⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
મહારાજ સિદ્ધરાજ જયસિંહ
(ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩)
શિલ્પ અને સ્થાપત્ય રૂદ્રમહાલય -૧ (ઇસવીસન ૧૧૩૯)
——– ભાગ -૬ ——–
✅ ઇતિહાસના પાનાં ભલે જૂનાં થઈને ફાટી જતાં હોય કે ફરફર થઈને ઉડી જતાં હોય પણ શિલ્પ-સ્થાપત્યો એ ઇતિહાસના એવાં પેપરવેઇટ સમાન હોય છે કે તે ઈતિહાસનાં પાનાઓને ફાટી જવાં દેતાં નથી કે ને ફરફર થઈને ઉડી જવાં દેતાં નથી. એ તો આપણા જ કરતૂતો એવાં હોય છે કે આપણે એ પેપરવેઈટને બદલી નાંખવાની પેરવીઓ કરતાં હોઈએ છીએ. ઈતિહાસ તામ્રપત્રો કે કાગળ કરતાં પથ્થરોમાં એટલે કે શિલ્પ-સ્થાપત્યો અને શિલાલેખોમાં વધુ સુવ્યવસ્થિત રીતે સચવાયેલો રહેતો હોય છે અને એક આપણે છીએ કે જે આ પથ્થરોની ભાષા ઉકેલવા – સમજવાની જગ્યાએ બીજાએ આ બાબતમાં શું કહ્યું છે કે શું લખ્યું છે એનાં પર જ વધુ ધ્યાન આપતાં હોઈએ છીએ. ધ્યાન આપવું કે વાંચવું જરાય ખોટું નથી પણ એને સમજ્યા કર્યાં વગર સીધેસીધું કોપી-પેસ્ટ કરવું અને તેમાંથી પોતાનું નામ કાઢી નાંખવું એ માત્ર ઈતિહાસ માટે જ નહીં પણ આપણી ભાષા અને આપણે જે સમાજમાં રહીએ છીએ એ બન્ને માટે વધુ હાનિકર્તા નીવડે છે.
✅ ઈતિહાસ ભાષા, લખાણ, સમાજ, નાતજાત, પ્રદેશવાદ કે ધર્મનો મોહતાજ નથી હોતો. ઈતિહાસ વાતાવરણ અને આબોહવા પર જરૂર આધારિત હોય છે. ઇતિહાસમાં સમયનું બહુ જ મહત્વ હોય છે એ સમયનું મહત્વ આપણે જ સમજતાં હોતાં નથી. સમય તે સમયે પણ મુલ્યવાન હતો અને આજે પણ એટલો જ મુલ્યવાન છે….. શું સમય કે શું ઈતિહાસ એની સરખામણી કે મૂલવણી ક્યારેય ના થવી જોઈએ તોજ આપણે ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ ઇતિહાસની આંખે જોઈ શકીશું ! ઇતિહાસમાં એમ બન્યું હશે કે તેમ બન્યું હશે તેની પળોજણમાં પડયા વગર શું બન્યું હતું એનાં પર જ આપણે આપણું અર્જુનલક્ષી ધ્યેય કેન્દ્રિત કરવું જોઈએ. ઇતિહાસમાં છટકબારીઓ વધુ છે જે એમ કહેવાય છે કે એમ મનાય છે એમ કહીને છટકી જાય છે પણ એવું શિલ્પ અને સ્થાપત્યની બાબતમાં ના જ કહેવું જોઈએ કોઈએ પણ !
✅ ઇતિહાસમાં વિકલ્પોને કોઈ જ અવકાશ નથી હોતો જે માત્ર રાજકારણ અને ભણતરમાં જ સારો લાગતો હોય છે. વિકલ્પો જ વિકાસના અવરોધક બનતાં હોય છે ઈતિહાસ તો ક્યારનો રચાઈ જ ગયો હોય છે અને સમયાતંરે તે બદલાતો જ રહેવાનોછે. ઈતિહાસમાં રાજા કરતાં તેમનાં કાર્યો જ વધુ મહત્વનાં હોય છે આ કાર્યો જ સદાકાળ યાદ રાખવાં જેવાં હોય છે. આ કાર્યો ત્યરે જ યાદ રહે છે.જ્યારે તે સમયમાં કોઈ સારાં શિલ્પ- સ્થાપત્યો બંધાયા હોય. કારણકે એ સમય, એ શાસનકાળ, એ માનવીઓ અને અને એ રાજવંશનો અસ્ત્ત તો જરૂર થવાનો છે નથી અસ્ત થવાનો તો આ શિલ્પ સ્થાપત્યકળાનો !
✅ આ શિલ્પ સ્થાપત્યોને લીધે જ આપણે એ કાળને સુવર્ણયુગ કહીને આપણી સ્મૃતિઓમાં અકબંધ સાચવતાં હોઈએ છીએ અને એવું જ કરવું જોઈએ. આ કાળ એટલે કે સમય જે ચોઘડિયાંનો ક્યારેય મોહતાજ નથી હોતો તે સમયની કિમત આપણે સમજી શકતાં નથી અને ખાલી ખોટી એનાં પર ટીકાટીપ્પણી કરતાં રહીએ છીએ. ઇતિહાસમાં કર્મ અને ક્રમનું મહત્વ હોય છે જ્યોતિષનું નહીં !
✅ ઈતિહાસને જોવાની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એનું એક દ્રષ્ટાંત આપું.
જગતની પહેલી અમર પ્રેમ કથા છે —— લૈલા મજનુ
એમાં એક વાર લૈલાના કુટુંબીજનોએ મજનુને પકડી લે છે અને લૈલાનાં પિતા મજનુને કહે છે કે-
” તેં લૈલામાં એવું તે શું જોયું કે તને એની સાથે પ્રેમ થઇ ગયો ….. લૈલા તો કાળી છે !”
ત્યારે મજનુ બહુ સુંદર જવાબ આપે છે કે –
” હુજુર … લૈલા કો મજનુકી નજરસે દેખીએ આપકો લૈલાકી ખુબસુરતી અપનેઆપ નજર આ જાયેગી”
આ વાત ઈતિહાસને પણ લાગુ પડવી જોઈએ કે ઈતિહાસને ઇતિહાસના દ્રષ્ટિકોણથી જ જોવો જોઈએ દરેકે !
✅ ઇતિહાસની એક મોટામાં મોટી ખામી એ પણ રહેલી છે કે શતાબ્દીઓ વીત્યાં પછી પણ એનાં પર પિષ્ટપેષણ થયાં જ કરતુ હોય છે. આક્રમણો થયાં પણ ના હોય તોય એવું કહેવાય છે કે વિદેશી આક્રમણકારો એ આને તોડી નાંખ્યું હતું અને લુંટીને પોતાની સાથે લઇ ગયાં હતાં વગેરે ….વગેરે ….! આક્રમણકર્તાનો રસ્તો એ ના હોય તો પણ એને એ સમયમાં થયેલાં આક્રમણ સાથે જોડી દેતાં આપણા બુદ્ધિવાદી – વામપંથી ઈતિહાસકારો જરાય અચકાતાં નથી.
✅ આનું એક ઉદાહરણ એ ડાકોર પાસે આવેલું પ્રખ્યાત ગળતેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિર એ ઇસવીસનની ૧૨મી સદીમાં બનેલું છે અને તે ચૌલુક્ય રાજાએ જ બનાવ્યું છે. ૧૨ મી સદી આવે એટલે સૌ કોઈના મનમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહનું જ નામ આવે પણ કોઈને એ ખ્યાલ નથી કે આ જ ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ પછી રાજા કુમારપાળ રાજગાદીએ આવ્યાં હતાં. એ પણ પરમ શિવભક્ત હતાંઅને આ મંદિર એમણે બંધાવેલું છે. આ મંદિર આખેઆખું નવેસરથી જ બનાવ્યું હતું પહેલાં અહીં કોઈ મંદિર હતું જ નહીં. તો પછી જે મંદિર ૧૨મી સદીમાં બન્યું હોય તો એને મહમૂદ ગઝનીએ લુંટ્યું-તોડયું કઈ રીતે ?
✅ મહેમુદ ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું હતું ઇસવીસન ૧૦૦૦થી ૧૦૨૬ દરમિયાન. બોલો…. હવે આ વાત કઈ રીતે સાચી માની શકાય ! વળી આ એનાં રસ્તામાં પણ નહોતું આવતું અને આ રસ્તે તો માળવા જવાય કંઈ પોરબંદર- જામનગર અને કચ્છના રણમાં થઈને ગઝની એટલે કે અફઘાનિસ્તાન તો ના જ જવાય ને ! આ વાત મેં અગાઉ ગળતેશ્વર મંદિરના લેખમાં કરી હોવા છતાં પણ મેં અહી એટલાં માટે કરી છે કે – ગઝનવીનાં આક્રમણ સાથે લોકોએ અને ઈતિહાસકારોએ મોઢેરા અને સિદ્ધપુર સ્થિત રૂદ્રમહાલયને પણ સાંકળી લીધો છે. મોઢેરા – પાટણ અને સિદ્ધપુર એ દિલ્હી જતાં -આવતાં રસ્તામાં જરૂર આવે છે પણ એનાથી એ સાબિત નથી થતું કે અ બધું મહમૂદ ગઝનીએ જ લુંટ્યું હોય. ગુજરાત પર ગઝની પછી આક્રમણ કરનાર મુસ્લિમ આક્રાંતા હતો મોહંમદ ઘોરી આ બંને આક્રમણ વચ્ચે ખાસ્સો ૧૫૦ વરસ જેટલો ગાળો છે.
✅ સોલંકીયુગના સ્થાપત્યો એ ગુજરાતના સૌથી પહેલાં બંધાયેલા છે એમ તો હું નહિ કહું પણ વધારે પ્રખ્યાત થયેલાં, વિપુલ પ્રમાણમાં બનાવાયેલા અને સચવાયેલા સ્થાપત્યો-સ્મારકો છે. જે સુવર્ણયુગની ચાડી ખાય છે.
✅ કોઈ પણ આધુનિક કલા કે વિજ્ઞાન એ સાબિત નથી કરી શકતું કે આ સ્થાપત્યો અમુક-તમુકે જ તોડયાં હશે. એનાં પર કોઈ ફોરેન્સિક લેબોરેટરીની છાપ તો હોતી નથી કે કોઈ ચોક્કસપણે એમ કહી શકે કે આ આજ રાજાએ કે આ જ આક્રમણકારે તોડયા હશે તે ! કારણકે એમાં તો જે તે રાજાના કે આક્રમણકારોએ તે તોડેલાં કે લુંટેલા હોય એવી છાપો જોવાં કે ગણવાં બેસીએને તો સેંકડો મળી આવે. આમાં એક જ બાબત પર પ્રકાશ પડી શકે કે તે છે સમયગાળો એટલે જ લોકોએ સીધું ગણિત કર્યું કે એ સમયગાળામાં ક્યા કયા રાજાઓ થયાં હતાં અને તે સમય દરમિયાન ભારતમાં કોનું શાસન હતું અને કયા વિદેશી આક્રમણોએ ભારત પર આક્રમણ કર્યું હતું તે !
✅ બીજી એક બાબત ધ્યાનમાં લેવા જેવી એ છે કે – તે સમયની આબોહવા અને તેસમયે કોઈ કુદરતી આફતો આવી હતી કે નહીં ! ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આમેય વરસાદ ઓછો પડે છે પણ હમણાં હમણાં ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદ વધુ પડતો થયો છે એ જુદી વાત છે પણ એ જમાનામાં એટલો બધો વરસાદ નહોતો પડતો. દર ૪૦-૫૦ વરસે આવતાં ધરતીકંપોને પણ નજરઅંદાજ ના જ કરી શકાય. વળી ગુજરાતની જમીનની આમેય છીછરી છે એટલે કુદરતી આફતો જેવાં કે વરસાદ -વાવાઝોડા -ધરતીકંપ વગેરે કારણોસર પણ ઐતિહાસિક ઈમારતોને અસર પડી શકે છે. અરે જે સ્થાપત્યોને સ્થપાયાને ૧૦૦૦ -૧૧૦૦ વરસ થયાં હોય એને કાળની થપાટ વાગે જ વાગે.
✅ જો કે પડી જવું – તૂટવું અને તોડવું એમાં આસમાન જમીનનો તફાવત રહેલો છે. તૂટવાના અમુક નિશાનો હોય અને તોડવાના અમુક નિશાનો હોય ! જેને લીધે એ કહેવું શક્ય છે કે આ સ્થાપત્યો તોડવામાં આવ્યાં હશે પણ કોણે તે તો કોઈ ચોક્કસપણે કહી શકતું જ નથી અને ક્યારેય કહી શકશે નહીં ! પણ એવું માનીને તો ના જ ચલાય કે એને કોઈએ નહીં જ તોડયા હોય પણ વધારે એ કુદરતી આફતોને કારણે તૂટ્યાં હશે એમ માનીને જ ચાલવું એ હિતાવહ ગણાય !
✅ સોલંકીયુગના સ્થાપત્યોની વાત કરીએ તો એ તોડવામાં ઓછાં આવ્યાં છે અને તૂટ્યા વધારે છે એનું સૌથી મોટું કારણ એ છે કે તે જમાનામાં પથ્થરો કરતાં ઇંટો અને ચૂનાનો વપરાશ વધારે માત્રામાં થતો હતો. પથ્થરો એમનાં એમ રહ્યાં હોય અને ચુના-માટી-ઇંટોનો ભાગ પડી જાય પાયો મજબુત ના હોય તો આવું બનીશકે છે જોકે એવું બધે જ બન્યું નથી ! પથ્થરો ઘસાયા હોય અને એમાં લાગતાં ક્ષાર અને ભેજને કારણે પણ તે પડી જતાં હોય છે કે તૂટી જતાં હોય છે પણ આવાં પથ્થરોને તોડવાં બહુ સહેલાં હોય છે. જળની તાકાત પણ વધુ હોય છે ક્યારેક તે પણ આવાં નુકશાન માટે કારણભૂત હોય છે જળસ્રોતને અનુલક્ષીને જે જે સ્થાપત્યો બાંધ્યા તેમાં પણ આજ કારણ મહત્વનુંછે. જે વાવો અને જળાશયો એટલે કે તળાવોની બાબતમાં સાચું પડતું જણાય છે. પણ વાવો તો વધુ સચવાયેલી છે પ્રમાણમાં તળાવો ઓછાં તો એનું કારણ એ છે કે જમીનની નીચે વાવો બનાવવામાં આવતી હોય છે એટલેકે એનો પાયો સીધો પથ્થર સાથે જડાયેલો હોય એટલે કે વચ્ચેના માટીના થર કાઢીને આ બનાવાતાં હોય છે જેથીએનો પાયો મજબુત બને.
✅ કેટલીક વાવો તો સૈકાઓ પછી આખેઆખી નવેસરથી બનવવામાં આવી છે આમેય ગુજરાતમાં ૧૩મી-૧૪મી સદી પછી બંધાવેલી વાવો વધુ સુરક્ષિત જોવાં મળે છે એમાં રાણીની વાવને બાકાત રાખજો કારણકે એતો ૨૦૦-૩૦૦ વરસ જમીનમાં જ દટાયેલી હતી એટલે જ એ સુરક્ષિત હતી. જયારે જળાશયોમાં આમ ના બન્યું તેનું કારણ એ વીતી ગયેલાં સૈકાઓ છે ! જયારે મંદિરો જેવાં સ્થાપત્યો તો જમીનની ઉપર બનાવેલાં હોય છે એટલે એ તૂટવાનો તોડવાનો ભય વધુ રહેલો છે કિલ્લાઓ પણ આમાં આવી જાય છે. પણ એક વાત તો છે કે ૧૪મી -૧૫મી સદીમાં બનેલાં અદ્ભુત અને અદ્વિતીય સ્મારકો સચવાયેલા વધુ જોવાં મળે છે ! જો કે ભારતભરમાં ઘણાં એવાં સ્મારકો છે કે સાતમી આઠમી સદીથી અકબંધ રહ્યાં હોય ! ગુજરાતની વાત કરીએ તો સોલંકીયુગના ઘણાં સ્મારકો ૭૫ ટકા સુરક્ષિત છે જ !
✔ રુદ્રમહાલય –
✅ ખંડેર અવસ્થાનાં સ્મારકોને પણ એનો ભવ્ય અતીત હોય છે. જેનું એક ઉદાહરણ છે પાટણસ્થિત સહસ્રલિંગ તળાવ આમ તો રાણીની વાવ પણ એમાં આવી જ જાય પણ વાત જો મહારાજ સિદ્ધરાજ જયસિંહની થતી હોય તો એમાં સહસ્રલિંગ તળાવ સૌપ્રથમ આવે.
✅ આ સહસ્રલિંગ તળાવ એ ૧૬મી સદી સુધી તો અકબંધ રહ્યું હતું ત્યારપછી જ એની જાહોજલાલી નષ્ટ થઇ છે આ કમબખ્ત મોગલોને કારણે જ સ્તો ! આનો સીધો અર્થ એ કઢાય કે સોલંકીયુગનાં અસ્ત પછી પણ એ ૩૦૦-૩૧૦ વરસ એ અડીખમ ઉભું જ હતું.
✅ પણ જે સ્થાપત્ય રુદ્રમાળ બાંધવાની શરૂઆત સોલંકીયુગના સ્થાપક મુળરાજ સોલંકીએ કરી હતી પણ રાજકાર્યમાં વધુ સમય ફાળવવાનો હોઈ એમણે એ તરફ પુરતું ધ્યાન નહોતું આપ્યું એને પૂર્ણ કરવાની જવાબદારી સિદ્ધરાજ જયસિંહે સ્વીકારી. સિદ્ધપુર પણ એમણે જ આબાદ કર્યું હતું બ્રાહ્મણોને વસાવીને આ નામ એટલે કે સિદ્ધપુર નામ પણ મહારાજ સિદ્ધરાજે જ આપ્યું હતું
✅ જો કે આ સિદ્ધપુરનું અસ્તિત્વ તો છેક પૌરાણિકકાળથી હતું. પણ તેને વિકસાવ્યું-આબાદ કર્યું મહારાજ સિદ્ધરાજ જયસિંહે એ વખતે જ એમની નજર આ રુદ્રમહાલય પર પડી અને તેમને પોતાનાં પૂર્વજ મૂળરાજ સોલંકી તે પૂરું ના કરી શક્યાં તેનો વસવસો હતો તો એમણે એ પૂરું કરવાનું અને એણે નવેસરથી બાંધવાનું નક્કી કર્યું. આ રૂદ્રમહાલય કેવી રીતે બાંધવામાં આવ્યો આ બાંધવા પાછળ કોઈ ઐતિહાસિક કથા તો નથી પણ સૌરાષ્ટ્રની લોક્થામાં ભડલીવાક્યનું બહુ વધારે પ્રમાણ છે. એમાં એક કથા આપવામાં આવી છે. જોકે આપણા ફળદ્રુપ ભેજાંબાજો પણ કંઈ ઓછાં નથી કોઈકે તેને રાજા મૂળરાજ સોલંકી સાથે સાંકળી લીધી તો કોઈકે એને મહારાજ સિદ્ધરાજ જયસિંહ સાથે. ઔદિચ્ય બ્રાહ્મણોનું મહત્વ વધારવા પણ આ કથા પ્રસરાવવામાં આવી હોય એવું પણ બને ! આ કથાનું ઐતિહાસિક દ્રષ્ટિએ તો કોઈ જ મહત્વ નથી પણ આ કથા મદિર સાથે સંકળાયેલી હોવાથી હું અહીં મુકું છું. આસ્થા અને શ્રદ્ધા આગળ હું હંમેશા નતમસ્તક હોઉં છું એટલાં માટે ! એને તમે દંતકથા અવશ્ય પણે કહી શકો છો! હું આમાં માનતો તો નથી પણ મંદિરના ઈતિહાસ માટે તે અગત્યની હોઈ એ અહી મુકું છું.
✔ દંતકથા –
✅ સોલંકી કાળમાં મહાન શિવભક્ત રાજા મૂળરાજ સોલંકીને સરસ્વતી નદીના કિનારે શિવ-રુદ્ર ભવ્ય મહાલય બાંધવાની અભિલાષા થતાં, તેમણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને બોલાવ્યા. દેશ-પરદેશથી કારીગરો બોલાવી મહાલય માટે પથ્થરોની પસંદગી શરૂ કરી કામ શરૂ કર્યું. પછી તેમનું આ સ્વપ્ન અધૂરું રહ્યું અને તેમનું અવસાન થયું.
✅ ત્યાર બાદ ગુજરાતને મહાસામ્રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરનાર પરમ ભટ્ટારક સિદ્ધરાજ જયસિંહનું શાસન આવ્યું. ત્યારે કોઈએ તેમને મૂળરાજ સોલંકીના અધૂરા સ્વપ્ન મહાલયની યાદ અપાવતાં તેમણે તે કામ પૂર્ણ કરવાની શરૂઆત કરી, માળવાથી મહાન જ્યોતિષાચાર્ય માર્કંડ શાસ્ત્રીને બોલાવી નવેસરથી સિદ્ધપુરમાં ખાતમુહૂર્ત વિધિ શરૂ કરી. તે સમયે માર્કંડ શાસ્ત્રીએ એક ખાડો ખોદાવી અને તેઓ કહે ત્યારે ખાડામાં ખીલો ઠોકવાની સૂચના આપી.
તેમની સૂચના મુજબ ખીલો ઠોકાઈ જતા તેમણે રાજાને જણાવ્યું કે-
મહારાજ આ ખીલો શેષનાગના માથે ઠોકાયો છે, એટલે હવે આ રુદ્રમહાલયને કાળ પણ સ્પર્શ કરી શકશે નહીં અને તે અજેય રહેશે.
✅ પરંતુ રાજાએ તેમની વાત પર શંકા કરી અને કહ્યું કે —
“હે આચાર્ય….. જેનો ક્ષય ના થાય તેવી વસ્તુ તો ભગવાને પણ બનાવી નથી.”
ત્યારે આચાર્યએ કહ્યું કે—
” મહારાજ મારી જયોતિષ ગણતરી કદી ખોટી ના હોય, ખીલો શેષનાગના માથે વાગ્યો છે.
રાજાએ આનું પ્રમાણ આપવાનું જણાવ્યું ત્યારે આચાર્યે કહ્યું કે —-
રાજન આ ખીલો કાઢીને જુઓ તરત જ રક્તધારા છૂટશે પણ સહેજ રક્ત દેખાય કે તરત જ ખીલો પાછો દાબી દેશો.
આમ જેવો ખીલો ઠોકાયો કે તરત જ રાજાનાં કપડાં પર રકતધારાનો છંટકાવ અને ખીલો પાછો ધરબી દેવામાં આવ્યો.
✅ પછી આચાર્યએ જણાવ્યું કે —-
રાજન ખીલો ખેંચાયો અને ફરીથી ધરબાયો તે સમય દરમિયાન શેષનાગ સરકી ગયો છે, અને હવે તેના માથે નહી પણ પૂંછડી પર ખીલો વાગ્યો છે.
ત્યારે મહારાજ સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે —– “હવે શું થશે?”
એટલે આચાર્યે જણાવ્યું કે —-
“રાજન તમારા પર શેષનાગની ની રક્તધારાનો અભિષેક થયો છે, એટલે તમે અજિત તો બનશો પણ તમારી કીર્તિ પર કલંકના છાંટા ઉડશે !
તથા આ રુદ્રમહાલય પણ અમર નહીં રહે અને કાળક્રમે તેનો નાશ થશે.
આમ આજે આ રુદ્ર મહાલય ખંડેર બની ઊભો છે.
✅ આ કથા વિષે ટીપ્પણી આગળ જતાં કરીશ !
✅ એકબીજી પણ દંતકથા પ્રચલિત થયેલી છે જેનાં પર કોઈનું ધ્યાન હજી સુધી ગયું જ નથી
એ દંતકથા કૈંક અ પ્રમાણે છે —
બીજી દંતકથા અનુસાર, —
ગોવિંદદાસ અને માધવદાસે શિકાર કરવાં જતાં એક સમયે રૂદ્ર મહાલયની આજુબાજુમાં આવેલા ઘાસની વચ્ચે પોતાનો ઝંડો રોપવાનો પ્રયત્ન કર્યોત્યાં તેઓ ખોદકામ કરતાં ત્યારે તેઓને એક મંદિર અને શિવ લિંગ મળ્યું.
આનાથી મંદિરનું નિર્માણ થયું અથવા પૂર્ણ થયું.
ત્યારે જ્યોતિષીઓએ આ મંદિરના વિનાશની આગાહી કરી હતી.
ત્યારબાદ સિદ્ધરાજે મંદિરમાં ઘણા મહાન રાજાઓની મૂર્તિઓ મુકી હતી, તેની સાથે વિનંતીના વલણમાં પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું,
જેમાં એક શિલાલેખ કહેવામાં આવ્યું હતું કે—
“જો જમીનનો કચરો નાંખશો તો પણ, આ મંદિર ક્યારેય નાશ પામશે નહીં.
✅ આ તો ભાઈ મંદિર કે મંદિર સંકુલ બાજુએ રહી ગયું અને એની જગ્યાએ આ ઈતિહાસને જ દંતકથા બનાવી દીધો છે આ લોકક્થાઓએ !
✅ ગુજરાતનું આ રૂદ્રમહાલય એક એવું મદિર સંકુલ છે કે જે ઇસવીસન ૯૪૩માં બાંધવાનું શરુ કર્યું પછી અધૂરું મુકવામાં આવ્યું મુળરાજ સોલકી તે પૂર્ણ કરે ફાજલ સમયમાં તે પહેલાં એમનું અવસાન થઇ ગયું પછી કોઈએ ઇસવીસન ૧૦૯૪ સુધી એનાં પરપુરતું ધ્યાન આપ્યું જ નહીં જે થોડુંઘણું બાંધકામ પણ થયું હતું તે મહંમદ ગઝનીએ તોડી નાંખ્યું ઇસવીસન ૧૦૨૫માં એવું કહેવાય છે.પછી ઇસવીસન ૧૦૯૪ માં મહારાજ સિદ્ધરાજ જયસિંહે રાજગાદી સંભાળી એમણે આ કાર્ય પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો. ખાસ્સું એવું મોટું મંદિર બનાવી પણ નાંખ્યું તોય આજના એનાં ખંડેરો જોતાં એવું લાગે છે કે જે પરિકલ્પના મહારાજ સિદ્ધરાજ જયસિંહે કરી હતી તેમાં થોડીક કચાશ રહી ગઈ છે. કહેવાનો મતલબ છે કે જે હેતુસર આ વિશાલ મંદિર સંકુલ બનાવવામાં આવ્યું હતું તે પાર પડયો નહીં !
✅ પ્રજાની ઉત્પ્રેક્ષા જ કદાચ આમાં કારણભૂત હોઈ શકે ! આ મંદિરનો ઉપયોગ પ્રજાએ તે સમયમાં પુરતી આસ્થા કે શ્રધ્ધાથી કર્યો હતો કે નહીં તે વધારે મહત્વનું છે. પ્રજાએ તે જમાનામાં અને સોમનાથ જેવું તીર્થ બનાવ્યું હતું એવું તે જમાનાના સાહિત્યમાં તો ઉલ્લેખિત છે જ !
✅ આસ્થા અને શ્રદ્ધાનું આલેખન ક્યારેય ઇતિહાસમાં શક્ય બન્યું છે ખરું?
✅ ઇતિહાસની વાત કરવી હોય તો ઇતિહાસની વાત કરાય અને ધર્મની વાત કરવી હોય તો ધર્મની વાત કરાય આ બન્નેને ક્યારેય સાથે ના સંકળાય ? તુલના તો આઘી જ સારી ! પણ આપણી જ એ મુર્ખામી છે કે આપણે ઈતિહાસને જ અળગો કરી દીધો છે. આનું મુખ્ય કારણ છે – ધર્મઝનુન !
✅ જેનો ભોગ આ મંદિર સંકુલ કેટલાંક વર્ષો પછી અને શતાબ્દીઓ પછી બનવાનું હતું તેની તત્કાલીન પ્રજા અને ઈતિહાસને ખબર જ નહોતી ! આખો રાજવંશ સમાપ્ત થઇ ગયો ઇસવીસન ૧૨૪૪માં તો પણ આ મંદિર તેમણે ધાર્યું હતું તેવું તો સંપૂર્ણપણે બન્યું જ નહીં. તેમ છતાં ત્યાર પછી એ ત્રણ વાર તૂટ્યું પણ સંપૂર્ણપણે નષ્ટ તો ના જ થઇ શક્યું !
✅ અલ્યા ભાઈ જે મંદિર પ્રજાની અપેક્ષામાં ખરું જ નહોતું ઉતાર્યું તો એને 3-3 વાર તોડયું શું કામ?આ કઈ વધારે પડતું નથી લાગતું કોઈને ? તોડવા પાછળનું એક મોટું કારણ એ પણ હોઈ શકે કે આ મંદિરની તે સમયમાં બોલબાલા હશે એટલે કે તે સમયે આ મંદિર સંકુલ આસ્થા અને વિદ્યાનું એક મોટું કેન્દ્ર હતું ! કઈ કઈ સાલમાં તેને તોડવામાં આવ્યું તે તો આપણે જોઈશું પણ સૌ પ્રથમ તો આ મંદિર કેવું છે અને તેની વિશેષતા અને મહત્વ શું છે એ તો જાણી લેવું જ જોઈએ દરેકે !
✅ પણ એક વાત હતી કે જે બાંધતા બહુ સમય લાગે એમ હોઈ એમ કહી જો મુળરાજ સોલંકીએ અધવચ્ચે છોડી દીધો હોય તો એને પૂર્ણ કરવાનું કામ આસાન તો નથી જ એમ જરૂર સિદ્ધરાજ જયસિંહ માનતાં હતાં પણ આ પ્રજાકીય કાર્ય તેઓ પોતાની આસ્થા અને લોકોની ધર્મભાવનાને પ્રોત્સાહન મળે અને એમની શ્રદ્ધા જળવાઈ રહે એ માટે જ તેમણે આ કઠીન કાર્ય સંપલા કરવાનો દ્રઢનિશ્ચય કર્યો !
✔ રુદ્ર્મહાલયની વિશેષતા અને મહત્વ –
✅ રુદ્ર એટલે ભગવાન શિવજીના અવતાર જેમને ભગવાન રુદ્ર તરીકે ઓળખવામાં આવે છે જે ચોલુક્ય વંશના કુળદેવતા છે.
રૂદ્રનો અર્થ થાય છે ભયાનક —- રૌદ્રસ્વરૂપ !
સંસ્કૃત વિદ્વાનોના મતે ઉક્ત ભગવાન શિવજીના બધાં પ્રમુખ અવતારો
રુદ્રસંહારના દેવતા જે કલ્યાણકારી પણ છે એ વ્યક્તિને સુખ,સમૃદ્ધિ,ભોગ, મોક્ષ પ્રદાન કરવાંવાળાં એવં મનુષ્યની રક્ષા કરવાંવાળાં હોય છે.
આ અગિયાર રુદ્રો ક્યા ક્યા છે તે પણ જાણી લેવું અત્યંત આવશ્યક છે.
✅ ભગવાન શિવજીના ૧૧ રુદ્રાવતાર
આગિયાર રુદ્રો અને એકાદશ રુદ્રો
શિવ પુરાણ અનુસાર —-
એકાદશૈતે રુદ્રાસ્તુ સુરભીતનયા: સ્મૃતા: !
દેવકાર્યાર્થમુત્પન્નાશ્શિવરૂપાસ્સુખાસ્પદમ !!
✅ અર્થાત – આ એકાદશ રુદ્ર સુરભીના પુત્રો કહેવાય છે. આ જતો સુખનું નિવાસ્થાન છે તથા દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે શિવરુપમાંથી ઉત્પન્ન થયાં છે.
✔ ભગવાન શિવજીના ૧૧ રુદ્રાવતાર —–—
➡ [૧] મહાકાલ
➡ [૨] તારા
➡ [૩] બાલ ભુવનેશ
➡ [૪] ષોડશ શ્રીવિદ્યેશ
➡ [૫] ભૈરવ
➡ [૬] છિન્નમસ્તક
➡ [૭] ધૂમવાન
➡ [૮] બગલામુખ
➡ [૯] માતંગ
➡ [૧૦] કમલ
➡ [૧૧] હનુમાનજી
✔ જયારે જે એકાદશ રુદ્ર અભિષેક કરવામાં આવે છે તેમાં જે ૧૧ નામ આવે છે તે આ પ્રમાણે છે
જે શિવપુરાણ પ્રમાણે છે —-
➡ [૧] કપાલી
➡ [૨] પિંગળ
➡ [૩] ભીમ
➡ [૪] વિરૂપાક્ષ
➡ [૫] વિલોહિત
➡ [૬] શાસ્તા
➡ [૭] અજપાદ
➡ [૮] અહિર્બુધ્ય
➡ [૯] શમ્ભુ
➡ [૧૦] ચંડ
➡ [૧૧] ભવ
✔ શૈવાગમ અનુસાર એકાદશ રુદ્રોનાં નામ ——-
➡ [૧] શમ્ભુ
➡ [૨] પિનાકી
➡ [૩] ગિરીશ
➡ [૪] સ્થાણુ
➡ [૫] ભર્ગ
➡ [૬] સદાશિવ
➡ [૭] શિવ
➡ [૮] હર
➡ [૯] શર્વ
➡ [૧૦] કપાલી
➡ [૧૧] ભવ
✔ શ્રીમદભાગવતમાં એકાદશ રુદ્રોનાં નામ ——
➡ [૧] મન્યુ
➡ [૨] મનુ
➡ [૩] મહિનસ
➡ [૪] મહાન
➡ [૫] શિવ
➡ [૬] ઋતધ્વજ
➡ [૭] ઉગ્રરેતા
➡ [૮] ભવ
➡ [૯] કાલ
➡ [૧૦] વામદેવ
➡ [૧૧] ધૃતવ્રત
✅ રુદ્રમહાલયમાં મૂળ ૧૧ રુદ્રો અને શિવપુરાણમાં જે એકાદશરુદ્રના નામોનો ઉલ્લેખ થયો છે તેમનાં જ નાનાં નાનાં મંદિરોમાં તેમની મૂર્તિઓની પૂજા-અર્ચના કરવામાં આવતી હતી.
કારણકે શિવપુરાણમાં એમ કહેવામાં આવ્યું છે કે જે આ અગિયાર રુદ્રોની કથા વાંચશે -સાંભળશે અને એમની પૂજા-અર્ચના કરશે એમણે એનું તરત જ યોગ્ય ફળ મળશે !
✅એ ધન અને યશ આપશે,મનુષ્યની આયુમાં વૃદ્ધિ કરશે, મનુષ્યની દરેક મનોકામનાઓની પૂર્તિ કરશે અને બધાં પાપોનો નાશ કરીને એવં સમસ્ત સુખ-ભોગ પ્રદાન કરીને અંતમાં મોક્ષ – મુક્તિ આપનારા હોય છે.
✅ બહુ લાંબો લેખ થઇ ગયો છે અને હજી રૂદ્રમહાલની વિગતો તો બાકી જ છે એટલે આ રુદ્રમહાલય વિશેષનો બીજો ભાગ પાડું છું
એમાં જ બીજાં સ્થાપત્યોની વાત પણ આવશે
ભાગ – ૬ સમાપ્ત
ભાગ- ૭ હવે પછી !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય ભૈરવ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply