⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
મહારાજ સિદ્ધરાજ જયસિંહ
(ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩)
શિલ્પ અને સ્થાપત્ય રૂદ્રમહાલય -૨ અને અન્ય સ્થાપત્યો તથા ઉપસંહાર
(ઇસવીસન ૧૧૩૯)
——– ભાગ -૭ ——–
✅ રુદ્રમહાલય એટલે ભગવાન શિવાજીના આ રૌદ્રસ્વરૂપને પ્રસ્થાપિત કરતું તેમની પૂજા અને આરાધના માટે બનાવેલું મંદિર. આ રુદ્રમહાલય મંદિર ચૌલક્ય કળાકારીગીરીનો એક અદભુત અને અલૌકીક નમુનો છે. હતો એટલાં માટે નથી કહેતો હજી પણ આ મંદિરના અવશેષો ત્યાં જ છે જ્યાં તે હોવા જોઈએ એ જ જગ્યાએ જે સાબિત કરે છે કે આ મંદિર એક જમાનામાં લોકોની આસ્થાનું કેંદ્ર હતું.
✅ “ખંડહર બતા રહા હૈ ઈમારત બુલંદ થી.’
✅ આ ભવ્ય મંદિર અગિયાર માળનું બાંધકામ હતું. એમ કહેવાય છે જે ચૌલુક્ય સ્થાપત્યકલા જે મુળરાજ પછીથી અત્યંત પ્રચલિત થયેલી મારુ ગુર્જર શૈલીનો ઉત્તમ ઉત્તમ નમુનારૂપ હતું. એમ કહેવાય છે કે તે જમાનામાં ગુજરાતમાં આ મંદિર એટલું ઊંચું હતું કે શ્રીસ્થલ (સિદ્ધપુર )માં આ મંદિરના શિખર પરથી સોલંકીવંશની પાટનગરી અણહિલવાડ પાટણનાં ભવ્ય દર્શન થતાં હતાં ! આ મંદિરની લંબાઈ ૧૦૦ મીટર પહોળાઈ ૬૬ મીટર હતી. આ પહોળાઈની મધ્યમાં મુખ્ય મંદિર જે તે સમયે અતિપ્રખ્યાત હતું તે ૫૦ મીટર લાંબુ અને ૩૩ મીટર પહોળું છે. આ મુખ્ય મંદિરની ચારે તરફ ૧૧ નાનાં શિવ મંદિર હતાં જે ભગવાન શિવજીના ૧૧ રુદ્રાવતારનાં જ હતાં જે ૧૧ રુદ્રોની પૌરાણિક યાદ અપાવવા માટે પૂરતાં છે. તેને સુંદર કલા કોતરણીથી સુશોભિત કરવામાં આવ્યાં છે. આ સુશોભન કુલ કેટલા સ્તંભો પર થયું છે ખબર છે તમને ? ૧૬૦૦ સ્તંભો પર ….. આટલા બધા સ્તંભો અને તે પણ તે સમયમાં ગુજરાતમાં સૌથી ઊંચા હતાં અને એ પણ કલા કોતરણીવાળાં ! વળી એ મુખ્ય મંદિર અને ૧૧ નાનાં શિવાલયો મળીને એમાં કુલ ૭૨૦૦ બારીઓ હતી અને ૧૦૦૮ સુવર્ણમઢિત શિખરો હતાં. હતાં એટલાં માટે ભાઈ કે આજે તે નથી રહ્યાં !
✅ આ શિખરો પર ૩૦૦૦૦ ધ્વજાઓ અને આજુબાજુ ૧૮૦૦૦ પૂતળીઓ તથા ૫૬ લાખ હાથીઓની પ્રતિમાઓ તેમજ વિપુલ સંખ્યામાં સ્વસ્તિક ચિહ્નના કલામય ઘુમ્મટથી બનાવવામાં આવ્યું આવ્યું હતું. મંદિરનું પ્રાંગણ જ એક વિશાલ મંદિર સંકુલની યાદ અપાવે એટલું મોટું હતું. એટલે જ અ મંદિર સંકુલની ગણના ભારતના મોટાં વિશાલ મંદિર સંકુલોમાં થતી હતી !
✅ આ મંદિર જોતાં તમને દક્ષિણ ભારતમાં આવેલાં કર્ણાટકના સોમનાથપુરમાં કાવેરી નદીને કાંઠે સ્થિત જગવિખ્યાત ચેન્નાકેશવ મંદિર ની યાદ અવશ્ય આવી જાય. પણ આ મંદિર નામ પ્રમાણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો આ રુદ્રમહાલય એ નામ પ્રમાણે ભગવાન શિવજીને સમર્પિત છે. વળી આ બે મંદિર નાં બાંધકામ વચ્ચે માત્ર ૧૧૫-૧૧૬ વર્ષનો ગાળો છે. રૂદ્રમહાલય પૂર્ણ થયો ઇસવીસન ૧૧૩૯-૪૦માં તો આ ચેન્નાકેશવ મંદિર પૂર્ણ થયું ઇસવીસન ૧૨૫૮માં ! એટલે એમ કે – રૂદ્રમહાલય પહેલાં બંધાયો હતો અને આ સોમનાથપૂરનું મંદિર પછીથી ! જે દર્શાવે છે આ રૂદ્રમહાલયની સર્વોપરિતા ! બન્ને વચ્ચે ઘણું સામ્ય છે અલબત્ત બાહ્ય દેખાવનું ! પણ તે આપણી સ્થાપત્ય શૈલીની ગુણવત્તા દર્શાવવા માટે પુરતું છે જો કે આ ચેન્નકેશવ મંદિર એ દક્ષિણભારતની પ્રખ્યાત સ્થાપત્ય શૈલીમાં જ બનાવેલું છે. પણ પહેલી નજરે અસર હોય એવું અવશ્યપણે ફલિત થાય છે.
✅ એક બીજી વિશેષતા પણ છે જેનાં પર કોઈનું ધ્યાન હજી સુધી નથી ગયું. એ એ છે કે – સિદ્ધપુરના આ પ્રખ્યાત રુદ્રમહાલયમાં મંદિરની દીવાલો પર મહાભારત અને રામાયણનાં પ્રસંગો કંડારવામાં આવ્યાં છે તો સોમનાથપુરના આ કેશવ મંદિરમાં પણ રામાયણ,મહાભારત અને ભાગવતનાં પ્રસંગો અંકિત કરવામાં આવ્યાં છે. આવું તો લગભગ ભારતભરના ઘણાખરાં મંદિરોમાં કરવામાં આવેલું જ છે અને આ જ તો છે ભારતીય સંસ્કૃતિ ! જેનો ભારતે અને ગુજરાતે ગર્વ લેવો જોઈએ …. છીંડા શોધવાનાં ના હોય ભારતીય સંસ્કૃતિમાં !
✅ વળી આ બંને મંદિરો ખંડિત થયાં છે પણ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી ઘણાં રાજવંશો સમાપ્ત કરી દીધાં હતાં અને સોમનાથ સહિત ઘણાં મંદિરો તોડયા હતાં પણ અલાઉદ્દીન ખિલજીએ દક્ષિણમાં ઘણા રાજવંશો સમાપ્ત કર્યા હતાં અને ઘણા મંદિરો તોડયા હતાં તેમાં માત્ર ૪૫ વરસ પહેલાં બંધાવેલા આ સુખ્યાત ચેન્નાકેશવ મંદિરનો સમવેશ થયો નથી.
✅ એક બીજી વાત પણ નોંધવા જેવી છે કે આ બંને મંદિરો ઉપરના ભાગમાંથી જ ખંડિત થયાં છે એમાં સોમનાથપુર ઓછું અને રૂદ્રમહાલય વધારે …. હવે જે નક્કી કરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે ….. ઇતિહાસે નહીં !
✅ રુદ્રમહાલની એક આગવી વિશેષતા એ એનાં પ્રવેશદ્વારો છે. જે કીર્તિ તોરણોથી સુશોભિત છે અને આજ તો સોલંકીયુગની આગવી વિશેષતા છે. એ એટલાં કલાત્મક કોતરણી વાળાં છે કે જે વાવ પછી ગુજરાતની પોતીકી માલિકીના બની રહ્યાં છે. આ માટે પણ મહારજ સિદ્ધરાજ જયસિંહ અને સોલંકીયુગને ધન્યવાદ આપવાં જ ઘટે ! એ સમયે આ આખું મંદિર સોના, ચાંદી અને જરઝવેરાતોથી શણગારવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિર સંકુલ અને મુખ્ય મંદિર બનાવવાનો ખર્ચ અંદાજે એક લાખ પચ્ચીસ હજાર સોનામહોરોનો થયો હતો અને આખું મંદિર પૂર્ણ થતાં ૧૬ વરસ લાગ્યાં હતાં. આ મંદિરને સોમનાથ મંદિરથી અલગ તારવવા માટે એનાં સ્તંભોની ઉંચાઈ વધારવામાં આવી હતી. પ્રભાસપાટણ સ્થિત પૌરાણિક અને જગવિખ્યાત સોમનાથમંદિરની જેમ આ અણહિલવાડના રુદ્રમહાલયમાં એકાદશ એટલે એટલે અગિયાર રુદ્રોને સમર્પિત કરેલા આ મંદિરની ભવ્યતા અદ્ભૂત અદ્વિતીય, આશ્ચર્યચકિત કરી દેનારી હતી. આ મંદિર એ સમયમાં એટલી વિપુલ માત્રામાં ધનસંપત્તિ ધરાવતું હતું કે એની ગણના ભારતના સોથી અમીર મંદિરમાં થતી હતી ! એ એની મશહૂર કલાકારીગરી અને એની ભવ્યતા અને વિશાળતાને લીધે એની ખ્યાતિ ભારતભરમાં ફેલાઈ હતી !
✅ ગુજરાતની એક આગવી વિશેષતા એ વાવ છે જેનાં પર મેં ઘણું જ લખ્યું છે અને અમુક વાવો બાકી છે તે વિષે પછી કોક વાર લખીશ અને બીજી વિશેષતા છે આ કીર્તિતોરણો ! ગુજરાતનાં મંદિર સ્થાપત્ય સાથે સંલગ્ન કીર્તિ તોરણો, કુંડો, પ્રકાર (કોટ) તથા તેના બાલાણક(કોટનું પ્રવેશદ્વાર એ એની આગવી આગવી વિશેષતા છે. કીર્તિ તોરણોમાં ખ્યાતનામ વડનગરનું તોરણ છે.ભારતભરમાં કદાચ તે મોટામાં મોટું અને અત્યંત અલંકૃત તોરણ છે.આવાં તોરણો ગુજરાતમાં આ રુદ્રમહાલયમાં અને વિજયનગર પોળો ફોરેસ્ટમાં જોવાં મળે છે. એમાંય આ વડનગરનું તોરણ તો ગુજરાતમાં અપાતાં મેમેન્ટોમાં પણ ચાંદીથી જડેલું આપવામાં આવે છે કોક કોક જગ્યાએ તે સુવર્ણજડિત હોય છે. તે જ આ કીર્તિતોરણોનીની મહત્તા દર્શાવે છે. આવું જ એક સુંદર તોરણ કલાકૃતિઓથી મઢેલું એ રૂદ્રમહાલય મંદિર સંકુલમાં પણ છે સોલંકીયુગની કીર્તિમાં ચાર ચાંદ લગાડનારું સાબિત થયું છે. વિજયનગર પોળો ફોરેસ્ટ સ્થિત સૂર્યમંદિરના પ્રવેશદ્વાર આગળ પણ એક અત્યંત સુંદર કીર્તિ તોરણ છે ! આ દરેકની આગવી વિશેષતા છે એટલે જ એ એકબીજાંથી અલગ પડે છે કારણકે એ દરેકનો રચનાકાળ અલગ અલગ છે સાથોસાથ એ દરેકની આગવી વિશેષતાઓ અને મહત્વ છે જ !
✅ રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી. આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન) માંથી બનાવવામાં આવેલો છે. જો કે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, જગવિખ્યાત સૂર્ય મંદિર મોઢેરા અને પ્રસિદ્ધ શામળાજી મંદિર પણ આ રેતાળ પથ્થરોમાંથી જ બનાવાયેલા છે. આ રેતાળ પથ્થરો પર કદાચ આબોહવાની અસર લાગી હશે જો કે મોઢેરા અને રુદ્રમહાલયમાં જ આબોહવાની અસર વધુ જોવાં મળે છે.
✅ તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો અને તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી.
✅ આ રુદ્રમાળ જ આ આખા મંદિર સંકુલની વિશેષતા છે. આખા રૂદ્રમહાલય સંકુલમાં જો કોઈ વિશેષ આકર્ષણ હોય તો આ રુદ્રમાળ જ છે. જે હાલમાં ૪ સુંદર કલાકોતરણીવાળાં સ્તંભો પર ટકેલો છે જેનાં પર ચાર કમાનો છે જે અત્યારે બારી જેવી લાગે છે પણ તે જમાનામાં એ માળ હશે અને એના જ આધાર પર બીજાં માળો પણ બનવવામાં આવ્યાં હશે. આને જ આધારે પુરાતત્વ ખાતું એમ કહે છે કે – આ રૂદ્રમહાલય માત્ર બે જ માળનો હતો. આપણે જેને રૂદ્રમહાલય તરીકે ઓળખીએ છીએ કે જાણી છીએ તે આ ચાર સ્તંભો જે ઈંચે ઇંચ સુંદર કલા કોતરણીવાળો અને ભવ્ય છે.જે એનાં વિશાળ અને ઊંચા સ્તંભો અને અને એનાં પર અત્યારે અતિસુંદર લાગતી એવી ચાર કમાનો જે એનાં પર બંધાવેલો માળ હતો.અત્યારે માત્ર એની ચાર કમાનો જ એ સોલંકીયુગની શિલ્પસ્થાપત્ય કલાની યાદ અપાવતી ખંડિત અવસ્થામાં શાતાબ્દીઓથી ઉભેલી છે.
✅ આ જ તો ઈતિહાસ છે અને આ જ તો એ સમયની જાહોજલાલી હતી અને આને જ કહેવાય છે —–રુદ્રમાળ ! રુદ્રમાળ એટલે રૂદ્રમહાલય કે જે એક ભવ્યાતિભવ્ય અને આસ્થાનું કેન્દ્ર હતું તેની બાજુમાં બંધાવેલો એક કલાત્મક માળ ! એ બે માળનો હોય કે ચાર માલનો એનાથી ફરક શું પાડવાનો છે? જો ફરક જ જોવો હોય તો આ રુદ્રમાળને વિજયનગર પોળો સ્થિત શરણેશ્વર મહાદેવ મંદિર અને સીરોહીનાં શરણેશ્વર મહાદેવ મંદિર સાથે સરખાવજો તો તમને ફર્ક આપોઆપ જણાઈ આવશે ! જે તમને ફોટાઓ બધે જ જોવાં મળે છે જેને લીધે આ મંદિર સંકુલ અતિપ્રખ્યાત થયું છે તે આ રુદ્ર્માળની ઈમારતને લીધે જ ! આજ ઈમારત એ તમને આ અને બીજાં તે કાળમાં બંધાયેલા મંદિરોથી અલગ તારવી આપે છે. સંભવ છે કે રૂદ્રમહાલય મંદિર પહેલાં રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હોય જેનું સમારકામ અને એનાં દરવાજાઓ અને માળ બનાવી એને ઊંચું અને વિશાળ બનાવ્યું હોય. પણ આ ખાસ આકર્ષણ રુદ્રમાળ તો મહારજ સિદ્ધરાજ જયસિંહની યશકલગીમાં ઉમેરો કરવાં માટે પુરતું છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહે આવી ઈમારત બીજે ક્યાંય બાંધી નથી. ખબર નહી કેમ લોકો આ ઈમારતને વિસારી દેવાં તુલ્યા છે તે જ! પણ સૌથી મોટું આકર્ષણ તો રૂદ્રમહાલય મંદિર જ છે.
✅ પણ અત્યારે વધતાં જતાં સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે અને મંદિરોની કથામાં વધતી જતી લોકોની રુચીને કારણે આપણે આ ભવ્ય અને અનોખી ઈમારતને સદંતર ભૂલી જ ગયાં છીએ.
✅ કોઈએ આ રુદ્રમાળ ધ્યાનથી જોયો છે ખરો ? જો જોયો હોયને તો એની વિશાળતા અને એમાં કંડારાયેલા એનાં શિલ્પો અને તોરણો પર ધ્યાન ખેંચાયા વગર રહે જ નહી ! આ જ રુદ્રમાળના સ્તંભો પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવાં મળે છે. જે તે સમયમાં બધે જ જોવાં મળે છે. દેવી દેવતાઓ ,અપ્સરાઓ ,પર્ણો-વેલો, ઉમા -પાર્વતી અને તે સમયમાં શું લગભગ દરેક સૈકાઓમાં જોવાં મળતાં યુદ્ધનાં શિલ્પો અને સંગીત અને નર્તનકળાનાં શિલ્પો. છેક ઉપરની ભાગમાં તોરણ છે અને એ જોતાં તો એવું લાગે કે આ રુદ્રમાળની ઉપર હવે કોઈ માળ હશે જ નહીં! હોય તોય એવોને એવો જ હશે એમ માનીને ચાલવું દરેકે કારણકે દરેક જગ્યાએથી ખંડિત તો થયો જ છે અને આઆખાં સંકુલના કેટલાંય ભગ્નાવશેષો ઠેર ઠેર વિખરાયેલા પડેલા છે.
✅ વળી આ રુદ્રમાળ જોતાં એક વાતની ખબર તો પડે જ છે કે સ્તંભોના પાયામાં અને અમુક જગ્યાએ સ્તંભોની ઉપરીભાગમાં પણ ખાલી રેતાળ પથ્થરો જ જડેલાં છે. જોકે એમાં જડાયેલા શિલ્પો એ ઉખડી ગયાં હોય કે તૂટી ગયાં હોય એવું પણ બને એનું કારણ કદાચ સિદ્ધપુરની બાજુમાં વહેતી સરસ્વતી નદી પણ હોઈ શકે.આ શિલ્પો તોડવામાં નથી આવ્યાં નહીં તો આખેઆખો આ રુદ્રમાળ જ જમીનદોસ્ત થઇ જાય. વળી આ રુદ્રમાળ એ ખાસ ઊંચા કહી શકાય એવાં પથ્થરો પર બનેલો-ઉભેલો છે જેથી એનો પાયો મજબુત બને એટલે જ એ નીચેથી તુટ્યો -કે પડયો નથી. તો પછી આ શિલ્પો ક્યાં તો ઘસાઈ ગયાં હોય અથવા તો આટલો બધો સમય વીત્યો એટલે એ તૂટી ગયાં હોય પણ એક વાત તો છે કે આ રુદ્રમાળ એ મહારાજ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું એક બેનમુન સ્થાપત્ય હતું. ૧૦૦૦ વર્ષ થયાં પછી પણ એનું સમારકામ થયેલું નથી એની સાબિતી છે વિશાળ પ્રટાંગણમાં ચારે તરફ વેરવિખેર પથરાયેલાં એનાં ટુકડાઓ જોકે એ માત્ર આ એક જ ઈમારત રુદ્રમાળનાં નથી એ આ મંદિરના બીજાં સ્મારકોનાં પણ છે. આ રુદ્રમાળમાં ઉપર કમાન રૂપી માળ હશે પણ ઓરડાઓ તો નહોતાં જ. જો ઓરડાઓ હોય તો તો બાહ્ય કમાનો પણ તૂટે ને અને જો પથ્થરોવાળો આખો માળ તૂટે કે તોડવામાં આવે તો નીચેના માળને પણ અસર થાય જેના કોઈ જ નિશાન મળ્યાં નથી. એથી એમ જ માનવઅનુ મન થાય છે કે જેને આજે આપણે ફ્લેટ કહીએ છીએ એવું એ મકાન નહોતું અને બહુમાળી મકાન પણ નહોતું આ એક ઐતિહાસિક ઈમારત છે. જે કદાચ મહારાજ સિદ્ધરાજ જયસિંહે પોતે પ્રાપ્ત કરેલાં વિજયોની યાદમાં બનાવેલું હોય કીર્તિ તોરણો અને વિજયસ્તંભ જેવું. એ જ મનાય બીજું કઈ ના મનાય. સોલંકીયુગમાં બનતાં પ્રાસાદો જેવાં કોઈ પ્રાસાદ માટે પણ બનાવેલું હોય એવું પણ મન માનવા પ્રેરાય છે કારણકે આ એક મંદિર સંકુલ છે જ્યાં પૂજા -અર્ચના તથા રહેવા-જમવાની સગવડ પણ હોય. સોલંકીયુગના આવા પ્રાસાદો તો અત્યારે કોઈ જ અસ્તિત્વમાં નથી બસ ખાલી એમનાં નામો એ સાહિત્યકૃતિઓની શોભા વધારે છે. આ એક અને માત્ર એવું મંદિર સંકુલ છે જ્યાં અન્ય મંદિરો સિવાય બીજી પણ ઐતિહાસિક ઈમારતો -સ્મારકો -સ્થાપત્યો હોય !
✅ એવું ચોક્કસપણે કહી શકાય કે આવું મંદિર સંકુલ બનાવવાની શરૂઆત કરી રાજા મુળરાજ સોલંકીએ અને એમની પરિકલ્પનાને સાકાર કરી મહારાજ સિદ્ધરાજ જયસિંહે ! આ મહારાજ સિદ્ધરાજ જયસિંહની નાનીસુની સિદ્ધિ તો ના જ કહેવાય !
✅ ઈતિહાસ અને લોકો પણ ખરાં છે જે છે એણે માણતાં નથી અને જે તૂટ્યું કે તોડયું એ જ વાતને આગળ ધર્યા કરે છે.
✅ આ રુદ્રમાળ એ એની આજુબાજુ સ્થિત દરવાજાઓ જે પણ કલાકારીગરી વાળાં અને અદભૂત છે એની કમાનો જે અત્યારે બારી જેવી લાગે છે એની ઊંચાઈ આ રુદ્રમાળ કરતાં વધારે છે. મુખ્ય ઈમારત ક્યારેય ચારેબાજુના દરવાજા કરતાં નાની હોય ખરી કે ! પણ તે નાની છે અલબત્ત અત્યારે તે સમયમાં નહોતી. કોઈ પણ રાજા આવી ભૂલ તો કરે જ નહીં એમાંય સોલંકીયુગના રાજાઓ તો કદાપી નહી. હા કદાચ અધૂરું રહી ગયું હોય એવું મનાય પણ ભૂલ કરી છે એવું તો કદાપી નહીં.
✅ ઈતિહાસને જોવાં માટે આપણને સંજય દ્રષ્ટિની જરૂરત નથી જે દ્રષ્ટિ આપણી પાસે છે એનાથી જ એણે જોઈએ તો પુરતું છે. સવાલ એ છે કે આપણે ઈતિહાસને ઇતિહાસની દ્રષ્ટિએ જોતાં જ નથી. રુદ્રમાળ નાનો નહોતો એવું માનવાના આપણી પાસે હજાર કારણો છે જે સાચાં પણ છે પણ જે છે એણે જોતાં કે અનુભુત કરતાં પણ આપણને નથી આવડતું ! આ રુદ્રમાળ એકવાર નહી અનેકોવાર જોવો જોઈએ દરેકે આ જ તો આપણી સંસ્કૃતિનો વૈવિધ્યસભર વારસો છે જેનો આપણે ગર્વ લેવો જોઈએ !
✔ હવે કમાન -બારીવાળા સ્મારક-સ્થાપત્યની વાત ——-
✅ તે પણ ચાર સ્તંભોવાળો જ છે પણ ઉપર ચાર સ્તંભો અને કમાનો નથી બે વધારે ઊંચા સ્તંભો ઉપર માત્ર એક બારી જ છે. આ પણ એક રુદ્રમાળ છે જે વધારે પડતો ખંડિત છે. પણ આવી જ એક બીજી પણ ઈમારત અહી છે જે ની કમાનો પરથી એવું લાગે છે કે એ ષટકોણીય હશે. જેના સ્તંભો રુદ્ર્માળનીની જેમ જે બે સ્તંભો પથ્થર પર ઊભેલાં દેખાય છે એવું નથી અહી ચારેય સ્તંભો એક સરખા જ છે અને એક સ્મારકમાં તે એક સરખી રેખામાં છે. રુદ્ર્માળના જમણી તરફના બે સ્તંભોનું કદાચ કોઈએ સમારકામ કરાવ્યું હોય એવું પણ બને ! જે આ બે સ્થાપત્યો અસ્તિત્વ ટકાવી ઊભેલાં છે તેમાં નીચેના સ્તંભો પર અદભૂત કલાકોતરણી છે જયારે જે બારી જેવાં લાગે છે ઊંચા સ્તંભો પર કોઈ જ કલા કોતરણી નથી આ ઉપરની કમાનોમાં જરૂર છે. આ બન્ને ઈમારતોનો પાછલો ભાગ સંપૂર્ણ નાશ થઇ ગયો છે કારણકે એનું અસ્તિત્વ જ નથી રહ્યું એટલે આપણને તે દ્રષ્ટિગોચર નથી થઇ શકતું પણ એક ખ્યાલ જરૂર આવે કે આવું કૈંક ભૂતકાળમાં હશે ખરું !
✅ બીજું જે સ્થાપત્ય છે એની કમાનો જોતાં તમને શરણેશ્વર મહાદેવ મંદિર જરૂર યાદ આવે ! આ સ્થાપત્ય પણ કદાચ તે સમયે પ્રવેશદ્વાર તરીકે ઉપયોગમાં લેવાતું હોય એવું પણ બને ! પણ એવું લાગતું તો નથી જ !
✅ દરવાજા એટલે કીર્તિ તોરણ તો એનું પણ કોતરણીકામ અદભૂત છે જે કદાચ તોડવાનો બાકી રહી ગયો હશે અથવા તો પણ નુકશાન તો પહોંચ્યું છે નુકશાન પહોંચ્યું છે પણ બીજા કરતાં લગરિક ઓછું ! જો કે એક વાત કહી દઉં કે આ તોરણ એ વડનગરના તોરણ જેવું અદભુત નથી તો પણ એ ચાલુક્ય મારુગુર્જર શૈલીને કારણે વિશિષ્ટ તો બન્યું છે એમાં બે મત નથી જ એનું કારણ છે એમાં કંડારાયેલા અદ્ભુત શિલ્પો !
✅ રુદ્રમહાલય મંદિર વિષે તો આગળ થોડી વાત કરી જ દીધી છે એમાં પણ શિલ્પો અને અષ્ટકોણીય કમાનો છે. આ મંદિરમાં શિવલિંગ છે અને ત્યાંના ઔદિચ્ય બ્રાહ્મણો અને બીજાં બ્રાહ્મણો આજે પણ ભગવાન શિવજીને અભિષેક કરે જ છે. શંકર ભગવાન અને માતા પાર્વતીની મૂર્તિ પણ છે પણ ભગવાન શિવજીનું શિવલિંગ ઘણું નાનું છે એટલે એ મૂળ મંદિર કે શિવલિંગ નથી ૧૧ નાનાં રુદ્રોનું એ શિવલિંગ હશે ! કારણકે આ મંદિર પણ અત્યંત કોતરણીવાળું અને વિશાળ જ છે જેનું શિખર ખંડિત થયું છે અને ઉપરની છત તોડીને અને અમુક નાનાં મંદિરોને તોડીને એનાં સ્તંભોનો ઉપયોગ કરીને ત્યાં જુમ્મા મસ્જીદ બનાવી દેવાઈ છે. આ મંદીરમાં મૂળ શિવલિંગ છે જ નહી અને ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિઓ જે તોડવામાં આવી હતી તે ત્યાં ગોઠવી દેવામાં આવી છે. બીજી ઘણી મૂર્તિઓ છે જે અહીં ગોઠવવામાં આવી છે પણ સ્થાપિત કરવામાં નથી આવી કારણકે તે ખંડિત છે અને ખંડિત મૂર્તિઓનું ક્યારેય સ્થાપન ના થાય ! આ મંદિરમાં છત ઉપર કારીગરી અદભૂત છે જેવી તમને દેલવાડા કે રાણકપુરમાં જોવાં મળે છે એવી જ ! મોઢેરામાં પણ તમને આવી જ છત જોવાં મળે છે.
✅ આ મુખ્ય મંદિરમાં જ ૧૬૦૦ સ્તંભો હતાં અત્યારે જેટલાં છે એ જોઇને પણ તમને એની ભવ્યતાનો ખ્યાલ આવ્યાં વગર રહે નહીં ! આવાં બીજાં નાનાં નાનાં મંદિરો પણ છે અહીંયા જે તેનાં શિલ્પકામને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. રામાયણ અને મહાભારતના પ્રસંગો અહિયાં જ કંડારવામાં આવ્યાં છે. સ્વસ્તિક, સર્પો ,પર્ણો, નર્તકીઓ અને યુદ્ધનાં દ્રશ્યો અહી પણ છે. દેવી દેવતાઓના અનેક શિલ્પો અને તોરણો અહીં પણ જોવાં મળે છે. આ મંદિરના શિખરો જ અદભૂત છે એ જ તો છે ચાલુક્ય શૈલીનો ઉત્તમ નમુનો !!
✅ અહીં જે પુરત્ત્વ્ખાતાનું પાટિયા છે જે તૂટેલાં છે એનાં પર જ બધાએ ચરી ખાધું છે કોઈએ ધ્યાનથી જોવાનો કે મગજ દોડાવવાનો પ્રયત્ન સુદ્ધાં પણ નથી કર્યો. આ તૂટેલા પાટિયા એ શું દર્શાવે છે ? એ પણ અંગ્રેજીભાષામાં ! કૈંક સમજ્યા હોવ તો સારું છે ? મંદિર તૂટેલું છે એમાં ના નહીં ! મંદિર તોડયું છે એમાં પણ ના નહીં ? પણ એ ક્યારે અને કેટલીવાર તૂટ્યું કે તોડવામાં આવ્યું તે વધારે અગત્યનું છે !!
✅ એ વાત પર આવીએ એ પહેલાં ઇસવીસન ૧૮૮૬-૮૭માં કઝીન્સે આ રુદ્રમહાલય મંદિર વિષે શું કહ્યું છે એ જાણી લઈએ.
એમણે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે –
આ મંદિર ૩૦૦ ફૂટ લાંબા અને ૨૩૦ ફૂટ પહોળા એવા ચોકની વચ્ચે ત્રણ માળનું હતું. તેની સામે ૫૦ ચોરસ ફૂટનો સભામંડપ હતો. મંડપની ચારે દિશાએ દ્વાર હતાં. તેમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ એમ કુલ ત્રણ બીજાં મંડપ હતાં અને પશ્ચિમે એક દહેરું (નાનકડું મંદિર) હતું. વચમાં ૧૧ રુદ્રના ૧૧ નાનાં મંદિરો હતાં. મંદિરની આસપાસ બીજાં પણ મંદિરો હતાં.ચોકમાં ચારેબાજુએ ઓરડીઓ હતી. પૂર્વદિશામાં મુખ્ય દરવાજો હતો અને ત્યાંથી સરસ્વતી નદીના પાણી સુધી જવાં માટે પગથિયાનો ઘાટ હતો. શૈવ આગમોમાં વર્ણવેલા અનેક પ્રસંગોને રૂદ્રમહાલયનાં સ્થાપત્યોમાં કંડારવામાં આવ્યાં છે.અન્ય શિવ મંદિરો, શૈવગણોઅને ગણેશ તથા નદી વગેરેના મંદિરો પ્રસ્થાપિત થયાં હતાં જેમાં શિખરો પર ભગવી ધજાઓ લહેરાતી હતી. મહાલયના સભાખંડો, ઉપખંડો,માળ,મેડીઓ,ઝરૂખા,૧૬૦૦ જેટલા સ્તંભો અને મનોહર શિલ્પ ધરાવતા તોરણો જોતાં એમ લાગે છે કે આ ખરેખર એક ભવ્ય મહાલય હતું. તેની શિલ્પ સમૃદ્ધિ ઉપરાંત હજારો બ્રાહ્મણોનાં મુખે થતાં સ્તોત્ર પાઠ અને પુજાવિધિઓ વિષે વાંચતા એમ લાગે છે કે આ બીજું એક સોમનાથ મંદિર હતું.
✔ રુદ્ર્મહાલય પર થયેલાં આક્રમણો –
✅ આ મંદિરનાં પુરાવાઓ તો રાજા મુળરાજ સોલંકીના જ બતાવે છે કારણકે આ રૂદ્રમહાલય બાંધવાની શરૂઆત તો એમણે જ કરી હતી. તે સમયે આ મંદિર કેટલું બંધાયેલું હતું તે તો કોઈનેય ખબર નથી પણ તે પૂરું કર્યું મહારાજ સિદ્ધરાજ જયસિંહે ! મહરાજ સિદ્ધરાજ જયસિંહે એકીસાથે બે મોટાં પ્રોજેક્ટ હાથ ધર્યા હતાં – સહસ્રલિંગ તળાવ અને રૂદ્રમહાલય ! એક તો પહેલાં બંધાઈ ગયું હતું એને નવેસરથી બનવવાનું હતું બીજું અર્ધપૂર્ણ અવસ્થામાં હતું તેણે પૂર્ણ કરવાનું અને ત્યાં બીજાં સ્થાપત્યો બાંધવાનાં હતાં ! આ બન્નેમાં સમય પણ ખાસો જાય એવો હતો અને પૈસાની લાગત પણ. તેમ છતાં સિદ્ધરાજ જયસિંહે આ કાર્ય પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો !
✅ રાજા મૂળરાજ સોલંકીએ આ રૂદ્રમહાલય બાંધવાની શરૂઆત કરી ઇસવીસન ૯૪૩માં તેમને તે પૂર્ણ કર્યું નહી અને એમનું અવસાન થયું. પછી બીજાં રાજાઓ આવ્યાં અને ગયાં તેમણે પણ તે પૂર્ણ કર્યું નહીં ! હવે રાજા ભીમદેવ સોલંકીના સમયમાં મોઢેરા અને રાણકીવાવ તૈયાર થઇ ગયાં હતાં.
✅ એમનાં જ સમયમાં ગઝનીનું આક્રમણ થયું ત્યારે એમ કહેવાય છે કે મોઢેરાની સાથે આ રૂદ્રમહાલય પણ તુટ્યો હતો જેનો ઉલ્લેખ ક્યાંય નથી એટલે મહેમુદ ગઝનવીએ તો આ તોડયું જ નથી. અલ બરુનીએ પણ તેનો ઉલ્લેખ નથી કર્યો આ તોડયાનો એટલે ઇતિહાસે પણ ના કર્યો એટલે ગઝનીના નામ પર ચોકડી !
✅ સન ૧૦૨૫ પછી છેક સન ૧૧૭૮માં મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું તે સમયે નાયકીદેવીએ અને ભીમદેવ સોલંકીએ ઘોરીને પરાસ્ત કર્યો હતો. ત્યાર બાદ ૧૧૯૪ માં મહંમદ ઘોરીના સુબા કુત્બુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઈ કરી પણ તેમાં કુત્બુદ્દીન હાર્યો પણ ૧૧૯૭મ કુત્બુદ્દીને ફરીથી ચઢાઈ કરી તેમાં ભીમદેવ હાર્યો અને પાટણ લુંટાયુ. તે વખતે કેટલાંક મુસ્લિમ લેખકોએ ઘોરીએ રૂદ્રમહાલય તોડયો અને લુંટ્યો હતો એવો ઉલ્લેખ જરૂર કરે છે પણ ઈતિહાસ એને અનુમોદન આપતો નથી.
✅ ઈતિહાસમા જે 3 વાર રૂદ્રમહાલય લુંટવાનો અને તોડવાનો જે ઉલ્લેખ છે તેમાં બે વાર અલ્લૌદ્દ્દીન ખિલજી અને એકવાર અહમદશાહનો છે. જો કે કેટલીકવાર લેખકો અને ઈતિહાસકારો અતિઉત્સાહમાં આવી જતાં હોય છે. જે અલ્લાઉદ્દીન ખિલ્જીની બાબતમાં બન્યું છે. ફરી પાછી સાલવારી ખોટી આપવામાં આવી છે. અલ્લાઉદ્દીન ખિલજી સત્તા પર આવ્યો હતો તે સાલને સાંકળી લઈને અને એની સાથે વિક્રમસંવતને જોડી દઈને પોતાની બુદ્ધિનું પ્રદર્શન અવશ્ય કર્યું છે.
✅ અલ્લાઉદ્દીને ઉલુગખાનની આગેવાની હેઠળ ગુજરાત પર આક્રમણ કર્યું હતું ઇસવીસન ૧૨૯૮માં અને પછી ઇસવીસન ૧૩૦૪માં. જો કે અલ્લાઉદ્દીન ખિલજીને ગુજરાત અને ગુજરાતના રાજપૂત વંશો એટલાં પ્રાણપ્યારા હતાં કે ઈતિહાસકારો એમ કહે છે કે –ખિલજીએ ૧૨૯૮-૯૯થી ઇસવીસન ૧૩૦૪ સુધી સતત હુમલાઓ કર્યા હતાં જે બંધ કર્યા ઇસવીસન ૧૩૦૪માં ! ખિલજીએ આ આક્રમણ ચિત્તોડ અને જેસલમેર -રણથંભોર પર આક્રમણ કર્યું તે પહેલાં કર્યું હતું.
✅ ખિલજીએ ભારતના ઘણા રાજવંશો સમાપ્ત કરી દીધાં હતાં અને બેસુમાર લુંટફાટ અને કત્લેઆમ મચાવી હતી. તેમાં એનાં જ રસ્તામાં આવતાં સોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રથી માંડીને મોઢેરા -પાટણ -વિજયનગર પોળો ફોરેસ્ટ – સિદ્ધપુરનો સમાવેશ થાય છે. ખિલજીએ ગુજરાતમાંથી તે સમયે બધાં જ રાજપૂતોને વીણી વીણીને ખત્મ કર્યાં હતાં. તેમાં ગુજરાતના વાઘેલા વંશના શાસક કર્ણ વાઘેલાનો પણ સમાવેશ થતો હતો . વાઘેલા વંશના પાટણ પછી ગુજરાતમાં રાજપૂત યુગ સમાપ્ત થઇ ગયો અને ગુજરાત મુસ્લિમ શાસન હેઠળ આવ્યું.
✅ હવે સોલંકી યુગનો અસ્ત તો ૧૨૪૪માં જ થઇ ગયો હતોએટલે આમાં સોલંકી વંશનો તો વાંક કાઢી શકાય એમ જ નહોતો. ૧૨૪૪ પછી વાઘેલા વંશ સત્તા પર આવ્યો તેમણે ઇસવીસન ૧૨૯૮ -૯૯ સુધી શાસન કર્યું જો કે કર્ણદેવ વાઘેલાનું અવસાન ઇસવીસન ૧૩૦૪માં થયેલું છે પણ તે હાર્યો હતો ૧૨૯૮-૯૯નાં આક્રમણ સમયે !
✅ મુઝફ્ફરીદવંશનાં અહમદ શાહે દિલ્હીની રાજસત્તા હાથમાં લીધી. ઇસવીસન ૧૪૧૪માં તેણે ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતને જીતી તેણે ગુજરાતમાં મુસ્લિમ સત્તાનો પાયો નાખ્યો જો કે ઇસવીસન ૧૨૯૯થી ગુજરાત ખિલજીના તાબામાં હતું.
✅ પણ અહમદશાહે ગુજરાતને સંપૂર્ણપણે મુસ્લિમ રાજ્ય બનાવી દીધું ઇસવીસન ૧૪૧૪થી.આ જ વખતે અહમદશાહે સિદ્ધપુરનો સર્વનાશ કર્યો હતો અને બ્રાહ્મણો -રાજપૂતોની કત્લેઆમ કરી હતી અને એણે આ રુદ્રમહાલય તોડયું હતું.
✅ અહમદશાહના આક્રમણ વખતે રુદ્રમહાલય તોડીને તેના થાંભલાઓ સગવડ પ્રમાણે ગોઠવીને જામા મસ્જીદ બનાવી. સ્તંભો પરની કોતરણીવાળી મૂર્તિઓ ઘસી નાંખવામાં આવી પરતું તેનો સપૂર્ણપણે નાશ ના કરી શક્યા.રુદ્રમહાલયના અંગરૂપ ચાર મંદિરોને જામા મસ્જીદમાં ભેળવી દેવામાં આવ્યાં.આજે પણ આ મંદિરના ઉન્નત શિખરો મસ્જિદની બહાર નીકળીને પોતાનું અસ્તિત્વ ટકાવવા મથામણ કરે છે.મંદિરના સભામંડપનો કેટલોક ભાગ મસ્જીદનો અંતરંગ હિસ્સો બની ગયો છે.
✅ આજે માત્ર મંડપના ઉત્તર તરફના દ્વારના ચાર સ્તંભો, પૂર્વ તરફના પાંચ સ્તંભો, ઓછો તૂટેલો કીર્તિસ્તંભ, પછીતે આવેલું ગર્ભગૃહ અને અન્ય ગર્ભગૃહોના કેટલાંક સ્તંભો અને દ્વાર એટલું જ બચ્યું છે.એક વખતની કમનીય કલાકૃતિ આજે ખંડેર બની ગઈ છે. રૂદ્રમહાલય જીર્ણ અવસ્થામાં હોવાં છતાં પણ એની કીર્તિ,એનું મહત્વ પહેલાં જેટલુ હતું એવું ને એવું જ છે.
✅ ઇતિહાસની આંખે જોઈએ તો ખિલજી અને અહમદશાહ જ રુદ્રમહાલયના વિનાશ સાથે સંકળાયેલા છે. ગુજરાત માટે મહંમદ ઘોરી એક સવાલ બનીને ઉભો છે કે એણે શું શું અને કેટલું તોડયું અને લુંટ્યું ? ખિલજીના પણ કોઈ સંયોગિક પુરાવા તો મળતાં નથી એટલે અહમદશાહે જ સિદ્ધપુરને વધારે તારાજ કર્યું હતું એમ જ મનાય અને એજ સત્ય છે !
✅ બાકી રુદ્રમહાલયને કોઈ આપણી સ્મૃતિમાંથી કાઢી શકશે નહીં
✅ સનાતન સત્ય તો એ છે કે —-
માતૃશ્રધ્ધની પૌરાણિક પ્રખ્યાત નગરી સિદ્ધપુરમાં ભારતીય સંસ્કૃતિનું શ્રાદ્ધ થઇ ગયું !
✅ ત્રણ -ત્રણ વખત હુમલાઓ થયાં છતાં પણ આજે સિદ્ધપુર તો વિકાસના પગથીયા ચડીને પોતાની ગાથા કહેતું ઉભેલું જ છે. બસ … એ આપણા મનમાંથી અને દિલમાંથી ના જાય એ જોવાની જવાબદારી આપણી છે !
✅ સિદ્ધરાજ જયસિંહ માટે એક પ્રખ્યાત શ્લોક છે —-
મહાલયો, મહાયાત્રા, મહાસ્થાનં, મહાસર : !
યાત્કૃતં સિદ્ધરાજેન ક્રિયતે તન્ન કેનચિત !!
✅ આ શ્લોકનો અર્થ થાય છે —- મહાલય, મહાયાત્રા, મહાસ્થાન અને મહાસર જે સિદ્ધરાજ જયસિંહે નિર્માણ કર્યા તે કોઈનાથી ના થાય !
✅ આને બીજી રીતે કહીએ તો —–
✅ “પ્રબંધ ચિંતામણી ” નામના ગ્રંથ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે ચાર મહાન કર્યો હતાં
(૧) મહાલય – રૂદ્રમહાલય
(૨) મહાયાત્રા – સોમનાથ યાત્રા
(૩) મહાસર – સહસ્રલિંગ સરોવર
(૪) મહાસ્થાન – દાનશાળા
✅ મહારાજ સિદ્ધરાજ જયસિંહનું એક ઉત્તમ કાર્ય ઉત્સવ સમયે પશુબાલી પર પ્રતિબંધ મુક્યો તે હતું !
✔ મહારાજ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા અન્ય સ્થાપત્યો –
✅ સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદીના કિનારે જૈન તીર્થંકર “મહાવીર સ્વામી”નું એક ચૈત્ય પણ બંધાવ્યું હતું
સિદ્ધરાજ જયસિંહે ધોળકા, વિરમગામમાં સરોવરો (રાજમાતા મીનળદેવીએ ) તથા કપડવણજ અને શિહોર વગેરે સ્થળોએ જળાશયો બંધાવ્યા હતાં
એવું કહેવાય છે કે મહારજ સિદ્ધરાજ જયસિંહે કપડવણજ અને મહેસાણ તેમજ બીજે ઘાને ઠેકાણે વાવો પણ બંધાવી હતી.
સિદ્ધરાજ જયસિંહે શેત્રુંજય પાસે સિંહપુર નામનું નગર પણ બંધાવ્યું હતું જેને આજે અપને શિહોર તરીકે ઓળખીએ છીએ !
સિદ્ધરાજ જયસિંહે વીરપુર,વઢવાણ,ઝીંઝુવાડા અને ડભોઇ વગેરે અનેક સ્થળોએ કિલ્લાઓ પણ બંધાવ્યા હતાં.
અહી એક વાત કહેવાનું મન થાય છે મને કે –
જે સ્થળમાં સતી રાણકદેવીએ શ્રાપ આપી અગ્નિસ્નાન કર્યું હોય તો એ સ્થળે મહારાજ સિદ્ધરાજે કિલ્લો બાંધે કઈ રીતે ?
આ કિલ્લો જ બધી લોકવાયકાઓને ખોટી ઠેરવવા માટે પુરતો નથી લાગતો તમને?
વિચારજો જરાં !
આ ઉપરાંત મહારાજ સિદ્ધરાજે સત્રશાળાઓ(સદાવ્રતો), પાઠશાળાઓ, છાત્રો માટે આવાસો અને મઠો પણ બંધાવ્યા હતાં.
સિદ્ધરાજ જયસિંહે ચોખંડા,ગાળા,સાંભર,ભદ્રેશ્વર, બાલી,ઉજ્જૈન, તલવાડા અને ભિણમાળ વગરે સ્થળોએ શિલાલેખ પણ કોતરાવ્યા હતાં.
✔ સિદ્ધરાજ જયસિંહ વિશેષ માહિતી –
✅ પ્રખ્યાત નાયક “જગદેવ પરમાર ” સિદ્ધરાજ જયસિંહના દરબારમાં હતાં. આ જગદેવ પરમાર એ રાજમાતા મીન્લ્દેવીના ભત્રીજા કદંબરાજા જયકેશીનો મસિયાઈ ભાઈ હતો.આ જગદેવ પરમાર પાટણમાં ખુબ જ પ્રતિષ્ઠા ધરાવતો હતો.
સોમેશ્વર આ જગદેવની ખ્યાતિનું વર્ણન આ પ્રમાણે આ પ્રકાર કરે છે કે —
” જગદેવ વગર પાટણની હવે ખરાબ દશા થી છે તે દ્વારપાલ હતો ત્યાં સુધી ગુર્જરોના દુશ્મનો પ્રવેશી શકતા ણ હતાં.”
✅ સિદ્ધરાજ જયસિંહે દરેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.આથી જ તેમને “ત્રિભુવન ગંજ” અથવા “ત્રિભુવનગંડ” પણ કહેવામાં આવે છે. ત્રિભુવનગંડ એટલે ત્રણેય લોકના રક્ષક.
✅ સિદ્ધરાજ જયસિંહના છેલા દિવસો વિષે હેમચંદ્રાચાર્ય જણાવે છે કે — સિદ્ધરાજે પોતાનાં પાછળના દિવસો એમણે પોતાને પુત્ર નહોતો એટલે રાજગાદીના વારસદાર અંગેની ચિંતામાં વિતાવ્યા હતાં. સિદ્ધરાજ જયસિંહનો રાજ્યકાળ વિક્રમસંવત ૧૧૯૯ (ઇસવીસન ૧૧૪૨-૪૩) સુધીનો પ્રબંધચિંતામણીમાં જણાવ્યો છે. વિચારશ્રેણીમાં સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ વિક્રમ સંવત ૧૧૯૯ (ઇસવીસન ૧૧૪૨)ના કાર્તિક સુદ ત્રીજના દિવસે થયાનું જણાવ્યું છે. પ્રબંધચિંતામણીમાં સિદ્ધરાજ જયસિંહે સંવત સંવત ૧૧૫૦થી ૪૯ વર્ષ સુધી રાજ્ય કર્યું એમ જણાવ્યું છે.!
✔ ઉપસંહાર –
✅ સિદ્ધરાજ જયસિંહ અજેય રાજા હતાં તેમ છતાં તેમની ગણતરી ભારતના ઇતિહાસમાં અજેય રાજા તરીકે તરીકે નથી થતી એનું કારણ આપણો પ્રાંતવાદ અને આ લોકશ્રુતિ છે. આ માટે રા’ ખેંગરનું પાટણ પર આક્રમણ અને રાખેંગાર સામે ૧૧ વખત તેઓ હાર્યા હતાં અને ૧૨મી વખત રા’ ખેંગારને હરાવવામાં અને મારવામાં સફળ રહ્યાં હતાં એમ જે કહેવાયું આ તેનું જ પરિણામ છે. વળી કેટલાંક સાહિત્ય જેમકે “પૃથ્વીરાજ ચરિત”માં તેમને “અર્ણોરાજ ” સામે હારેલાં દર્શાવ્યાં છે એ પણ છે જયારે તત્કાલીન સાહિત્ય અને હકીકત કંઈ ઓરજ બયાં કરે છે. એટલાં જ માટે સિદ્ધરાજ જયસિંહ આજે જે સ્થાનને લાયક હતાં તે તેમને પ્રાપ્ત થઇ શક્યું નથી.કોઈ પ્રશ્ન જ નથી કે ગુજરાતના એક નંબરના રાજા તરીકે મહારાજ સિદ્ધરાજ જયસિંહનું જ નામ લેવાય. ભારતીય ઇતિહાસની એ કમનસીબી છે કે જેટલું ભારતીય-ગુજરાતી રાજાઓ વિષે લખાવું જોઈએ એટલું લખાયું નથી અને મુસ્લિમ લેખકો અને તેમનાં મળતિયા ઈતિહાસકારોને લીધે મલેચ્છોને જ અજેય બતાવાયાં છે …. નહીં કે ભારતની સહન સમા રાજપૂતોને! આનું એક કારણ એ પણ છે કે ભારતીયોઅને ગુજરાતીઓ અંદરોઅંદર લડવામાંથી અને ટાંટિયાખેંચમાંથી જ ઊંચા નહોતાં આવતાં જેનો લાભ આ તકસાધુ મલેચ્છો ભરપુર લીધો છે.
✅ સાહિત્ય તો તત્કાલીન સમયમાં પણ હતું પણ સાલવારી અને કેટલીક વિગતોના વિરોધાભાસને કારણે આજે ભારતીય રાજાઓને જે સ્થાન પ્રાપ્ત થવું જોઈએ એ નથી થયું આ વાત કડવી છે પણ સત્ય છે. સિદ્ધરાજ જયસિંહની સિધ્ધિઓ પણ આ લોકોથી સાંખી શકાઈ અને તેમને ઉતરતા બતાવવામાં કોઈ જ કચાશ રાખી નહીં. આમાં માત્ર મુસ્લિમ લેખકો નહીં પણ આપણા જ પ્રાંતવાદી લેખકો અને લોકકથાકારો અને આ વામપંથી લેખકો અને ઈતિહાસકારોનો એટલો જ મોટો ફાળો છે.
✅ પણ ….. સિદ્ધિ અને કીર્તિ એ એ કોઈનાથી છુપી રહી જ શકે નહીં !
એનાં ગુણગાન તો દરેકે ગાવાં જ પડે !
સિદ્ધરાજ જયસિંહે કાર્યો જો એવાં કર્યાં હતાં!
એમનાં વિજ્યોને ભલે આપણે આજે ના કરતાં હોઈએ તો કંઈ વાંધો નહિ પણ એમનાં પ્રજાકીય કર્યો અને એમણે બાંધેલાં શિલ્પો અને સ્થાપત્યોને અને સાહિત્યકળાના વારસાને તો અવશ્ય આપણી સ્મૃતિઓમાં કાયમ માટે સંઘરવા જોઈએ દરેકે !
✅ ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં અમુલ્ય ફાળો આપનાર મહારાજ સિદ્ધરાજ જયસિંહ અદભૂત લોકકથાઓના નાયક તરીકે નામાંકિત થયાં છે. એમનાં સમયથી ગુજરાતમાં એક પ્રકારની એકતા અને અસ્મિતા ઉભી થઇ એ જ મોટી વાત છે. સોલંકીવંશના સર્વે રાજવીઓમાં સૌથી વધુ પરાક્રમી, હિમતવાન અને મુત્સદ્દી સિદ્ધરાજ જયસિંહ એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી અગ્રગણ્ય રાજવી છે. બે મુસ્લિમ લેખકો “અલઇદ્રસી” અને “મહમૂદશફી”દ્વારા પણ આપણને સિદ્ધરાજ જયસિંહના સમયની માહિતી પ્રાપ્ત થાય છે.
✅ એક વાત તો છે કે મહારાજ સિદ્ધરાજ જયસિંહ એ દરેક ધર્મના લોકોને સરખું જ મહત્વ આપતાં હતાં.એટલે એમ જરૂરથી કહી શકાય કે મહારાજ સિદ્ધરાજ જયસિંહ એ સનાતન ધર્મના રક્ષક હતાં !
✅ સોલંકી યુગમાં સાચો સુવર્ણકાળ એ મહારાજ સિદ્ધરાજ જયસિંહનો હતો, છે અને કાયમ માટે રહેશે !
એમનાં ગુણગાન તો અનેક શ્રુતિઓમાં અને લોકનાટ્યોમાં મનભરીને કરવામાં આવ્યાં છે.
એમનાં પર લખાયેલા- ભજવાતા વેશો અને લોકકંઠે રમતી શ્રુતિઓમાં તેઓ “સધરા જેસંગ”ને નામે અમર થઇ ગયાં છે એ શું દર્શાવે છે ?
એમની સિદ્ધિઓની નોંધ બધાયે લેવી જોઈએ જેમણે નથી લીધી તેઓ જ એમની દંતકથાઓને આગળ કરે છે પણ ગુજરાતનો ઈતિહાસ નહીં !
ગુજરાતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવનાર મહારાજ સિદ્ધરાજ જયસિંહને શાષ્ટાંગ દંડવત પ્રણામ !
જરા યાદ કરો કવિ વીર નર્મદનું —-“જય જય ગરવી ગુજરાત “
એમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહને જ સ્થાન મળ્યું છે.
“એ અણહિલવાડના રંગ !
એ સિદ્ધરાજ જયસંગ !”
✅ એક ટીપ આપું છું જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીની સુખ્યાત નવલકથા “રુદ્રમાળ” વાંચી જવાં સૌને નમ્ર વિનંતી છે !
✅ હવે પછીનો લેખ રાજા કુમારપાળ પર !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય રુદ્ર દેવ !!
!! જય મહાકાલ !!
!! જય સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply