તાનારીરી એટલે કે શુર, શબ્દ અને તાલ… એ તો સૌ કોઈ જાણે છે, પણ શું હતી લોકવાયકાઓ અને લોકગાથાઓ આ તાનારીરી અને એમની જીવન કથા પાછળ…? એ વિષે આજે થોડાક માહિતીના આધાર લઈને તમારી સામે છીએ. તો આવો આજે જાણીએ તાનારીરી વિષે સંપૂર્ણ તો નહી પણ શક્ય એટલું વધુ…
આજથી વર્ષો પૂર્વે એટલે કે છેક સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇ, જેમના મામેરાની ચર્ચાઓ અનાદિકાળથી લોકગાથાઓ અને મહાકાવ્યોમાં આપણે વાંચતા સાંભળતા આવ્યા છીએ. તો ભક્ત કવી નરસિહ મહેતાની દીકરી કુંવરબાઈ અને ઈ જ કુવર બાઈના દીકરી શર્મિષ્ઠા. કુંવર બાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર ગામે પરણાવી હતી.
વડનગર પરણાવેલી કુંવરબાઈણી દીકરી શર્મિષ્ઠાને પણ બે દિકરીઓ હતી, જેમના નામ હતા તાના અને રીરી. તાના અને રીરી બંને બહેનોએ સંગીતની આકરી સાધના કરીને દરેક પ્રકારના રાગ-રાગિણીઓને પોતાનામાં આત્મસાત કર્યા હતા. આ બધા જ રાગ શીખ્યા પછી બન્ને બહેનો ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને પણ એકદમ ચોક્કસાઇપૂર્વક અને સહજ સરળતાથી ગાઇ શકતી હતી.
કહેવાય છે કે છેક સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં પણ આવા જ અનુઠા અને અલૌકિક નવ રત્નોનો સમાવેશ થતો હતો. બાદશાહ અકબર કળાના ચાહક હતા. એમના એ નવ રત્નોમાં એક તાનસેન પોતે પણ હતા. આ તાનસેન પણ સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ કદાચ તાના-રીરી જેટલા તો નહી જ.
અચાનક એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું. કદાચ એમણે આ વિષે ક્યાંક સાંભળ્યું હશે અને એમની જીજ્ઞાસા જ આ કાર્યમાં પ્રેરક બની હોય. પણ, આ કાર્ય એમના દરબારમાં કોઈ કરે શકે એમ ન હતું સિવાય કે સુર તાલના પ્રખર વિદ્વાન તાનસેન. એમણે તુરંત આ અંગે રાજ્ય સભામાં જાહેરાત કરાવી, અને તાનસેનને સંદેશો મોકલાવ્યો. દરબાર ભરાયો, કારણ કે આ ચમત્કાર જોવાની જીજુવીશા દરેકમાં હતી. તાનસેન પોતે પણ જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ જાતે સળગી ઉઠે છે, પણ એ સાથે તાનસેન એના પરિણામોથી પણ અવગત હતા. એમને ખબર હતી કે રાગ ગાવાથી દીવડા તો ઝળહળી ઉઠશે પણ ગાનારાના શરીરમાં પણ એજ અગ્ન દાહ ઉપડે છે. પણ રાજાને આ બધું કેવી રીતે કહે…?
સ્થિતિ સામે હર માની તાનસેન સભામાં હાજર થયા. એમને એ પણ જાણ હતી કે શરીરમાં ઉપડેલો એ દાહ શાંત કરવા માટેનો માત્ર એક જ ઉપાય હતો, એ છે મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો! પણ, તાનસેનની વિદ્વતા ત્યાં ટૂંકી પડી જતી હતી. તાનસેન મલ્હાર રાગ વિષે જાણતા તો હતા, પણ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા. જેમ તેમ હિમ્મત કરીને પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવા માટેની સવિનય ના પાડી, પણ છેવટે અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ પણ એ રાગના પ્રભાવમાં પ્રગટી ઉઠયા. આખોય દરબાર અને બાદશાહ અકબર તાનસેનની આ કળા જોઇને અત્યંત ઉત્શાહિત હતા, પણ એ ચમત્કાર સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન જાળ ઉપડયો હતો.
છેવટે દરબારમાંથી રજા લઈને તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને ઠારવા માટે એવા વ્યક્તિની શોધમાં નીકળ્યા કે જે મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હોય. પણ, આ સફર એટલી સરળ ન રહી. સમય સાથે વ્યથા વધતી રહી પણ કોઈ ન મળ્યું. આમ ને આમ યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન છેક ગુજરાતના વડનગર ગામ સુધી પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે જ મુકામ કર્યો. નહિ ધોઈ એમણે સહેજ શાંતિ મેળવવા પ્રયાસ કર્યો પણ અંતરની આગ પાણી ઓલવી ન શક્યું.
તાનસેન ત્યાં જ હતા અને વહેલી સવારે ગામમાંથી બે બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. આ બંને બહેનો શર્મિષ્ઠા પુત્રી તાના અને રીરી જ હતી. આવતા વેત જ રીરીએ પાણીનો એક ઘડો ભર્યો, અને ચાલવા તૈયાર થઇ ગઈ. પણ તાના તો હજુય પાણીનો ઘડો ભરતી હતી અને ફરી ઘડાનું પાણી તળાવમાં ઠાલવતી હતી. રીરી અને કિનારે રહેલા તાનસેન આ બધું જોઈ રહ્યા હતા.
કુતુહલવશ રીરીએ પાણી ભરી ખાલી કરી દેતી તાનાને પુછયું. ‘કે બહેન તાના આમ તું શું કરે છે…?’ અને ત્યારે તાનાએ પોતાની બહેનને એવો જવાબ આપ્યો કે ‘જો રીરી, હું જ્યારે તળાવમાંથી આ ઘડામાં પાણી ભરૂં છું, ત્યારે પાણી ભરાવાનો અવાજ આવે છે. પણ એ અવાજમાં કોઈ સુર નથી. જ્યારે પાણી ભરાવાનો એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ને, ત્યારે જ હું આ ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ.’
આ વાત સાંભળી રીરીને પણ ઉત્શાહ જાગ્યો, અને મલ્હાર રાગનું નામ સાંભળી તાનસેન પણ કુતુહલ વશ આ પ્રસંગ જોઈ રહ્યા. ત્યાર બાદ તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ, અને જ્યાંરે મલ્હાર રાગ જેવો જ પાણી ભરાવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇને ઘડો માથા ઉપર મૂકી રીરી સાથે પાછા ફરવા જોડાઈ.
શર્મિષ્ઠા તળાવના કિનારે બેઠેલા તાનસેન લાંબા સમયથી આ બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેમને પણ હાશકારો થયો. એમણે મલ્હાર રાગનો અહેસાસ પણ અનુભવ્યો, એટલે મનોમન એ ખુશ હતા. કારણ કે આ બહેનો જ એ વ્યક્તિ છે જેની શોધમાં તાનસેન દિલ્લીથી નીકળ્યા હતા.
તાનસેને નક્કી કરી લીધું કે પોતાની આગ શાંત કરવા એ આ બહેનોને વિનંતી કરશે. કારણ કે જે વ્યકિત પાણી ભરવાના અવાજની પણ મલ્હાર રાગ સાથે સરખામણી કરી શકે, તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ જ શકે જ.’ એટલે આ બધું વિચારતા તાનસેન એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે, એવી જ ઓળખાણ આપી અને પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે પણ વાત કરી.
તાનસેને ઉમેર્યું કે આ આગ દીપક રાગના કારણે ઉદ્ભવી છે, જેને મલ્હાર દ્વારા જ ઠારી શકાય. એટલે એ અગનદાહને શાંત કરવા બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વિનંતી કરી. તાના-રીરીએ પણ પોતાના પિતા પાસેથી આ અંગેની સંમતિ લઇને એ તળાવ પાસે જ આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી.
અચાનક જ માહોલમાં રાગ-રાગીણીઓ ઝૂમવા લાગી. તાનપુરાના તાર ઉપર નાજુક અને કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ અને મલ્હાર રાગ છેડયો અને રાગના અહેસાસમાં ખોવાઇને થોડી જ વારમાં મેઘલો વરસી પડયો. આ વરસતા વરસાદમાં તાનસેનના તન અને મનનો અગનદાહ પણ શાંત પડયો. આ ઉપકાર બદલ તાનસેને બન્ને બહેનોનો આભાર માન્યો. આભારના બદલે તાના-રીરીએ આ બાબતની વાત કોઇને પણ ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.
તાનસેન ફરી પાછો દિલ્લી રવાના થઇ ગયો. થોડા જ સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો. પણ દરબારમાં આવ્યો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને બાદશાહ અકબરે તેને પુછયું, કે ‘તાનસેન તમે તો એમ કહેતા હતા કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી. તો પછી આ અલૌકિક ચમત્કાર કેવી રીતે થયો…?’
બાદશાહ અકબરના કહ્યા પ્રમાણે માહિતી આપવા તાનસેન લલચાયો પણ તાનારીરીને આપેલા વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને પણ સાવ ખોટી વાત જ કરી. પણ બાદશાહ જાણે વાસ્તવિકતા સમજી શુક્યા હોય એમ તાનસેનની વાત દ્વારા એમને સંતોષ થયો નહી. એટલે એમણે સત્ય જાહેર ન કરે તો તાનસેનને મૃત્યુદંડ આપવા માટે સજાની બીક બતાવી. પોતાને જીવનદાન આપનાર વ્યક્તિનું વચન તોડતા તાનસેનનો જીવ ન ચાલ્યો, પણ મોતની બીકે તાનસેને બાદશાહને સાચી વાત જણાવી દીધી.
આખાય દરબારમાં તાનારીરીની વાત સાંભળી જાણે આશ્ચર્ય ફરી વળ્યું. તાનસેનની આ વાત સાંભળીને કલાના શોખીન બાદશાહ અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. જેથી આવું રત્ન એમના દરબારની શોભા બને. બાદશાહના આદેશથી સેનાપતિઓ તાના-અને રીરીને દિલ્હી લાવવા માટે ગુજરાતના વડનગર સ્વના થયા.
વડનગર આવીને દિલ્લી સલ્તનતના સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી. પણ તાના અને રીરીને કશુંક અઘટિત બની રહ્યું હોય એવું લાગતાં દિલ્હી આવવા માટેની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. પણ બાદશાહના આદેશના કારણે સ્વેચ્છાએ તૈયાર ન થતા સેનાપતિઓ તાના-રીરીને બળજબરી પૂર્વક દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા.
છેવટે લડાઈમાં જીતી શકવાની કોઈ આશા ન રહેતા બન્ને બહેનોએ ખુબ મનોમંથન કરીને આત્મબલિદાનનો અંતિમ માર્ગ અપનાવ્યો. એમણે દિલ્લી જવા કરતા ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કરી લીધું. સેનાપતિઓ પણ આ જોઇને ઉદાસ ચહેરે દરબાર પાછા ફર્યા, અને બાદશાહને બધી જ વાત કરી. તાના-રીરી વિશે તાનસેનને જ્યારે આ વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ મોટો આઘાત લાગ્યો. ત્યાર બાદ જ તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં ‘નોમ… તોમ… ઘરાનામા… તાના-રીરી…’ આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો.
આજે પણ સંગીતજ્ઞો જ્યારે કોઇ પણ આલાપને ગાવાનું શરૂ કરે છે ત્યારે સૌથી પહેલા ‘નોમ… તોમ… ઘરાનામા… તાના-રીરી…’ આલાપ ગાઇને તાના-રીરીને પોતાની શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે. ગુજરાતના વડનગર શહેરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. અને શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં જ તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને દેશભરના હજારો સંગીત રસિક દર્શકો દર વર્ષે ઉત્શાહભેર માણે છે.
સંપાદન અને લેખન – સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply