કાળો કોટ પહેરેલો એ વ્યક્તિ કંઈ સમજે તે પહેલાં જ બહાર ઉભેલા એક 30 વર્ષનાં જુવાને તેની ધોલાઈ કરવાની શરૂ કરી દીધી. તેને સમજાય નહોતું રહ્યું કે પ્રધાનમંત્રીના સાઉથ બ્લોકના કાર્યાલયમાં આ શું થઈ રહ્યું છે થોડીવારમાં જ પોતે નહોર વિનાનો વાઘ બની ગયો હતો. તે વ્યક્તિ તેને મારતો જતો હતો અને બોલતો હતો, ‘ઈમરજન્સી કિલર.’
માર ખાધેલ એ વ્યક્તિ થોડીવાર પછી સ્વસ્થ થયો, દોડીને દેશના મોભાદાર વ્યક્તિની ઓફિસમાં ગયો અને તાડુક્યો, ‘પેલાએ મને બહાર માર માર્યો. એ કોણ છે એ બે કોડીનાને અક્કલ પણ છે હું કોણ છું ’
સામે ફાઈલમાં સાઈન કરી રહેલો વ્યક્તિ ચૂપ હતો. તે કંઈ બોલ્યો નહીં. તેણે ફાઈલમાં માથુ ઘાલીને કામ કરવાનું ચાલુ રાખ્યું અને પછી આંખ સુધી ન પહોંચે એ રીતનું સ્મિત વેર્યું.
Chapter 1 : Case
કોંગ્રેસ પાર્ટીની જીત પાક્કી કરતી પરંપરાગત બેઠક એટલે રાયબરેલી. 1971માં જીત કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની થઈ. તેમની સામે ઉભા હતા લોકબંધુ ના ઉપનામે ઓળખાતા રાજ નારાયણજી. જેઓ ભૂતકાળમાં સ્વતંત્ર સેનાની પણ રહી ચૂક્યા હતા. જીતનું માર્જીન હતું 71,499 સામે 1,83,309. જીતવા માટે બંન્ને તરફથી એડિચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. આમ છતાં જીત થઈ શ્રીમતી ઈન્દિરા ગાંધીની. જેની પહેલાંથી તમામને ખબર હતી. ઈન્દિરા ગાંધીએ જીત માટે યોગ્ય ઘોડો પસંદ કર્યો હતો. ઘોડાની લગામ વધારે ખેંચો તો ઘોડો ઉંચો થાય અને કોઈવાર આપો ખોઈ બેસે તો ઉપર બેસેલાને પણ જમીનદોસ્ત કરી દે. રાજ નારાયણ ઈન્દિરા સામે એટલા મોટા અને અઠંગ રાજકારણી તો ન કહેવાય, પણ હાર બાદ તેમણે ચૂંટણીમાં ઈન્દિરાએ કરેલા પરાક્રમોનું પોટલું ખોલવાનું મન બનાવી લીધું. ઈન્દિરાએ જીતવા માટે જે લોકોનો ઉપયોગ કર્યો હતો તે આચારસંહિતા નામની લક્ષ્મણ રેખાને ટપી ગયા હતા. નારાયણે અલાહબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા સામે કેસ ઠોકી દીધો. કેસના બે મુદ્દા હતા અને બંન્ને રાજ નારાયણની તરફેણમાં જતા હતા. એક તો એ કે ઈન્દિરા ગાંધી માટે યશપાલ કપૂરે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જે સરકારી કર્મચારી હતા. ચૂંટણીમાં સરકારી કર્મચારીને નેતાનો પ્રચાર નથી કરવાનો હોતો. નંબર બે, ચૂંટણી પ્રચારમાં ઈન્દિરા માટે બનાવેલા એ મંચને સરકારી કર્મચારીવર્ગે તૈયાર કર્યો હતો.
Chapter 2 : Bravo Three Man
કેસની બાગડોર હતી જસ્ટિસ જગમોહન લાલ સિંહાના હાથમાં. જેમની ઈમાનદારી રાતના અંધારામાં પણ ધ્રૂવ તારાની જેમ જગારા મારતી હતી. એક કોંગ્રેસી નેતાએ તેમને ખરીદવા માટે 5 લાખની ઓફર કરી હતી, પણ તેઓ ડગમગ્યા નહીં. બીજી બાજુ હાલની આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણના પિતા શાંતિ ભૂષણ રાજ નારાયણનો કેસ લડી રહ્યા હતા. તેમની વકિલાતનો ડંકો ઉત્તરપ્રદેશની એક એક કોર્ટમાં વાગતો હતો. ત્રીજા નંબરે નેગી રામ નિગમ હતો. જસ્ટીસ સિંહા જે પણ બોલતા તે નિગમ લખતો હતો. ઉપરના બેનો કોલર તો પકડી ન શકાય એટલે નિગમ જેવા સામાન્ય સ્ટેનોગ્રાફરને પકડવા માટે ઈન્ટેલિજન્સ ઓફિસરોએ દિવસ રાત એક કરવા માંડી. એ જાણવા માટે કે તેણે કાગળમાં શું ટાઈપ કર્યું છે દેશના વડાપ્રધાનનું ભવિષ્ય એક નાની અમથી સ્ટેનોગ્રાફરની નોકરી કરતો વ્યક્તિ નક્કી કરવાનો હતો. નિગમને આ વાતની ભનક લાગી ગઈ કે થોડીવારમાં હું હતો ન હતો થઈ જઈશ એટલે તેણે બિસ્રા-પોટલા બાંધી પત્ની સાથે ઘર છોડી દીધું. ઈન્ટેલિજન્સના કેટલાંક ઓફિસરો જ્યારે તેના ઘરે પહોંચ્યા ત્યારે તેના ઘરની બહાર ખંભાતી તાળું લાગેલું જોઈ હતોત્સાહી થઈ ગયા. પણ તેને પકડવામાં પોલીસે પોતાનું કામ બરાબર પાર પાડ્યું. નિગમને તોડવા માટે તમામ પ્રકારનાં હથકંડા અજમાવ્યા, પણ નિગમ ઈમાનદારીની માટીનો બનેલો હતો. આખરે નિગમ પાસે એવું શું હતું
Chapter 3 : Journalism
માધ્યમોનો વિસ્ફોટ નહોતો થયો. રેડિયો અને લોકોના ઘરમાં કહેવા પૂરતા ટીવી હતા. જેનું એરિયલ બાર કલાકમાં બાર વખત નળિયાવાળા ઘર પર ચડી ઠીક કરવું પડતું હતું. અખબાર જ ભારત દેશની જનતાની આંખ ઉઘાડવા માટે કૂકડાની માફક કામ કરતું હતું. ઈન્દિરા ગાંધી તો ખૂબ પહેલાં કહી ચૂક્યા હતા કે, તે છાપા નથી વાંચતી, કારણ કે તેને ખબર હોય છે કે કોણ શું લખવાનું છે. લલિત નારાયણ મિશ્રા પાસેથી તેમણે સાંભળ્યું હતું કે, વ્હિસ્કીની બોટલ, થોડા રૂપિયા અને સૂટ-બૂટથી કેટલાક પત્રકારોને ખરીદી શકાય છે. દિલ્હીમાં આવા ઘણા પત્રકારો ઈન્દિરાના કાનને સાંભળવી અને આંખને ગમતી હેડલાઈન છાપતા હતા. પણ આ વખતે કંઈ કહેવા જેવું ન હતું. ચૂકાદો આવે તે પહેલા જ પત્રકારોની ઓફિસમાં ટાઈપરાઈટરો પર ધડાધડ આંગળીઓ પડવા લાગી હતી. એવા શબ્દો લખાઈ રહ્યા હતા કે વાંચનારો ત્યાં જ જડવત્ થઈ જાય. ભવિષ્યમાં કટોકટી પર સંજય સ્ટોરી પુસ્તક લખનારા વિનોદ મહેતા, કુલદિપ નૈયર, અરૂણ શૌરી જેવા ‘ખા’ પત્રકારોને પણ ખબર નહોતી કે તેમની ટીમ ટાઈપરાઈટર પર જેટલી જોરથી આંગળીઓ પછાડી રહી છે એને એટલી જ જોરથી પછાડવા હવે પછી 21 મહિનાની રાહ જોવી પડશે.
Chapter 4 : Sanjay Bhai
ઈન્દિરા ગાંધી હવે તંગ આવી ગયા હતા. આવા સમયમાં શું કરવું તેની તેમને કશી ખબર નહોતી પડી રહી. ચૂંટણી કરતાં વધારે મહેનત તેમને આ કેસ જીતવા માટે કરવી પડતી હતી. આંખ આડે હાર સિવાય કંઈ જ દેખાય નહોતું રહ્યું. બીજી બાજુ નેગીએ પણ મોઢું ન હતું ખોલ્યું. ચૂકાદો વિરોધમાં આવશે તો 6 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં લડી શકે. આવો નિર્ણય કોઈ પણ નેતા માટે કંપારી છોડી દેવા પૂરતો હતો. અને આ તો ઈન્દિરા ગાંધી હતા. ઈન્દિરાના મિત્ર બંસીલાલ, જેમણે હરિયાણામાં વિપક્ષનું મોઢું પોલીસની લાકડીથી બંધ કરી દીધું હતું, તેમણે ઈન્દિરા ગાંધી પાસે આવી પોતાના જૂના જ્ઞાનનો પરચો આપતા કહેલું, ‘હું તો એ બધાને જેલમાં જ નાખી દેત, બહેનજી, તમે તેમને મારા પર છોડી દો અને જુઓ હું એ બધાને કેવી રીતે ઠીક કરું છું. તમે ખૂબ જ લોકતાંત્રિક અને દયાળુ છો.’ તેમની આ વાત યાદ આવ્યા બાદ ઈન્દિરા ગાંધીએ હંમેશાંથી મુશ્કેલ સમયમાં તેમનો ટેકો રહેલા વ્યક્તિને બોલાવવાનું કહેણ મોકલ્યું, ‘સંજયને બોલાવો.’
Chapter 5 : June 15
સંજય ગાંધીએ પોતાના કામની શરૂઆત જૂનની 15મી તારીખે કરી. શરૂઆતમાં તેમણે અખબારો પર લગામ લગાવવાની અને વિપક્ષના પ્રમુખ નેતાઓનું મોઢું બંધ કરવાની યોજના ઘડી. યોજનાની અમલવારી માટે તેમણે પહેલું કામ પોતાના રૂમમાં સેક્રોફોન લગાવવાનું કર્યું હતું. સંજય અને ઈન્દિરા જ્યારે સવારમાં નાસ્તો કરવા માટે બેસતા ત્યારે કેટલાક ઓફિસરો કહેતા, ‘છાપાઓએ જ વિપક્ષને સિંહ બનાવ્યા છે અને તે જ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો માહોલ બનાવવા માટે જવાબદાર છે.’ સંજયને તો પહેલાંથી જ પ્રેસ સાથે અનબન રહેતી હતી. મારૂતિ કાર આવી એ સમયે છાપાવાળાઓએ શું શું છાપ્યું હતું તેની તેને ખબર હતી. સંજયે જ તેમને નિમંત્રણ આપેલું કે આવો કારખાનામાં અને આ વિશે સારું સારું લખો. પણ દાવ ઉલટો પડી ગયેલો. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. અને એમાંય સંજય તો અનુભવી હતો.
Chapter 6 : Article 352
આ વચ્ચે જસ્ટીસ જગમોહન સિંહા ગુસ્સામાં હતા. નિગમને માર માર્યાની ખબર જાણી તેઓ ઈન્દિરાને કોઈ પણ પ્રકારનો સ્ટે આપવા નહોતા માગતા. તેમણે નિગમને ઢોર માર મારી એ વાતની જાણકારી મેળવવાની કોશિષ કરેલી કે ચૂકાદામાં ઈન્દિરા દોષી છે કે નિર્દોષ. છતાં કાયદાની રૂએ સિંહાએ 20 દિવસનો સ્ટે આપ્યો. હવે ચૂકાદો 20 દિવસ પછી આવવાનો હતો. પણ હવે શું કરવું તેની ગડમથલમાં બધા હતા. ઈન્દિરા ગાંધીના વિરોધમાં ચૂકાદો આવે તો તેમની પાર્ટીના જ કેટલાક મોગેમ્બો ખુશ થઈ જાય. જેમાંથી બચી નીકળવાનો એક માત્ર રસ્તો કલમ 352 હતો. આંતરિક કટોકટી. જ્યારે વિદેશી આક્રમણ કે ભીતર બળવાનાં એંધાણ સર્જાય ત્યારે લગાવાતી કલમ.
Chapter 7 : Bathroom Singer-Bathroom Sign
બંધારણની કલમ 352 શું છે તે સિદ્ધાર્થ શંકર રાય નામના એક નેતા, રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદને સમજાવવા ગયા. એ વખતે રાષ્ટ્રપતિએ આંતરિક કે વિદેશી બળવો છે કે નહીં તે જાણ્યા વિના માત્ર આર્ટિકલ 352 વિશે સમજ્યું. શંકર રાયે બાદમાં વડાપ્રધાનને રાષ્ટ્રપતિને આ અંગેની માહિતી આપી દીધી હોવાની જાણ કરી. વડાપ્રધાન અને સેક્રેટરી આર.કે.ધવન રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા. હજુ 25 તારીખ ન હતી થઈ. રાતના 11-45 વાગ્યા હતા. ધવન સહી કરવાનો કાગળ લઈ આવ્યા અને રાષ્ટ્રપતિએ સહી કરી નાખી. બાદમાં રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદનું એક કાર્ટુન બન્યું. જેમાં તેઓ સ્નાન કરી રહ્યા છે અને ઈમરજન્સીના કાગળ પર સાઈન માંગતા તેઓ સ્નાન કરતાં કરતાં સહી કરી દે છે.
Chapter 8 : Final Chapter
મોરારાજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા. તેમના મગજમાં ગરોળીની જેમ ચોંટી ગયેલો એક જ વિચાર ઘુમતો હતો કે, ઈન્દિરાએ રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા RAWનો ઉપયોગ કર્યો.
30 વર્ષના યુવાનના હાથે માર ખાધા બાદ એ વ્યક્તિ વડાપ્રધાન મોરારજી દેસાઈની ઓફિસમાં ફરિયાદ કરવા ગયો. વડાપ્રધાન કંઈ બોલ્યા નહીં એટલે એ વ્યક્તિને ખબર પડી ગઈ કે આ બધું પૂર્વઆયોજીત હતું. માર ખાનારા એ વ્યક્તિ વગર આપણે 1971નું યુદ્ધ જીતી ન શકેત. સુપરસ્પાય કાઓ. રામેશ્વરનાથ કાઓ. વર્ષો બાદ આ ઘટના તેમના સહકર્મચારીએ એક ઈન્ટરવ્યૂમાં વર્ણવી હતી.
(સંદર્ભ ઈમરજન્સી કી ઈનસાઈડ સ્ટોરી – કુલદીપ નૈયર, ઈન્દિરા – સાગરિકા ઘોષ, સફારી અંક 297 અને 290.)
~ મયૂર ખાવડુ
Leave a Reply