ચંદ્રની જમીન પર કોઈ અધિકાર ન કરી શકે…? તમારી પાસે દસ્તાવેજ છે તો એ એક કાગળ માત્ર છે…🤗
કારણ આ રહ્યા…
ચંદ્રનો માલિક કોણ છે?
આ પ્રશ્ન સૌથી પહેલા થાય કે થવો જોઈએ તો એનો જવાબ છે… કોઈ દેશ કે સંસ્થા નહીં… ચંદ્ર હે મનુષ્ય જાતિની સહિયારી સંપત્તિ છે, આ પ્રકારનો આખો સંધિ પ્રસ્તાવ આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ પહેલા થઈ ચૂક્યો છે. જેને આઉટર સ્પેસ ટ્રીટી 1967 તરીકે ઓળખાય છે…
હવે જાણીએ આમાં છે શું…?
આઉટર સ્પેસ ટ્રીટી 1967 મુજબ, કોઈપણ દેશ કે વ્યક્તિને અવકાશમાં અથવા ચંદ્ર કે અન્ય કોઈ પણ ગ્રહો (ઇનશોર્ટ આખું બ્રહ્માંડ અત્યારે સમજી લઈએ તો કઈ ખોટું નથી.) પર અધિકાર નથી. આઉટર સ્પેસ ટ્રીટી મુજબ ચંદ્ર પર કોઈપણ દેશનો ધ્વજ ફરકાવી શકાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ ચંદ્રનો માલિક બની શકતો નથી. મતલબ કે બ્રહ્માંડ સંશોધન માટે દરેક દેશ માટે ખુલ્લું છે પણ અધિકાર માટે નહીં. એવું નથી કે કાલે ઉપડ્યા અને પરમદિવસે ત્યાં જઈને પોતાની વાડ કરીને એનો ૭/૧૨નો ઉતારો કરાવી લીધો. ત્યાંની ભૂમિ માટે કોઈ દેશ કાયદા અલગથી ન ઘડી શકે.
નિયમો શુ છે…? સમાધાન શુ છે…?
જેમ સંવિધાન હોય, કાયદાઓ હોય એ જ પ્રકારે આઉટર સ્પેસ ટ્રીટી એ કેટલાક કામો અને નિયમોની સંગઠિત અને વૈચારિક સંભવિત કાયદાકીય સૂચિ છે, જેમાં લેખિતમાં હસ્તાક્ષર કરીને 2019 સુધી કુલ 109 દેશો તેમાં જોડાયા છે. મતલબ કે આ બધા જ દેશ આ નીતિ નિયમો સ્વીકારી ચુક્યા છે અને એના ધારા ધોરણોમાં બંધાયેલા છે. જો કે 23 અન્ય દેશોએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તેમને હજુ સુધી એમાં રહીને કાર્ય કરવા પણ માન્યતા મળી નથી. આ સંધિમાં લખવામાં આવ્યું છે કે ચંદ્ર પર કોઈપણ દેશ વિજ્ઞાન સંબંધિત સંશોધન કાર્ય કરી શકે છે અને તેનો ઉપયોગ મનુષ્યના વિકાસ માટે કરી શકે છે પરંતુ તેને પકડી શકતો નથી. મતલબ કે સમુહિક હિત માટેના કાર્યોને મંજૂરી છે પણ આધિપત્ય માટે નહીં. તમે પોતાનો ઝંડો રોપી શકો પણ પ્લોટ ન પાડી કે વેચી શકો.
કોઈ દેશનો હક્ક જ નથી તો જમીન વેચાણ કે રજીસ્ટ્રી…?
હવે વર્તમાન સમયે જ્યારે એક બીજાને ચંદ્ર પર જમીનો ઉપહારમાં અપાઈ રહી છે, ત્યારે આ બાબતને લગતા સૌથી મોટા પ્રશ્ન પર આવી જઈએ. સવાલ એમ થાય છે કે, આંતરરાષ્ટ્રીય સંધિ આઉટર સ્પેસ ટ્રીટી 1967 પ્રમાણે કોઈ પણ સેલ્સટીયન બોડી કે કે બ્રહ્માંડમાં છે એના પણ કોઈ પણ દેશની માલિકી જ ન હોઇ શકે એમ કહે છે તો જમીનનું વેચાણ કોઈ પણ દેશ અથવા સંસ્થા દ્વારા કેવી રીતે માન્ય ગણાય…? જવાબ છે, ન જ ગણાય. કોઈ કંપની કે દેશ તમને ત્યાં પ્લોટ ન આપી શકે, હા તમે ત્યાં મુસાફરી કરી શકો એ પણ સંભવ થાય ત્યારે. પણ અધિકાર નહીં. આ બહુ જ સ્પષ્ટ વિધાન છે, સમજી લઈએ એટલુ જલ્દી સમજાઈ જાય.
પ્લોટ કે જમીનની નોંધણી કોણ કરી રહ્યું છે…?
શું ચંદ્ર પર જમીનની નોંધણી પણ થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ છે હા, પણ આવા રાજસ્ટ્રી ધડમાથા વગરની અને આધારહીન છે. કારણ કે જે ચંદ્ર પર ખરીદેલી જમીનની રજિસ્ટ્રી પૃથ્વી પર જ થઈ રહી છે, એના પર અધિકાર કોઈનો નથી કે ન હોઈ શકે. જો કે Lunarregistry.com નામની વેબસાઈટ (સંદર્ભો દ્વારા નામ જાણેલ છે, જો કે સંભવ છે આવી અન્ય પણ સંસ્થા હોય) તેની રજીસ્ટ્રીના અધિકારો હોવાનો દાવો કરે છે. જો કે વેબસાઈટ પોતે જ તેના FAQs વિભાગમાં સ્પષ્ટપણે જણાવે છે કે એમને જે દસ્તાવેજ કે કાગળ અપાય છે તે ચંદ્ર પરની જમીનની માલિક નથી. તેમનું કામ માત્ર રજિસ્ટ્રી કરાવવાનું છે, જમીન વેચવાનું નથી.
નોંધણી થશે પણ માલિકી હક અધ્ધરતાલ
એક રીતે બેગાની સાદી મેં અબ્દુલ્લા દીવાના જેવું જ કંઈક છે… ઇનશોર્ટ તથ્ય એટલું જ ખરીદીના નામ પર ધરતી પરની કોઈપણ જમીનની રજિસ્ટ્રી તો તમે કરાવી લો, પણ જો અધિકાર મેળવવાની વાત થાય ત્યારે સંભવિત સંજોગ પર આધાર. કારણ કે હાલ મુજબ ચંદ્ર પર કોઈનો અધિકાર નથી કે ન થઈ શકે. એટલે કે તમે જો ચંદ્ર પર આખો પ્રદેશ ખરીદી લ્યો, તો પણ વાસ્તવમાં તો ઝાંઝવાના જળ જ. કારણ કે નોંધણી સાથે નોંધણીના દસ્તાવેજ તો મળી જ જાય પણ જ્યારે કોર્ટમાં (જો કે કઈ કોર્ટમાં આનો ન્યાય થાય એ પણ પ્રશ્નાર્થ સ્થિતિમાં છે.) માલિકી હક અંગે સબીતિની જરૂરિયાત ઉભી થાય તો નોંધણી કર્તાનો જવાબ માત્ર એટલો જ મળે કે અમારું કાર્ય નોંધણી પૂરતું જ છે. અધિકાર માટે આગળના ટેબલ પર માહિતી લ્યો, જો કે આગળ કોઈ ટેબલ નથી જ નથી. આ વસ્તુ સ્પષ્ટ છે કે જમીનના વિચનારાને જ જમીનના સાચા માલિકની ન તો ખબર છે ન સંભવિત જાણકારી.
શુ ચંદ્ર પર જમીન ખરીદવી મૂર્ખતા છે…?
મૂર્ખતા…? આ શબ્દ બહુ નાનો પડી જાય. આ શુદ્ધ ગાંડપણ છે. જો કે આજ કાલ દેખા દેખીના જમાનામાં સોશ્યલ મીડિયામાં દેખાડવા જો તમે લાખો ખર્ચી દેતા હોય તો, બે ચાર પોસ્ટ કે સસ્તી પ્રસિદ્ધિ માટે ત્રણ ચાર હજારમાં પ્લોટ ખાસ મોંઘો નથી. સોશ્યલ મીડિયા માર્કેટિંગ કે વાયરલીટી માટે આ સૌથી સસ્તો અને ઘેટાં ટોળે ચાલતા મીડિયા પ્રજાતિ માટે આ પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. પણ જમીનના સપના માત્ર સપના સુધી રાખીને. કારણ કે ગામડાની સીમમાં પણ જેટલામાં જમીન ન મળે એટલામાં તમને ચંદ્ર પર જમીન મળે? એ પણ એવા લોકો દ્વારા જે પોતે ત્યાં જવાના સપના જ જોઈ રહ્યા છે…
તો શું આ કૌભાંડ છે…?
સંપૂર્ણ રિતે તો ન જ કહેવાય કારણ કે કોઈ સમજદાર વ્યક્તિ ત્રણ હજારમાં ચંદ્ર પર પ્લોટ મળવાની નોંધણી કે રજીસ્ટ્રીના કાગળને સત્ય માને એટલો મૂર્ખ ન જ હોય, અને જો હોય તો એમાં કદાચ કાયદાકીય તો વેચનારનો ગુન્હો હોય પણ લોજીકલી તો એ બેગુનાહ છે… કારણ કે જેને ખાડામાં વગર માહિતીએ પડવું છે એને ધક્કો મારીને (જો કે અનંદભેર કોઈ ધક્કો ખાવા તૈયાર હોય) કમાઈ લેવામાં કાઈ ખોટું નથી. જોઈતી સેવા આપીને પૈસા મેળવવા એ તો નૈતિક રૂપે પણ અયોગ્ય નથી જ ને…?
આ અંગે કાયદા અને વિદ્વાનો શુ માને છે…?
કાયદા અંગે અહીં કોઈ પ્રશ્ન મારા મતે ઉભો ન થાય, કારણ કે જયા ન્યાય ક્ષેત્ર કે ન્યાય વિધાન જ અસ્તિત્વમાં ન હોય ત્યાં કાયદાની કોઈ બાજુ બેઅસર રહે છે.
જો કે વિદ્વાન મત પર જઈએ તો સ્પેસ લો પર અનેક પુસ્તકો લખનાર ડૉ.જીલ સ્ટુઅર્ટે નામના જાણકાર પોતાના પુસ્તક ‘ધ મૂન એક્ઝિબિશન બુક’માં સ્પષ્ટ જણાવી રહ્યા છે કે ચંદ્ર પર જમીન ખરીદવી અને કોઈને ભેટ આપવી એ હવે એક ફેશન બની ગઈ છે. જો ચંદ્ર પર કોઈ દેશનો અધિકાર નથી તો કંપનીઓ અને અન્ય કોઈ વ્યક્તિનો પણ કોઈ અધિકાર નથી. મતલબ સ્પષ્ટ છે કે ચંદ્ર પર જમીન વેચવાનું કામ ‘ગોરખધંધા’ છે અને હવે તે મિલિયન ડોલરનો બિઝનેસ બની ગયો છે. ટૂંકમાં જ્યારે લોકોને એક એકર જમીન ચંદ્ર પર જેટલા સસ્તામાં મળે છે, એટલામાં તો જ્યાં છીએ ત્યાં અહીં જ ચોરસ ફૂટ પણ મળવી મુશ્કેલ લાગે છે.
ભવિષ્ય શુ છે આ, નોંધણીના કાગળોનું…?
લગભગ અગાઉ કહ્યું એમ આ કાગળનું મહત્વ એટલું જ છે જેટલું કોઈ કોમ્પિટિશન જીતીને અથવા કોઈ કાર્ય કરીને સોશ્યલ મીડિયામાં મુકવા કે લોકોને દેખાડવા કે જુઓ આ કર્યું એટલા પૂરતો જ છે. વાયરલીટી માટે આ એક રીતે એડ કેમ્પએનનું કામ કરે છે. જે લોકો ચંદ્ર પર જમીન ખરીદે છે એમ વિચારીને પૈસા રોકી રહ્યા છે, કે જો ક્યારેય નસીબ ખુલે અને ચંદ્ર પર જવાય તો આપણી જમીન ત્યાં હશે… તો એ બીરબલની ખીચડી સાથે બંધ બેસતું ઉદાહરણ છે. કારણ કે જે નોંધણીની નકલ પર એ લોકો એમ માને કે આ કાયદાકીય રીતે ઉપયોગી થશે તો એ અર્થહીન અપેક્ષા માત્ર છે…
ટૂંકમાં ચંદ્ર આપણા માટે ટુર પ્લેસ તો બની શકે છે પણ રહેવાનું ઘર નહિ. લગભગ એક સદી તો અથવા હવાનો પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી અનિર્ધારીત કાળનો સમય ખરો જ… કારણ કે ત્યાં હવા જ નથી, વગર હવા તમે રહી શકો અથવા ચંદ્રયાન સ્વખર્ચે બનાવી શકો તો ચંદ્ર પૂરેપૂરો તમારો છે 🤗
– સંપાદકીય કલમે
(સોર્સ – પંદરેક ચંદ્ર પર જમીન ખરીદીને લગતા આર્ટિકલ, આઉટર સ્પેસ ટ્રીટી 1967 અંગે જાણકારી અને આજકાલના સોશ્યલ મીડિયામાં ફરતા ઉત્સાહને ધ્યાનમાં લઈને લખાયેલ છે.)
For More Also Refer this News Report on Same – From Here
Leave a Reply