આ વાંચીને અને સંભાળીને તમને આઘાત લાગ્યો ને ! મને પણ લાગ્યો છે ભાઈ ! આ વાતની સત્યતા અવશ્ય તપાસવા જેવી જ છે. અલ્લાઉદ્દીન અને ગુજરાત સાથે બહુ ઘેરો નાતો છે. પ્રેમનો અહીં દુશ્મનાવટનો !!! આ વાતમાં તથ્ય કેટલું છે એ તપાસવા તમારે છેક બારમી સદીના અંતમાં અને તેરમી સદીની શરૂઆતમાં જવું પડે છે. જો કે આ વાત સાચી જ છે એવું હું તો નથી માનતો, પણ જે પુરાવાઓ મળ્યા છે અને જે જે કંઈ લખાયું છે એવી તમારું ધ્યાન અવશ્ય દોરું છું ! શું સાચું છે અને શું ખોટું છે એ તમારે નક્કી કરવાનું છે.
ચાલો તો એક નજર આ અતિ વિવાદાસ્પદ અને સનસનીખેજ સમાચાર એટલે કે માહિતી પર નાંખી દઈએ. ભાઈશ્રી સંજય લીલા ભણશાલીની ફિલ્મ “પદ્માવત”નો વિરોધ આમતો સમગ્ર ભારતે કર્યો હતો. જે વ્યાજબી જ છે… પણ એમાં ભારતના સમગ્ર રાજપૂતોનો રોષ વહોરી લીધો હતો એમાં ગુજરાત પણ આવી જાય છે. ગુજરાતને વિરોધ કરવા પાછળનું એક કારણ એ છે કે ગુજરાતમાંથી વાઘેલા વંશનો સફાયો અને સૌરાષ્ટ્રમાંથી રાજપૂતોનો સફાયો ! જો કે ત્યાર પછીથી જૂનાગઢમાં ચુડાસમા વંશ છેક ૧૫મી સદી સુધી ચાલુ રહ્યો હતો. એટલે એવું તો ન જ કહી શકાય કે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂતોનો સફાયો કર્યો હતો.
જો કે લગભગ મોટાભાગના રાજપૂતો કાં તો માર્યા ગયાં હતાં અથવા તેઓ ચૂં કે ચા ન કરી શકે એવી હાલત કરી નાંખી હતી. રાજવંશો તો માત્ર ખિલજી પછી જ શું કામ એ તો જયારે શ્રી સરદાર પટેલે દરેક રાજવાડાનું ભારતમાં વિલીનીકરણ કર્યું ત્યાં સુધી ચાલુ જ રહ્યાં હતાં. આજે પણ કહેવાતાં અને માત્ર નામનાં રાજાઓ પણ અસ્તિત્વમાં છે જ જેઓ સાલીયાણા પર પોતાનો જીવનનિર્વાહ કરે છે. તો કેટલાંકે આજીવિકા ખાતર હેરીટેજ હોટેલો શરુ કરી છે, પોતાનાં મહેલમાં! આમાં માત્ર રાજપૂતો જ નથી ઘણા બધાં મુસ્લિમ શાસકો એટલે કે નવાબો પણ છે, જૂનાગઢમાં રાજપૂત વંશની પડતી તો ૧૫મી સદીમાં થઇ છે. ખિલજી પછી લગભગ ૧૭૫ વરસ પછીથી એનાં કારણો તે વખતે ચર્ચશું અત્યારે નહીં જ !!! એટલે એવું તો ન કહી શકાય કે ખીલજીએ જ ગુજરાતમાંથી રાજપૂત વંશનો ખાત્મો કર્યો હતો !!!
હવે ગુજરાતના રાજપૂતોનો “પદમાવત”નો વિરોધ કરવા પાછળનું એક છૂપું કારણ એ પણ છે તે છે અલ્લાઉદ્દીન ખીલ્જીની બે હિંદુ પત્નીઓ જેમાં એક ગુજરાતની એટલે કે વાઘેલા વંશના છેલ્લા રાજા કરણ વાઘેલાની પત્ની કમલાદેવી છે. એક બાજુ રાજપુતાણીની ટેક અને એમની વીરતા જે મહારાણી પદ્માવતીની વાત છે એ અને બીજી બાજુ આજ રાજપુતાણી ખિલજી આગળ ઘૂંટણા ટેકવી દે એ વાત મારાં તો માન્યામાં આવતી જ નથી. આ વાત પર પ્રકાશ ના પડે અને એણે છુપાડી દેવાય કારણ કે રખે ને આ ફિલ્મમાં એનો ઉલ્લેખ થાય તો રાજપૂતો પર લાંછન લાગે. આ વાત લોકો સુધી ના પહોંચે એટલાં જ માટે એક છાનોછપનો વિરોધ શરુ કર્યો હોય એવું પણ બની શકે ! આ વાતના મૂળમાં જવાં માટે ઘણી વાતો ઘણાં બધાં ખૂણેથી જોવી જ પડશે તો જ સાચું શું છે એની ખબર આપણને પડશે!!
એ વાત શું છે ?
એ વિગતે જાણીએ અલબત્ત કેટલાંક ઈતિહાસનાં જાણકારોની દ્રષ્ટિએ સત્ય આ જ છે એવું રખે માની લેતાં. ઈતિહાસ અને ઈતિહાસ પર આધારિત ફિલ્મ “પદ્માવત” જે વાતનો જિક્ર નથી થયો એ એ છે કે અલ્લાઉદ્દીન ખિલજીને હિંદુ પત્નીઓ હતી તે છે. જો કે એ વખતે “હિદુ” શબ્દ પ્રચલનમાં નહોતો જેટલો આજે છે તેટલો ! ઇસવીસન ૧૨૯૬માં દિલ્હી સલ્તનતના સુલતાન બનેલાં અલ્લાઉદ્દીન ખિલજીના જીવન ઝરમરના બધાં જ રેકોર્ડ ઉપલબ્ધ છે. જેનાથી આપણે એ બાબતમાં જ્ઞાત થઈએ છીએ કે ખિલજીને ચાર પત્નીઓ હતી.
અરે ભાઈ મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ ચાર પત્નીઓ કરવાનો રીવાજ છે. કોઈએ એવું સાંભળું છે ખરું કે કોઈ મુસ્લિમને ૫ – ૬ પત્નીઓ હતી. જેમાં એક રાજપૂત રાજાની પૂર્વ પત્ની અને એક યાદવ રાજાની દિકરી હતી. ઇસવીસન ૧૩૧૬સુધી દિલ્હીના સુલતાન રહેલા અલ્લાઉદ્દીન ખિલજીએ ઘણી બધી નાની રાજપૂત રિયાસતો પર હુમલો કર્યો અથવા એણે પોતાની સલ્તનતમાં શામિલ કરી દીધાં કે પોતાને અધીન કરી લીધાં.
હવે વાત કમલાદેવીની
ઈસવીસન ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખીલજીની સેનાએ ગુજરાત પર એક બહુ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ગુજરાતનાં વાઘેલા રાજપૂત રાજા કરણ(કર્ણ) વાઘેલા જેને કર્ણદેવ અને રાય કર્ણદેવ પણ કહેવામાં આવે છે એની બહુ જ બુરી રીતે હાર થઇ હતી. આ હારમાં કર્ણએ પોતાનાં સામ્રાજ્ય અને સંપતિઓ સિવાય પોતાની પ્રાણપ્યારી પત્ની કમલાદેવીને પણ ગુમાવી દીધી હતી. તુર્કોના ગુજરાત વિજયથી ગુજરાતમાં વાઘેલા વંશનો અંત થય ગયો અને ગુજરાતમાં ત્યારથી મુસ્લિમ શાસન શરુ થયું. આમ ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરુ થયો – જોડાઈ ગયો.
કર્ણદેવની પત્ની કમલાદેવી સાથે અલ્લાઉદ્દીન ખિલજીએ નિકાહ પઢી લીધાં અને એની પોતાની પત્ની બનાવી દીધી. ગુજરાતના પ્રસિદ્ધ ઇતિહાસકાર મકરંદ મહેતા કહે છે કે – ” ખિલજીએ કમલાદેવી સાથે વિવાહ કરવાના સાક્ષ્ય પ્રમાણ મળે છે.” મકરંદ મહેતા આગળ પણ કહે છે કે – ” પદ્મનાભે ઇસવીસન ૧૪૫૫ -૧૪૫૬માં “કાન્હડદે પ્રબંધ” લખ્યું. આ પુસ્તક એ ઈતિહાસ પર એક પ્રમાણિત ગ્રંથ ગણાય છે. અને એ સંપૂર્ણપણે ઈતિહાસ પર આધારિત જ ગ્રંથ છે. જેમ આપણે “રાસો” સાહિત્યને કહીએ છીએ તેમ જ સ્તો! આ ગ્રંથમાં રાજપૂત રાજા કર્ણની આખી વાતનું વર્ણન છે.
મકરંદ મહેતા આગળ કહે છે કે – “પદ્મનાભે રાજસ્થાનના સુત્રોનોનો સંદર્ભ પણ લીધો છે અને એમનાં લેખોની એક અતીહાસિક માન્યતા પણ છે. આ પુસ્તકમાં ગુજરાત અલ્લાઉદ્દીન ખિલજીના હુમલાનું વિસ્તારપૂર્વક વર્ણન પણ મળે છે.
“મકરંદ મહેતા કહે છે કે – “ખિલજીની સેનાએ ગુજરાતના બંદરગાહોને લુંટ્યા હતાં, કેટલાંક શહેરોને નેસ્તનાબુદ પણ કર્યાં હતાં. મહેતા આગળ પણ કે છે – “પદ્મનાભે પોતાનાં પુસ્તકમાં એ સમયે હિંદુ અથવા મુસલમાન શબ્દનો ઇસ્તેમાલ નથી કર્યો. એનાથી ઉલટું એમણે બ્રાહ્મણ, વાણિયા, મોચી, મંગોલ, પઠાણ આદિ જાતિઓનો ઉલ્લેખ કર્યો છે.” તેઓ આગળ જણાવતા એમ કહે છે કે – “અલ્લાઉદ્દીન ખિલજીએ રાજપૂતોને યુદ્ધમાં હરાવ્યાં હતાં અને એણે ગુજરાતના શહેરો અને મંદિરોને લુંટ્યા હતાં. પરંતુ જે લોકો યુદ્ધમાં હારી જાય છે એ લોકો પણ પોતાની પહેચાન યુદ્ધમાં વિજેતાના રૂપમાં સ્થાપિત કરવાં માંગે છે. આ જ એક કારણ છે કે ૧૯મી સદીના લેખકોએ એમ કહ્યું છે કે ભલે અલ્લાઉદ્દીન ખિલજી અને તેનાં સૈન્યે યુદ્ધ જીતી લીધું, પણ અમે જ સાંસ્કૃતિકરૂપે સર્વશ્રેષ્ઠ છીએ. કારણ કે અમારી -આપણી સંસૃતિ અતિપ્રાચીન અને અમારી એ પૌરાણિક પરંપરા છે.”
જવાહરલાલ નહેરુ યુનીવર્સીટીના ઇતિહાસના પ્રોફેસર નજફ હૈદર કહે છે કે – ગુજરાત વિજય પશ્ચાત ત્યાંના રાજા કર્ણની પત્નીએ ખીલજી સાથેના વિવાહની કહાની ઐતિહાસિક રૂપથી પ્રમાણિક છે.”
શું મધ્યકાળમાં યુદ્ધમાં હારેલાં રાજાઓની સંપત્તિઓ અને રાણીઓ એ જીતેલાં રાજાની કબજામાં આવતી હતી ? ક્યારેક તેનો બટવારો પણ થતો હતો. જીતેલા રાજાને મદદ કરનાર માણસોને સંપત્તિનો અમુક હિસ્સો પણ મળતો હતો ક્યારેક ક્યારેક તેમની રાણીઓ પણ… એનું કારણ એક એ પણ છે કે તેઓએ આ જ માટે એ જીતેલા રાજાને સાથ આપ્યો હોય છે. પ્રોફેસર હૈદર કહે છે કે – “હારેલાં રાજાની સંપત્તિ, જરઝવેરાત, યુદ્ધમાં ઇસ્તેમાલ કરવામાં આવેલાં હાથી ઘોડા જેવાં જાનવરો અને હરમ એ બધું જ એ જીતેલાં રાજાની મિલ્કિયત થઇ જતી હતી. એ જીતેલો રાજા નક્કી કરે કે આનું શું કરવું છે તે ! એ કહે છે કે – “સામાન્ય રીતે તો બધો ખજાનો જ લૂંટી લેવાતો હતો. જાનવરોને અમીરોને આપી દેવામાં આવતાં હતાં. પરંતુ દિલ્હી સલ્તનતકાળમાં હરમ અથવા રાજ્કુમાંરીઓને સાથે લઇ જવાનાં ઉદાહરણ મળતાં નથી. માત્ર ખિલજીના જ વિવાહનો સંદર્ભ મળે છે. આ શું દર્શાવે છે ?” પ્રોફેસર હૈદર કહે છે કે – “પરંતુ હારેલાં રાજાની પત્નીને જીતેલાં રાજા પાસે જવું એ સામાન્ય વાત તો નહોતી જ. ખિલજીએ કમલા દેવી સાથે શાદી કરવાની વાત એક ઓતાનામાં અનુઠી છે. હારેલાં રાજાની બધી રાણીઓ સાથે આવું ક્યારેય બન્યું નથી જ !”
પ્રોફેસર હૈદર કહે છે કે – ‘એક દિલચશ્પ વાત એ જાણવા મળી છે કે અલ્લાઉદ્દીન ખિલજીના હરમમાં રહી રહેલી કમલાદેવીએ પોતાની બિછડેલી બેટી દેવળદેવીને પાછી લાવવા માટે આગ્રહ કર્યો હતો. ખિલજીની સેનાએ ત્યાર પછીથી જયારે દખ્ખણમાં દેવગિરી પર મલિક કાફૂરનાં નેતૃત્વમાં હુમલો કર્યો તો એ સેના દેવલદેવીને સાથે લઈને દિલ્હી પરત પહોંચી.” હૈદર બતાવે છે કે – “દેવલદેવીએ ત્યારબાદ ખિલજીના દીકરા ખિજ્ર ખાન સાથે વિવાહ કર્યાં. અમીર ખુસરોએ દેવલદેવી નામની એક લાંબી કવિતા લખી છે. જેમાં દેવલ અને ખિજ્ર ખાનના પ્રેમનું સવિસ્તર વર્ણન છે. ખુસરોની આ મસ્નવીને આશિકા પણ કહેવામાં આવે છે. આ જ દેવલદેવીની કથાનો આધાર લઈને નંદકિશોર મહેતાએ સં ૧૮૬૬મ કરણઘેલો નામની નવલકથા લહી હતી જેને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કહેવામાં આવે છે.આ નવલકથામાં દેવલદેવીની વાતનું વર્ણણ કરવામાં આવ્યું છે
ઝત્યપલી દેવી – યાદવ રાજા રામદેવની દીકરી
ખિલજીએ સન ૧૨૯૬માં દખ્ખણના દેવગિરી (અત્યારનું મહારાષ્ટ્રનું દૌલતાબાદ)માં યાદવ રાજ રામદેવ પર આક્રમણ કર્યું હતું. ખિલજીનાં આક્રમણ સમયે રામદેવની સેના એનાં બેટની સાથે અભિયાન પર હતી એટલા માટે એની પાસે મુકાબલો કરવાં માટે સેના હતી જ નહીં. રામદેવે અલ્લાઉદ્દીન સામે આત્મસમર્પણ કરી દીધું. રામદેવ પાસેથી ખિલજીને બેસુમાર દૌલત અને હાથી ઘોડા મળ્યા હતાં. રામદેવે પોતાની બેટી ઝત્યપલીદેવીનો વિવાહ પણ ખિલજી સાથે કર્યો હતો.
પ્રોફેસર હૈદર આગળ કહે છે કે – આ ઘટનાનો જિક્ર એ સમયના ઇતિહાસકાર જિયાઉદ્દીન બરનીના પુસ્તક તારીખ-એ ફિરોજશાહીમાં મળે છે.”
હૈદર બતાવે છે કે – “બરનીએ રામદેવપાસેથી મળેલા માલ અને અને એની સુપુત્રી સાથે કરેલાં ખિલજીના વિવાહનો જિક્ર કરવામાં આવ્યો છે, પરંતુ એ બેટીના નામનો ઉલ્લેખ નથી કર્યો.”
હૈદર આગળ જણાવે છે કે – “ચૌદમી શતાબ્દીમાં દખ્ખણ ક્ષેત્રનાં ઈતિહાસ કાર અબ્દુલ્લાહ મલિક ઇસામીની ફૂતૂહ – ઉસ – સલાતીનમાં ખિલજીનાં રામદેવની બેટી ઝત્યપલીદેવી સાથે થયેલાં વિવાહનો ઉલ્લેખ થયેલો છે.”
પ્રોફેસર હૈદર કહે છે કે – ” બરની અને ઇસામી એ બંનેના વિવરણ અને વર્ણન ઐતિહાસિક અને વિશ્વસનીય છે.”
બરનીએ એ પણ લખ્યું છે કે મલિક કાફૂરે ખિલજીના મૃત્યુ પછી શિહાબુદ્દીન ઉમરને સુલતાન બનાવ્યો જે ઝત્યપલીદેવી નો જ દિકરો હતો. બરનીએ એ પણ લખ્યું છે કે શિહાબુદ્દીન ઉમર એ મલિક કાફૂરની કઠપુતળી હતો અને પાછળ રહીને એ જ શાસન કરતો હતો.”
પ્રોફેસર હૈદરના જણાવ્યા પ્રમાણે રામદેવ ખિલજીને અધીન રહ્યાં હતાં અને દક્ષિણમાં એનાં અભિયાનમાં સહયોગ દેતાં હતાં.ખિલજીનાં મૃત્યુ પછી દેવગિરીએ સલ્તનત વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો હતો.
પ્રોફેસર હૈદર માને છે કે ખિલજીની રાજપૂત રાણી કમલાદેવી અને યાદવ રાજકુમારી ઝત્યપલીદેવી સાથેના વિવાહ એ માત્ર ફૂટનીતિનો એક ભાગ નહોતો. પણ એ વ્યક્તિગત રીતે એમણે માટે ફાયદાકારક પણ હતી.
વાસ્તવમાં ખિલજી પોતાનાં શ્વસુર જલાલઉદ્દીન ખિલજીની હત્યા કરીને દિલ્હીના સુલતાન બન્યાં હતાં જેની સીધી અસર એની પહેલી પત્ની મલિકા – એ – જહાં (જલાલઉદ્દીનની બેટી)ના સંબંધો પર પડી હશે. મલિકા – એ – જહાં સત્તામાં દાખલ દેતી હતી. જ્યારે બીજી બેગમો સાથે એવું નહોતું થતું !
આજે કેમ કોઈ કમલાદેવી કે ઝત્યપલીદેવીની વાત કેમ નથી કરતું ?
આ સવાલના જવાબમાં પ્રોફેસર હૈદર કહે છે કે – ” કેમ કે એમનું પાત્રાલેખન આજે જે પ્રકારનો માહોલ છે એમાં બંધ બેસતું નથી.”
પ્રોફેસર હૈદર કહે છે કે – “આપણે મધ્યકાળને આજના ચશ્માં પહેરીને જોવો જોઈએ. એ દૂરની સંવેદનશીલતા અલગ હતી.આજની સંવેદનશીલતા અલગ છે. આજે જે વાતો બિલકુલ અસ્વીકાર્ય છે, એ જમાનામાં સામ્ય વાત જ હતી.”
મારી ટીપ્પણી –
આ એક પ્રકારની છટક બારી જ છે. સારા શબ્દો વાપરવાથી કંઈ ઈતિહાસ બદલાઈ નથી જતો કે નથી કંઈ એ નવેસરથી રચાતો. જો એ ઈતિહાસ હોય તો એણે પચાવવો ખરેખર અઘરો છે. આ માત્ર એક દ્રષ્ટિકોણથી રચાયેલું સાહિત્ય માત્ર છે, જેને બીજાં એન્ગલથી કોઈએ જોયું જ નથી. એટલે જ આવી વાતો સત્યથી વેગળી હોય છે. કયા સાહિત્યકારે અને ક્યાં ઇતિહાસકારે તે લખ્યું છે તે વધારે મહત્વનું છે. ધર્મ અને જાતિ એ આના અગત્યના પહેલુ છે. કારણ કે એક ધર્મનાં લોકો બીજાં ધર્મનું વાગોવતું જ લખે. બીજું કે આ સાહિત્યિક કૃતિઓ છે એટલે એમાં કલ્પનાની રંગપુરની હોય, હોય અને હોય જ… જે સત્યની નજીક ક્યારેય હોતી નથી. અમીર ખુસરૂ, મલિક મોહંમદ જાયસી અને નંદ શંકર મહેતા એ આના જ્વલંત દ્રષ્ટાંતો છે. રહી વાત ઇતિહાસકારોની તો આવી વાતો ફેલાવનાર એ મુસ્લિમ ઈતિહાસકારો છે. કાન્હ્ડ દે પ્રબંધ કોઈએ વાંચ્યું જ લાગતું નથી એવું સ્પષ્ટપણે મારું માનવું છે .
ઈતિહાસ જે લખાય છે એ ૩૦૦ – ૪૦૦ વરસ પછી જ એટલે એવું જ થયું કે આમજ બન્યું હશે એ માની ન જ લેવાયને…? છેલ્લે અતિ મહત્વની વાત –
રાજપુતાણી ક્યારેય કોઈના આગ્રહને વશ થાય જ નહીં. એ કાંતો લડે અને મરાય વીરાંગનાની જેમ અથવા એ સતી થાય. તેમાં આવી વાતો એ જચતી નથી. અકબર-જોધા જેવાં દ્રષ્ટાંતો મળે છે, પણ એમાં જોધા પરણવા રાજી નહોતી થઇ એટલે કે એ કોઈની પત્ની નહોતી થઇ. ભાવાર્થ એ છે કે રાજપૂત કન્યા એક વાર જેની સાથે પરણે એણે જ એ એ વળગી રહે, એ બીજાની ક્યારેય થાય જ નહીં. આ બધામાં કર્ણ વાઘેલાની રંગીનતા ભુલાઈ જાય છે. એ વાતને પણ નજર અંદાજ ના જ કરાય ક્યારેય પણ…
ટૂંકમાં, આવી મનઘડંત કહાનીઓ પર હું વિશ્વાસ નથી કરતો. આવી વાતને હું રદિયો આપું છું. ધેટસ ઓલ…
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply