મૈં હૂં ના!
A personalized article from the book
Love You Pappa compiled by Raj Bhaskar
મારા પપ્પા મારા હીરો કેમ નથી?
* * * * *
સમજણો થયો અને પપ્પા હયાત રહ્યા લગભગ ત્યાં સુધી આ પ્રશ્ન મારા મનમાં જાગતો રહ્યો. સતત નહીં, પણ ક્યારેક. સાવ નાનો હતો ત્યારથી સાંભળતો-વાંચતો-જોતો આવ્યો છું કે સામાન્ય રીતે છોકરાનો પહેલો આદર્શ, પહેલો રોલમોડલ એના પિતા હોય છે. મોટા થઈ રહેલા, સ્કૂલે જઈ રહેલા છોકરાને સૌથી પ્રભાવિત કરનારો પહેલો પુરુષ એટલે એના પિતા. છોકરો ધીમે ધીમે સમજદાર થતો જાય છે, એ ગાંધીજી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે પાઠ્યપુસ્તકોમાં ભણે છે, અમિતાભ બચ્ચનની ફિલ્મો એને એ ગાંડો ગાંડો થઈ જાય છે, સ્કૂલની કોમ્પીટીશનમાં એ કિશોરકુમારનાં ગીતો ગાતો થઈ ગયો છે, સુનિલ ગાવસ્કર અને કપિલદેવનો એ જબરદસ્ત ફેન છે, ભલે, પણ સૌથી પહેલાં તો એને પપ્પા જેવા બનવું છે. પપ્પાની બિહેવિયર પેટર્ન, પપ્પાની વાતો, પપ્પાની સિદ્ધિઓ… આ બધું દિલ-દિમાગના પોઝિટિવ વર્તુળમાં ગોઠવાતું જાય છે. આગળ જતાં છોકરાનું દિમાગ ઓર ખૂલે, એ વિચારતો થાય, એક્સપોઝર વધે, કંઈકેટલાય પ્રતિભાશાળી પુરુષોની અસર ઝીલતો થાય, પણ પપ્પા એટલે પપ્પા. એનું સ્થાન અચળ. એની સામે કોઈ શરતો નહીં. કોઈ તોલમાપ નહીં. પપ્પા જિંદગીના પહેલા રોલમોડલ છે તે સત્ય સાથે કોઈ બાંધછોડ નહીં.
…પણ મારા પપ્પા મારા રોલમોડલ કેમ નથી?
હું બીજા દીકરાઓને જોતો ત્યારે આ પ્રશ્ન મને ક્યારેક સતાવતો. સતાવતો નહીં, પણ મૂંઝવતો. પપ્પા મને હદ બહારનો પ્રેમ કરે છે, એ મહેનતકશ છે, એમની રીતે સફળ છે, અત્યંત ચોખ્ખા અને ચારિત્ર્યવાન માણસ છે, પરિવાર માટે ખુવાર થઈ જવાની એમની તાસીર છે… પણ તોય કેમ ક્યારેય એવું ન લાગ્યું કે પપ્પા મારા હીરો છે અને મારે એમના જેવા બનવું છે?
કેમ?
આનો કશો જ તાર્કિક જવાબ ન મળતો. અને પછી એ પ્રશ્ન પણ ખરીને કશેક ઊડી જતો. જવાબ શોધવા માટે હવાતિયાં મારવાનો સવાલ જ નહોતો કારણ કે આ સવાલ જ મારા માટે ક્યારેય મહત્ત્વનો નહોતો. એનું કશું વજન નહોતું. આ લાગણી ક્યારેક આગિયાની જેમ ઝબકી જતી એટલું જ. પછી પળવારમાં બૂઝાઈ જતી. ભૂલાઈ જતી. બીજા સેંકડો-હજારો વિચારો મનના અફાટ દરિયામાં ઊપસીને વિલીન થઈ જતા હોય છે, એમ.
આજે પપ્પા નથી. 2012ના માર્ચ મહિનામાં એમનાં મૃત્યુને છ વર્ષ પૂરાં થયાં છે ત્યારે કંઈક સમજાઈ રહ્યું છે, ઊઘડી રહ્યું છે. શું છે તે?
* * * * *
તુલસીદાસ.
મારા પપ્પાનું નામ તુલસીદાસ હતું. અથવા છે. તુલસીદાસ મોહનદાસ રામાવત. નાનો હતો ત્યારે સ્કૂલની નોટબુક પર લેબલમાં નામના ખાનામાં લખતો: જીતેન ટી. રામાવત. મારું મૂળ નામ જીતેન છે. ક્યારેક રામાવત જીતેન ટી. એમ પણ લખતો. મને મારું નામ જરાય ન ગમતું. જીવ કરતાંય વહાલા બાળપાક્ષિક ‘ચંપક’માં એ વર્ષોમાં શિશિર વિક્રાંત નામના કોઈ લેખકની બાળવાર્તાઓ છપાતી. એ મને ગમતી. વાર્તાઓ કરતાં પણ મને શિશિર નામ બહુ ગમતું. આથી છઠ્ઠા-સાતમા ધોરણમાં મેં લેવાદેવા વગર ઉપનામ ધારણ ઠઠાડી લીધું અને પછી સ્કૂલનાં ચોપડાં પર મોટે ઉપાડે લખતો: જીતેન ટી. રામાવત ‘શિશિર’. ધીમે ધીમે શિશિર ટી. રામાવત પર આવી ગયો.
ઓરિજિનલ નામની જેમ મને મારી અટક પણ ન ગમતી. હું પપ્પાને કહેતો: પપ્પા, મારે અટક બદલવી છે, ‘રામાવત’ની ‘રામાનુજ’ કરવી છે. પપ્પા હસી પડતા: ‘કાલે ઉઠીને તું કહીશ કે આ વચ્ચે ‘ટી.’ આવે છે એ પણ મને પસંદ નથી. તો શું બાપનું નામ પણ બદલી નાખીશ?’ હું મોઢું બગાડીને નાસી જતો.
‘આકાર’ નવલકથાનો નાયક યશ જેલમાંથી પે-રોલ પર છૂટે છે પછી ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે: ‘…અને એ યશ ન. શાહ. યશ અને શાહની વચ્ચે લાગી ગયેલો ‘ન.’નો ખીલો. એ અને નિહાર (ભાઈ) અને લીરા (બહેન) બધા એ ‘ન.’થી બંધાયેલાં હતાં. છૂટાં છૂટાં, દૂર દૂર અને એકબીજાં સાથે બંધાયેલાં…’
યશ તો ખેર, કાલ્પનિક માણસ છે, પણ અમારા પરિવારમાં મારા દાદાજી મોહનદાસ રામાવતનો ‘એમ.’નો ખીલો હતો, જેનાંથી પૂરાં એક ડઝન સંતાનો બંધાયેલાં હતાં. છ પહેલી પત્નીનાં, છ બીજી પત્નીનાં. મારા પપ્પા પહેલી પત્નીનું સંતાન. કહે છે કે મારાં દાદીને એ જમાનામાં દીકરીનો બહુ મોહ હતો. પુત્રીના મોહમાં ને મોહમાં પાંચ પુત્રોની કતાર ખડી કરી દીધા પછી આખરે છઠ્ઠા ક્રમે દીકરીનું મોઢું જોયું. સૌરાષ્ટ્રમાં મોરબી નજીક અંબાળા નામના સાવ ખોબા જેવડા કથોરા ગામમાં પપ્પાનો જન્મ. એ એમનું વતન. દાદા રામજી મંદિરની પૂજા કરતા અને ગામધણી તરીકે ઓળખાતા દરબાર માટે મહેતાજીનું કામ કરતા. દાદી ગુજરી ગયાં ત્યારે પપ્પા આઠેક વર્ષના હશે. હવે આટલા બધા ભાઈભાંડુ કેવી રીતે સાચવવા? પપ્પાને એમના સૌથી મોટા ભાઈ વજુઅદા પાસે ટંકારા મોકલી આપવામાં આવ્યા. ટંકારા એટલે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. પપ્પા ટંકારામાં ભણ્યા, રહ્યા. મા વગરનો, બાપના અટેન્શન વિનાનો છોકરો મોટો થતો ગયો.
અત્યારે આ વિચારું છું ત્યારે અસ્થિર થઈ જવાય છે. મેં મા ગુમાવી ત્યારે હું ત્રીસ વર્ષનો હતો, પપ્પા ગુમાવ્યા ત્યારે ચોત્રીસનો. મારી એકતાલીસ વર્ષની જિંદગીનો મોટો હિસ્સો મા-બાપના અત્યંત મજબૂત અને અત્યંત અદભુત સુરક્ષાકવચ વચ્ચે પસાર કર્યો છેે. મા-બાપ ન હોવાની સ્થિતિ કેટલી દાહક હોઈ શકે છે તે હું સ્વાનુભાવે જાણું છું. આજે વિચારું છું કે પપ્પાનું બાળપણ કેવું વીત્યું હશે? મા વગરના, બાપના અટેન્શન વગરના, ઢગલાબંધ ભાઈબહેનોવાળા કિશોરનું બાળપણ કેવું વીતી શકે?
પછી તો ઘણું બધું બન્યું એમના જીવનમાં. જિંદગીમાં વિકાસ કરવો હશે તો ગામ છોડીને શહેરમાં જવું પડશે તે સત્ય એમને નાની ઉંમરે સમજાઈ ગયું હતું. પીટીસી કર્યા પછી કોઈ ગામડાની નિશાળમાં શિક્ષકની નોકરી કરતા હતા. તેમાં રાજીનામું આપીને, લોખંડના મોટા ટ્રંકમાં સામાન ભરીને તેઓ જામનગર આવી ગયા (આ ટ્રંક પછી દાયકાઓ સુધી સચવાઈ રહ્યો હતો). ભાડે ઘર શોધી, કોલેજમાં એડમિશન લીધું અને બી.એ.નું ભણવા માંડ્યા. કોઈનો આર્થિક ટેકો નહીં એટલે ટ્યુશનો કરી કરીને જાતે ખર્ચ કાઢવાનો. પપ્પાના મકાનમાલિક એટલે મમ્મીના દાદા. એમણે જોયું કે છોકરો પાણીદાર છે. એમની વિધવા વહુની મોટી દીકરી માટે યોગ્ય મુરતિયો છે. આ રીતે પંદર વર્ષની હરીચ્છા સાથે પચ્ચીસ વર્ષના તુલસીદાસનાં લગ્ન થયાં.
લગ્ન પછી એક ભાડાની નાનકડી ઓરડીમાં તેઓ રહેવા આવી ગયાં હતાં. લગ્ન વખતે અને લગ્ન પછી પણ એમની પાસે કશું જ નહોતું. ચાની તપેલી પણ નહીં. લગ્ન થયાં પછી પહેલા જ દિવસે પપ્પા સૌથી પહેલાં તો થોડાં વાસણ અને કરિયાણું ખરીદી લાવ્યાં. સ્ટ્રગલ ચાલતી રહી. ભણવામાં પપ્પા શ‚આતથી તેજસ્વી હતા. તેઓ ગ્ર્ોજ્યએટ થઈ ગયા. ટીચર તરીકે ઘણી સ્કૂલોમાં નોકરીઓ કરી. બદલીઓ થઈ. અંતે હેલ્થ ડિપાર્ટમેન્ટની ગર્વમેન્ટ જોબમાં સ્થિર થયા. દરમિયાન બે વર્ષના અંતરે બે દીકરીઓ જન્મી, મારી બન્ને બહેનો – મોટી દક્ષા, નાની સુધા. સુધા ચાર વર્ષની થઈ પછી પપ્પાએ મમ્મીને આગળ ભણાવી. મમ્મીએ શાળાંતની પરીક્ષા પાસ કરી, પીટીસી કર્યું. એ જ અરસામાં મારો જન્મ થયો.
પપ્પા મને લકી ગણતા તેનું એમની દષ્ટિએ ત્રણ કારણો હતાં. હું જન્મ્યો એ જ અરસામાં એમનું એમ.એ.નું સંતોષકારક રિઝલ્ટ આવ્યું. મમ્મી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની સરકારી નોકરીએ ચડી. અત્યાર સુધી ભાડાનાં નાના નાના ઘરોમાં જીવાતું હતું. મારા જન્મ પછી જામનગરમાં પટેલ કોલોની વિસ્તાર નજીક રાંદલનગર સોસાયટીમાં પપ્પાએ નાનું પણ કમ્ફર્ટેબલ ટેનામેન્ટ ખરીદ્યુંં અને પરિવાર ત્યાં શિફ્ટ થયો. હવે ઘરમાં બે સરકારી પગારો આવતા હતા. પગારો ભલે તોતિંગ નહોતા, પણ સંઘર્ષના અને અછતના તબક્કા પર ઓફિશિયલી પૂર્ણવિરામ મૂકી દે એટલા બળવાન જ‚ર હતા. એ આર્થિક સ્થિરતાના, નિશ્ચિત આવકમાંથી પેદા થતી સુરક્ષાના દિવસો હતા, જે છેક સુધી જળવાઈ રહ્યા. ભલે દર મહીનાની આખર તારીખોમાં પગારની આતુરતાપૂવર્ક રાહ જોવાનું શ‚ થઈ જતું હોય, પણ મધ્યમ-મધ્યમવર્ગીય સુખસુવિધાઓની અને નાના નાના મોજશોખની શ‚આત થઈ ચૂકી હતી. અછત કે આથિર્ંક તંગી કે ગરીબી મેં ક્યારેય ન જોયા.
હું બે દીકરીઓ પછી છ વર્ષે જન્મેલો મોંઘેરો દીકરો હતો. પરિવારનો લાડકો મુન્નો. પપ્પાને હું બહુ વહાલો હતો એમ કહેવું એ તો અલ્પોક્તિ થઈ. હકીકત એ હતી કે પપ્પાને મારી ઘેલછા હતી. મારા પર એમનો પિતૃપ્રેમ તીવ્રતાથી વરસ્યો, વરસતો રહ્યો, જીવનની અંતિમ ક્ષણ સુધી. તેઓ ખુદ નાનપણમાં વાત્સલ્યની ભીનાશથી વંચિત રહી ગયા હતા કદાચ તેની આ પ્રતિક્રિયા હતી. મારે કોઈ વાતનું કષ્ટ ઊઠાવવું ન પડે તે માટે તેઓ સતત સતર્ક રહેતા. જે કઠણાઈઓ સહેવાની હતી તે મેં સહી લીધી, હવે મારા મુન્ના પર કોઈ વાતની તકલીફનો પડછાયો પણ ન પડવો જોઈએ – આ તેમની માનસિકતા હતી. સામાન્યપણે ઘરનો છોકરો નજીકની દુકાનોમાંથી નાનીમોટી ચીજવસ્તુઓ લાવવા માટે, ઘરનાં રુટિન કામકામ માટે દોડાદોડી કરતો હોય છે, પણ મારા કેસમાં જૂદું હતું. મારાં પેન્સિલ-રબર ખલાસ થઈ ગયાં હોય તો પપ્પા બહેનોને કહેશે: ‘જાવ તો જરા, સ્ટેશનરીની દુકાનમાંથી મુન્નાને જે જોઈએ છે તે લઈ આવો તો!’ બહેનો કહેશે: ‘પણ મુન્નાને જ મોકલોને.’ પપ્પા કહેશે: ‘ના, ના. એને હેરાન નથી કરવો. એને ભણવા દો.’
પપ્પાએ મને જામનગરની તે વખતે સર્વશ્રેષ્ઠ ગણાતી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સમાં દાખલ કર્યો હતો. મારું સ્કૂલનું ભણતર પપ્પા માટે સતત ગર્વનું, રાધર, અતીશય ગર્વનું કારણ બની રહ્યું. પહેલા નંબરે પાસ થવા બદલ પ્રિન્સિપાલે લખલા અભિનંદનના શબ્દોવાળી મારી માર્કશીટ્સ અને સ્ટેજ તેમજ કલ્ચરલ એક્ટિવિટીઝ માટે મળતા સર્ટિફિકેટ્સ જોઈને પપ્પાનો હરખ છલકાઈ જતો. આ બધું જ, હું જાણે ‘બોય વન્ડર’ હોઉં તેમ, મહેમાનો અને સગાસંબંધીઓ અને પાડોશીઓ સામે નિયમિતપણે પ્રદર્શિત થતું. મને સખ્ખત ક્ષોભ થઈ આવતો. હું ચીડાતો, ગુસ્સો કરતો. પપ્પા હસ્યા કરતા.
પપ્પા દસ વર્ષની ઉંમરે એમના ગ્ર્ાામ્ય-દોસ્તો સાથે બીડી પીવા લાગ્યા હતા. સ્મોકિંગની એમની કુટેવ પાછલી ઉંમરે હૃદયરોગ લાગુ પડ્યો ત્યાં સુધી રહી. હું નાનો હતો ત્યારે ધુમાડાની ગંદી વાસથી બૂમો પાડતો. એ ગંધથી મને એટલી બધી નફરત હતી કે પપ્પા હજુ તો દીવાસળી સળગાવે તો પણ હું ભરઊંઘમાંથી જાગી જતો ને પપ્પાને ધબ્બા મારવા લાગતો. પપ્પા હસતા ‚મમાંથી બહાર નીકળી જતા. પપ્પાની આદતને કારણે મને નાનપણથી સ્મોકિંગ પ્રત્યે તીવ્ર અણગમો રહ્યો છે. મોટા થયા પછી સ્મોકિંગ કરનારા મિત્રો સાથે ઘનિષ્ઠતા કેળવાઈ, પણ મેં પોતે ક્યારેય સિગારેટને હાથ સુધ્ધાં નથી લગાડ્યો. અખતરા ખાતર પણ નહીં. હોસ્ટેલમાં સ્મોકર દોસ્તો મારા જક્કી વલણથી ચીડાતા. હું કહેતો: પપ્પાનો વાંક છે. એ જો સ્મોકિંગ ન કરતા હોત હું ચેઈન-સ્મોકર હોત!
સદભાગ્યે વાંચવા-લખવામાં એવું ન થયું. પપ્પાનો આ શોખ મેં દિલથી અપનાવ્યો અને વિકસાવ્યો. વાંચન અને લેખનના ‘જીન્સ’ મને પપ્પા તરફથી મળ્યા છે. મારા વાંચનના શોખને પપ્પા સતત પોષતા. મને વાર્તાની ચોપડીઓ અને બાળસામયિકો અપાવતી વખતે કે તેનાં લવાજમો ભરતી વખતે ક્યારેય મહિનાની આખર તારીખ વચ્ચે ન આવતી. પપ્પા ક્યારેક રેડિયો-નાટક અને ‚પકો પણ લખતાં. હું બાળસામયિકોમાં અને છાપાંના બાળવિભાગોમાં ‘વાચકોના પત્રો’ અને નાની નાની કૃતિઓ મોકલતો. તે પ્રગટ થતું ત્યારે મારું નામ છપાયેલું જોઈને હું રાજી રાજી થઈને કૂદકા મારતો.
My late parents…
મમ્મી ઓછું બોલ, ચૂપ રહે, કજિયાથી દૂર રહે, જતું કરે… પણ પપ્પા સ્વભાવે ઉગ્ર્ા. મિજાજ ભડકતો. જીવનના સંઘર્ષોએ તેમને ખૂબ સ્વમાની અને કોન્ફિડન્ટ બનાવ્યા, સાથે સાથે એમના વ્યક્તિત્વમાં થોડી કડવાશ પણ ઉમેરી આપી. પપ્પાની સેન્સ-ઓફ-હ્યુમર કાતિલ હતી. ઈન ફેક્ટ, એમના નવેનવ ભાઈઓની રમૂજવૃતિ કમાલની છે. પપ્પા સગાંવહાલાં-પરિચિતોની સરસ મિમિક્રી કરે. આખી દુનિયા માટે પપ્પાનો સ્વભાવ ખૂબ આક્રમક, પણ મારી સામે એ સાવ ‚ જેવા પોચા. અલબત્ત, નાનો હતો ત્યારે મેં ેં એમણે ઉગ્ર્ા થવું પડે તેવાં કારણો પણ નહોતાં આપ્યાં. હું મારાં મા-બાપનું ‘પેટ ઠારે’ એવું સંતાન હતો. ખૂબ ડાહ્યો, ભણેશરી અને એક્ટિવ દીકરો (મારી એક્ટિવિટીઝમાં જોકે સ્પોર્ટસનું નામોનિશાન ક્યારેય નહોતું). અનહદ લાડકો અને ચાગલો, પણ બગડેલો જરાય નહીં. બલકે આદર્શવાદી અને ચોખલિયો.
* * * * *
પણ સ્કૂલજીવન પૂરું થતાં જ બધું બદલાયું. આંચકો લાગે એટલી હદે બદલાયું. પેલો તેજસ્વી, સિન્સિયર, સતત પહેલો નંબર લાવતો છોકરો જાણે જામનગરમાં જ દફન થઈ ગયો. વડોદરાની એન્જિનીયરિંગ કોલેજમાં દાખલ થયેલો જુવાનિયો કોઈ બીજો જ હતો, ઓળખી ન શકાય એવો જુદો. અત્યાર સુધી ભણતર સ્વ-પરિચયનો અને ગર્વનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરીંગમાં પ્રવેશતાંની સાથે જ, એક સેકન્ડમાં પડદા પરનું ચિત્ર પલટી જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. કોલેજ-લાઈફ શું હોય છે તે મને ક્યારેય સમજાયું નહીં, પણ કોલેજ-ડેથની અનુભૂતિ મને પળે પળે થયા કરતી હતી.
પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી હતી કે વડાદરાના મારા પોલિટેક્નિક કેમ્પસ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો, રેલિંગ પાસે ઊભા રહીને નીચે ધડધડાટ કરતી ટ્રેનોને આવ-જા કરતી જોયા કરતો. ઉપરથી છલાંગ મારીને સીધા પાટા પર ફેંકાઈને ધસમસતી ટ્રેન નીચે કપાઈ મરવાની તીવ્ર ઈચ્છાનો જીવલેણ ઉભરો આવતો… પણ એ ક્ષણ પાછી અંદર ખેંચાઈ જતી. હું અટકી જતો અને પાછો હોસ્ટેલ તરફ વળી જતો.
મારાં જીવનના આ સૌથી પીડાદાયી તબક્કો… અને પપ્પા મારો મુન્નો એન્જિનીયર બનવાનો છે એ વિચારે જામનગરમાં ફૂલાયા કરતા. કોલેજમાં વ્યક્તિત્વ ઓર ખીલવાને બદલે હું રુંધાતો જતો હતો, ભયાનક માનસિક યાતનાના ભારથી કુંઠિત થઈ રહ્યો હતો… અને ઘરેથી નિયમિતપણે દર વીસ-પચ્ચીસ દિવસે પપ્પાએ મોકલેલા પૈસા આવી જતા હતા. હોસ્ટેલના બીજા છોકરાઓના સરેરાશ માસિક ખર્ચ કરતાં થોડા વધારે પૈસા. મુન્નાને જરાય તકલીફ ન પડવી જોઈએ, યુ સી!
હું હચમચી જતો એ વિચારે કે મને ચિક્કાર પ્રેમ કરતાં મારા મા-બાપને કશું દેખાતું નથી? મારી યાતના તેમના સુધી પહોંચતી કેમ નથી? હું એન્જિનીયરિંગમાં મારી મરજીથી ગયો હતો એ બરાબર છે, પણ શૈક્ષણિક નિષ્ફળતાની જે પરંપરા સર્જાઈ ગઈ છે તે જોયા પછી પણ એ સમજતાં નથી કે ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે? રજાઓમાં હું ઘરે જતો, મારા ‚મમાં પૂરાઈ રહેતો, ચૂપ રહેતો, અંદર ને અંદર ધૂંધવાયા કરતો. એન્જિનીયરિંગનાં ચોપડાના ઘા કરીને હું ડાયરી લખવા બેસી જતો, ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો અને છાપાં-સામયિકોની દુનિયામાં જબરદસ્ત પેશનથી ખોવાઈ જતો. મને સમજાતું નહીં કે હું કેમ આમ કરું છું? હું સખ્ખત મૂંઝાયેલો હતો, અપરિપક્વ હતો, બોલી શકતો ન હતો. મને કોઈનો હાથ જોઈતો હતો જે મને ખેંચીને બહાર કાઢી લે. હું ઈચ્છતો હતો કે કોઈ મને પામી લે અને પછી મને પણ સમજાવે કે ક્યાં શું અટકે છે. મમ્મી તો બિચારી એટલી બધી સરળ અને ભોળી હતી કે કંઈ વિશ્લેષણ ન કરી શકે, પણ પપ્પા? એ પણ કશું તારવી શકતા નથી?
આ નિભ્રાન્તિની પળ હતી. મને થતું કે આ કેવું વાત્સલ્ય? આ કેવો માતૃપ્રેમ ને પિતૃપ્રેમ? હું અંદરથી ભાંગીને ભૂક્કો થઈ રહ્યો છું એ હું સ્પષ્ટ શબ્દોમાં કહું તો જ એમને ખબર પડે? ન બોલું તો ન જ ખબર પડે? મારાં મા-બાપ, મારા જન્મદાતા મને વાંચી કેમ ન લે? જે મને દેખાતું નથી એ તેઓ કેમ જોઈ ન લે અને પછી મને કેમ રસ્તો ન ચીંધે? સંતાન દુખી હોય તો મા-બાપને ભણકારા વાગે, ટેલીપથી થઈ જાય… એ બધું શું છે? મને સમજાયું કે સંતાન કશીક મુસીબતમાં મૂકાય અને જોજનો દૂર મા ઊંઘમાંથી સટ્ટાક કરતી જાગી જાય એવું માત્ર ફિલ્મોમાં બને છે. વાસ્તવમાં દીકરો મૃત્યુની ધાર સુધી ફેંકાઈ ગયો હોય તો પણ ચોખ્ખા શબ્દોમાં કહે નહીં ત્યાં સુધી મા-બાપને ખબર પડતી નથી.
શું મારી અપેક્ષાઓ વધારે પડતી હતી? ખબર નથી. શું મેં સામેથી કમ્યુનિકેટ ન કયુર્ર્ં તે મારી એટલી મોટી ભૂલ હતી? મને નથી લાગતું.
ખેર, મમ્મી તો મમ્મી છે. એની સામે ફરિયાદનો વિચાર સુધ્ધાં ન હોય, પણ આ ઘટનાચક્રને લીધે કદાચ પપ્પા સાથે માનસિક અંતર વધી ગયું હતું. પુત્રમોહમાં વહ્યા કરવાને બદલે એમણે મારું તટસ્થ મૂલ્યાંકન કરતા રહેવાની વાસ્તવિક દષ્ટિ કેળવી હોત તો તે મારા માટે વધારે કલ્યાણકારી બનત. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે પપ્પાએ મને એકાદ વાર કચકચાવીને લાફો ખેંચી દીધો હોત તો મારામાં ખોટી હવા ન ભરાત અને હું સીધો થઈ ગયો હોત. મારા પર પપ્પાની ધાક ક્યારેય નહોતી. આ ફીલિંગ હું ક્યારેક મિસ પણ કરતો. પુત્રપ્રેમ બરાબર છે પણ દીકરાને પિતાનો થોડો ડર જ‚ર હોવો જોઈએ.
ખેર, કાળી અંધારી ટનલનો છેડો આખરે આવ્યો. વેદનાનો તબક્કો ઓગળતો ગયો અને ક્રમશ: માનસિક સ્પષ્ટતા સપાટી પર આવતી ગઈ કે એન્જિનીયરિંગ મારા માટે છે જ નહીં. હું તો શબ્દોનો સાથી છું. મારે લખવું છે, પત્રકારત્વમાં જવું છે. આ વાત, આ નિર્ણય છેલ્લે છેલ્લે મમ્મી-પપ્પાને લાંબો વિગતવાર પત્ર લખીને કમ્યુનિકેટ પણ કર્યો. ભલે જૂની થઈ ગઈ હતી તોય મારી આત્મઘાતી વૃત્તિની, ફ્લાયઓવર બ્રિજવાળી વાત પણ કાગળમાં લખી હતી. એ વાંચીને મમ્મી-પપ્પા પર જાણે પહાડ તૂટી પડ્યો. આતંકિત થઈને તેઓ જામનગરથી વડોદરા ધસી આવ્યાં. પપ્પાએ કહ્યું: ‘તેં કહ્યું કેમ નહીં? અમને ખબર હોત કે તને એન્જિનીયરિંગ પસંદ નથી તો એ જ ઘડીએ તને પાછો બોલાવી લીધો હોત.’
હું કશું ન બોલ્યો. શું બોલું? જે નુક્સાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. જિંદગીના જે કઠિન પાઠ શીખવાના હતા તે મોટી કિંમત ચૂકવીને કદાચ શીખાઈ ગયા હતા. થોડા દિવસો પછી એન્જિનીયરિંગના છેલ્લા-આઠમા સેમેસ્ટરની થિયરી એક્ઝામ બન્ક કરીને હું મારી રીતે મુંબઈ આવી ગયો. જીવનનો પત્રકારત્વનો અને લેખનનો એક સંતોષકારક અધ્યાય આ રીતે શ‚ થયો.
* * * * *
સ્થળાંતર પપ્પાની જેમ મેં પણ કયુર્ર્ં. પપ્પા નાના ગામડામાંથી જામનગર આવ્યા અને પોતાનો સંસાર વસાવ્યો હતો, તો હું નાના શહેરમાંથી મુંબઈ આવ્યો અને સેટલ થયો, પણ આ બન્નેમાં મને આસમાન-જમીનનો ફર્ક દેખાય છે. પપ્પાને જીવનમાં જે કર્યું તે મા-બાપના સપોર્ટ વગર કયુર્ર્ં, હૂંફ વગર કર્યું, આકરો સઘર્ષ કરીને મેળવ્યું. મારી પરિસ્થિતિ બિલકુલ વિપરિત હતી. હું મોઢે ચડાવેલો એકનો એક દીકરો હતો અને મારાં પેરેન્ટ્સ સતત મારી સાથે હતા. મુંબઈ આવ્યા પછી મને મારા કામ અને કરીઅર સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતો. પપ્પા-મમ્મીએ જો ધક્કા માર્યા ન હોત અને વઢ્યા ન હોત તો ઘર ખરીદવાનો વિચાર સુધ્ધાં આવ્યો ન હોત. એમનું લોજિક સાવ સાદું હતું: મુંબઈમાં રોટલો મળે, ઓટલો ન મળે. ઘરનું ઘર હોય તો તારું માગું લઈને આવતાં દીકરીઓનાં મા-બાપોને બહુ ધરપત રહે!
મુંબઈ આવ્યો એના ત્રીજા વર્ષે બેન્કની લોનથી અને પપ્પાની મદદથી દહીંસર વિસ્તારમાં મારો પહેલો ‘ઓટલો’ ખરીદાયો. થોડા વર્ષો પછી, પિંકી સાથે મારાં લગ્ન થઈ ગયાં પછી, પહેલું ઘર વેચીને અંધેરીમાં બીજો ફ્લેટ ખરીદ્યો. વધારે મોટો, વધારે સારો. દહીંસરથી અંધેરી બહુ મોટો જમ્પ હતો, પણ પપ્પા કહે: ‘વાંધો નહીં. લઈ લે!’ પપ્પા ભલે આ શબ્દોમાં બોલ્યા નહીં, પણ એમનું કહેવાનું એમ હતું કે, ‘પૈસાની ચિંતા ન કરતો. તું અટકી પડીશ તો… મૈં હૂં ના!’
બાપ સંતાનને શું આપી દેતો હોય છે? આ ‘મૈં હૂં ના’ની ધરપત. આ અંતિમ વિસામો છે. આ વજ્ર જેવું નક્કર આશ્વાસન છે. મરતા સુધી અનુભવાતી નિરાંત છે. મૈં હૂં ના! હું છું ને! જીવનમાં ગમે તેવા ભીષણ ઉતારચડાવ આવે, સંતાન અંદરથી જાણતો હોય છે કે મારો બાપ બેઠો છે, મને પડતો અટકાવવા માટે. હું દુનિયાનો સૌથી મોટો પાપી બની જઈશ તો પણ હું જેવો છું એવો સ્વીકારી લેવા માટે…
મુંબઈ આવ્યા પછી જોકે મેં પાપો નહીં, પુરુષાર્થ કર્યો. પત્રકારત્વમાં મને મળી ગયેલી ત્વરિત સ્વીકૃતિ જોઈને પપ્પા અત્યંત રાજી હતા. શ‚આતના પહેલા કે બીજા વર્ષે એમણે મને એક લાંબો પત્ર લખ્યો હતો, મારા માટે તેઓ કેટલો ગર્વ અનુભવે છે તે લાગણી વ્યક્ત કરતો. એમને મારા એન્જિનીયરીંગમાં નહીં, મારી ખુશીમાં રસ હતો. મને યાદ છે, તે કાગળ વાંચીને હું મોંફાટ રડ્યો હતો. વડોદરાના નિષ્ફળ, દુખદાયી વર્ષો પછી હું ફરી પાછો એક વાર પપ્પાના ગર્વનું કારણ બની રહ્યો હતો. મેં તેમને નિરાશ કર્યા હતા, દુખી કર્યા હતા, મા-બાપની પરસેવાની કમાણી મેં વેડફી હતી, હું નાલાયક દીકરો બનીને ઉભર્યો હતો… પણ એ બધું હવે એક બાજુ ધકેલાઈ ગયું હતું. મને લાગે છે કે તે રુદનમાં પપ્પા સામેની મારી તમામ ફરિયાદો ધોવાઈ ગઈ, અપ્રસ્તુત બની ગઈ. પપ્પાને ફરી પાછી એમની ફેવરિટ એક્ટિવિટી મળી ગઈ હતી- દીકરાની ક્ષુલ્લક વાતનીય બીજાઓ સામે ઢોલનગારાં પીટી પીટીને વખાણ કરવાની. પણ હવે હું ચીડાતો નહોતો. મને સમજાતું કે પપ્પા એમના મુન્નાથી કમસે કમ વ્યથિત નથી. બહુ મોટી વાત હતી આ મારા માટે.
મમ્મીના મૃત્યુ પછી ભયાનક એકલતા અનુભવી રહેલા પપ્પાનો સ્વભાવ પાછલાં વર્ષોમાં બગડતો ગયો હતો. તેમની તાસીરની જલદતા પિંકીએ પણ સહેવી પડી હતી, પણ મારા પ્રત્યેનું એમનું વલણ ક્યારેય ન બદલાયું. એન્જિનીયરિંગવાળો એપિસોડ અને બીજા એકાદ-બે અપવાદોને બાદ કરતાં પપ્પા મારાથી કાયમ સંતુષ્ટ રહ્યા. તેમને મારાથી સંતોષ હતો તે સત્યની પ્રતીતિ મારા જીવનનો મોટો આનંદ છે. જીવનમાં કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય તેવો આનંદ.
* * * * *
Family: Shantau, Pinky and me
બાપને સારી રીતે સમજવા માટે જાતે બાપ બનવું પડતું હોય છે? પિતૃત્વના મેઘધનુષી રંગોમાંથી પસાર થયા વગર પિતૃત્વ પૂરેપૂરું સમજાતું હોતું નથી? કદાચ, હા. આજે શાંતનુ, મારો દીકરો, નવ વર્ષનો છે અને પપ્પા મને હવે વધારે સમજાય છે. પપ્પાની જે વાતોથી મને ગુસ્સો આવતો તે તમામ ‘દુર્ગુણો’ હું મારામાં જોઉં છું. પપ્પાને મારા માટે ઘેલછા હતી, મને શાંતનુ માટે મહા-ઘેલછા છે. પુત્રપ્રેમ વ્યક્ત કરવામાં પપ્પા એક્સપ્રેસિવ હતા, હું ઓવર-એક્સપ્રેસિવ છું. પપ્પાને મારી બહુ ફિકર થતી અને મને તો શાંતનુની અકારણ એટલી બધી ચિંતા રહે છે કે ક્યારેક સવાલ જાગે કે આ કોઈ માનસિક બીમારી છે કે શું? હું બહુ વળગ-વળગ કરું એટલે શાંતનુ મોઢું બગાડે, ચીડાય, દૂર નાસી જાય… અને એ જોઈને મારાથી સ્મિત થઈ જાય છે. હવે પાસાં પલટાયાં છે. એક ચક્ર પૂરું થયું છે અને જિંદગીએ નવા સ્વ‚પમાં નવો ચકરાવો શ‚ થયો છે.
મમ્મી-પપ્પાને કોઈ અંગત મહત્ત્વાકાંક્ષા કે ધ્યેયો ક્યારેય નહોતાં. અમે ત્રણ સંતાનો સુખી રહીએ એ જ એમનું ધ્યેય. ક્યારેક ગિલ્ટ થઈ આવે છે. પપ્પા મને જીવનભર – અને મર્યા પછી પણ – સતત આપતા રહ્યા. મેં શું કર્યું પપ્પા માટે? એવા તે ક્યાં સુખ આપી દીધા એમનેે? હવે સમજાય છે કે મા-બાપને કશુંય આપી શકવાની સંતાનની ક્યારેય હેસિયત હોતી જ નથી. સંતાન પોતાના જન્મની સાથે મા-બાપ માટે પ્રચંડ સુખ અને ધન્યતા લેતું આવે છે, તેને મોટા થતા જોવાની પ્રક્રિયા પાર વગરની ખુશી અને સાર્થકતા પેદા કરે છે. બસ, સંતાન આટલું જ આપી શકતું હોય છે પોતાના જન્મદાતાને. સંતાને મા-બાપને જે આપવાનું છે તે કદાચ સમજણા થતા પહેલાં જ આપી દેતું હોય છે.
આજે હું વિચારું છું કે આટલા બધા અભાવો અને સંઘર્ષ વચ્ચે દાયકાઓ વીતાવ્યા પછી પણ પપ્પાએ મારા માટે જે કર્યું તે બધું, એટલી કક્ષાનું, હું મારા દીકરા માટે કરી શકીશ? એમનું વિઝન, તેમની આયોજનશક્તિ મારામાં છે? મને લાગે છે કે પ્રેરણા માટે આમતેમ હવાતિયાં મારવાની, ‘મોટા મોટા માણસો’ને અનુસરવાની કે પ્રેરણાનાં પુસ્તકો ઊથલાવવાની કશી જ‚ર જ નથી. મારા પોતાના પિતા, એમનું જીવન કાફી છે મને જિંદગીના પાઠ શીખવવા માટે. એમની ભૂલોમાંથી પણ શીખવાનું છે. હા, મને ખબર છે તે શાંતનુ માટે ગમે તેટલી ઘેલછા કેમ ન હોય, પણ તેને તટસ્થતાથી સમજતા રહેવાની મારી ક્ષમતાને હું ક્યારેય પાંગળી થવા નહીં દઉં.
લાગણીના સ્તરે પપ્પા કરતાં મમ્મીથી હંમેશા વધારે નિકટ રહ્યો છું, પણ આજે જ્યારે બન્ને હયાત નથી ત્યારે, કોણ જાણે કેમ, પપ્પાને વધારે મિસ કરુ છું. કશુંક સરસ બને ત્યારે, ફ્લેટ રિનોવેટ કર્યો ત્યારે, કાર ખરીદી ત્યારે પપ્પા અત્યારે હોત તો કેટલા રાજી થયા હોત એ કલ્પના બહુ મીઠી લાગે છે. પણ મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં પછીય ક્યાંય જતાં નથી. તેમની છત્રછાયા હંમેશા માથા પર હોય છે, તેમનું ‘મૈં હૂં ના’ હંમેશા સાથે રહે છે. તેઓ હંમેશા હોય છે તમારી રક્ષા કરવા માટે, કોઈ તમારું અહિત ન કરી જાય તે જોવા માટે. આ વાત મેં કેટલીય વાર અનુભવી છે.
કેટલીય વાર મૂંઝાઉં ત્યારે મનોમન મમ્મી-પપ્પાની સલાહ લઉં છું અને તેઓ જાણે મારું માગદર્શન કરતા હોય તેવું નક્કરપણે અનુભવું છું. મૃત્યુ પામેલાં મા-બાપ મારા ‘પર્સનલ ગૉડ’ છે. મારા દીકરાના સુખી ભવિષ્ય માટે મારે શું શું કરવાનું છે તેની સમજણનું જીવનભરનું ભાથું જાણે કે પપ્પાએ મને આપી દીધું છે. એક પિતા તરીકે મારે મારા પપ્પાની કક્ષાએ પહોંચવાનું છે. તે સિવાય પણ એમના જેવી બીજી કેટલીય કાબેલિયત મારે કેળવવાની છે. જીવનમાં અમુક સાચા નિર્ણયો લઈ શક્યો તેનું કારણ પપ્પાના સંસ્કારો અને વારસો હતો એવું તે વખતે નહોતું સમજાતું, હવે સમજાય છે…
…અને એ પણ સમજાય છે કે અભાનપણે મેં પપ્પાને હંમેશા મારા રોલમોડલ તરીકે સ્વીકાર્યા હતા, પણ અકારણ ગુમાનમાં, બેવકૂફીભરી ગુરુતાગ્ર્ાંથિની ગરમીમાં મને એ સમજાતું નહોતું. હવે સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે.
આજે સભાનપણે કબૂલાત કરી શકું છું કે પપ્પા મારા રોલમોડલ છે… મારા પહેલા અને અંતિમ રોલમોડલ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2013 )
Leave a Reply