ઇતિહાસમાં એક નામ એવું છે કે જેનું નામ આજે પણ આપણે લઈએને તો આપણું લોહી ઉકળી જાય છે. એ અત્યંત ક્રૂર અને ઘાતકી હતો. ગુજરાતને તબાહ કરનાર પણ આજ કુખ્યાત શાસક હતો. નામ છે એનું અલ્લાઉદ્દીન ખિલજી ! આ નામ બહુ માનભેર લેવાય એવું તો નથી જ. પણ ઇતિહાસમાં કેટલીક એવી બાબતો પણ છે કે ખિલજીએ ૧૦૦માંથી ૯૯ કામો ખરાબ કર્યા હતાં પણ એક કામ સારું કર્યું હતું જે આજે કોઈને પણ ખબર નથી લાગતી. ભારત પર આક્રમણોની શરૂઆત તો ગઝની પહેલાં થઇ હતી પણ ત્યારે મુસ્લિમ ધર્મ નહોતો સ્થપાયો.
વિશ્વના ઇતિહાસ અને ભારતના ઈતિહાસ પર નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે ખિલજી કરતાં પણ વધારે ક્રૂર અને ઘાતકી આક્રમણકારો થયાં છે, તેમણે ભારતપર આક્રમણ કરવામાં કોઈ અસર નહોતી છોડી. જો કે કુખ્યાત આક્રમણકારો એ ગઝની પછી થયાં છે. જેમાં સૌ પ્રથમ નામ આવે છે ચંગીઝખાનનું. પછી આવે છે તૈમુર લંગ અને પછી આવે છે નાદિરશાહનું.
ચંગીઝખાન જયારે મૃત્યુ પામ્યો ત્યારે ભારતમાં તેનાં મૃત્યુ પછી લગભગ ૪૦ વરસે એક મુસ્લિમનો જન્મ થયો હતો. જે જન્મ્યો પણ ભારતમાં અને મૃત્યુ પણ ભારતમાં જ પામ્યો છે. જેનું વતન તો ભારત હતું જ નહીં! એ જન્મ્યો બંગાળ – બાંગ્લાદેશમાં અને મૃત્યુ પામ્યો દિલ્હીમાં. પણ એનાં જન્મથી તે મૃત્યુ સુધી તે સંપૂર્ણ ભારતીય બનીને રહ્યો હતો. અલબત્ત તે જયારે સત્તા પર આવ્યો ત્યારે તેણે ભારતનાં ઘણાં રાજવંશો સમાપ્ત કરી દીધાં હતાં. આપણે એ જ જાણીએ છીએ. પણ એ જયારે દિલ્હીમાં સુલતાન બન્યો ત્યારે તેણે ભારતની પ્રજા અને ભારત માટે શું કર્યું હતું તે કોઈને ખબર છે ખરી ? એણે લૂંટફાટ કરી, હિન્દુઓની કતલ કરી, હિંદુઓને મુસ્લિમ બનાવ્યાં અને ના બન્યાં તેને મારી નાખ્યાં, હિન્દુઓના બધાં ધર્મસ્થાનો તોડી નાંખ્યા હતાં. પ્રજાને રંજાડતો હતો પણ જો કોઈ ભારત પર આંખ ઉઠાવીને જુએ તો એ એણે છોડતો પણ નહોતો. એણે ભારતને કઈ રીતે અને કોનાથી બચાવ્યું તે જ આ લેખનો હેતુ છે!
તો એ વાત જાણી લો તમે બધાં –
ભારત પર ગઝની કરતાં પણ વધારે હુમલાઓ મોંગોલોએ કર્યાં છે, તેઓ મુસ્લિમ નહોતાં. . . . બૌદ્ધધર્મી હતાં. ઇસવીસનની ૧૩મી સદીમાં શરુઆતમાં સમગ્ર વિશ્વ પર ચંગીઝખાનના આક્રમણનો ખતરો મંડરાયેલો રહેતો હતો. ચંગીઝખાન એક એવું નામ છે કે જેણે સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો હતો તેણે ખુદે ભારતનાં કાશ્મીર પર પણ હુમલો કર્યો હતો. ત્યારે તેની એક ઈચ્છા હતી કે એ ભારત પર આક્રમણ કરે પણ એનું ધ્યાન વિશ્વ જીતવા તરફ વધારે હતું એટલે એ શક્ય નહોતું બન્યું ! આ એ સમયની જ વાત છે અને એ સદીની જ વાત છે કે જયારે મોગોલોએ ભારત પર આક્રમણ કર્યું હતું પણ ચંગીઝખાને નહીં પણ એનાં પુત્રો અને પૌત્રો દ્વારા ! ચંગીઝખાન અને એનાં વંશજો વિષે જાણવું રસપ્રદ છે અને એજ આ લેખનું મૂળ પણ એટલે થોડી જાણકારી એનાં વિષે પણ લઇ લઈએ ! એમાં અલ્લાઉદ્દીન ખિલજી વચ્ચે ક્યાંથી આવ્યો ! તો મિત્રો એનો જવાબ છે આ સમયગાળો !
ચંગીઝખાનના વંશજો પહેલાં થોડીક જાણકારી અલ્લાઉદ્દીન ખિલજી વિષે અલપઝલપ હોં બાકીની વાત આપણે કર્ણદેવ વાઘેલા વખતે કરીશું.
જયારે પણ અલ્લાઉદ્દીન ખિલજીનું નામ લેવામાં આવે છે ત્યારે માત્ર એની બર્બરતા અને અમાનવીય કૃત્યો માટે જ યાદ કરવામાં આવે છે. એનો યુદ્ધ જીતવાનો તરીકો જ એવો હતો કે ઈતિહાસ એને એક નિર્દયી શાસકનાં રૂપમાં જ યાદ રાખે છે. જે જરાય ખોટું તો નથી જ ! અલ્લાઉદ્દીન ખિલજીએ એટલાં બધાં યુદ્ધો જીત્યાં હતાં કે બધાંના નામ અહી લેવા બેસાય એમ નથી. જો કે થોડાંક નામો હું કર્ણદેવ વાઘેલામાં આપીશ ખરો. પણ મહત્વની બાબત એ છે કે એણે પોતાનાં સૈન્યબળથી એનાં ૨૦ વરસના શાસનકાળ દરમિયાન એની રણનીતિઓને કારણે યાદ કરવામાં આવે છે. આ વીસ વરસ દરમિયાન એક ખાસ ઘટના એ બનેલી છે કે — આ જ અલાઉદ્દીન ખિલજીને કારણે બહશી દરીંદા મંગોલ ભારતમાં પોતાનો કબજો નહોતાં કરી શક્યાં. એ ખિલજી જ હતો કે જેણે એક- બે નહિ પણ ૬ વાર મંગોલોને હરાવીને પાછાં ધકેલ્યાં હતાં. ત્યારે એ જાણવું અત્યંત આવશ્યક છે કે આ અત્યંત ક્રૂર મંગોલોને અલ્લાઉદ્દીન ખિલજીએ કેવી રીતે નાસાડયા તે !
મંગોલોની કાર્યપદ્ધતિ અને મંગોલોનો ઈતિહાસ
મંગોલ – મોંગોલ વંશની સ્થાપના ઇસવીસન ૧૨૦૬માં થઇ હતી. આ વર્ષને ભારત ક્યારેય ભૂલી શકે એમ નથી જ કારણકે આજ વર્ષમાં ભારતમાં ગુલામવંશની સ્થાપના કુત્બુદ્દીન ઐબકે કરી હતી. આપણે ભારતના ઈતિહાસને પ્રાધાન્ય આપવામાં તે સમયે વિશ્વમાં કઈ કઈ મહત્વની ઘટનાઓ બની હતી તે સદંતર વિસરી જઈએ છીએ. જો કે આપણે મન તો ભારત અને ભારતીય સંકૃતિ જ વધારે મહત્વની છે અને એમ જ હોય એમાં જરાય ખોટું નથી. પણ કેટલીક ઉથલપાથલો વિશ્વમાં એવી પણ થતી હતી કે જેનાં છાંટા આજે નહિ તો ભવિષ્યમાં ભારતમાં ઉડવાના જ હતાં. આ મોંગોલ રાજ્યની સ્થાપના એમની જ એક ઘટના છે. ઇસવીસન ૧૨૦૬માં મંગોલ આદિવાસીઓની એક કાઉન્સીલે સર્વસંમતિથી યોદ્ધા “તેમુજીન”ને પોતાનો નેતા ચુંટયો. જે આગળ જતાં ૪૪ વર્ષની ઉંમરમાં એણે લોકો “ચંગીઝખાન” નામથી ઓળખતાં થયાં. ચંગીઝખાન શબ્દનો અર્થ થાય છે – શક્તિશાળી !
મંગોલિયામાં જન્મનાર-રહેનાર અ મંગોલ લોકો અભણ હતાં. મંગોલોએ પહેલાં ચંગેઝ ખાનનાં નેતૃત્વમાં ઘણા બધાં વિજયો હાંસલ કર્યાં હતાં. એનાં પછી જયારે ચંગેઝ ખાનનું મૃત્યુ થઇ ગયું ત્યારે એમનાં દીકરાઓ અને પૌત્રોનાં નેતૃત્વમાં એમણે સમગ્ર વિશ્વ જીતવાની એક આગવી રણનીતિ બનાવી. ચંગેઝખાન બૌદ્ધ ધર્મી હતો ખબર નહીં એની પાછળ ખાન કેમ લગાડવામાં આવે છે તે કદાચ આ ખાન એની શક્તિને લીધે લગાડવામાં આવ્યું હશે એવું પણ બની શકે છે. આ ચંગેઝ ખાન એટલી બધી સ્ત્રીઓના સંસર્ગમાં આવ્યો હતો કે એવું કહેવાય છે કે દુનિયામાં આજે એનાં ૧ કરોડ અને ૬૦ લાખ વંશજ જીવિત છે. એટલી બધી સ્ત્રીઓને સગર્ભા બનાવવી એ કૈંક વધારે પડતું જ લાગે છે. આ વિષે ઘણું બધું કહેવાયું છે – લખાયું છે પણ આ સોશિયલ મીડિયા છે એટલે એક મર્યાદામાં રહીને માત્ર આટલું લખ્યું છે. આ ચંગેઝખાનની એક ખાસ વાત એ હતી કે એણે ઘણા બધાં મુસ્લિમ સામ્રાજ્યો નષ્ટ કર્યાં હતાં અને તેમને પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધાં હતાં. એટલાં માટે એને મુસ્લિમ સ્મ્રાજ્યના વિનાશક તરીકે ઓળખવામાં આવે છે.
એનાં પરિણામ સ્વરૂપ ચંગેઝખાને વિશ્વ ઇતિહાસમાં સૌથી મોટો ભૂ- ભાગ પોતાનાં અધીન કરવામાં સફળ રહ્યો હતો. આ ભૂ -ભાગમાં ચીન, રશિયા, પર્શિયા, ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, કાશ્મીર અને પૂર્વીય યુરોપના કેટલાંક દેશો સામેલ છે. કાશ્મીરમાં મુસ્લિમો ઘર ભાળી ગયાં હતાં તે વખતે એટલે જ ચંગેઝખાને એને ખેદાનમેદાન કર્યું હતું પણ બહુ કત્લેઆમ કે બહુ મોટો વિનાશ નહોતો કર્યો. પણ કોઈને એ ખબર નથી કે આ ચંગેઝખાન ભારત પર આક્રમણ કરતાં કરતાં રહી ગયો હતો.
એ વાત કૈંક આવી છે –
ચંગેઝખાને ઈરાનમાં જે મોટાં રાજા ખારજમ પર હુમલો કર્યો હતો એમનો પુત્ર જલાલુદ્દીનભાગીને સિંધુ નદીની ખીણ સુધી આવી ગયો હતો અને ત્યાંથી તે દિલ્હીમાં આશ્રય લેવાં આવ્યો હતો. તો એ સમયના દિલ્હીના સુલતાન ઈલ્તુમીશે આ કુખ્યાત ચંગેઝખાનથી ડરી જઈને જલાલુદ્દીનને આશ્રય આપવાનો સાફ ઇનકાર કરી દીધો. પહેલાં તો ચંગેઝખાનની એ યોજના હતી કે ભારતને ઘમરોળતો એ મધ્યભારતમાં થઈને આસામના રસ્તે મંગોલિયા પાછો ફરે. પણ દિલ્હીના સુલતાન ઈલ્તુમિશે તો તરત જ હાર માની લીધી વગર લડાઈ કર્યે અને પછી તે ગંભીર રીતે બીમાર પડયો અને એ પાછો વળી ગયો ભારત આવ્યો જ નહીં ! આમ આ રીતે ઉત્તર ભારત એક સંભવિત અને ભયાનક બરબાદીમાંથી બચી ગયું. ઈલ્તુમીશને હારવાનો ડર હમેશા રહેતો હતો આ વાતને લવણપ્રસાદ સાથે પણ સાંકળજો ! ચંગેઝખાન મરી ગયાં પછી લગભગ ૨૦૦ વરસ સુધી એનાં વંશનું શાસન રહ્યું હતું. ચંગેઝખાન પછી એની ગાદીએ આવનાર આમ તો શાંતિપ્રિય શાસકો હતાં પણ તેઓએ જે વિજયનો સ્વાદ ચાખ્યો હતો તેણે તેઓ બરકરાર રાખવાં માંગતા હતાં. એટલે કે તેઓ હજુ વધારે પ્રદેશ જીતવાં માંગતા હતાં.
મંગોલોની એ પ્રવૃત્તિ રહી છે કે એ લોકો કોઈપણ પ્રદેશમાં રાજ કરવાં માટે ન્હોતાં રોકાતાં. તેઓ એક રાજ્ય-પ્રદેશમાં પ્રવેશ કરતાં હતાં તો માટે એમણે લૂંટવા માટે જ. તેઓ જ્યાં પણ જતાં હતાં, ત્યાં મોતનું તાંડવ મચાવી દેતાં હતાં અને સમગ્ર પ્રદેશને સંપૂર્ણપણે તહસનહસ કરી નાંખતા હતાં. આ સિવાય તેઓ પણ ચંગેઝખાનની જેમ સુંદર સ્ત્રીઓને પોતાનાં હરમમાં જબરજસ્તી રાખી લેતાં હતાં. સાથે જ, સારો બાંધોવાળા અને શક્તિશાળી પુરુષોને પણ પોતાની સેનામાં શામિલ કરી લેતાં હતાં. મંગોલોનો એક નિયમ હતો કે તેઓ કોઈપણ રાજ્ય પર આક્રમણ કરતાં પહેલાં એમણે એટલે કે તેમનાં શાસકને એક ચેતવણી જરૂર આપતાં હતાં. સાથે જ, એઓ પોતાની માંગને પૂરી કરવાં માટે પણ કહેતાં હતાં.
મંગોલ “ચરવાહા” એટલે કે વણઝારા હતાં જેઓ પોતાની જીતેલી જમીન પર ક્યારેય વસવાટ નહોતાં કરતાં. એમનો ઉદ્દેશ સાફ હતો – તેઓ જે પ્રદેશોમાંથી પૈસા અને બીજી બધી વસ્તુઓ જે લૂંટતા હતાં તે કશું જ અહીં છોડી નહોતાં જતાં. જો કોઈ રાજ્ય એમની માંગોને માની લઇને જો પૂરી કરી દેતાં હતાં તેમને તેઓ કોઈપણ જાતનું નુકશાન નહોતાં પહોંચાડતા કે એમણે હાની નહોતાં પહોંચાડતાં. આની વિપરિત જો કોઈ એમની વાતને કોઈ રાજ્ય નહોતાં માનતાં, તો એ રાજયને તેઓ પૂરી રીતે નષ્ટ કરી દેતાં હતાં.
“કર્ટિને”પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે – મંગોલોનાં વિષયમાં એવું કહેવાય છે કે એ લોકો દરેક વસ્તુ બરબાદ કરી દેતાં હતાં. એ લોકો સજીવ અને નિર્જીવ કોઈને પણ બક્ષતા ન્હોતાં, જે હાથે લાગ્યું એને કાપતાં-મારતાં હતાં. આ લોકો એટલાં નિર્દયી હતાં કે જતાં-જતાં કુતરા -બિલાડાઓને પણ ન્હોતાં છોડતાં. એ માસૂમ અબોલ પ્રાણીઓને પણ મોતને ઘાટ ઉતરી દેતાં હતાં. આ મંગોલોનો કોઈ ધર્મ હતો જ નહીં. મંગોલ દેશ ઘણી બધી રીતે ધર્મનિરપેક્ષ રહ્યો હતો. આ વંશનેમાં કોઈને ધર્મ સાથે કોઈપણ જાતની લેવાદેવા હતી જ નહીં ! મંગોલોની બર્બરતા સોથી મોટું ઉદાહરણ છે એમનાં દ્વારા પર્શિયન સામ્રાજ્ય પર કરવામાં આવેલો હુમલો. આ નિર્દયી વંશે ૬૦ લાખ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ સમયે સમગ્ર વિશ્વમાં વસ્તી ૪૦૦ મિલિયન હતી. ઇસવીસન ૧૨૫૮માં મંગોલ હલાકૂ ખાને બગદાદ પર કરેલાં હુમલામાં લગભગ ૨૦૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. મુસ્લિમ સ્કોલર ઈબ્ર ઇફ્તિખારે એપણ લખ્યું છે કે – આ લોકો બાળકો, વૃધ્ધો, મહિલાઓ, બીમાર અને અપંગ લોકોને પણ મારતાં હતાં. આ લોકો ઘરો-મસ્જિદોમાં શોધી શોધીને મારતાં હતાં. આ લોકો ખૂનની નદીઓ વહાવતાં હતાં.
હવે વાત અલ્લાઉદ્દીન ખિલજીની –
ઈસવીસન ૧૨૬૬માં અલ્લાઉદ્દીન ખિલજીનો જન્મ દિલ્હીમાં થયો હતો. એણે પોતાનું સમગ્ર જીવન ભારતીય ઉપમહાદ્વીપમાં જ વિતાવ્યું હતું. એણે ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૧૬ સુધી દિલ્હીના સુલતાનનાં રૂપમાં ભારત પર રાજ્ય કર્યું હતું. એ શાસનકાળ કેવો હતો તેનાથી તો તમે સૌ કોઈ વાકેફ જ છો. પણ આ શાસનકાળ દરમિયાન એણે શું માત્ર રાજપૂતોને જ ખતમ કર્યાં છે કે ભારતમાં કે ભારત માટે કઈ કર્યું છે ખરું ? એની વિજયકૂચને ઘણાં બધાં રાજપૂતોએ પડકારી હતી પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં આખરે અંતમાં એ જ વિજયી બન્યો હતો. એની પાસે દરેક યુદ્ધ માટે એક નવી વ્યૂહ રચના હતી અને એણે પોતાની આવડત અને શક્તિમાં વિશ્વાસ હતો એટલે જ એ દરેકવખતે વિજયી નીવડતો હતો. એમાં કોઈ શક છે જ નહીં કે એ પણ ક્રૂર અને ઘાતકી જ હતો પણ એ ભારતનો સુલતાન પણ હતો. પોતે રાજકીય, ધાર્મિક અને અંગત અદાવતને કારણે જ એણે ભારતમાં વિજયો મેળવ્યાં હતાં. પણ તેની એક ખાસિયત એ પણ હતી કે જો કોઈ ભારત પર આક્રમણ કરે તો એ એને છોડતો પણ નહોતો.
હવે જે વાત કરવાં માંગુ છું અને મારો આ લેખ લખવાનો હેતુ શું છે એ જાણવા માટે તમારે ફિલ્મ “પદ્માવત”ની શરૂઆતને ખિલજીનો પ્રવેશ જોવો અત્યંત જરૂરી છે. કોઈને યાદ છે ખરું કે અલાઉદ્દીન ખિલજીનો પ્રવેશ એ મંગોલ સાથેના યુદ્ધમાં વિજયથી થાય છે. તે વખતે તે સુલતાન નહોતો બન્યો એ સુલતાન પછીથી બને છે અને ખિલ્જીના આ જ પરાક્રમથી ખુશ થઈને તે સમયના સુલતાન જલાલુદ્દીન ખિલજી અલ્લાઉદ્દીન સાથે પોતાની દીકરીના નિકાહ કરાવે છે. આ વખતે તો અલ્લાઉદ્દીન ખિલજી એ સેનાપતિ અને બાહોશ યોદ્ધો હતો. આ એવું તે કયું અને કેવું પરાક્રમ હતું અલ્લાઉદ્દીનનું કે જેનો ઉલ્લેખ “પદ્માવત”માં થયો છે. આ બાબતમાં ઈતિહાસ કે ભાઈ ભણશાલી જરાય ખોટાં નથી. એ પરાક્રમને આજે આપણે સૌ ભૂલી ગયાં છીએ અલ્લાઉદ્દીન પ્રત્યેની એક સૂગને કારણે. અલાઉદ્દીન માટે આમ તો મને કોઈ પ્રેમ-બેમ છે જ નહીં પણ આ વાત ઉપર મને અલ્લાઉદ્દીન ખિલજી માટે માન અવશ્ય થયું છે. જેના નામ માત્રથી સમગ્ર વિશ્વની પ્રજા થરથર કાંપતી હતી – ધ્રુજતી હતી તેની સાથે અલ્લાઉદ્દીન ખિલજીએ બાથ ભીડી હતી અને એમાં એ વિજયી થયો હતો એક વાર નહીં ૬ વાર ! એ વાત તો તમારે સૌએ જાણવી જ જોઈએ અને સ્વીકારવી પણ જોઈએ ! જયારે મંગોલોએ ભારત પર આક્રમણ કર્યું ત્યરે ભારતમાં એક અત્યંત શક્તિશાળી શાસક અલ્લાઉદ્દીન ખિલજીનું શાસન હતું. આજ વાત પર સમગ્ર ભારતીયોએ ગૌરવ લેવું જોઈએ! એક કુશળ શાસક તરીકે જોવાં જઈએ તો ખિલજી એક બહેતરીન યોદ્ધો હોવાની સાથે એક સફળ રણનીતિકાર પણ હતો. જેની પાસે એક વિશાળ અને કુશળ સેના મૌજુદ હતી.
ખિલજીએ જયારે પ્રથમવાર મોંગોલોને પરાસ્ત કર્યાં ત્યારે તે માત્ર સરસેનાપતિ હતો દિલ્હીનો સુલતાન નહિ. આ પ્રથમ વિજય પછી જ અલ્લાઉદ્દીન જલાલુદ્દીનની હત્યા કરી દિલ્હીનો સુલતાન બને છે. ફરી એક વાર કહું છું કે ફિલ્મ “પદ્માવત”ધ્યાનપૂર્વક જોજો ! પોતાનાં જ કાકા જલાલુદ્દીનની હત્યા કરી એણે ગાદી મેળવી હતી. આ પછી જ એણે બહુ જ તીવ્રતાથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનું શરુ કરી દીધું હતું. આનાં જ અનુસંધાનમાં એણે ઘણા બધાં હિંદુરાજાઓનાં પ્રશાસિત રાજ્યો પર પોતાનું અધિપત્ય સ્થાપિત કરી લીધું હતું. જેમાં ગુજરાત સહિત પાંડય સમ્રાજ્ય, જાલૌર, રણથંભોર, આદિ શામિલ છે. ખ્યાલ રહે કે એ ચિત્તોડ પર પોતાનું આધિપત્ય નહોતો જમાવી શક્યો !
જયારે ભારતમાં ખિલજીનું શાસન હતું એ સમયે મંગોલોએ હુમલો કર્યો. ચગતાઈ ખાન મંગોલ અંતર્ગત દુવાખાને ભારતીય ઉપમહાદ્વીપ પર હુમલો કરવાની કોશિશ કરી. જો કે આ પહેલાં પણ હુમલો કરવાની ઘણી કોશિશો થઇ જ ચુકી હતી. આ પહેલીવાર એવું બન્યું કે મંગોલોએ આટલા બધાં મોટાં સ્તરે હુમલો કર્યો હતો એટલા માટે એ મહત્વપૂર્ણ બન્યો હતો.
લગભગ બધાં જ ઈતિહાસકારોએ કહ્યું છે કે – ભારતનું નસીબ સારું હતું કે મંગોલોએ એ સમયે સૌથી મોટો હુમલો કર્યો, જયારે અલ્લાઉદ્દીન જેવો શક્તિશાળી યોદ્ધો ભારત પર રાજ કરી રહ્યો હતો.
ખિલજીએ માત્ર એક જ વાર નહીં પણ છ-છ વાર મંગોલોને ભારત પર આક્રમણ કરતાં રોક્યા હતાં. મંગોલોએ પહેલી વખત ઇસવીસન ૧૨૯૮માં એક મોટાં હુમલાની કોશિશ કરી. આ હુમલો એટલો બધો મોટો હતો કે એમાં એમણે એક લાખ ઘોડાઓનો ઇસ્તેમાલ કર્યો હતો. ઘોડાઓને વિશેષ તાલીમ આપી તૈયાર કરવાનું કાર્ય તો ચંગેઝખાનથી જ શરુ થઇ ગયું હતું. એમણે કરેલાં હુમલામાં આ ઘોડાઓ જ મહત્વના હતાં કારણકે મંગોલો ઝડપમાં માનતાં હતાં. એક ઘોડો ઘવાય કે મરાય તો તરત જ બીજો ઘોડો ત્યાં પહોંચાડી દેવાતો હતો. આ ઈસ્વીસન ૧૨૯૮ યાદ રાખજો મિત્રો આજ વર્ષ ગુજરાત માટે ખતરો બનવાનું છે. આજ એક એવું વર્ષ છે જયારે ગુજરાતમાંથી રાજપૂતયુગ સમાપ્ત થઇ ગયો હતો ! જો કે આ વર્ષ માટે મતમતાંતર જરૂર છે પણ એની વાત એ વખતે ! આના જવાબમાં અલ્લાઉદ્દીને પોતાનાં ભાઈ ઉલુગખાન અને સેનાપતિ જફર ખાનનાં નેતૃત્વમાં પોતાની સેના મોકલી. ખિલજીની સેનાએ મંગોલને આ યુદ્ધમાં કરારી શિકસ્ત આપી.
આ જીતની સાથે જ ખિલજીએ ૨૦ હાજર સૈનિકોને યુદ્ધબંદીપણ બનાવી દીધાં જેમને પાછળથી મોતની સજા પણ આપવામાં આવી. પોતાની આ કારમી હાર પછી ફરી એક વાર મંગોલોએ ભારતીય ઉપમહાદ્વીપ પર હુમલો કર્યો. આ વખતે પણ જફર ખાનનાં નેતૃત્વમાં ખિલજીની સેનાએ જીત હાંસલ કરી. લગાતાર થઇ રહેલી પોતાની હારથી દુવાખાન જલી ગયો. એણે એક વાર ફરીથી પોતાનાં બેટા કુતલુગ ખ્વાજાનાં નેતૃત્વમાં બે લાખની સેનાને હુમલો કરવાં માટે મોકલી દીધી. આ વખતે એણે દિહી સલ્તનતને જ ખત્મ કરવાનો પૂરો ઈરાદો કરી લીધો હતો આ વખતે દુવાખાને પુરતી તૈયારી સાથે સેનાને મોકલી હતી. એવું કહેવાય છે કે અલ્લાઉદ્દીન ખિલજીનો ખાસ સલાહકાર પણ આ વખતે ડરી ગયો અને એણે ખિલજીને યુદ્ધ ન કરવાની પણ સલાહ આપી હતી. પરંતુ અલ્લાઉદ્દીન ખિલજી લેશમાત્ર પણ ભયભીત ના થયો અને એણે અંત સમય સુધી લડી લેવાનો ફેંસલો કર્યો. એક વાત તો કહેવાની જ રહી ગઈ કે કાકા જલાલુદ્દીને પણ મંગોલોની માંગોને માની લઈને યુદ્ધ નહીં કરવાનો ફેંસલો લીધો હતો. પરંતુ અલ્લાઉદ્દીનને ઝૂકવું બિલકુલ પસંદ નહોતું. હવે અલ્લાઉદ્દીનનો એમનો સામનો મંગોલ કુતલુગખ્વાજાસાથે કીલી પર થયો. આ પણ એક જ દિવસ હતો કે જયારે એકવાર ફરીથી જનરલ જફર ખાનને કારણે એમણે જીત હાંસલ કરી.
આ રીતે હારને કારણે મંગોલ પાછાં હતી ગયાં અને તેઓ પોતાનાં વતન પાછાં જતાં રહ્યાં. દુવાખાન પણ પોતાની હારને ભૂલ્યો તો નહોતો જ. એણે ઇસવીસન ૧૩૦૩માં એક લાખ વીસ હજારની સેનાસાથે ફરી એકવાર હુમલો કર્યો. આ વખતે હુમલો જનરલ તારાઘઈનાં નેતૃત્વમાં કર્યો હતો.
રોચક વાત તો એ છે કે અ સમયે અલ્લાઉદ્દીન ખિલજી ચિત્તોડની લડાઈ માંડ માંડ હમણાં જ જીત્યો હતો. એણે આ જીત તો હાંસલ કરી હતી પરતું બહુ જ મોટાં પ્રમાણમાં ક્ષતિ પણ ઝેલી હતી. તોય એ સંપૂર્ણપણે ચિત્તોડ તો નહોતો કબજે કરી શક્યો. ભારે હૈયે તેણે ત્યાંથી પલાયન થઈ જવું પડ્યું હતું. એવામાં જ આ તારાઘઈએ હુમલો કરી દીધો. પરંતુ આ વખતે પણ એ ખિલજીની સેનાનાં ઘેરાને નહોતો તોડી શક્યો. લગાતાર બે મીના સુધી કોશિશ કરી કરીને એ અંતે થાકીને -હારીને પાછો જતો રહ્યો. આનાં પછી બે વર્ષ પછી મંગોલોએ એકવાર ફરીથી ઘૂસપૈઠકરવાની નાકામયાબ કોશિશ કરી. દુશ્મનોના ૨૦ હાજર ઘોડાઓ જપ્ત કરી દીધાં, દુશ્મનોનો બધો સમાન પણ શોધી શોધીને પોતાનાં કબજામાં લઇ લીધો. આઠ હાજર યુદ્ધ બંદીઓને દિલ્હી લાવવામાં આવ્યાં. જનરલ અલી બેગ અને જનરલ તર્તરનાં માથાં કાપી નાખવામાં આવ્યાં. છેલ્લી વખત દુવાખાને ઇસવીસન ૧૩૦૬માં હુમલો કર્યો પરંતુ આ હુમલો પણ નાકામયાબ રહ્યો. એવામાં અલ્લાઉદ્દીન ખિલજીએ એ કારનામા કરી બતાવ્યો જે વિશ્વમાં કોઈપણ નહોતો કરી શક્યો. કેમ કે, મંગોલોને સમયે સમયે ખિલજી સામે લગાતાર હાર્યા પછી પોતાની બહેતરીન સેના અને બહાદુરીનો પરિચય અવશ્ય આપ્યો હતો. આ એ સમય હતો કે જ્યારે આ પહેલાં મંગોલો માત્ર કાશ્મીરનાં અમુક ભાગ સુધી જ પોતાનો પગપેસારો કરી શક્યાં હતાં.
અલાઉદ્દીનનું ભારતને બચાવવાનું કાર્ય સાચે જ પ્રશંસનીય છે. સાથે એક વાત પર ધ્યાન આપવું જોઈએ કે ચિતોડની સેના અને રણથંભોરની સેના એ એનો જે જોરદાર મુકાબલો કર્યો હતો તેવો મુકાબલો તેના સમયમાં અને પછીના ૫૦૦ વરસમાં પણ કોઈ કરી શક્યાં નહી. કારણ કે આપણે એક હતાં જ નહીં અને હજુ પણ છીએ જ નહીં ! નહીં તો ઇસવીસન ૧૨૯૮માં ગુજરાતમાંથી રાજપૂતયુગ સમાપ્ત થયો હોત જ નહીંને ! વિગતોના ગોટાળાઓ અને ખોટું ઈતિહાસ નિરૂપણ પણ આને માટે એટલું જ જવાબદાર છે, પણ એનાથી વધારે તો આપણે ખુદ જ એ માટે જવાબદાર છીએ. ખિલજીએ ભારત બચાવ્યું એ માટે જ હું માન આપું છું કારણકે હું ભારતીય છું.
ગુજરાતમાંથી અને ભારતમાંથી રાજપૂતોને ખત્મ કર્યા એ માટે હું ખિલજીનો દુશ્મન છું કારણકે હું ચુસ્ત હિંદુ છું. મારાં હિન્દુત્વનો પરચો તમને આજ કુખ્યાત ખિલજી જેમાં સંકળાયેલો છે એ કર્ણદેવ વાઘેલામાં મળવાનો જ છે. મારું તો સ્પષ્ટ માનવું છે કે જો ખિલ્જીના સમયમાં સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, સમ્રાટ વિક્રમાદિત્ય, સમ્રાટ સમુદ્રગુપ્ત, પુષ્યમિત્ર શૃંગ, લાલીતાદીત્ય મુક્તાપીડ, મહાન પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ, બાજીરાવ પેશ્વા કે શિવાજી મહરાજ જો થયાં હોત ને તો આજે ભારત માંલેચ્ચોના ગુણગાન ગાતું ઓશિયાળું ના જ હોત ! બાકી મોંગોલોને ધૂળ ચટાડવા બદલ અલ્લાઉદ્દીન ખિલજીને સલામ એક નહીં હજારો સલામ !
અસ્તુ !
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply