ફિલ્મ ડાયરેક્ટર : ઓમંગ કુમાર
રિલીઝ તારીખ : ૧૯-૦૫-૨૦૧૬
રેટિંગ : ૭.૩/૧૦ ( 3.5 k વોટ્સ)
સ્ટારકાસ્ટ : રણદીપ હુડા, એશ્વર્યા રાય
ફિલ્મની શરૂઆત જ શરબજિતની શોધખોળ દ્વારા થાય છે. વચ્ચે વચ્ચે ભૂતકાળ ફ્લેશ થાય છે, જ્યાં સરબજીત (રણદીપ હુડા) અને એની બહેનના (એશ્વર્યા રાય) જીવનના પ્રસંગો પર પ્રકાશ પડે છે. કેવી રીતે એક બહેન પોતાના ભાઈના માટે પોતાનું ઘર સુધ્ધાં છોડી દે છે. એકના એક ભાઈ માટે બહેનનું સમર્પણ અહીં દેખાઈ જાય છે… જો કે ફિલ્મમાં ચિલ્લાઇ ને આ પ્રેમ ઉજાગર થતો જોવા મળે છે. ભાઈ બહેનનો મીઠો પ્રેમ સંબંધ અને કુસ્તી લડવાનો ભાઈનો શોખ.. વચ્ચે વચ્ચે ટકરાવ… એક દિવસ અચાનક જ દારૂના નશામાં એ પાકિસ્તાની બોર્ડર પાર કરી જાય છે અને ત્યાંથી જ એને પાકિસ્તાની શૈનિકો ઉપાડી જાય છે. જ્યાં એને નામ અપાય છે રણજિત સિંહ. ( પાકિસ્તાનમાં પાંચ જગ્યાએ બૉમ્બ વિસ્ફોટ કરનાર કુખ્યાત દોષી તરીકે…)
એક ઘરડા બાપ, ભાઈ માટે સાસરેથી ઝગડીને ઘરે રહેતી બહેન, પત્ની અને નાનકડી બે દીકરીઓ જેમાથી એક હજુ ગોડીયામાં છે. સાવ નિઃસહાય સ્થિતિમાં અચાનક જ શરબજિત ગુમ થઈ જાય છે. એને શોધતા શોધતા આઠ મહિના નીકળી જાય છે. પંચાયત કાઈ કરી શકતી નથી, અથવા કરવા તૈયાર નથી. અચાનક ગુરુદ્વારા અને શાંતિ યાત્રામાં સહભાગી થવા છતાં સ્થિતિ જેમની તેમ છે. અચાનક જ એક તાંત્રિક પાકિસ્તાનમાં શરબજિતના હોવાનું ભવિષ્ય ભાખે છે. અને ઘરે જઈને પાકિસ્તાનથી એક પત્ર પોસ્ટ થયાનું જાણવા મળે છે.
બસ, આ જ પત્ર શરબજિતની જીવન સફરનું કેન્દ્ર બિંદુ છે. કે કેવી રીતે એને ઉપાડી જવામાં આવે છે, ત્યાં એની સાથે જે વર્તાવ થાય છે એ એક જાનવર કરતા પણ અસહ્ય હોય છે. સરહદો દેશને વહેંચીન નાખે છે એ તો દેખીતું સત્ય છે, પણ અહીં માણસાઈ અને સબંધો બદલી નાખવાનું હીન સત્ય પણ સામે આવે છે.
પણ, બહેનનો સમર્પણ ભાવ વારંવાર દિલને સ્પર્શી જાય છે, ભારતીય રજનીતિનો નકારાત્મક ચહેરો પણ દેખાય છે, અને એક પરિવારની આર્થિક લાચારી છતાં સતત ચાલતી સફર પણ દ્રષ્ટિગોચર થાય છે. એક દેશના સામાન્ય વ્યક્તિ સાથે જીવનના અંત સુધી જે વ્યવહાર થાય છે એ હૃદય બેસાડી દેનારો છે. રણજિત સિંહ નામનો વાસ્તવિક વ્યક્તિ ભ્રષ્ટ સરકારના કારણે તરત જ છૂટી જાય છે, અને પાકિસ્તાનમાં એક સરબજીત રણજિત સિંહ બનીને સડતો રહે છે.
અવૈદ શૈખ અદનો વકીલ જે પાકિસ્તાની હોવા છતાં માણસાઈના દ્રષ્ટાંત રૂપે સ્ટોરી પર ભારે ભરખમ છાપ મૂકે છે. એક એવો વકીલ જે પોતાના જ મુલ્ક દ્વારા થતા વિરોધ અને મારપીટ તેમજ અત્યાચાર છતાં ભારતીય સાથે ઉભો રહે છે. એના અને સરબજીતના પરિવારના નામનો પાકિસ્તાનમાં ફતવો જાહેર થઈ જાય છે, એટલે પરિસ્થિતિ વકરે છે પણ છતાંય એ હિંમત નથી હારતો. લડતો રહે છે, માણસાઈ ખાતર…
સ્ટોરીમાં ઉત્તર ચઢાવો આવતા રહે છે. છેક સરબજીતની ફાંસી નક્કી થાય છે અને પછી સત્તા પલટાતા સમય મળે છે. ફરી છોડવાની અપીલ થાય છે, સરકાર હંમેશની જેમ જ રાંડયા પછીના ડહાપણ દાખવવા ઉતરે છે. પણ, મુંબઇ બ્લાસ્ટ અને અફઝલ ગુરુની ફાંસી ફરી આખા પ્રસંગમાં ગરમાવો લાવે છે. સતત કોશિશો અને ઉપવાસ ધારણાઓ ચાલ્યા કરે છે. સરકાર પણ કેટલાનું સાંભળે, એ તો સાવ સાચું પણ મુદ્દો જ્યારે સાવ નાનો છતાં મહત્વનો હોય ત્યારે એના પર ગંભીર ચર્ચાઓ જરૂરી બની જાય છે.
બે દેશના સબંધો સુધરવાના પ્રયાસો… બંને દેશમાં ફસાયેલા એવા યુવાનો જે કોઈ પણ ગુન્હા વગર આરોપી બનીને ઢોર જેવી જિંદગી જીવી રહ્યા છે. નફરતના બીજ તો બંને બાજુ સરખા જ છે, હા આપણે અહીં લણણી કરીને સહેજ દયાભાવ દર્શાવાય છે, પણ સામે છેડે પાક ભરપૂર થાય છે. દુશ્મનીનો મૂળ ક્યાંક ને ક્યાંક ધાર્મિક અસમાનતામાં પણ છુપાયેલો છે. કેમ ન હોય…? આખર દેશના ભાગલા પર નેતાઓના ધાર્મિક કટ્ટવાદના કારણે જ તો પડ્યા હતા…
તો ભારત પાકિસ્તાનના વિવિધ પાસાઓને એક પડદે રજૂ કરતી ફિલ્મ તેમજ પાકિસ્તાનમાં ફસાયેલા સરબજિત તેમજ અન્ય લોકોની પીડાની અનુભૂતિ કરવા આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ… 😊
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply