પ્રણવ પટેલ – સેક્સ એજ્યુકેશન
તો આજે આપણે છીએ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર પ્રણવ પટેલ સાથે. જેમની ફિલ્મ નજીકના સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું નામ ‘સેક્સ એજ્યુકેશન’ આપણા વર્તમાન સમાજ અને વિચારધારા માટે પચાવવું થોડું અઘરું તો છે, પણ સાથે સાથે જરૂરી પણ છે. જેમ રોગના ઈલાજ માટે માહિતી અને પ્રશિક્ષણ બંનેની જરૂર પડે છે, એ જ પ્રકારે સમાજમાં વધતા છેતરપિંડી અને શારીરિક શોષણના કિસ્સાઓમાં આ પ્રકારનુ સમાન્ય જ્ઞાન આજની પીઢીમાં હોય એ પણ જરૂરી છે. જો કે દવા કડવી હોય તો છે, પણ એ કડવાશ ટેમ્પરરી હોય છે અને એના મીઠા પરિણામો લાંબા ગાળા સુધી લાભ આપે છે. કંઇક એવા જ વિચારોના મિશ્રણ અને યુનિક કન્સેપ્ટ પર ફિલ્માવેલી ફિલ્મ સાથે પ્રણવ પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો જ પ્રયોગ કરી રહ્યા છે. જો કે આ ફિલ્મના વિરોધ અને વાંધા સામાન્ય જ ગણી શકાય છે, કારણ કે જે દેશના સેન્સર બોર્ડને પણ ફિલ્મના નામ સાથે જ વાંધા પડી જતા હોય ત્યાં સામાન્ય જનતા દ્વારા અમુક અંશે એનો વિરોધ થાય એ બહુ સમાન્ય બાબત છે.
તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રણવ પટેલ વિશે, પ્રણવ ભાઈનો જન્મ મૂળ આણંદ શહેરમાં થયો હતો. સ્કૂલ સુધીની શિક્ષા પણ એમણે આણંદથી જ ઐતિહાસિક શાળા દાદાભાઈ નવરોજી હાઇસ્કુલ (ડી. એન . હાઇસ્કુલ ) માં પૂર્ણ કરી. ત્યાર બાદ ફિલ્મ લાઇનના શોખને ધ્યાનમાં રાખીને એમણે મુંબઈ જઈને ફિલ્મ મેકિંગનો કોર્ષ કર્યો. પહેલાથી જ કોઈના નીચે નોકરી ન કરવાનો રસ હોવાથી, એમની પ્રકૃતિ બળવાખોર પ્રકારની જ રહી છે. સામાન્ય રીતે આસિસ્ટન્ટ તરીકે જ દરેક ડાયરેક્ટર પોતાની શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરે છે, પણ તેમ છતાં કોઈ નામી પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ તરીકે જોડાવા કરતા પ્રણવ ભાઈએ પોતાનું જ પ્રોડક્શન ઉભું કર્યું.
મોટા બજેટની ફિલ્મોમાં 10th AD બનવા કરતા નાના બજેટની પાંચેક ફિલ્મોમાં ડાયરેક્શનથી લઇને સિનેમેટોગ્રાફિ, એડિટીંગ તેમજ કલર કરેકશનમાં સક્રિય અને મહત્વનો ભાગ ભજવી એમણે ફિલ્મ લાઈનમાં જરૂરી એવો ઊંડો અનુભવ મેળવ્યો છે. આ અનુભવના જોરે જ એમણે ઓછા બજેટની અને ક્વોલીટી ફિલ્મો બનાવવાની માનસિકતા પણ સમય અને સંજોગ મુજબ કેળવી લીધી. અર્થપૂર્ણ અને સામાજિક પ્રતિબિંબ દર્શાવતી ફિલ્મો બનાવવાના સંકલ્પ તેમજ માતૃભાષા ગુજરાતી સાથે ફિલ્મ બનાવવા માટે એમણે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
તો હવે આપણે પ્રણવ ભાઈ અને એમની સફરને વધારે ઊંડાણથી જાણીશું. આપણા સવાલો અને આગળની વાતચીત દ્વારા કદાચ આપણે વધુ સમજી પણ શકીશું.
◆ આપની આવનારી ફિલ્મ સેક્સ એજ્યુકેશનની પ્રેરણાથી લઈને ફિલ્મની સ્ટોરીના સર્જન સુધીની સફર વિશે અમારા વાંચકોને જણાવશો…?
⇒ મને આ વાત જાહેરમાં સ્વીકારવામાં પણ કોઈ જ જાતનો ક્ષોભ નથી થતો, કે હું ટોરેન્ટ પરથી હોલીવુડ કે અન્ય ભાષાની ફિલ્મો ડાઉનલોડ કરીને જોઉ છું. બધા એ કરતા જ હોય છે, કારણ કે હોલિવુડમાં યુનિક કન્સેપ્ટ સરળતાથી ઉપલબ્ધ થાય છે. જ્યારે હિન્દી ભાષાની તો મોટા ભાગની ફિલ્મો ચવાઈ ગયેલી જ હોય છે. એકની એક સ્ટોરી, મોરાલીટીના ઓવરડોઝ, એકસરખા એક્શન કે એક સરખા જ આઈટમ સોંગની ભરમારથી બધું જાણે બોરિંગ લાગવા લાગે છે. પણ અહીં, અનુરાગ કશ્યપ સાહેબ જેવા અમુક ફિલ્મકારો અપવાદ રૂપે પણ હોય જ છે. આમ વિદેશી ફિલ્મો જોવાની શ્રુંખલામાં ૨૦૧૪ના વર્ષમાં રીલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ “SEX ED” જોઈ. એ ફિલ્મમાં દર્શાવેલ શિક્ષકની શૈક્ષણિક લડતથી હું ઘણો પ્રભાવિત થયો. પણ, તરત જ મને એ પ્રશ્ન પણ થયો કે આપણા દેશમાં તો અમેરિકા કરતા ૧૦માં ભાગનું સેક્સ એજ્યુકેશન પણ નથી અપાતું. મને આ ફિલ્મમાં દર્શાવેલા મુદ્દાઓ જોતા આ વિષય ઘણો સાર્થક લાગ્યો. જો કે એ સમયે તો હું મુંબઈમાં જ રેહતો હતો, એટલે મેં હિન્દી ફિલ્મ બનાવવાના આશય સાથે સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત પણ હિન્દી ભાષામાં જ કરી. આ ફિલ્મનો પેહલો ડ્રાફ્ટ હિન્દીમાં લખીને મેં મારા મિત્ર વર્તુળમાં ફાઈનાન્સની આશા સાથે મોકલ્યો.
જયપુરમાં અગાઉ એક ફિલ્મમાં કામ દરમિયાન ત્યાંથી સારા એવા કોન્ટેકટ્સ પણ થયા હતા. છતાંય જુનવાણી વિચારધારાને જાણતા મોટા ભાગના ફાઈનાન્સર આ વિષય સાથે ફિલ્મ બનાવવામાં ક્ષોભ અનુભવતા હતા. આ દરમિયાન ઘણાને તો એવી પણ ધારણા થતી હતી, કે આ કોઈ એડલ્ટ કન્ટેન્ટ વાળી C- Gradeની ફિલ્મ હશે. આ જ લાઇનના એક મુરબ્બીએ તો ખાલી હીરોઈન સાથે ટાઈમપાસ કરવાના ચક્કર પૂરતા જ મને છેક રાજસ્થાન બોલાવ્યો, અને છેલ્લે એવી કોઈ આશા ન જણાતા હાથ ઊંચા કરી લીધા. ત્યાંથી પાછા વળતી વખતે અમદાવાદમાં હું હિંમતભાઈ વાંસના ઘરે રોકાયો. હિંમત ભાઈ સાથે અગાઉ પણ મેં ૨ ફિલ્મો કરી હતી, જેથી એમની સાથેના સંબંધોમાં ઘનિષ્ટતા હતી. મારી આ ફિલ્મ અંગેની વિગતો પણ મેં એમની સામે રજુ કરી. મારા જેમ જ હિંમત ભાઈને પણ આ વિષય ગમ્યો. હિંમતભાઈ પોતે મોરબીના વતની છે, એટલે એમણે મને મોરબીમાં શૂટિંગ માટે સ્કુલની પરમીશન મળી જ જશે એવી બાંહેધરી આપી. આ આનંદને સાથે લઈને હું તાબડતોબડ મોરબી માટે રવાના થયો. ત્યાં હિંમતભાઈના મોટાભાઈ મણીલાલ મને નવજીવન સ્કુલમાં લઇ ગયા અને ત્યાં જ સ્કુલના માલિક પાડલીયા સાહેબ અને એમના દીકરા હાર્દિક ભાઈ સાથે મારી મુલાકાત પણ કરાવી. હાર્દિકભાઈ પોતે પણ અમેરિકામાં ભણ્યા હોવાથી, આ વિષયની ગંભીરતાને તેઓ બરાબર સમજતા હતા. પેહલી જ મુલાકાતમાં એમણે લોકેશનથી લઇ બનતી શક્ય મદદ કરવાની બાંહેધરી આપી. ત્યાર બાદ મણીલાલ મને અન્ય પણ ઘણા લોકેશન જોવા લઇ ગયા. થોડા દિવસ પછી સ્કુલમાં જઈને ત્યાના વિદ્યાર્થીઓનું પણ ઓડીશન લીધું. પણ ત્યાંના વિદ્યાર્થીઓના બોલેલા હિન્દી ડાઈલોગ્સમાં પણ કાઠીયાવાડી લહેજો જ આવતો હતો. અમદાવાદમાં રહ્યો હતો એ દરમિયાન મેં “બે યાર” ફિલ્મ જોયેલી અને એની ટ્રીટમેન્ટ પણ જોઈ હતી. મેં અને હિંમત ભાઈએ પણ આ પ્રકારના વિષય પર જ ગુજરાતી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. એટલે મેં ફરીથી હિન્દીમાં લખેલા ડ્રાફ્ટને ગુજરાતી ભાષામાં લખ્યો.
હિંમતભાઈ મારફતે જ સંજયભાઈ સાથે મુલાકાત થઇ, જેમણે હિંમત ભાઈની ફિલ્મ ‘અતૃપ્ત’ માં ગીતો લખ્યા હતા. સંજયભાઈ સાથે વાતચીત થઈ એમને પણ આ વિષય પસંદ આવતા, અમે ત્રણે જણાએ સાથે મળીને ગુજરાતીમાં સ્ક્રીપ્ટ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો. લગભગ ૬ મહિનાના રીસર્ચ અને ડેવલપમેન્ટ પછી મેં સેકસ એજ્યુકેશનનો ફાઇનલ સ્ક્રીન પ્લે તૈયાર કર્યો, અને સંજય ભાઈએ એના માટેના ડાઈલોગ્સ પણ લખ્યા. હિંમતભાઈ પાસે એનું પ્રૂફ રીડીંગ કરાવીને છેલ્લે અમે શૂટિંગ માટે ઓલમોસ્ટ તૈયાર હતા.
ગુજરાતીમાં સ્ક્રીપ લખવા પછી પણ મોટાભાગના ફાઈનાન્સરને વિષય અને એના ટાઈટલ સાથે વાંધો હોવાથી અમને ફંડ ઉભું કરવામાં મુશ્કેલીઓ પડી. છેવટે આ વિષયની વાસ્તવિકતા સાથે કોઈ પ્રકારની બાંધછોડ ન કરતા, અમે સ્વખર્ચે જ ફિલ્મ બનાવવાનું બીડું ઉપાડ્યું.
( 😊 તો જેમ પ્રણવ ભાઈએ કહ્યું કે આ ફિલ્મ માત્ર એજ્યુકેશન પ્રપઝ માટે સર્જાયેલી ફિલ્મ છે. આ કોઈ c-ગ્રેડની ફિલ્મ નથી, તેમ જ કોઈ પ્રકારે એ સેક્સ જેવી વિકૃતતાને રજુ પણ નથી કરતી. પણ, હા આ વિષયની અજ્ઞાનતાના કારણે જે બનાવો સમાજમાં ઘટી રહ્યા છે એ ખરેખર આપણને વિચારવા મજબુર કરે છે. એટલે અમુક અંશે આ વિશેનું જ્ઞાનની પણ આજની જનરેશનમાં જરૂર છે… )
◆ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા જે રીતે કાપવાની સલાહ અપાઈ, એ વિચારો અંગે તમે શું માનો છો… આઈ મીન એમના દ્વારા અપાયેલા તર્કો કેટલી હદે સાચા અથવા ખોટા છે…?
⇒ સેન્સર બોર્ડ સાથેના મારા અનુભવો કાંઈ ખાસ સારા નથી જ રહ્યા. મારા મતે પુરા ભારતમાં સેન્સર બોર્ડનું જે ગઠન થાય છે, એ ગઠન પૂરું એક મજાક જેવું હોય છે. હું તો હંમેશા કહું છું કે સરકારી ક્ષેત્રોમાં જેમ ઊંચા હોદ્દાઓ હોય છે, એમ એમની જ્ઞાન ક્ષમતા તપાસવાની પરીક્ષાઓ પણ અઘરી જ હોવી જોઈએ. અને આ પરીક્ષાઓ પાસ કર્યા પછી જ એવા અધિકારીઓની નિયુક્તિ પણ જે તે હોદ્દાઓ માટે થવી જોઈએ…
જ્યારે સેન્સર બોર્ડમાં ચેરમેનથી લઈને કોઈ પણ પદ છે, એના કમિટીના મેમ્બર હોય કે એક્ઝામીન કમિટીના મેમ્બર હોય પણ આના માટેની શૈક્ષણિક યોગ્યતાઓ ક્યાંય એમની જજમેન્ટ ક્ષમતા પરથી દેખાતી જ નથી. લાગે છે ખાલી એમાં પોલિટિકલ પાર્ટીઓ જ પોતાના માણસોને ગોઠવી દે છે. એ લોકોનું બૌદ્ધિક સ્તર શુ છે, એની પણ કદાચ કોઈ પરીક્ષા નથી હોતી. અને એ લોકો પછી બીજા દ્વારા બનાવેલી ફિલ્મોને જજ કરે છે અને સેન્સર કરે છે. એટલે આમ જોવા જઈએ તો સેન્સર બોર્ડ એ ફિલ્મ ઇન્દ્રસ્ટ્રી માટે માત્ર ફોર્મલિટીઝ જેવું છે, એનું કોઈ જ પ્રકારનું તથ્યાત્મક વજૂદ નથી.
હવે જો હું મારી ફિલ્મની વાત કરું તો, જ્યારે મેં મુંબઈમાં સેન્સર માટે એપ્લાય કર્યું. ત્યારે મારી ફિલ્મનું નામ જ છે ‘સેક્સ એજ્યુકેશન’, એટલે બધાને ખબર હોવી જ જોઈએ કે યુવાનો સાથે જોડાયેલી એજ્યુકેશનલ ફિલ્મ જ હશે. પણ, સેન્સર કમિટીની અંદર બધા જ એજડ (એટલે કે ૫૦ કે ૬૦ વર્ષથી વધુના ) પાંચ પાંચ મેમ્બર હોય. મારી ફિલ્મ જજમાં પણ એવા જ પાંચ લોકો હતા અને એ મારી ફિલ્મને જજ કરતા હતા. એમાંથી એક લેડિઝ હતી કે જે સાડી પહેરીને આવેલી, એટલે કે મારી ફિલ્મ એ એજ ગ્રુપ સામે મુકાઈ જેમનામાં આ પચાવવાની ક્ષમતા વિકસવાની જ હજુ ઘણી વાર છે. બીજું કે એમના જે પ્રશ્નો હતા, જે મુજબ એમણે મને 30 મેજર કટ આપવાનું કહ્યું. જો કે મેં તો એપ્લાય UA સર્ટિફિકેટ માટે જ કર્યું હતું, કારણ કે ટીનેજરોને કે દશમાં બારમામાં ભણતા છોકરાઓને જ આ એજ્યુકેશની સૌથી વધારે જરૂરિયાત છે. અને અમારું ટાર્ગેટ ગ્રુપ પણ મુખ્યત્વે એ જ હતું. પણ UA સર્ટિફિકેટ આપવાની તો એમણે મને સ્પષ્ટ જ ના પાડી દીધી. ઉપરથી મને એમ પણ કહેવામાં આવ્યું, કે તમે આ શું બનાવીને લઇ આવ્યા છો. અને ૩૦ મેજર કટ આપવા છતાં પણ મને A સર્ટિફિકેટ જ મળશે એમ કહેવામાં આવ્યું. પણ, હું જો એમણે આપેલા એ ૩૦ મેજર કટ લઉં તો ફિલ્મનું તો આખું સત્યાનાશ જ વળી જાય, એની કોઈ આત્મા તો એમાં રહે જ નહીં. ઇન શોર્ટ ફિલ્મનું તત્વ જ મરી પરવારે, અને સીરિયલના ડ્રામા જેવા એક બે સીન જ ચાલ્યા કરે એવી ફિલ્મ બનીને રહી જાય. એટલે એના માટે મેં સ્પષ્ટ ના જ પાડી દીધી.
એમના એસ્ક્યુઝ પણ કેવા હતા એ ખરેખર વિચારવા જેવા છે. એક ડાયલોગ છે કે ‘દેશમાં છાશવારે રેપના કિસ્સાઓ થતા હોય છે…’ તો અહીં એમનું એવું કહેવું હતું કે આમ કહીને તમે ભારતને બદનામ કરી રહ્યા છો. મતલબ કે રોજ બરોજ રેપના કિસ્સાઓ થાય છે, એમ કહીને તમે ભારતીય સંસ્કૃતિ પર ડેન્ટ લગાવી રહ્યા છો. મારો જવાબ એ જ હતો કે તમે રોજ કોઈ પણ છાપું ઉઠાવો, અને એમાં ધ્યાનથી જુઓ તો કોઈને કોઈ રેપનો કિસ્સો ત્યાં આગળ મળશે જ… આવી જ રીતના ભાષાકીય રીતે પણ બધું હતું, કે તમે આવી ભાષા કેવી રીતે વાપરી શકો…? હવે વજાઈનાને ફિલ્મમાં જો હું વજાઈના નહીં કહું, તો એને એક્સ્પ્લેન બીજી કઇ રીતે કરી શકું…? મારે શું આર્ટિસ્ટને આ શબ્દ વખતે ત્યાં બસ સાઇલેન્ટ જ રાખવાનો…? હું ફિન્સ વિશેની વાત કરું છું, લિંગ વિશેની વાત કરું છું, તો ત્યાં હું એના સિવાય બીજો કયો વર્ડ વાપરું…? કારણ કે આ બધા બોડીના જે ઓર્ગન છે, એને જાણતા થવું, સમજતા થવું અને એની ક્રિયા પ્રતિક્રિયાને સમજતા થવું, એનું જ નામ તો સેક્સ એજ્યુકેશન છે ને…? તો આ બધા વિશે જ્ઞાન હોવું જોઈએ, એ બોલવામાં શરમ હોવી જ ન જોઈએ. આમ પણ ગાળા ગાળીમાં આ બધા શબ્દોને વિકૃત રીતે લોકો સામાન્ય સંજોગોમાં પણ બોલતા જ હોય છે. બસ આ બધી બાબતોમાં જ એમની સાથે મતભેદ હતો.
આ ઉપરાંત મૂવીમાં એક સીન છે, જ્યાં ટીચર બાળકોને કોન્ડમનો યુઝ કેમ કરવો એ વિશે શીખવાડે છે. સૌથી પહેલા તો આ સીન પર જ એ લોકો આગબબુલા થઇ ગયા, કે આવું તમે કઈ રીતે બતાવી શકો…? અને બતાવવું જ હોય તો કેળા પર કોન્ડમ ચડાવવાનો જે સીન છે, તો એ લોકો કહે એના બદલે તમે માટીનો લિંગ પણ વાપરી શકો છો, અથવા કરી શક્યા હોત. તો માટીના લિંગ અથવા લાકડાની દંડી ઉપર કર્યું હોત તો એ જરાક સભ્ય લાગત. આમ કરીને તો તમે ડબલ મિનિંગ જઇ રહ્યા છો. એટલે જવાબમાં મેં બસ એટલું જ કહ્યું કે ‘કેળાને જોઈને મને તો બીજો કોઈ ભાવ ઉદભવતો નથી, પણ જો તમને ઉદભવતો હોય તો એ તો તમારા મનનો ભેદ છે. બાકી આમાં મને કાંઈ ખોટું લાગતું જ નથી.’
ત્યાર બાદ દિલ્લીમાં જ્યારે મેં ટ્રીબ્યુનલ કોર્ટમાં મુવી માટે એપ્લાય કર્યું તો મને એક પણ મેજર કટ વગર, ખાલી ડાયલોગના બે માઇનર કટ સૂચવવામાં આવ્યા. જે ફિલ્મની સ્ટોરીને ખાસ અસર પણ નથી કરતા એવા કટ સાથે મારુ ફિલ્મ સર્ટિફાઇડ થયેલું છે.
એટલે ફરીથી આ એ જ સવાલ કે મુંબઈમાં બની બેઠેલા બોર્ડના અધિકારીઓ કે પેનેલિસ્ટ એ લોકોની વિચારધારા એટલી હદે નિમ્નકોટીની છે કે એ લોકોના હિસાબથી તો જે ડેલી શોપની સિરિયલ આવે છે એ જ જોવા લાયક હોય, બીજું કાંઈ જોવા લાયક જ નથી કે બનાવવા લાયક પણ નથી.
દિલ્લીમાં મારુ ફિલ્મ સુપ્રીમ કોર્ટના એક્સ જજ મનમોહન સિરિનના અધ્યક્ષતા નીચે, સાજીયા ઇલમી, પૂનમ ધીલ્લોન જેવા પેનલિસ્ટોએ જોયું હતું અને એ લોકોને આમાં કાઈ જ વાંધા જનક પણ ન લાગ્યું. એના ઉપરાંત પણ એમણે કહ્યું કે એક UA+ ઉપરાંત સર્ટિફિકેટ આવે છે, જે હજુ અંડરપ્રોસેસ છે. જો એ મળતું હોત, તો આ ફિલ્મ એના માટે પરફેક્ટ છે.
આ સાથે હું પાર્સલિટી વિશે પણ એક વાત કરવા માગું છું, કે નજીકના ભૂતકાળમાં જ એક અન્ય ગુજરાતી ફિલ્મ પણ આવ્યું હતું. જેની અંદર એમણે ડોફા શબ્દ દિલ ખોલીને યુઝ કર્યા હતા. અને મારી ફિલ્મના એક સીનમાં ખાલી ટોન્ટમાં જ ઘંટ એવો એક શબ્દ આવ્યો, તો એની ઉપર પણ એમનો ઓબજેક્શન હતો. મેં એ વખતે પણ એમને આ વાત કહી કે ઘણી મોટી ફિલ્મોમાં આનાથી પણ વલગર વલગર શબ્દ હોય છે. એની સામે આ ઘંટ બહુ સામાન્ય શબ્દ છે. કારણ કે બુદ્ધિ વગરના અથવા ગાંડા જેવા માટે પણ આ શબ્દ આપણે વાપરતા જ હોઈએ છીએ. તો ગાળની દ્રષ્ટિએ એ શબ્દ ન હોવા છતાં એમનો ઓબજેક્શન હતો, તો આ પાર્સલિટી પણ એક બહુ મોટો સવાલ છે સેન્સર બોર્ડ પર, કે અલગ અલગ પ્રોડક્શન હાઉસના ફિલ્મોને અલગ અલગ માપદંડ સાથે એ લોકો શા માટે જુએ છે…?
( તમારા પ્રશ્ન ખરેખર વાજબી છે. ખાસ જો પેલા કેળા વાળા પ્રસંગને લઈએ તો આપણી પ્રવર્તમાન સંસ્કૃતિ માટે આ સમજવું ખરેખર મુશ્કેલ તો છે જ, પણ છતાંય મને સેન્સરના તર્કનો આધારહીન ભાવ ખટક્યો. કારણ કે જો એમણે એ આખા સીન પર જ વાંધો લીધો હોય તો એ ઠીક છે, કારણ કે એ સાંસ્કૃતિક વ્યક્તિ તરીકે એમના ઉચિત તર્કમાં આવત. પણ, કેળા પર જ વાંધો કેમ…? આઈ એમ રિયલી સ્પીચલેસ… કેળું હોય, માટીની બનાવટ, પ્લાસ્ટીક હોય કે લાકડું પણ એનો અર્થ તો અંતે ફિલ્મમાં એક જ થાય ને…? તો પછી, સીનમાં નહિ ને કેળામાં જ વાંધો કેમ…? આઈ થિંક આ વાંધાનું કારણ બનાના ફ્લેવર હોઈ શકે છે… કારણ કે પ્લાસ્ટીક, લાકડા કે માટી ફ્લેવરમાં નથી મળતું એ સેન્સર બોર્ડ વાળા પણ સમજતા થયા છે… )
◆ ફિલ્મ બનાવવા માટે ભાષાની પસંદગી ગુજરાતી જ કેમ…? તમે સૌપ્રથમ સ્ક્રીપ્ટ તો હિન્દીમાં લખી હતી…?
⇒ પહેલા જ કહ્યું એમ મારે માતૃભાષામાં કામ કરવાનું એક અંદરથી ઉદભવતું સપનું હતું, કદાચ એ સપનું જ મારી ઈચ્છાને વાસ્તવિકતા તરફ ખેંચવામાં મજબૂત રહ્યું.
( વાહ, માતૃભાષા માટેનો આ પ્રેમ ખરેખર કાબિલે તરીફ છે. કોઈ લેખકના બોલ છે કે જ્યાં સુધી જમવાના ટેબલ પર અથાણું છે, ત્યાં સુધી ગુજરાતીને આંચ નથી આવવાની. એ જ રીતે જ્યાં સુધી માતૃભાષા પ્રત્યે આવો પ્રેમ હયાત છે, ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ જ નથી થવાનું. )
◆ સેક્સ એજ્યુકેશન ફિલ્મ અને સ્ટોરી લાઇન અંગેનો વિચાર તમારા મનમાં બેઝિકલી ક્યાંથી આવ્યો…?
⇒ મેં પહેલા જ કહ્યું હતું, એમ મેં હોલીવુડની એક ફિલ્મ “SEX ED” જોઈ હતી. આ ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં દર્શાવેલ શિક્ષકની લડતથી હું ઘણો જ પ્રભાવિત થયો હતો. પણ, એની સામે જ તરત મને એ પ્રશ્ન પણ અંદરથી ઉદ્દભવ્યો, કે આપણા દેશમાં તો અમેરિકા જેવા દેશો કરતા ૧૦માં ભાગનું પણ સેક્સ એજ્યુકેશન લોકોને નથી આપવામાં આવતું. આ ફિલ્મમાં દર્શાવેલા મુદ્દાઓ જોતા મને આ વિષય ઘણો જ સાર્થક લાગ્યો. બસ આ ફિલ્મનો પાયો પણ ત્યાંથી જ નંખાયો હતો.
( હા, ખરેખર જો મને બરાબર સમય તો યાદ નથી પણ હા મને એટલું યાદ છે કે ધોરણ દશમાંના વિજ્ઞાનમાં સ્ત્રી પુરુષના ગુપ્તાંગો અને મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે ભણવામાં પણ આવતું હતું. અને અમારા લેડીઝ ટીચર અથવા જેન્ટ્સ ટીચર હોય તો એ પણ બધાની હાજરીમાં આ વિષય ભણાવતા ખચકાતા. જો કે શા માટે એમણે એ પાઠ ભણાવવાના સ્થાને ઘરેથી જ વાંચીને તૈયાર કરવા આપી દીધો હશે, એ અત્યારે પ્રણવ ભાઈની વાત સાંભળીને મને બરાબર સમજાઈ રહ્યું છે.
આ એજ અભાવ અને આપણી સંકુચિત માનસિકતા છે, જે જાણકારીના અભાવમાં દેશના કેટલાય યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. યુવાઓ દોરાઈ પણ રહ્યા છે, કારણ કે શારીરિક બદલાવો એમને અનુભવાય તો છે. પણ, માહિતીના આધારે એનું કારણ સમજાતું નથી. અફસોસ તો એ વાતનો છે કે આ અંગે કોઈને પૂછી પણ નથી શકાતું… )
◆ ફિલ્મ મેકિંગનું તત્વ ભણતર દ્વારા આવ્યું કે પછી અંદર સળગતા ડિઝાયરમાંથી…?
⇒ ફિલ્મ મેકિંગનું તત્વ સામાન્ય રીતે દરેકના અંદર હોય જ છે. પણ, હા આ તત્વ ડિઝાયરના માધ્યમથી જ વધુ પોલીસ થઈને ઉજળું અને ચમકતું થઈ લોકોની સમક્ષ રજુ થાય છે. પણ, જો શિક્ષણ કે ડિઝાયરની તુલના થાય તો શિક્ષણ કરતા ડિઝાયર વધુ મહ્ત્વનું હોય છે.
( ફિલ્મ મેકિંગની તો મને બરાબર સમજ નથી પણ હા, સર્જનની વૃત્તિ દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે જન્મજાત હોય જ છે. હા, કેટલી હદે એને વિકસાવવી, સમજવી અને આગળ વધવું એ વ્યક્તિ પોતે જ પોતાની મહેનત અને પસંદગીના આધારે નિર્ધારિત કરે છે. બાકી દરેક વ્યક્તિની ઓછામાં ઓછી એક એવી ખૂબી હોય જ છે, જે વ્યક્તિ એકલો જ કરી શકતો હોય છે. )
◆ આ ફિલ્મની શૂટિંગ અને શૂટિંગ દરમિયાનના અનુભવો વિશે જણાવશો…?
⇒ આમ તો અલગ અલગ પ્રકારના ઘણા બધા અનુભવો થયા છે. જેમાંથી કેટલાક શૂટિંગ દરમીયાનના અનુભવો છે, કે જે હું શેર કરવા માંગીશ. સૌથી પહેલા તો ફિલ્મના બજેટને લઈને ઘણા અનુભવો થયા હતા. કારણ કે અમે પોતાના ખર્ચે જ આ ફિલ્મ બનાવી છે, એટલે લોકેશન કર્ટસીથી લઈને બધું જ અમે પોતાના સગાવહાલા, ઓળખીતા કે ફ્રેન્ડ સર્કલની અંદરથી જ મેનેજ કર્યું હતું. પણ, જ્યારે આર્ટિસ્ટો અંગેનો સવાલ ઉદ્દભવ્યો ત્યારે મોટા ભાગની ફિલ્મોની અંદર સ્ક્રીન ઉપર ખર્ચો બહુ ઓછો દેખાતો હોય છે, પણ ફિલ્મ કાસ્ટના આર્ટીસ્ટોના રખરખાવમાં, લોકેશનમાં, કેમેરા તેમજ શુટિંગ માટેના એકવીપમેન્ટસ વગેરેમાં બહુ ખર્ચ થાય છે. ફિલ્મની સ્ટાર કાસ્ટને સારી સારી હોટેલોમાં રાખવામાં આવે છે, ટ્રાન્સપોર્ટેશન માટેનો ખર્ચ હોય છે, ગાડીઓની વ્યવસ્થા તેમજ ફ્લાઇટની ટિકિટ્સ વગેરે હોય છે, અને આ બધામાં જ મોટાભાગનો ખર્ચ થઈ જતો હોય છે. મજાની વાત એ છે કે મોરબીમાં અમે લગભગ ૩૦ દિવસ સુધી રહ્યા, ત્યાંની સ્કૂલમાં જ ફિલ્મનું શૂટ હતું. સ્કૂલમાં જ પોતાનું કેન્ટીન પણ હતું અને સ્કૂલ મોટા ભાગે અમારા હિંમત ભાઈ એટલે કે લાઈન પ્રોડ્યુસર કે જે એકઝક્યુયિવ પ્રોડ્યુસર છે એમના મિત્ર હતા. એમના દ્વારા એક રૂમ આપવામાં આવ્યો હતો, મેકપ અને ડ્રેસ ચેન્જ માટે, તો અમારા આર્ટિસ્ટ ત્યાં પહોચી જાય, ત્યાં મેકપ થઈ જાય, કપડાં બદલી લે, સ્કૂલને અમે અલગ પોર્શનના શૂટિંગ દરમિયાન યુઝ કરી શકતા હતા. સ્કૂલમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ હતા જેમના જમવાનો ટાઈમ દોઢથી બે વાગ્યાનો હતો. જેના પણ શુટ્સ અવેલેબલ હોય તેમને પણ અમે ત્યાં જ કેન્ટીનમાં જમાડતા. અને જો સાંજનું શૂટ પણ ત્યાં હોય તો જમવાનું ચાલુ હોય ને બન્યું હોય તો ત્યાં જ જમાડી દેતા અથવા જ્યાં રોકાયા હતા ત્યાં માટે ટિફિન આવી જતું હતું. રહેવાની રોજે રોજની વ્યવસ્થા કરતા અમે એક આખો ત્યાં નજીકનો ડુપ્લેક્ષ બંગલો જ રેન્ટ પર લઇ લીધો હતો. ઉપર નીચેના બંને માળમાં લેડીઝ, ઝેન્ટ્સ એમ ગોઠવાઈ જતા હતા. ત્યાં સાફસફાઈ કરાવીને રહેવા, સુવા માટે ટેન્ટ હાઉસના ગાદલાઓ પણ ત્યાં રખાવેલા. ખાસ કોઈ વેલફર્નીસડ મકાન કે હોટેલની જગ્યાએ બધા ત્યાં જ રહેતા હતા. ખાલી સિનિયર આર્ટિસ્ટ( ચેતન ભાઈ, હરેશ ડાંગીયા સાહેબ ) માટે જ જેટલા દિવસ એ લોકો હતા ત્યાં સુધી હોટેલના રૂમ બુક કરેલા, જે પણ સસ્તા જ હતા અરાઉન્ડ બારસો આસપાસના ભાડામાં. બધાનું સમઅપ કરતા એમ કહી શકાય કે અમે કાંઈ ખાસ ખર્ચો આ બાબતે કર્યો નથી. બસ એક એવા એટમોસફીયરમાં આખું શૂટિંગ થયું કે અમે કઈક કરી રહ્યા છીએ. ગુજરાતી ભાષામાં એક સરસ વિષયને લઈને ફિલ્મ આપવાના સરસ ઉદ્દેશ્ય સાથે જ અમે આ આખું કામ કર્યું હતું..
ઓકે, આપની આ મહેનત રંગ તો લાવી જ છે.
◆ સેક્સ એજ્યુકેશન દ્વારા આપ સમાજને કઇ રીતે ઉપયોગી થઈ રહ્યા છો… એ વિચાર જરા વાંચકોને રજુ કરશો..?
⇒ આ ફિલ્મ દ્વારા મારે કોઈને કોઈ જ પ્રકારની શીખ તો નથી જ આપવી. કારણ કે જે લહેરની જરૂર હતી એ આવી ગેછે, આ ફિલ્મ દ્વારા લોકો હવે સેક્સ એજ્યુકેશન વિશે બોલતા તો થયા છે. મારા અંગત અનુભવો છે કે આ શબ્દ બોલતા પણ આજના વર્તમાન સમય સુધીના લોકો પણ ખચકાટ અનુભવે છે. લોકો આ વિષય પ્રત્યે સજાગ થાય એ જ અમારા માટે ઘણું છે. લોકો આ અંગેનિ જાગૃતિ પછી કદાચ પોતાના બાળકોને સમજાવે, ન સમજાવે, શાળાના અભ્યાસક્રમમાં આ વિષય સમવાય, નહિ સમવાય આ બધું જ બહુ લાંબા અંતરાલનું પરિવર્તન છે. પણ, આ અંગે જે વાતો થાય છે એ જ સૌથી મહત્વનું છે. આ વિષય ખરેખર બહુ અગત્યનો છે.
◆ ગુજરાતી ફિલ્મમાં પાછળના કેટલાક સમયથી સતત આવતા ઉછાળા વિશે તમે શું કહેશો…?
⇒ સૌપ્રથમ તો સેક્સ એજ્યુકેશન એ ડાયટેક્ટર તરીકે મારી પ્રથમ ફિલ્મ છે. મોટા ભાગના ફિલ્મ મેકર્સ કે જે આજકાલ ગુજરાતી ફિલ્મો બનાવે છે, એ એને બિઝનેશ તરીકે જ લઇ રહ્યા છે. એમને કદાચ એવું લાગે છે કે આ ફિલ્મના નિર્માણ દ્વાર એક મોટી રોકડી કમાઈ શકાય છે. કોઈ ગુજરાતી ભાષા કે કલચર માટે ફિલ્મો નથી બનાવતું, અથવા બહુ ઓછા લોકો એ કામ કરી રહ્યા છે. લોકોને જ્યાં સુધી આ સમજાશે નહીં અથવા એમનો ભ્રમ તૂટશે નહીં ત્યાં સુધી આવી ફિલ્મો બનતી રહેશે. કરોડ કરોડના બઝેટ વાળી ફિલ્મો પણ બનતી રહેશે, પણ એનાથી વાસ્તવિક ગણી શકાય એવું રિયલ ઓડિયન્સ ઉભું થવાની શક્યતાઓ બહુ ઓછી છે. મારુ માનવું એવું છે કે જ્યાં સુધી અલગ અલગ જોનર અને વિષયો સાથે નવા નવા બેકગ્રાઉન્ડ પર ફિલ્મો નહીં બને તો વાસ્તવિક ઓડિયન્સ ઉભું નહી જ થઈ શકે.
◆ તમારું પ્રથમ ડાયરેક્શન કઇ ફિલ્મનું હતું…?
⇒ સેક્સ એજ્યુકેશન ફિલ્મ એ ડાયરેક્ટર તરીકે મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે.
તો, આ હતી પ્રણવ પટેલ સાથેની વાતચીત. આ વાતચીત દ્વારા એમના વિશે અને એમની ફિલ્મ મેકિંગની સફર વિષે પણ આપણે ઘણું વધારે જાણી શક્યા છીએ. જો કે આ સંપૂર્ણ નથી પણ જરૂરી માહિતી તો છે જ… હવે આપણે જાણીશું સર્જક સાથેના પ્રણવ ભાઈના અનુભવો…
◆ તો છેલ્લે, સર્જક સાથેના ઇન્ટરવ્યૂ અને સર્જકના શૂન્યથી લઈને સો સુધીની કાર્યક્ષમતા ધરાવતા દરેક લોકોને સમાન તક પુરી પાડી સાંકળી લેવાના પ્રયત્ન વિશે… આપના વિચારો…
⇒ બેજીકલી તમે જે આ ઇન્ટરવ્યૂ લઇ રહ્યા છો, એની ઓનેસ્ટી મને બહુ ગમી છે. કારણ કે અહીં કોઈ જ પ્રશ્ન અને વાતચીત ડોક્ટેડ (પૂર્વનિર્ધારીત) નથી. અમુક પ્રશ્નો પુછાય છે અને આગળના પ્રશ્નો પણ જવાબોના આધારે જ તરત આવી રહ્યા છે. તો અહીં હુ મારા વિચારોને રજુ કરવા માટે મુક્ત છું એવું મને લાગે છે. જે કાંઈ પણ હું કહીશ એ જ અહીં લોકો સમક્ષ પણ મુકાશે. અહીં એવું કંઈ પણ નથી કે જે કોઈને ખોટું લાગે અથવા કોઈને કેવી રીતના બતાવશે એ અંગે શંકા રહે. પ્લસ એક બીજી મહત્વની વસ્તુ એ છે કે તમે મને મારી જર્ની વિશે પૂછ્યું કે કેવી રીતે તમે આ ફિલ્મ બનાવી, અને નિર્માણ દરમિયાન કયા કયા પ્રોબ્લેમ્સ મારી સામે આવ્યા. આનાથી મહત્વનો લાભ એ પણ મળશે કે મારા જેવા બીજા ફિલ્મ મેકર્સ, રીડર્શ અથવા આ લાઈનમાં કામ કરનારા લોકો પણ જો ક્યાંય અટકતા હશે તો એમને દિશા મળી જશે. કે ભાઈ એમણે આવું કર્યું હતું તો આપણે પણ આવું કરી જ શકાય, એટલે આ એક બહુ સરસ વાત છે. સો આ બધા માટે સર્જક અને સુલતાન સિંહને ધન્યવાદ.
એ સિવાય જો સર્જક વિશે વાત કરું તો મેં એવું પણ સાંભળ્યુ છે કે અહીં ખાલી નવા ફિલ્મ ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર કે એક્ટર્સ જ નહીં, પણ દરેક ક્ષેત્રમાં નવું સર્જન કરતા સર્જકોને અવસર મળે છે. પછી એ ઉભરતા હોય, નવોદિત હોય કે પીઢ અને અનુભવી, એમ સર્જક દરેક માટે સમાન તકનું નિર્માણ કરે છે. એટલે અહીં પારસ્યાલિટીને અવકાશ નથી, જે પ્રકારે સેન્સર બોર્ડમાં જોવા મળે છે. આ એક બહુ અગત્યનું છે કે દરેક સર્જકને એક જ ધોરણ સાથે તોલવામાં આવે. કારણ કે આ સમાન તકના આધારે જ દરેકનું કોન્ફિડન્સ લેવલ વધશે, નહીં તો આ સિસ્ટમ છે એવું જ એમનું ભવિષ્ય પણ થઈ જશે. જેમ આપણે નથી કહેતા કે ગવર્મેન્ટ નું કાંઈ પણ કામ હોય તો પહેલેથી જ આપણે હાથ ઊંચા કરી દઈએ છીએ કે છોડને ગવર્મેન્ટ કામ છે તો બ્રાઈબ વગર નહિ જ થાય. તો આ ધારણા ગૂઢ ન બને એ પણ બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ વૈશ્વિક ફલક પર ઇનવોલ્વ થઈ રહી છે, અથવા હજુ ઉભી થઇ રહી છે. એમાં દરેકને એક સમાન તક મળે તેમજ જેણે સારું કર્યું છે, એને પ્રોત્સાહન મળે એ પણ જરૂરી છે.
અને છેલ્લે એટલું જ કે, આ પ્રકારે બધા જ વિચારો વાંચકો સમક્ષ મુકવા બદલ સર્જકનો આભાર…
ઇન્ટરવ્યૂ લેખન ~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply