⚔ સોલંકીયુગ યશોગાથા ⚔
લોકમાતા – રાજમાતા મીનળદેવી
મહારાજ સિદ્ધરાજ જયસિંહ
(ઇસવીસન ૧૦૯૪- ઇસવીસન ૧૧૪૩)
—–વિશેષ લેખ —-
✅ પ્રિય વાચક મિત્રોની લાગણીને માન આપીને મીનળદેવીને અર્ઘ્યરૂપ આ નાનકડો અલગ લેખ જે સિદ્ધરાજ જયસિંહના જ લેખમાં હું એનો સમાવેશ એટલાં માટે કરું છું કે મેં આ અગાઉ લોકમાતા મીનળદેવી વિષે લખેલું જ છે તેમ છતાં એક અલગ જ અંદાજમાં ગુજરાતની પૂજનીય રાણી-માતા મીનળદેવી વિષે થોડીક વાતો ….. રાજા કર્ણદેવ સોલંકીના લેખનું મેં નામ આપ્યું છે “કર્ણદેવ સોલંકી અને રાણી મયણલ્લાદેવી (મીનળદેવી) એમાં એમનાં જન્મ અને લગ્નથી માંડીને એ રાણી બન્યાં એ બધી વાતો મેં કરી જ છે ! અત:એવ હું અહી એ અહીં દોહરાવતો નથી.
પણ પહેલાં મેં જે વાત કરી છે એણે ખુબ જ ટૂંકાણમાં એક નવી જ શૈલી અને ભાષામાં અહી મુકું છું આશા છે કે તમને એ ગમશે જ ગમશે !!!
માળવાના રાજા નરવર્મા અને પાછળથી યશોવર્મા પર આક્રમણ કર્યું ત્યારે મહારાજ જયસિંહ પોતાની માતા મીનળદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયાં હતાં.
આ સોમનાથ યાત્રા સાથે પણ એક ઈતિહાસ પ્રસિદ્ધ વાત સંકળાયેલી છે.
સોમનાથની યાત્રા દરમિયાન મીનળદેવીએ તે સમયે લેવાતો યાત્રાળુ વેરો નાબુદ કરાવ્યો હતો તેની કથા કૈંક આવી છે –
રાજમાતા મીનળદેવી સોમનાથની યાત્રાએ જઈ રહ્યાં હતાં.
ભોળાદ ગામના બાહુલોદ નામના સ્થળ પાસે જ્યાં યાત્રાળુવેરો લેવામાં આવતો હતી ત્યાં રાજમાતા મીનળદેવીને કેટલાંક સાધુ -સંતો-સન્યાસીઓ અને ગરીબ યાત્રાળુઓ મળ્યાં.
તેમણે રાજમાતા મીનળદેવીને ફરિયાદ કરી કે યાત્રાળુવેરો ન ભરી શકવાને કારણે તેઓ ભગવાન સોમનાથના કરી શક્યાં નહીં !
રાજમાતાથી આ સહન થયું નહીં અને મીનળદેવી પણ સોમનાથના દર્શન કર્યાં વિના પાછાં ફર્યા.
રાજમાતાએ આ વાત પોતાનાં પુત્ર અને રાજા જયસિંહને કરી.
કોઈક એમ કહે છે કે મહારાજ જયસિંહ પાસે આ વાત ઉડતી ઉડતી આવી તો એ સીધાં પહોંચ્યા રાજમાતા પાસે!
હકીકતમાં રાજમાતાએ જ આ કહી વાત મહારાજ જયસિંહને કરી.
માતાનાં કહેવાથી મહારાજ સિદ્ધરાજ જયસિંહે સોમનાથની યાત્રાનો યાત્રાળુવેરો નાબુદ કર્યો અને આ યાત્રાળુવેરાથી મળતી તે સમયના ૭૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક જતી કરી.
✅ આમ જોવાં જઈએ તો આ એક દંતકથા જ છે કારણકે એનો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ થયેલો નથી. પણ આવી દંતકથાઓ એ સમયના વાતાવરણને અને એ રાજાને અને એમાં આવતાં મુખ્ય પાત્રને ઉચ્ચતાનાં શિખરે મૂકી જરૂર આપે છે !
એ દ્રષ્ટિએ આ વાત અતિ મહત્વની છે અને આવી તો ઘણી વાતો જોડાયેલી છે મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને લોકમાતા મીનળદેવી સાથે ! આ કથા અહીં મીનળદેવીનાં પાત્રાલેખન માટે અતિ અગત્યની હોવાથી અહીં મૂકી છે .
આ કથા વાંચીને તમને કોઈ કશો ભાસ થયો ખરો !
જરાં યાદ કરો મીનળદેવીના પૂર્વજન્મની વાત !
એમાં પણ આ મીનળદેવી પહેલાં બ્રાહ્મણ હતી અને બહુ ગરીબ હતી તે સોમનાથ દેવાધિદેવના દર્શન ના કરી શકી આ યાત્રાળુવેરો ન ભરવાને કારણે એણે અગ્નિસ્નાન કર્યું હતું.
અગ્નિસ્નાન કરતી વખતે એ બ્રાહ્મણ સ્ત્રીએ કસમ ખાધી હતી કે આવતાં ભવમાં હું ફરી સ્ત્રી તરીકે જ જન્મીશ અને એવાં રાજાને કે માણસને પરણીશ કે જે આ યાત્રાળુ વેરો માફ કરાવી શકે!
મીનળદેવી બીજાં જન્મમાં રાજાને ઘરે જન્મ લે છે અને એમની જાતેજ એ ખુબજ દેખાવડા રાજાના પ્રેમમાં પડે છે અને તેને પરણવાનો પ્રસ્તાવ મુકે છે અને પછી અંતે રાજા કર્ણદેવ સોલંકી અને મયણલ્લાદેવી પરણી જાય છે.લગ્ન પછી મીનળદેવી નામ ધારણ કરે છે અને પુત્રને જન્મ આપે છે તે પછી 3 વર્ષ પછી જ રાજા કર્ણદેવ સોલંકીનું અવસાન થઇ જાય છે.
પેલી પ્રતિજ્ઞા તો અધુરીને અધુરી જ રહી જાય છે હવે એ કોનાં દ્વારા પૂરી કરાવડાવીશ અને ઉપરથી સિદ્ધરાજને મોટો કરવાની અને રાજ્ય ચલાવવાની તથા કિશોર સિદ્ધરાજને મહાન યોદ્ધો બનાવવા તાલીમ આપતાં માતા મીનળદેવી સાચે જ કુશાગ્ર બુદ્ધિ મત્તા ધરાવતી એક અદ્વિતીય નારીશક્તિનાં પ્રતિક સાબિત થયાં છે તેઓ આવું કરી શક્યા કારણકે તેઓ રાજપુત્રી હતાં, રાજપત્ની હતાં અને ઈતિહાસશ્રેષ્ઠ રાજમાતા પણ સાબિત થયાં.
એટલે એમને વિષે લોકશ્રુતિઓ અને દંતકથાઓ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક જ છે એમાં જરાય ખોટું નથી.
આ લોકકથાઓમાં રાજમાતા મીનળદેવીના પાત્રને ખુબ જ ન્યાયપૂર્ણ રીતે રજુ કરવામાં આવ્યું છે. વાત તો સોમનાથના યાત્રલુવેરાની નાબુદીની જ હતી ને !
રાજમાતાન મીનળદેવીનું મુખ્ય લક્ષ્ય એ જયસિંહને મહત્વાકાંક્ષી બનાવવાનું હતું.
એ દ્વારા જ એ મહારાજ સિદ્ધરાજ જયસિંહને મહાન અને કુશળ રાજવી તૈયાર કરી શકે એમ હતાં .
રાજ્યમાં પેદા થયેલી અસ્થિરતા દૂર થાય અને પ્રજાકલ્યાણના કાર્યો થાય એ આશયથી તેમણે પોતાનાં એક માત્ર પુત્રને તાલીમ આપવાનું શરુ કર્યું.
રાજમાતા મીનળદેવીને મનમાં ઊંડે ઊંડે એમ થયાં કરતુ હતું કે સોલંકીયુગની સીમાઓ બને તેટલી ભારતવર્ષમાં લંબાય એટલે એમ કે માત્ર ગુજરાત પુરતી માર્યાદિત ના રહે !
આ અથાગ મહેનત પાછળ એક જ કારણ હતું કે સોલંકીયુગને એક મહાપ્રતાપી રાજા મળી રહે જે અજેય હોય અને જેની નામના ચારેકોર ફેલાય !!
તેમનો એક હેતુ એ પણ હતો કે એમની પૂર્વજન્મની પ્રતિજ્ઞા એ ખાવિંદ રાજા કર્ણદેવ સોલંકીએ તો ના પરિપૂર્ણ કરી તે આ જયસિંહ દ્વારા પૂર્ણ થાય !
જો કે કર્ણદેવ સોલંકીનું અવસાન વહેલું થઇ ગયું હોવાથી એમનાં રાણી એમની પાસે એ પ્રતિજ્ઞા પૂરી કરાવી શક્યા નહીં એટલે એમ કે રાણી મીનળદેવીને એમને એ વાત કરવાનો મોકો મળ્યો જ નહીં !!
હવે એક માત્ર વિકલ્પ એ જયસિંહ પાસે જ કરાવવાનો હતો.
તેઓ યોગ્ય તકની રાહ જોતાં હતાં એટલે તેમણે “થોભો અને રાહ જુઓ”ની નીતિ અપનાવી.
એમની શક્તિઓ અને કાર્યપદ્ધતિ, કુનેહ અને કુશળતા જોતાં આજ એક માત્ર એમનું અંતિમ લક્ષ્ય નહોતું !!
આ વાત અચાનક બની છે જેને આ વાર્તાકારોએ જ મહત્વ આપ્યું છે.
ઇતિહાસના ચોપડે આવી કોઈ વાત નોંધાઈ જ નથી.
પણ વાત અતિ મહત્વની છે અને અત્યંત રસપ્રદ જે રાજમાતા મીનળદેવીનાં પાત્રાલેખન માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે.
એટલે એને તો ના જ ઉવેખાય ને વળી !!!
જ્યાં ઈતિહાસ આપણને સરખી રીતે પ્રાપ્ત ના થતો હોય ત્યાં આવાં કાલ્પનિક પ્રસંગો અને ઈતિહાસકથાઓ (લોકશ્રુતિઓ) બહુ જ ભાગ ભજવતી હોય છે
જે રાજમાતા મીનળદેવીની આ વાત સાથે સાચી પડતી જણાય છે.
✅ આ સોમનાથનાં યાત્રાળુવેરાની નાબુદીની વાત એ અચાનક ઉત્પન્ન થયેલી છે
આવું બનવાનું છે એવું તો સહદેવ જોશી જ કહી શકે….. ઈતિહાસ નહીં!
જો કે આ ઈતિહાસ તો નથી પણ ઐતિહાસિક પ્રસંગ જરૂર છે!
જે જાણવો દરેક માટે અતિઅગત્યનો છે.
આ વાત આપણા સોશિયલ મીડિયામાં બધાએ કરી જ છે એટલે એ પ્રચલિત વાતને મેં એક નવાં અંદાજમાં તમારી સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે.
સોમનાથના દર્શન કરવાં એકલાં જતાં હતાં કે જયસિંની સાથે જતાં હતાં તે ગૌણ બાબત છે.
આ વાતને રસપ્રદ બનાવવા માટે જ એમણે એકલાં દર્શન કરવાં જતાં બતાવાયા છે.
તો જ રાજમાતા દુખી થઈને જયસિંહ આગળ ધા નાખી શકે
રાજા જો સાથે હોય તો મીનળદેવી રાજાની ઉપરવટ જઈ શકે નહીં અને મીનળદેવી તેમ કરે પણ નહીં !! સત્તા બંને પાસે સરખી હતી પણ રાજાના કાર્યમાં કોઈ દખલ કરે રાજકારભારનાં સિધ્ધાંતની વિરુદ્ધ હોવાથી તે કાર્ય મહારાજ સિદ્ધરાજ જયસિંહ પાસે પરિપૂર્ણ થતું દર્શાવાયું છે.
એ જે હોય તે હોય રાજમાતાએ લોકોની વાત સાંભળી અને એની રજૂઆત સિદ્ધરાજ જયસિંહને કરી અને સિદ્ધરાજે માતાની વાત માનીને આ ખોટું જ છે એમ સ્વીકારી આ ૭૨ લાખનો સોમનાથની યાત્રા પર લેવાતો વાર્ષિક વેરો નાબુદ કર્યો.
રાજમાતા મીનળદેવીને કયા કયા લોકો મળ્યાં હતાં અને તેમણે શું શું રજૂઆત કરી હતી એ ગૌણ બાબત છે એ આવી ઈતિહાસકથાઓ – લોકકથાઓ પર છોડવું જ યોગ્ય ગણાય.
મહત્વની વાત એ છે કે રાજમાતા મીનળદેવીના કહેવાથી આ યાત્રાળુવેરો નાબુદ કર્યો !
✅ આ કથાને લીધે રાજમાતા મીનળદેવીનું નામ એટલે જ આ નામ આજે લોકજીભે રમતું થઇ ગયું છે પણ ઇતિહાસથી જોજનો દુર છે આવી કથાઓ !!
પણ જો કાલ્પનાની રંગપુરણી ના હોય તો એ ઈતિહાસ જ બને ને ! કંઈ નવલકથા કે કાવ્ય ના બને !
કઈ નવલકથા વીસમી સદીમાં પહેલી લખાઈ તે મહત્વનું નથી પણ કેવી લખી તે જ મહત્વનું હોય છે.મુનશીજીએ આ મીનળદેવીનાં પાત્રને “પાટણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ”માં અદભૂત રીતે ઉઠાવ્યું છે. ખુબજ સુંદર પાત્રાલેખન કર્યું છે ……. પણ ….. એનો અર્થ એ નથી કે બીજી સાહિત્યિક કૃતિઓ એની આગળ ફિક્કી પડે છે!
ના રે ના એવું બિલકુલ નથી ધૂમકેતુ અને જય્ભીખ્ખુએ પણ આને પુરતો ન્યાય આપવાં પ્રયત્ન કર્યો છે જ અને એ પણ ઉત્તમ ગુજરાતી નવલકથાઓ છે પણ આજે મુનશીજી વધારે વંચાય છે અને ભણાવાય છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી !
✅ સવાલ એ નથી કે રાજમાતા મીનળદેવી દેખાવમાં કેવાં હતાં?
સવાલ એ છે કે એમણે કાર્યો શું શું કર્યાં હતાં ?
એ જમાનાના ઇતિહાસમાં અને એમાય જયારે વાત રાજપૂતોની હોય તો એક વાત કહી દઉં કે એ જમાનામાં રાજપૂતો તલવાર સાથે ફેરા ફરતાં હતાં રાજપૂત કન્યા સાથે નહીં.આવું ઘણી લોકકથાઓમાં આવ્યું છે! કન્યા કાં તો સાતમાં ફેર વખતે જ આવે અથવા જયારે હસ્તમેળાપ થાય ત્યારેજ એકબીજાનો ચહેરો જુએ અને હસ્તમેળાપનો જ રોમાંચ અનુભવે. બાકી તેઓ તલવારને જ પત્ની માનીને ફેરા ફરતાં. એ તલવાર એ રાજપૂત કન્યા- રાજકુંવરીએ જ મોકલાવેલી હોય.
આનું કારણ એ છે કે રાજપૂત કન્યા દુર હોય અને લગ્ન જલ્દીથી કરવાના હોય એટલે આમ કરવામાં આવતું હોય છે. આવું રાણકદેવી વખતે થયું હતું એમ સૌરાષ્ટ્રની લોકકથાઓ કહે છે . રાણકદેવીના લગ્ન આ રીતે મહારાજ સિદ્ધરાજ જયસિંહ સાથે થયાં હતાં અને સાતમાં ફેરા વખતે રા’ ખેંગાર એને ઉપાડીને જૂનાગઢમાં લઇ ગયો હતોઅને ત્યાં એ બંને લગન કર્યા હતાં પછી જ મહારાજ સિદ્ધરાજે દેવલ-વિશલના કહેવાથી આક્રમણ કર્યું હતું અને રા,’ખેંગાર મરાયો હતો.
આવું હું નથી કહેતો આ લોકકથાવાળાં ગઈ બજાવીને કહે છે . આ વિષે બીજી પણ વાત છે કે દેશલ-વિશલ ફૂટી ગયાં હતાં અને રાખેંગાર- રાણકદેવીની પ્રેમકથાઓનું વર્ણન કરી એમને વિષે બધી માહિતી મહારાજ સિદ્ધરાજને આપી હતી જેને લીધે મહારાજ સિદ્ધરાજે જૂનાગઢનો આ ઉપરકોટ કિલ્લો જીત્યો એમાં રા’ખેંગાર મરાયો.
એમાં રાણકદેવીને અત્યંત સ્વરૂપવાન કન્યા દર્શાવી છે, જયારે મીનળદેવીનો બાહ્ય દેખાવ એટલો બધો સુંદર તો હતો જ નહીં પણ એમનો આંતરિક દેખાવ અને એમની વિચારશક્તિ અદભૂત હતી !!!
રાજમાતા મીનળદેવી એ રાણકદેવી પહેલાં થયાં હતાં એ વિષે તો લોકો સુજ્ઞાત હોય જ !!
મીનળદેવીની કથાઓમાં એમનાં કાર્યને બિરદાવવામાં આવ્યું છે અને આ રીતે એમનાં પાત્રને ન્યાય મળે એનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.પણ એમાં એક વાત ખુંચે છે એ છે કે —-
શું લોકકથાઓ કે શું સાહિત્યમાં કોઈ રાજપૂત કન્યા સામેથી લગ્નનો પ્રસ્તાવ મુકતી હતી ખરી ?
“પરણું તો આને જ એ સિવાય બીજાં કોઈને નહીં!” એવું જરૂર કહેતી હતી – કરતી હતી. પણ પરણવા ઉપડવાથી એ સામે ચાલીને એ રાજાના રાજદરબારમાં એકલી નહોતી પહોંચી જતી !
મુકે તો મુકે પણ સામે ચાલીને એકલી એ પ્રસ્તાવ મુકવા પાટણ જાય ખરી કે !
મારો કહેવાનો મતલબ એ છે એ જમાનામાં કોઈ ક્ષત્રિયાણી આવું તો નહોતી જ કરતી. એક જ સમયની બે લોકાથાઓમાં રાજપૂતોની પ્રથા અને પરંપરાના લીરેલીરે ઉડતાં નજરે પડે છે.
ખબર નહીં કેમ લોકોનું ધ્યાન આ બાબતમાં કેમ નહીં ગયું હોય તે જ !
એ જે હોય તે હોય પણ એક વાત તો સાબિત થઇ કે – રાણી મીનળદેવી-રાજમાતા મીનળદેવી એ મહાન હતાં અને એક કુશળ વહીવટકર્તા હતાં.
રાણકદેવીએ કાલ્પનિક પાત્ર છે કે નહીં એ તો ઈતિહાસ અને લોકકથાઓ જાણે !
પણ એક વાર્તા તરીકે એ બહુ જ સારી છે. એમનાં પાત્રને નીચું ચીતરવાનો મારો કોઈ જ ઈરાદો નથી.
પણ આ વાત જ મહારાજ સિદ્ધરાજ જયસિંહની આબરુને લાંછન લગાડવા બઢાવી-ચઢાવીને કહેવામાં આવી છે એટલે જ આ વાત વિવાદાસ્પદ છે અને એટલાં જ માટે એને ઇતિહાસમાં સ્થાન પ્રાપ્ત થયું નથી !!!
જો કે આ વાત બધે જ આવી ગઈ છે એટલે એ વિષે અહીં વધારે લખવું એ અસ્થાને જ ગણાશે !!
આ એક રાજપૂત રિવાજની વાત હોવાથી અહી મેં આટલી ચર્ચા કરી છે.
હવે પાછી રાજમાતા મીનળદેવીની વાત !
✅ રાજમાતા ઈતિહાસપ્રસિદ્ધ રાજમાતા છે એમાં કોઈ જ બે મત નથી !
આ વાતની સાબિતી આપણને લિખિત સાહિત્યમાંથી ન મળતી હોય તો એમણે બંધાવેલા શિલ્પ -સ્થાપત્યોમાંથી અવશ્ય માળે છે
આ સ્મારકોને લીધે જ ઈતિહાસ આપણા માનસપટ પર છવાયેલો રહે છે અને તે કાયમ માટે સચવાતો હોય છે. પુરાતત્વખાતાના ઉત્ખનન અને કેટલીક શોધખોળો અને સંશોધનના કારણે આજે વિન્નાનના વિકાસને કારણે આપણને આ સુગમતા પ્રાપ્ત થઇ છે. એનો આપણે પાડ માનવો જોઈએ !!!
સોલંકી યુગના અગાઉના રાજાઓએ અદભૂત કલાકોતરણીવાળાં સ્થાપત્યો બાંધવાની શરૂઆત તો થઇ ગઈ હતી જરૂરત હતી આ “મારુ ગુર્જર”શૈલીને આગળ ધપાવવાની.
આની શરૂઆત તો જયસિંહ જયારે નાનાં હતાં ત્યારથી જ મીનળદેવીએ કરી હતી.
ધોળકાનું મલાવ તળાવ અને વિરમગામનું મુનસર-મીનળસર તળાવ આના ઉતમ દ્રષ્ટાંતો છે !
✅ ધોળકા એ અમદાવાદની નજીકનું નગર છે.
અમદાવાદ પેલાં આશાવલ હતું પછી રાજા કર્ણદેવે કર્ણાવતી નગર બંધાવ્યું
કર્ણાવતી નગરના કોઈજ અવશેષો પ્રાપ્ત થયાં નથી સિવાયકે સંસ્કારકેન્દ્ર પાલડીમાંથી ખોદકામ દ્વારા મળી આવેલાં કેટલાંક શિલ્પો અને કેટલીક મૂર્તિઓ અને સારંગપુર સ્થિત કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર.
આ કોઈ આધારભૂત સ્થાપત્યો તો છે જ નહીં !
પણ રાજા કર્ણદેવે લાટ-પ્રદેશ જીત્યો હતો તે સમયે આ ધોળકા એ લાટ-પ્રદેશનો જ એક ભાગ હતું. જે કર્ણદેવે જીતીને સોલંકીયુગના તાબા હેઠળ આણ્યું. તો ત્યાર પછી પણ એ સોલંકીયુગના તાબા હેઠળ જ હોય એ સ્વાભાવિક જ હોય.
પ્રજા કલ્યાણમાં માનનારા રાજમાતા મીનળદેવીએ પ્રજાને પાણીની સગવડ પ્રાપ્ત થઇ શકે લોકો ત્યાં હરીફરી શકે એ હેતુ સર તેમને ત્યાં એક તળાવ બાંધવાનું નક્કી કર્યું.
આ તળાવ બાંધવા માટે એમણે એક નકશો તૈયાર કર્યો !!
તળાવની સુંદરતાને પુરતું ધ્યાન આપવામાં આવ્યું હતું.
હવે આ તળાવના બાંધકામ સમયની એક વાત પણ પછીથી કથાઓમાં ખુબ જ પ્રચલિત થઇ છે
જે મેં અગાઉ લખેલું જ છે પણ એ વાત કર્યા વગર રાજમાતા મીનળદેવી ને પુરતો ન્યાય આપી શકાય એમ ન હોવાથી એ વાત હું અહીં ખુબ જ ટૂંકાણમાં દોહરાવું છું
✅ વાત કઈ નવી તો નથી જ પણ તેમ છતાં એ અહી મુકું છું.
આ તળાવનો નકશો તૈયાર થઇ ગયો હતો પણ તેમાં સુંદરતામાં એક ખાંચો પડે તેમ હતો.
ત્યાં તળાવના કિનારે એક વૃધ્ધાનું ઘર -ઝૂંપડી પડતી હતી ….. અમ તો એ ઘર જ હતું ઝૂંપડી નહીં !
રાજમાતા મીનળદેવી એ વૃદ્ધાને મળ્યાં. તેમને આ ઘર પોતાને આપી દેવાં જણાવ્યું અને બદલામાં જેટલાં રૂપિયા જોઇતાં હોય એટલાં લઈલો એમ કહ્યું .
એ વૃદ્ધાએ આખી જિંદગી અહીં કાઢી હતી અને આ ઘર સાથે એને એક પ્રકારની લાગણી થઇ ગઈ હતી. એટલે એ ઘર વેચવા કે ખાલી કરવાં તૈયાર ના થઇ.
રાજમાતા મીનળદેવી એ પછી એમને આગ્રહ ન કર્યો .
તેઓએ ધાર્યું હોત તો યેનકેનપ્રકારેણ આ ઘર બળજબરીથી કે ધાકધમકીથી પડાવી જ શક્યાં હોત !
પણ રાજમાતા મીનળદેવી જેનું નામ તેઓ પ્રજાવત્સલ હતાં એટલે તેમણે આ તળાવ એ આશિયાનાને ત્યાંનો રાખીને જ તળાવ બાંધવાનું નક્કી કર્યું અને પોતાનાં વહીવટકર્તાઓ અને સૈનિકોને કહ્યું કે ——
” આપણું ઘર કોઈ તોડી નાંખે કે કોઈ ખરીદી તો કોઈને ગામે ખરું કે ! તો પછી એ વૃદ્ધાને પણ પોતાનાં ઘરમાં રહેવાનો એટલો જ અધિકાર છે જેટલો આપણને !
તળાવ બંધાયું એની સુંદરતાને અને એનાં ગોળાકાર(વર્તુળાકાર )પણાને ભોગે
આજે પણ એ તળાવ ત્યાં છે અને લોકો હોંશે હોંશે તે જોવાં જાય છે અને એ બહાને રાણી મીનળદેવી અને સોલંકીયુગના સ્થાપત્યોને યાદ રાખે છે – જીવંત રાખે છે !
પણ સમયથી એક કહેવત પ્રચલિત થઇ ગઈ છે કે –
“ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવાં જાવ !”
આ પ્રસંગ રાજમાતા મીનળદેવીની ન્યાયપ્રિયતાને સાબિત કરવાં માટે પુરતો છે.
મીનળદેવી આજે આવાં આવાં પ્રસંગોને લીધે જ લોકજીભે રમતાં થયાં છે.
મીનળદેવીએ સૌરાષ્ટ્રમાં વીરપુર ખાતે એક વાવ પણ બંધાવી હતી જે આજે મીનળદેવીના નામે પ્રખ્યાત છે એવું પણ ક્યાંક લખેલું છે
આ વાવ પણ આજે અસ્તિત્વમાં તો છે જ પણ જર્જરિત હાલતમાં !!
✅ રાજમાતા મીનળદેવીની સલાહ અને અનુમતી મહારાજ સિદ્ધરાજ જયસિંહના દરેક કાર્યમાં રહેતી હતી.
રાજમાતા મીનળદેવીનું ઉત્તમ કાર્ય તો એ છે કે મહારાજ સિદ્ધરાજ જયસિંહને મહાન રાજવી બનાવવાનું !
તોય આપણે મીનળદેવીના પાત્રને તો ન્યાય આપી શક્યા પણ નથી આપી શક્યા મહારાજ સિદ્ધરાજ જયસિંહને !!
ઉલટાનું આપણે એમ કહીએ છીએ કે —-
“મહારાજ સિદ્ધરાજ જયસિંહ તો માવડિયા હતાં તેમનામાં કોઈ આવડત હતી જ નહીં તેઓ તો માત્ર નામના રાજા હતાં ખરું રાજ તો રાજમાતા મીનળદેવી ચલાવતાં હતાં….. વગેરે …. વગેરે !
આને જ લીધે આજના લોકોને મહારાજ જયસિંહ પર ટીકા કરવાનો ઈતિહાસ પર અબાધિત ટીકા-ટીપ્પણીઓ કરવાનો અધિકાર સ્વમેળે જ પ્રાપ્ત કરી લીધો છે !
કશું પણ વાંચ્યા કર્યાં વગર અને કશું પણ સમજ્યા કર્યા વગર જ !!!
આવું ન કરાય અને ના જ થવું જોઈએ ભવિષ્યમાં પણ !
✅ રાજમાતા મીનળદેવી એ કુશળ લડવૈયા હતાં જે એમણે જયસિંહને તાલીમ આપી હતી એમાં જણાઈ આવે છે અને એ વાતનું એક બીજું દ્રષ્ટાંત પાટણ પર રાખેંગારે જે હુમલો કર્યો હતો ત્યારે રાજમાતા મીનળદેવી અને શાંતુ મંત્રીએ એને જે કુશળતાપૂર્વક પાછો કાઢ્યો હતો પાટણનો દરવાજો તોડયા વગર તેમાંથી મળે છે.
મીનળદેવીને યુદ્ધ કરતાં આવડતું જ હતું પણ તેની જરૂરત નહોતી પડી કારણકે બધાં મંત્રીઓ કુશળ હતાં અને પુત્ર જયસિંહ મહાપરાક્રમી હતો.
જે મીનળદેવીની છત્રછાયામાં રહીને એમની જ સલાહ પ્રમાણે વર્તીને હજી નામ કાઢવાનો બાકી જ હતો !
✅ મીનળદેવીનો ઉલ્લેખ બિલ્હણ સિવાય અન્ય સમકાલીન સાહિત્યમાં ખૂબ માનપૂર્વક કરવામાં આવે છે.
મુદ્રીતકુમુદચંદ્ર-પ્રકૃતિ નામના સંસ્કૃત નાટકમાં દિગમ્બર અને શ્વેતામ્બર વચ્ચેના બે મુખ્ય જૈન સંપ્રદાયો વચ્ચેનો વિદ્વાનો વિવાદ દર્શાવવામાં આવ્યો છે.
આ વિવાદનો એક વિષય એ છે કે સ્ત્રી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે કે નહીં.
અહીંના શ્વેતામ્બરો એવો દાવો કરે છે કે સત્ત્વ ધરાવતી સ્ત્રીઓ (ઓળખ: દેવતાની આંતરિક ગુણવત્તા) મુક્તિ મેળવી શકે છે અને સિદ્ધરાજ જયસિંહના દરબારમાં દેવી સીતાને પુરાણકથા અને મીનળદેવીને સાથે ટાંકે છે – સરખામણી કરે છે !
✅ એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે આ મયણલ્લાદેવી (મીનળદેવી)ની જન્મ સાલ અને મૃત્યુસાલ ક્યાંય પણ આલેખાયેલી જોવાં મળતી નથી પણ એ નો અર્થ એ નથી કે એમનાં પાત્રનું કોઈ મહત્વ જ નથી ! ઘણું ઘણું જ મહત્વનું છે મિત્રો !
✅ ક્યાંક લખેલી વાત પણ આ સંદર્ભે જાણવા જેવી જ છે
ઘેલા સોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર શ્રી મીનળદેવી બિરાજમાન છે.
અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલીતી હોય છે ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે.
જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું.
સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.
આના પરથી એ ફલિત થાય છે કે મીનળદેવી એ દેવી સમાન આજે ય છે લોકમાનસમાં અને કદાચ રાજમાતાએ અહીં દેહત્યાગ કર્યો હોય !!
ચંદ્રગુપ્ત મૌર્ય જેવી ઘટના અહીં પણ બની હશે !
કારણકે કહેવાય છે ને કે – “ઈતિહાસ એનું પુનરાવર્તન કરે છે !”
જ કે આ બાબતમાં કોઈ સાક્ષ્ય-પ્રમાણ મળતાં નથી એ જુદી વાત છે
✅ ટૂંકમાં –
રાજમાતા મીનળદેવીની વાત કર્યા વગર ભારતનો ઈતિહાસ અને સોલંકી યુગનો ઈતિહાસ અધુરો જ ગણાય. સોલંકી યુગને સુવર્ણકાળ બનાવવામાં રાજમાતા મીનળદેવીનો સિંહફાળો છે એમ છાતી ઠોકીને કહી જ શકાય તેમ છે.
રાણી તરીકેની વાત કર્ણદેવ સોલંકીમાં આવી જતી હોવાથી અહીં એનું પુનરાવર્તન નથી કર્યું !!
✅ જયારે પણ ધોળકા, વિરમગામ કે વીરપુર જાઓ તો ગુજરાતના સુપ્રસિદ્ધ રાણી અને રાજમાતા મીનળદેવીને યાદ જરૂર કરજો પાછાં !
✅ શત શત નમન લોકમાતા – રાજમાતા મીનળદેવીને !
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય ઘેલા સોમનાથ !!
!! હર હર મહાદેવ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply