડાહીમાં મહમદ બેગડાના સમયમાં વાઘેલાકુળનો રાજવી સત્તા પર હતો. માણસની વાવમાં આવેલાં વિક્રમ સંવત ૧૫૮૨નાં લેખ પરથી જણાય છે કે — એ સમયે દંડાહીમ પંથકમાં વાઘેલા કુળનો રાજવી સત્તા ઉપર હતો. શ્રી ઈન્દ્રજીનાં મત અનુસાર ગુજરાતનાં મોટાં ભાગનાં શહેરો રાજા કર્ણદેવ પછી મુસ્લિમોએ કબજે કર્યા હોવાં છતાં પણ સાબરમતીનાં પશ્ચિમ કિનારે વાઘેલાઓની એક શાખા અસ્તિત્વ ધરાવતી હતી. બીજી એક શાખા પોશીનાથી મહી નદી આગળ આવેલ વીરપુર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. શ્રી કૃ ગો ભટ્ટ જણાવે છે કે આ સમય પછી પણ ગુજરાતમાં વાઘેલાઓની જુદી જુદી જેવી કે ભીલડીઆ, કાવીઠીઆ, બોળીઆ, કોલટા, ભૂરખીઆ, દુમાલીઆ, ગાંગડીઆ, મેમરીઆ, ઢેઢાવીઆ, સીમજીઆ, ચલોડીઆ, ભોયણીઆ, લેખંભીઆ, શેલીઆ, ગોરજીઆ, મોરીઆ, વીરપર, ઝનંદ, કૌકા, સાથળ, કેરાળીઆ, કોઠીઆ, ઉતેળીઆ, અગોલા, રૂપાલા અને વાઘેલા વગેરે શકો અસ્તિત્વ ધરાવતી હતી. શ્રી ઈન્દ્રજી એ આ વાત પોતે કહી છે એ માટે એમણે કોઈ આધાર આપ્યો નથી. જયારે ભટ્ટે તો આખું “વાઘેલા વૃત્તાંત”નામનું પુસ્તક લખ્યું હતું. આપણે અત્યારે વાવ પર કુદી રહ્યાં છીએ તો એના ૬૨ વરસ પહેલાં જનસત્તા દીપોત્સવી અંક જે ૧૯૬૧માં છપાયો હતો તેમાં “માણસની વાવ”નામનો વિસ્તૃત લેખ છે જેમાંથી વાઘેલા વંશના ઉલ્લેખો પ્રાપ્ત થયાં છે.
➡ એક અનુશ્રુતિ અનુસાર રત્નમાળાઅને બીજાં લેખોમાં જણાવવામાં આવ્યું છે કે — રાજા કર્ણદેવ વાઘેલાનાં બે પુત્રો સારંગદેવજી અને વરસંગ્દેવજીએ પાછળથી લડીને કડી પરગણું તાબે કર્યું હતું અને ત્યાંની કેટલીક મુસ્લિમ બેગમોણે કબજે કરી હતી. બાદશાહ પાસેથી પાંચસો ગામ મેળવી આ સાર્વેને મુક્ત કર્યા અને આમ સારંગદેવ કલોલતાલુકાના ૨૫૦ ગામોનો અને વરસંગદેવ સાણંદ તાલુકાના ૨૫૦ ગામનો માલિક બન્યાં. આ માત્ર એક વાર્તા છે અને વાસ્તવિકતા સાથે કોઈ જ સબંધ નથી એટલે જ તો આ વાતને ઇતિહાસમાં કોઈએ અનુમતિની મહોર નથી મારી. એટલે આ વાત ખોટી જ છે તે ખાલી જાણ સારું !
➡ ભૂતકાળના રેવા રાજયનાં રાજવી પણ પોતે ગુજરાતના વાઘેલા શાખાના રાજવી કર્ણદેવના વંશજ હોવાનો દાવો કરતાં હતાં. રુપાણી શર્મા નામના એક માણસે કથા સરિત્સાગરના અંતમાં આ રેવાના રાજવીના વંશાવલી આપી છે. તેમાં શરૂઆત રાજા કર્ણદેવ વાઘેલાથી કરી છે. આપછી આગળ સોહાગદેવ અને એનાં પુત્ર વીસલદેવ અને તેમનાં પુત્ર ભિલ્લમદેવનો ઉલ્લેખ આવે છે. આ ભિલ્લમદેવનો “વીરભાનુદય”નામનાં ઐતિહાસિક કાવ્યમાંથી ઉલ્લેખ મળી આવે છે.
➡ આ અનુશ્રુતિઓ ઐતિહાસિક હોવાં વિષે હાલ પુરતું પ્રમાણ ઉપલબ્ધ નથી. આવી અનુશ્રુતિઓ મોટેભાગે પાછળથી કેટલાંક રાજાઓ કે એમનાં આશ્રિત ભાટ-ચારણોએ ઉપજાવી હોવાનું ઇતિહાસમાં દેખા દે છે. આથી વાઘેલાઓને લગતી આ અનુશ્રુતિઓ પરથી કંઈ અનુમાન કરવું હોય તો એટલું જ કરી શકાય કે ચૌદમી સદી પછીના વાઘેલા વંશોમાં અણહિલવાડનાં કર્ણદેવ વાઘેલાને પોતાનાં કુળનાં પૂર્વજ તરીકે યાદ કરી પોતાનાં વંશને એની સાથે સાંકળવામાં ગૌરવ લેવાતું હતું .આ બહાને તેઓ વાઘેલા વંશને યાદ કરી લેતાં હતાં, ઇતિહાસમાં તો આવી કોઈ વાત નોંધાઈ જ નથી. વાઘેલા વંશનો અંત આવી ગયાં પછી કેટલાંકે નાનાં નાનાં પરગણામાં અને ગુજરાતમાં બીજે બધે રાજપૂતે પોતાનાં રાજ્યો જરૂર ઉભાં કરેલાં પણ પછી અહમદશાહ પછી આ બધાં રજવાડાંઓનો અને પરગણાઓનો અંત આવી ગયો હતો. પ્રબંધ સાહિત્ય ત્યાર પછી રચાતું બંધ જ થઇ ગયું . તેવું સાહિત્ય પછી છેક ઈસ્વીસન ૧૪૦૦ની આસપાસ કવિ શ્રીધર વ્યાસ દ્વારા “રણમલ છંદ” મળ્યું પછી સદંતર બંધ જ થઇ ગયું. જે શરૂઆતથી ફૂલીફાલી હતી તે અનુશ્રુતિઓ અને લોકકથાઓએ જ વધારે પડતી પ્રચલિત થઇ છે એટલે ઈતિહાસ તો દબાયેલો જ રહેલો છે એવું સહેજે કહી શકાય.
➡ આમ… વાઘેલાયુગનાં પતન પછી ગુજરાતમાં મુસ્લિમ યુગ શરુ થઇ ગયો હતો. જે ઇસવીસન ૧૪૧૪માં સંપૂર્ણપણે ગુજરાતી થઇ ગયો તે ગાયકવાડી શાસન થયું ત્યાં સુધી . આ વચ્ચે ખાસો ૪૦૦ વરસનો ગાળો છે.
✔ ઉપસંહાર –
➡ હજી કહું છું કે રાજા કર્ણદેવ એક સારાં રાજા હતાં એમની અંગતજીવનની વાતો ખોટી જ છે. એમના સમયની કોઈ ક્રમબદ્ધ માહિતી પ્રાપ્ત થતી જ નથી. જે થાય છે તે તો સાહિત્યિક કૃતિઓ જ છે. સાહિત્ય પ્રમાણે ઈતિહાસને ન મૂલવાય. બની શકે તો રજા કર્ણદેવની હાર પાછળક્યાં ક્યાં પરિબળો કારણભૂત છે તેને બહર લાવવાં પ્રયત્ન કરવો જોઈએ. આં જોવાં જઈએ તો ખિલજી વંશનું શાસન માત્ર ૩૦ વરસનું જ હતું અને વાઘેલાવંશનું શાસન ૬૦ વરસનું હતું. એમાં વઘેલા વંશનો અંત ખિલજીઓનાં અંત કરતાં ૨૦ વરસ પહેલાં આવ્યો હતો. જો ગુજરાતમાં રાજપૂતો સંપીને રહી શક્યાં હોત તો એ ૨૦ વરસ વીતી ગયાં પછી લાંબુ શાસન કરી જ શક્યાં હોત . પણ કાશ ….. તેમ બન્યું નહીં એ આપણે આપણીની જાતને જ કોસવી જોઈએ કંઈ રાજા કર્ણદેવ પર બધાં દોષો ના નાંખી દેવી જોઈએ. રાજા કર્ણદેવ શરૂઆતથી જ એકલો હતો બહુ નાનાં હતાં ત્યરે પિતાજી ગુમાવ્યા. માતા વિષે તો ક્યાંય ઉલ્લેખ જ નથી પણ એ પણ વહેલાં જ મૃત્યુ પામ્યાં હશે પ્રતાપી કાકાની છત્રછાયા નીચે મોટાં થયાં પછી કાકા પછી જયારે એમણે રાજગાદી સંભાળી ત્યારે તેમનાં કુટુંબીજનોમાંથી કોઈ જ હયાત નહોતું. સાહિત્યિક ઉલ્લેખોને કારણે એ પણ જણવા મળે છે કે એમને એમનાં મંત્રીઓનો પણ પુરતો સાથ -સહકાર નહોતો સાંપડયો. આજ વાતને લીધે એમનું પાત્રાલેખન તદ્દન હીન કક્ષાનું થઇ ગયું એમાં પણ એમની પત્ની નો સાથ એમને નહોતો મળ્યો એવું લાગે છે. પ્રજાજનોનો પણ પુરતો સાથ નહોતો પ્રાપ્ત થયો. તેમ છતાં એ એમની આવડત અને કુશળતાથી હાર્યા પછી પણ ચાર-પાંચ વરસ સુધી ગાડી પર ફરી કબજો જમાવી શક્યાં હતાં તેમાં તેમનામાં પ્રજાને વિશ્વાસ હશે તો જ ને ! અંત કેવી રીતે આવ્યો એ તો ગુજરાત શું ચિત્તોડ, માળવા, દેવગિરિ, રણથંભોર દરેકમાં કોઈ જ સ્પષ્ટ નથી . અ બધામાં ર્હારેલો રાજા અથવા એમનાં કુળના કોક વ્યક્તિઓએ રાજા સાંભળ્યું હતું એનાં દાખલાઓ છે . તેમ છતાં અ બધાં રાજ્યો ૫-૧૦ વરસના ગાળામાં ખિલજીનાં આધિપત્ય હેઠળ આવી ગયાં હતાં. શું ગુજરાત કે શું અન્ય સ્થાનો ક્યાંય પણ બીજું આક્રમણ કે યુદ્ધ ખિલજી દ્વારા થયું જ નહોતું. લોકો ખાલી ખોટાં ગુજરાતની જ વાત પર ચડી બેસતાં હોય છે. અંત તો કોઈનો પણ ખબર ના હોય તો કર્ણદેવ રાખડી-રવડણે મર્યો એ કહેવું વધારે પડતું જ છે. ખોટાં પાત્રોએ એમનાં ચારિત્ર્ય પર એક ડાઘ લગાડી દીધોજે મિટાવવો આપણા જ હાથમાં છે એ બાબતમાં કમર કસ્જો આજથી જ !
➡ કમસેકમ આ બાબતથી ગુજરાતે બોધપાઠ લીધો હોત તો એ ૨૦ વરસમાં જ ખિલજીને આંખે પાણી ગયાં હોત . જે થયું તે ખરાબ જ થયું અને એ ભૂલનો ભોગ આપણે એનાં પછી ૪૦૦ વરસ સુધી મુસ્લિમોનાં ગુલામ થઈને રહી ગયાં. રાજપૂત શાસન જરૂર સમાપ્ત થઇ ગયાં પણ આનંદ એ છે કે ભારતીય સંસ્કૃતિનો અંત નહોતો આવ્યો. રાજા કર્ણદેવ એક ઇતિહાસમાં રહસ્ય બનીને જ રહી ગયાં . એમની બધી કીર્તીઓ ભુલાઈ જ ગયાં છે. હવે સમય આવ્યો છે તો એમને યાદ કરીને સાચું શું છે એ સમજવાનો પ્રયત્ન કરજો . બીજું તો શું કહું !
➡ વાઘેલા વંશ વિશેની લેખમાળા હજી પૂરી નથી હોં
એક સરપ્રાઈઝ લેખ આપવાનો હજી બાકી છે
એ હવે પછીનાં ભાગમાં આવશે
બાકી વાઘેલાવંશના રાજાઓની વાત અહીં પૂરી થઇ ગઈ
સરપ્રાઈઝ લેખ હવે પછીના લેખમાં !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply