આજકાલ #metoo મુવમેન્ટ બહુ તેજ ગતિ પકડતી જઈ રહી છે. વાસ્તવમાં #metoo એક આંદોલન છે, જે સ્ત્રીઓને પોતાની સાથે થયેલા શોષણને સમાજ સામે ખુલ્લું મુકવા માટેની પ્રેરણા આપે છે. આ બુલંદ અંદોલન જે સંજોગોમાં શરુ થયું એ ખરેખર સરાહનીય છે, પણ દરેક વસ્તુના બે આયામ હોય છે, અને ભારત આ પ્રકારના આયામમાં નકારાત્મકતા શોધી પાડવામાં આખાય વિશ્વની તુલનામાં અવ્વલ છે. કારણ કે મારા મતે તો કાયદા શાસ્ત્ર પણ ભારત કરતા વધુ કડક તમને ક્યાંય નહીં જોવા મળે, છતાંય અહીં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી એક પ્રકારે ચરમસીમા પર જોવા મળે છે…
તો આજે થોડીક વાત કરીએ ભારતમાં વિસ્તરતા જઈ રહેલા આ #metoo વિષે…
ઉપર કહ્યું એમ આ એક લડત છે, પોતાની સાથે થયેલા શોષણ સામે… એટલે એ પણ સ્પષ્ટ છે કે જ્યાં શોષણ અને પોષણમાં સમજ જ ન હોય, ત્યાં #metoo અંદોલન આધારહીન અને કાયદાની વિરુદ્ધ જ ગણાય. આ વિધાન ખાસ કરીને ભારત માટે છે. કારણ કે અહીં વિકૃતિ અને સ્વીકૃતિ પોતાની ચરમસીમા પર છે. બે વચ્ચેના ભેદ સમજવાની ક્ષમતા અહી બહુ ઓછા લોકો હજુ કેળવી શક્યા છે. સમાનતાની વાત કરતો આપણો દેશ આજે પણ અસમાનતાની કાયદાકીય જોગવાઈઓ ધરાવે છે. અને આ કાયદાકીય જોગવાઈ પાછળ જવાબદાર કારણ માત્ર માનસિકતા છે. સ્ત્રીઓ માટેના સ્પેશ્યલ રાઈટ અને એસસી એસટી જેવા કાયદાઓ બંને આપણી અન્યને અસમાન ગણવાની માનસિકતાને કારણે જ સતત જરૂરી બની ચુક્યા છે.
આજની સ્થિતિ જોતા જ્યાં પાંચ વર્ષથી નીચી વયજૂથ માટે પણ બળાત્કારના કેસ સામાન્ય બની જાય છે, અને સાતમા ધોરણમાં ભણતી છોકરીઓ પણ વટના માર્યા બોયફ્રેન્ડ રાખતી હોય છે (આ વાતને જરાય નકારાત્મકતા પૂર્વક ન લેવી, કારણ કે આ બાબત સુક્ષ્મ સમુહને લાગતી વળગતી છે પણ સત્ય છે. પણ હા,ત્યાં વિકૃતિ કરતા વધારે આસપાસનો પ્રવાહ જવાબદાર હોય છે. ટીવી સીરીયલો અને ફિલ્મોમાં રાતદિવસ બાળકો આ જ જોતા હોય છે. એટલે પ્રેમ અને અફેર એ એમના માટે એક વિકસિત વ્યક્તિત્વ અને ફ્રી લાઈફનું પ્રતિબિંબ બનીને રહી જાય છે.આમ પણ વિકસિત ગણાવતું ભારત આભાસી અસ્તિત્વ કરતા વધારે કોઈ સત્ય ધરાવતું નથી. આ જ આભાસી વિકસિત પણું આજનું ભારત અપનાવે છે, અને આ જ આભાસી રંગોમાં ભાન ભૂલીને એ લોકોશોષણ અને જરૂરિયાત વચ્ચેની વાસ્તવિકતાથી સંપૂર્ણ અજાણ બની રહે છે.) ત્યાં આ #metooઅભિયાન અત્યંત ઘાતક શસ્ત્ર છે. આ રીતનું વિસ્તરતું વાતાવરણ પણ ખરેખર ચિંતાનો જ વિષય છે, અને અનંત ચર્ચા માંગી લેતો વિષય પણ ખરો જ. જે ઘટનાના વર્તમાન સમયના અનુસંધાનમાં સદંતર શોષણ અને પોષણ વચ્ચે અનિર્ણીત ઝૂલતો રહે છે. આ #metoo એ હાઇ કલાસ સોસાયટીમાં સૌથી વધુ વકરેલો રોગ કહી શકાય છે. પણ જો આમને આમ ચાલશે તો અહીં લાંબા ગાળે કે ટૂંકા ગાળે પ્રેમીઓમાં જ વર્તમાનનું લવ યુ ટુ એ ભવિષ્યનું #metoo બની જવા જેવી સ્થિતિઓ સાવ સહજ થઇ જશે. કારણ કે પ્રેમના અણસમજુ સબંધના ઘણા કિસ્સાઓમાં એકબીજાની જરૂરિયાતો સંતોષવા ઘણા કોમ્પરોમાઇઝ સહસહમતી પૂર્વક જે તે સમય દરમિયાન સહજ પણે થાય છે, ત્યાં જો અમુક સમય પછી એટલે કે ભવિષ્યમાં આ #metoo શસ્ત્ર વપરાય તો પુરુષ અને સ્ત્રી બંનેની ભવિષ્યની વર્તમાન જિંદગીમાં પણ ઝંઝાવાત સર્જાવાની ભીતિ રહે છે. કારણ કે સંબંધોનો એ દોર અલગ હોય છે, અને વાસ્તવિક વિશ્વનો ભવિષ્યમાં વર્તમાન બનેલો દોર સાવ અલગ જ હોય છે. વ્યક્તિ આજે છે એવો કાલે નથી જ હોવાનો અને કાલે જેવો હોઈ શકે છે એવો આજે ન પણ હોઈ શકે. કારણ કે પરિવર્તન સંસારનું અભિન્ન સત્ય છે.
કઠિનાઈ તો એ પણ છે કે ભારતના અનુસંધાને ઘણા બધા વિચારો સાર્થક સત્ય હોવા છતાં અસ્વીકાર્ય જ બને છે. કારણ કે ભારતમાં તો બળાત્કાર માટે પણ કોઈ સ્પષ્ટ મત નથી, શોષણ મુદ્દે પણ કઈક એવું જ છે. ઘણા લોકો આજે પણ એવા છે, જેને ઓપનનેસ અને વલગરિટી વચ્ચેની ભેદરેખા જ નથી ખબર. આજ કાલ તો એવું પણ છે, કે દશમાં ધોરણમાં ભણતી સ્ત્રીઓ પણ વર્જિન નથી હોતી. (દશનો આંકડો સરેરાશ છે, ગણા કિસ્સામાં તો એનાથી પણ નીચો ઝુકાવ જોવા મળે છે. આ પોઈન્ટ સાવ નજીવો છે, પણ એ તરફની આંધળી દોટ ઝડપી અને ચિંતાજનક પણ છે. કારણ કે ત્યારે એ લોકો શું કરે છે, એ અંગેના જ્ઞાનની જ ત્યાં અછત છે.) ભારતમાં થઇ રહેલો અધૂરા જ્ઞાને ફોરેન કલચર જેવો બદલાવ પોતાની સાથે વલગરિટીને પણ અંદર સમાવી રહ્યો છે, જેનું એક કારણ અણસમજ અને અજ્ઞાન પણ છે. આજના યુગ પ્રમાણે એ જરૂરી છે કે જે તે ઉંમરે જે તે જ્ઞાન બાળકોને આપવું જ જોઈએ, પણ ભારતમાં એ માનસિક આવરણોના કારણે સહજે નથી મળતું. જ્યારે કોઈ સમજ અંદર ન મળે ત્યારે બાળક બહારથી એ પામવા દોરાય છે, એક રીતે મજબુર બને છે, એમ પણ કહી શકાય. પ્રેમ પણ જીવનનો એવો જ એક ભાવ છે, ઘરમાં મળતો ધિક્કાર બહાર મળતા પ્રેમ સામે વારંવાર કોમ્પ્રોમાઈઝ કરવા મજબુર બને છે. પણ એને લાંબા ગાળે સાવ #metoo વડે તો ન જ નાથવા નીકળાય, એ ભવિષ્યનું શોષણ બની શકે પણ વર્તમાનમાં તો એ જરૂરિયાત રૂપે જ આકાર પામે છે. ઘરમાં ન મળતા બહાર મેળવે, અને જ્યાંથી મેળવે છે અથવા મળે છે, ત્યાં સાવ અલગ જ જ્ઞાન એમના હાથે લાગે છે. ઘણી વાર ત્યાંથી સકારાત્મક ઓછું અને નકારાત્મક વધુ જ મળી જાય છે.
કારણ કે અહી મોટો ભાગ એવો છે, જેમાં શોષણ અને પોષણ વચ્ચેની સમજ જ હજુ બરાબર કેળવાઈ નથી. જરૂરિયાતના આધારે સ્વીકૃતિ અને જરૂરિયાત વગરની વિકૃતિ વચ્ચે ભેદ હોય તો છે, પણ એની સમજ કેટલે અંશે હજુ વિકસી છે…? એ પ્રશ્ન આજ પણ ભારતમાં મહત્વનો છે. એક તરફ સ્ત્રીઓ સમાનતા મેળવવા સુપ્રીમ કોર્ટે પહોચી ગઈ છે, ત્યાં એક વર્ગ એવો છે જ્યાં એમણે સ્ત્રીઅત્વ પણ નથી મળી શકતું. આ બધા અસમાન ભાવો અને માનસિકતા આધારિત વિચારો વચ્ચે ભારત દેશ વહેચાયેલો અને સત્યની સમજ વચ્ચે ખોવાયેલો જ રહે છે. અહી ઘણું બધું એવું જોવા મળે છે કે વિદેશમાં જે સહજ હોય એ ભારતમાં અસહજ ગણાય છે. પણ છતાય એ તરફની આંધળી દોટ યુવા વર્ગ છોડવા તૈયાર નથી. બોયફ્રેન્ડ રાખવો, લવર હોવા અને હાથમાં હાથ નાખીને ફરવું એ અંગે કોઈ ઊંડી સમજ જ એમનામાં નથી. ભારતના યુવા વર્ગમાં બદલાવ થાય છે, પણ હજુ એની સાથે આવતી મેચ્યોરીટીની ગતિ મંદ છે. આજ પણ એવો આખો વર્ગ છે, જેને ભવિષ્યની ચિંતા નથી, ભૂતકાળની પરવા નથી, જવાબદારી વિશે કોઈ ગંભીરતા નથી અને જ્ઞાન મેળવવાની જરાય જીજ્ઞાસા પણ નથી. આ પ્રેમ અને સબંધો બસ એક ફેશન છે, પોતાને વિકસતા લોકો સામે સમકક્ષ દર્શાવવા માટેના ધમપછાડા. એક ફ્રેન્ડ સામે સ્માર્ટ દેખાડવા લવર રાખવા, સેટિંગ કરવા ઘણા સંજોગોમાં આનંદ પ્રમોદ ખાતર શારીરિક સબંધો પણ બાંધી લેવા. આ બધું જ એ ઉમર અને એ સમજમાં માત્ર દેખાડાની રમત જ બનીને રહી જાય છે. એટલે સ્વાભાવિક છે, અમુક ઉંમરે આવ્યા પછી આ બધું અર્થસભર રીતે સમજાઈ જતા પણ તમે એનો શંખનાદ #metoo સ્વરૂપેકરી નાખો. પણ આ સ્ટેજ પર તમે એ પણ સમજતા હોવા જરૂરી છો, કે જે અત્યારે તમને શોષણ લાગે છે, એ જુના સમયમાં તમારા માટે પણ એક પ્રકારનું પોષણ જ હતું. (બની શકે છે, અમુક સમયે આનંદ ખાતર તમે એવું ઘણું કરતા જ હોવ છો જે વાસ્તવમાં એક પ્રકારનું અપરાધ જ હોય છે, પણ એને સમજવામાં જેતે સમયનો સંદર્ભ પણ એટલો જ જરૂરી છે. એને બદલાયેલા સંજોગો આધારે સમજવું સાવ અશક્ય છે. અને કોઈ પણ કાયદો સહસહમતી દ્વારા થયેલા કાર્યને ગુનો ન ગણાવી શકે, અથવા ગણાવી પણ ન શકાય.) કારણ કે બળાત્કાર અને સેક્સ વચ્ચે માત્ર માનસિક લાગણીઓનો જ તફાવત હોય છે. વિકૃતી અને સ્વીકૃતિ બહુ નજીક નજીક સ્ટેન્ડ લઈ શકે છે. એટલે પહેલા આ ભેદરેખા દરેકે સમજવી જોઈએ, કે કોઈના વર્તનમાં શોષણ ક્યારે હોય છે અને પોષણ ક્યારે હોય છે. કારણ કે જે સમયમાં જે કાઈ ઘટે છે, એ જ સમયમાં એનું અર્થઘટન કરી શકાય છે. બાકી વર્ષો પછી જો તમે એનું અર્થઘટન કાઢવા જશો, તો ચોક્કસ એવું જ લાગશે કે એ અપરાધ છે. એટલે ત્યારે સમજ વિશેનો મત બહુ મહત્વનો પ્રશ્ન ગણાય છે…
વાસ્તવમાં તરાના બર્કના પોઈન્ટ ઓફ વ્યુ મુજબ આ અંદોલન બાળકો સાથે થયેલા શોષણ સામેની લડાઈ જ હતી. કારણ કે એ સ્ટેજ પર જ શોષણ અને પોષણ વચ્ચે બાળકોમાં સમજ નથી હોતી. એટલે આ અંદોલન સમજવા અને સફળ બનાવવા પણ આ જ પરીપ્રેક્ષ્યના આધારે આપણે આગળ વધતા રહેવું જોઈએ. ભારતમાં આ મુદ્દે હજુ કામ કરવાની તાતી જરૂરિયાત છે. બાકી ૧૮ વર્ષ પછી કોઈ શોષણ અંગે ન સમજી શકતું હોય એ હું નથી માનતો. એટલે અહી #metoo બહુ ઓછા કિસ્સામાં સાચું માની શકાય. બાકી તો જરૂર હોય ત્યાં સુધી સ્વીટુ, અને કામ નીકળ્યા પછી metoo જેવા કિસ્સા પણ સામે આવી શકે છે. કારણ કે સમજુ કહેવાતા લોકોમાં તો ઉપયોગ કરતા દુરુપયોગની ચિંતા પણવધી જાય છે.
એક ઉદાહરણ લઈએ. આ બહુ સહજ ઉદાહરણ છે. કારણ કે જીવનના દરેક વ્યક્તિએ આ સ્થિતિ પસાર કરી છે. બાળપણ… જો તમે પુરુષ હોવ અથવા સ્ત્રી તો તમે ૨૦ કે ૩૦ની ઉંમરમાં કોઈ વિજાતીય વ્યક્તિ સામે અમુક શબ્દ સુદ્ધા ન બોલી શકો, કારણ કે એટ ધીસ સ્ટેજ એ અભદ્ર છે. કારણ કે માનસિક રીતે તમે એ સમયે એને અભદ્ર માનો છો. પણ જો તમે ત્યારે ૫ કે ૬ વર્ષના હોત તો…? ઇઝ ઇટ પોસિબલ કે તમે એને અભદ્ર ઘણી શકવા સક્ષમ હોત…? ના, કોઈએ કહ્યું છે અથવા સાંભળ્યું છે એમ કહીને પણ સહજ તમે એમ કરી શકયા હોત. આ જ સ્થિતિ તમારા કોઈ અંગત વ્યક્તિ સાથે પણ એકવાર કલ્પી જુઓ, બોયફ્રેન્ડ, પતિ કે અન્ય કોઈ જેની સાથે તમે કોઈ બંધન નથી રાખતા. (દરેક સબંધનો એક સમય હોય છે, અમુક સમય પછી તમે બદલાઈ જાઓ છો, અથવા સબંધોના સમીકરણો.) એવા સંજોગોમાં પણ આ સ્થિતિ સાવ સહજ જ રહેશે. પણ આ સ્થિતિ માત્ર ત્યારે જ અસહજ બને જ્યારે તમે એના પ્રત્યે આત્મીયતા ખોઈ બેસો છો. જરાક વિચારો કે જે વ્યક્તિ સાથે તમે ઘણી અંગત ક્ષણો માણી છે, એ જ વ્યક્તિ તમને ત્યારે મળે જ્યારે તમે પોતાના પરિવારમાં રચ્યા પચ્યા છો, અને તમારા છોકરા હવે સમજુ થઇ ગયા છે. ઇઝ ઇટ પોસીબલ કે તમે એજ ક્ષણો મુજબ એની સાથે વર્તી શકો…? એ જો હવે તમારો હાથ પકડે અને તમારા શરીરના અમુક ભાગે સ્પર્શે તો એ આ સમયે તમને શોષણ જ લાગવાનું ને…? પણ આજનું શોષણ એ આજનું જ શોષણ ગણાવી શકાય, એને તમે ભૂતકાળનું શોષણ ન ગણાવી શકો…? કારણ કે આજનું તમને લાગતું શોષણ એ સમયમાં તમારું પોષણ હતું. પણ આ ભેદ અત્યારે કોઈ સમજવા નથી માંગતું. સબંધ બહુ મહત્વના હોય છે, પણ એથી હજારો ઘણી મહત્વની છે, સમજ ક્ષમતા… કારણ કે દરેક સબંધ તૂટવા પાછળ મોટાભાગે તો તમારી અજ્ઞાનતા જ જવાબદાર હોય છે.
પાછળના ઘણા સમયથી આ મુવમેન્ટે ઉપાડો લીધો છે. ભારતના ગણાય રાજનેતાઓએ તો આ મેટરને આવનારી ચૂંટણી માટે રાજનૈતિક એજન્ડા પણ બનાવી લીધો છે. રાજીનામાં અને પાર્ટીઓ પર વાદ વિવાદ શરૂ કરી દીધા છે. ભારતમાં આપણે કોઈ પણને દોષી તો એવી રીતે ઘોષિત કરી દેતા હોઈએ છીએ જાણે સુપ્રીમ કોર્ટ આપણે જ ન હોઈએ… જો એ જ રિતે ન્યાય થઈ જતા હોય, તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની આપણને જરૂર જ શુ છે…?
તો બસ… #metoo એ એક અવાજ છે જે ઉઠી રહી છે. અને હું માનું છું કે એ ઉઠવી પણ જોઈએ. માત્ર શોષણ સામે જ નહી, અન્યાય સામે પણ, ભ્રષ્ટાચાર સામે પણ, દેશને જાતિ-ધર્મ-પક્ષ અને સંગઠનના નામે વહેચનારાઓ સામે પણ, સરકારી અધિકારીઓ સામે પણ જે પોતાના નિર્ધારિત કામ કરવા માટે પણ રિશ્વત લે છે. પણ, આ બધા પછી આ વાત પણ એટલી જ વાજીબ છે કે ઉઠતી અવાજોની ગુંજમાં દરેક અવાજ સાચી હોય એ જરૂરી તો નથી…? એનો અર્થ એવો પણ નથી કે દરેક અવાજ સાવ ખોટી જ હોય. પણ, ખોટી અવાજોની આડઅસર સામે સાચી અવાજો દબાઈ જાય છે, જે દુ:ખદ છે.
ભારતે તો હંમેશથી બે પક્ષે મજબૂરી વશ વિચારવું જ પડે છે, કારણ કે ભારતમાં દરેક શસ્ત્ર સકારાત્મક ઓછુ અને નકારાત્મક વધુ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં અઢળક કેસો એવા છે, જ્યાં લાંબા ગાળે સ્વયં ગંગાધર જ શક્તિમાન નીકળે છે, એટલે એવી સ્થિતિઓ વચ્ચે એક આરોપ કોઈને દોષી જાહેર ન કરી શકે.
ઘણા લોકો આવા સકારાત્મક અંદોલન કે પહેલમાં પણ પોતાના રોટલા શેકી લેતા હોય છે. જે ખરેખર બહુ જ દુઃખદ છે. આવા લોકોને જ્યાં સુધી ઓળખીને ઉઘાડા પાડવામાં નહી આવે ત્યાં સુધી દરેક સાચા ધ્યેય માટે લડાતા અંદોલન ગેરમાર્ગે દોરાતા રહેશે. અમુક એવા કિસ્સાઓ છે જ્યાંજે તે સમયે સાવ શાંત રહીને સ્વીકારનારી મહિલાઓ વર્ષો પછી, અચાનક જ જાગીને કહે છે, કે ના એ દિવસે મારી સાથે જે થયું એ કંઈક અલગ જ હતું. શું આજે જે શોષણ લાગ્યું, એ ત્યારે પણ શોષણ જ હતું…? અને જો શોષણ હતું, તો કેમ ત્યારે અવાજ ન ઉઠાવી…?ઘણા એવા પણ હશે જેમનો કેશ કઈક આવું તથ્ય છોડી જશે કે પોતાનો સ્વાર્થ નીકળતો હતો એટલે શોષણ માણી લીધું, અને જોઈતું મળી ગયું એટલે #metoo દ્વારા બધું ઉછાળી દીધું…? આ સદંતર ખોટું છે.જો વાસ્તવમાં સમસ્યા હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું જ શું કામ…? અને કર્યું તો હવે યાદ કરીને પછતાવું શા માટે…? ઘણી વખત આવા ખોટા માણસોના કારણે જ કોઈ પણ સકારાત્મક મુહિમ અંત સુધી સકારાત્મક રહી શકતી નથી. એટલે દરેક ઉઠતી અવાજમાં સાચા ખોટાની પરખ કરતા આપણે જાતે જ શીખવું પડશે…? કોઈકના કહી દેવા માત્રથી જેમ સાચું સાબિત નથી થતું, એમ કોઈકના ઢાંકી દેવાથી પણ સત્ય છુપાઈ નથી જતું. આજના યુગમાં સાચા ખોટાની પરખ માટે સમજ તો દરેક વ્યક્તિએ કેળવવી જ પડશે. જો એમ નહિ થાય, તો ભવિષ્યમાં તો સ્વતંત્રતા દર્શાવતા અંદોલન જ એક ગુન્હો બનીને રહી જશે. લોકશાહી સદુપયોગ માટે હોવી જોઈએ, જો એનો જ દુરુપયોગ થવા લાગે તો એ લોકશાહી કોઈ કામની નથી રહી જતી. ભારતમાં ઘણા ક્ષેત્રે છે જ્યાં સદંતર લોકશાહીનો દુરુપયોગ થઇ રહ્યો છે, પણ એની જવાબદાર ઊંધું ઘાલી ઘેટાની જેમ ગાડરિયા પ્રવાહે વહેતી પ્રજાની તુચ્છ માનસિકતા છે.
ઘણી વાતો તો એવી પણ ભારતમાં સાંભળવામાં આવે જે સાવ ગળે જ ન ઉતરે. સરકાર લાચાર બની જાય, ડ્રાય સ્ટેટમાં ખુલ્લેઆમ દારૂ વેચાય, સુરક્ષા તંત્રમાં ગાબડાઓ પડે અને જવાબદાર વ્યક્તિને સાવ ખબર જ ન હોય…? આવી ગણીવાત સાવ ગળે જ નથી ઉતરતી… જરાક વિચારો, કે બ્રેકપ થયા પછી કોઈ સ્ત્રી સબંધના નામે #metoo કરે તો…? આ સકારાત્મક મુહીમને સ્વલાભ ખાતર શસ્ત્ર તરીકે વાપરે તો…? દુનિયા તો જાણે આ મુહીમ ને જ સર્વસ્વ માનવા લાગી છે, એટલે અહી નામ આવ્યા પછી તો એને દોષી માની જ લેવાની ને…? પછી લાંબાગાળે ભલે સત્ય ઉજાગર થાય અને એ સાવ નિર્દોષ પણ નીકળે. પણ એની છીનવાયેલી ઈજ્જત કે સન્માનનું શુ…? સામાન્ય રીતે સત્ય પડદા પાછળ હોય છે, એનું સામે આવવું જરૂરી હોય છે. દેખાતી વસ્તુ ઘણી વાર સત્ય નથી હોતી, ત્યાં સાંભળેલા શબ્દોને સત્ય માણી લેવા કેટલા અંશે યોગ્ય ગણાય…?
ભારતમાં શા માટે એવું માનવામાં આવે છે કે માન-સન્માન માત્ર સ્ત્રીનું જ ઓછું થાય…? કેમ એક પુરુષ માટે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ સાવ અર્થ હીન જ હોય છે…? શુ પુરુષ પોતે સ્વાભિમાની ન હોઈ શકે…? શુ શારીરિક સંબંધો બંધાય, તો પણ પુરુષ એકલો જ એમાં જવાબદાર હોય…? (અહીં નબાલિક અથવા જબરદસ્તી કે કિડનેપિંગ વાળા મુદ્દા અપવાદ તરીકે લેવા, કારણ કે એ મોટાભાગે તો વાસ્તવિક કારણ જ હોય છે.)
શુ પુરુષ જ સમાજમાં ખરાબ છે…? કે પછી આપણે પુરુષ અને સ્ત્રીમાં કયો એવો ભેદ ધારીને બેસી ગયા છીએ, કે જે કાંઈ પણ થાય એમાં માત્ર પુરુષ જ જવાબદાર હોય…? જો દેશમાં ખરેખર લડત અધિકારોની હોય, જો લડત સ્વતંત્રતાની હોય, જો લડત સમાનતાની હોય. તો બંને બાજુ સમરસ રહેતા પણ આપણે શીખવું જ પડશે. બાકી તો આ બધા #metoo દ્વારા ન્યાય મેળવવાના માર્ગ બહુ ઓછા રહી જશે, અને પુરુષ જાતિને બદનામ કરવાના કે કાવતરા કરીને ફસાવવાના હથિયાર માત્ર જ બનીને રહી જશે…
સ્ત્રીશશક્તિ કરણ અને ફેમિનિઝમ ક્યારેય એક સત્ય ન હોઈ શકે. કારણ કે સ્ત્રી શશક્તિ કરણ જો સમાજનું અમૃત ગણવામાં આવે તો ફેમિનિઝમ એ હળાહળ વિષ છે. આ ફેમિનિઝમ પુરુષ અસ્તિત્વ માટે ઝોખમ કારક છે, જ્યારે સ્ત્રી શશક્તિ કરણ એ સ્ત્રીઓ માટે આશીર્વાદ.
એટલે દરેક વખતે નજર સ્ત્રી શશક્તિ કરણ પર રાખો… ફેમિનિઝમ પર નહિ… કારણ કે સ્ત્રી સશક્તિ કરણની જરૂર ગ્રાઉન્ડ લેવલ સુધી મૂળિયામાં પોષણ આપે છે. જ્યારે ફેમિનિઝમ એ બહુ ઉચ્ચ લેવલે પોષણના નામે શોષણની આગેવાની કરે છે.
બાકી જો ખરેખર ન્યાય મેળવવો હોય અને ખરેખર અનિચ્છાએ કે મજબૂરી વશ અન્યાય સહ્યો હોય, તો જ #metoo વપરાશમાં લેજો. બાકી એવું ન થાય કે તમારું #metoo કોઈના જીવનનું અંતિમ ચરણ બનીને રહી જાય. તમારું #metoo તમારું બ્રહ્માસ્ત્ર ભલે રહ્યું, પણ શસ્ત્ર ક્યાં ચાલે છે એ સૌથી વધુ મહત્વનુ છે. કારણ કે ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે જ્યારે શક્તિનો દુરુપયોગ થાય છે, ત્યારે બંને બાજુ વિધ્વંસ થાય જ છે. અને દુરુપયોગ થાય ત્યારે એ શક્તિ કે શસ્ત્ર પણ છીનવી લેવાય છે. એટલે જો આ શસ્ત્ર મળ્યું છે, તો એને સકારાત્મક કાર્ય માટે જ વાપરજો…
કારણ કે ખોટું કૃત્ય કરીને પણ દુનિયાને તો તમે સરળતાથી જવાબ આપી શકશો, પણ તમારી અંતરાત્મા…????એનું શું… એ પણ કહેશે ને તમને જીવન ભર, કે #metoo… એટલે કે તારા ભૌતિક ફાયદા માટે તે આત્માનું પણ શોષણ જકર્યું છે..
બાકી તો જેમ ચાલે એમ ચાલવા દ્યો…
# વિચારવૃંદ #ebites #સુલતાનીઝમ #સુલતાન
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply