સામાન્ય રીતે ટેકનોલોજી જીવનને ઘણા લાભ સાથે ગેરલાભનો ખજાનો પણ આપતી જાય છે. આમ પણ લાભ સાથે ગેરલાભ ભોગવવા પડતા હોય છે. સોશિયલ સાઇટ પણ આવું જ એક માધ્યમ છે જે એક તરફ મુક્તતા આપે છે, તો બીજી તરફ તમારા મંતવ્યોને સંકુચિત બનાવી દે છે. આજકાલ હેશટેગ દ્વારા ચાલતા metoo જેવા સકારાત્મક અભિગમોની નકારાત્મક અસરો પણ આપણને વર્તાઈ ચુકી છે. દેશમાં કોઈ પણ ઉપાયનો દુરુપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એ સમજાવવાની જરૂર નથી રહી. કદાચ એટલે જ metoo મા પણ એની ઝડપી શરૂઆત પહેલા જ બાળમરણ થયું…
સોશિયલ મીડિયા હવે નકારાત્મક તત્વોના કારણે રજૂ થતા વિચારોની વિશ્વસનીયતા સતત ગુમાવતું જઇ રહ્યું છે. આનંદનું સાધન બનીને જે પ્રચલિત થયું અને દુનિયાની સામે આવ્યું હતું. પણ પાછળના ઘણા સમયથી પોતાના લાભ માટે લોકો દ્વારા લાભ લઈને એનો ભરપૂર મિસયુઝ પણ થઈ રહ્યો છે. ફેક આઈડી અને અવાસ્તવિક લોકોની સોશિયલ મીડિયા પરની હાજરી એની નકારાત્મકતામાં સતત વધારો કરી રહી છે. જે માધ્યમનો સદુપયોગ થવો જોઈએ એનો દુરુપયોગ સતત વધી રહ્યો છે.
આજકાલ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ફેસબુક પર સ્ક્રીનશોટ દ્વારા ઘણા કાંડ થઈ જતા હોય છે. વાસ્તવમાં વિકૃત તત્વો સામે ચોક્કસ અને સંગઠીત લડત આપવી જ જોઈએ. જો એ બુદ્ધિ આધારિત હોય તો એ જરૂરી છે. પણ આ બધામાં એક વસ્તુ ઇ પણ ખુલીને સામે આવે છે, કે શું ચીતરવામાં આવતો દરેક વ્યક્તિ ગુનેગાર જ હોય છે ખરો…? ઘણીવાર આવા લોકો બેનકાબ થાય છે, જે ઈચ્છનીય છે. પણ આ બેનકાબની આડમાં જે બ્લેકમેઇલિંગનો ગોરખ ધંધો પણ હવે સતત ધમધમી રહ્યો છે એનું શું…? શુ વાસ્તવમાં ઇ બધા જ ચેટબોક્સ અને સ્ક્રીનશોટ સાચા જ હોય છે…? જે આડા દિવસે ફેસબુકમાં અથવા વાસ્તવિક રુપે બતાવવામાં આવે છે…?
ફેસબુકના સ્ટેટ્સ, ફેસબુકની ચેટ, વોટ્સએપ ચેટ, ઇંસ્તાગ્રામ ચેટ વગેરેના સ્ક્રીનશોટ દ્વારા લોકોને બેનકાબ કરવાની સાથે સાથે એક વર્ગ એવો પણ એક્ટિવ થતો જઇ રહ્યો છે જે આ વસ્તુનો ઉપયોગ બ્લેકમેઇલ માટે પણ કરવા લાગ્યો છે. પાછા એવા હરખપદુડા લોકો પણ છે જે સત્ય અસત્ય કે નૈતિક અનૈતિકની પરવા કર્યા વગર જ ધડાધડ શેર કરવા મંડી પડે છે. જેની પાછળ બુદ્ધિ તો જરાય નથી હોતી પણ હા વધુ લાઇકો મેળવવા માટે, પોતાને કંઈક છું એવું સાબિત કરવા માટે અને લોકોનું અટેનશન મેળવવાની આંધળી દોટમાં સ્માર્ટ બનવાની અને પોતાની જાતને હરિષચંદ્ર જાતાવવાની સોશિયલ મીડિયાની આ દોડમાં એવા લોકો વિચાર્યા વગર લાગી જાય છે. એ લોકોને તો એની પણ સમજ નથી કે કોઈ સ્વમાની વ્યક્તિ માટે તો એક ખોટો સ્ક્રીનશોટ પણ જીવન ભર કમાયેલા સન્માનને ધૂળમાં ભેરવી દે છે. કારણ કે સત્ય અસત્યની પરવા કર્યા વગર જે તે વસ્તુ શેર કરીને સ્માર્ટ બનનારા અકલમઠ્ઠા લોકો સત્ય જાણ્યા વગર જેમ તેમ શેરવા અને અપશબ્દો બોલવા મેદાને પડે છે, જાણે પાકિસ્તાનની બોર્ડર પર બહાદુરી ન દેખાડતા હોય. આવા લોકોથી ઉભરતા સોશિયલ મીડિયામાં આજકાલ બહુ નકારાત્મક તત્વો બેફામ ફરી રહ્યા છે.
સ્ત્રી આઇડીયો દ્વારા પુરુષોને લલચાવી લૂંટવાના, પૈસાની જરૂરિયાત બતાવી પૈસા લઈને ફરાર થવાના અને પોતાને મોટી હસ્તી બતાવી પૈસા એઠવા જેવી અઢળક ઘટનાઓ આપણે રોજબરોજ પણ જોતા હોઈએ છીએ. સોશિયલ મીડિયાનું વળગણ જીવનના ઘણા વાસ્તવિક સત્યોને આપણાથી દૂર કરી રહ્યું છે. સોશિયલ મીડિયા આવા તત્વોના કારણે ઘણા જીવનમાં ખળભળાટ કરી રહ્યું છે. જાણ્યે અજાણ્યે અઢળક બુદ્ધિ વગરના અતિ બુદ્ધિજીવીઓ એમાં ભાગ ભજવીને જાણે યશ મેળવે છે.
વાસ્તવમાં તો સમજવાનું એટલું છે કે ચેટિંગ વાળા મેસેન્જરોના સ્ક્રીનશોટ જ્યારે પણ ફરતા થાય, ત્યારે ઘણું વિચારી સમજીને પછી જ માણસમાંથી જાનવર બનવું. કારણ કે દરેક ચેટ સાચી હોય ઇ જરૂરી નથી. સાવ નિરર્થક અને ઈચ્છા મુજબની ફેક ચેટ બનાવવાની અઢળક એપ્લિકેશનો પ્લે સ્ટોર પર સરળતાથી અવેઇલેબલ છે… જેનો મનફાવે તેમ બેફામ મિસયુઝ પણ થઈ રહ્યો છે.
આ પ્રકારની એપ્લિકેશનો દ્વારા તમે વોટ્સએપના, ફેસબુક મેસેન્જરના, મોબાઈલ મેસેજબોક્ષના, ટેલિગ્રામ ચેટ, ઇન્સ્ટાગ્રામ ચેટ, ટ્વીટર ચેટ અને લગભગ દરેક પ્રકારના મેસેન્જર એપના ચેટબોક્સને પોતાની ઈચ્છા મુજબ બનાવી શકો છો. જો કે એપ્લિકેશન વાળા ડિસ્ક્રીપશનમાં તો પ્રેન્ક માટે જ આ બનાવે છે, પણ અમૂકની હીન માનસિકતા જ્યારે વધુ નિમ્ન સ્તરે જાય છે ત્યારે આ ખેલ ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. જેમ મજાક ક્યારેક મોતનું કારણ બને છે, એમ આ પ્રકારની એપનો પણ કોઈકના જીવ સટોસટનો મારણીયો ઉપયોગ થઈ શકે છે/થતો હોય છે/થાય છે.
આ પ્રકારની એપ બહુ જ સરળતાથી પ્લે સ્ટોર પર મળી રહે છે. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિના ચેટ બોક્ષ બનાવી કોઈ પણ વ્યક્તિને ગુમરાહ કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિની પ્રતિભાને ખરડી શકાય છે. આ ચેટથી ઘણા પ્રકારના ગેરલાભ ઉઠાવનારા આજે પણ આપણા દેશમાં અસંખ્ય પડ્યા છે. ઘણા સબંધો તો સોશિયલ મીડિયાના સ્ક્રીનશોટના ખેલમાં પણ તૂટી જતા હોય છે, ત્યારે સૌથી મહત્વનો છે આપણો વિશ્વાસ અને આપણી બુદ્ધિમતા… જો કે એનો ઉપયોગ તો આપણા દેશમાં બવ ઓછા લોકો જ કરે છે. છતાં જેનામાં છે એ આ વાંચ્યા પછી કરે એવી આશા અને અપેક્ષાઓ…
★ આ એપ દ્વારા શુ થઈ શકે…?
આ એપ બહુ સ્માર્ટ પ્રકારે બનાવવામાં આવે છે. જેથી મજાક (પ્રેન્ક) કરી મિત્રોને હેરાન કરી શકાય. આ પ્રકારની એપમાં એટલી આબેહૂબ ચેટ સ્ક્રીન બનાવી શકાય છે, જેટલી ઓરીજનલ ચેટ બોક્સમાં હોઈ શકે છે.
આ ચેટબોક્ષમાં પછી એટલી હદે સુવિધાઓ કે જેમા… ઈચ્છા મુજબ જોઈતું બધું જ કસ્ટમાઇઝ પણ થઈ શકે છે…
જેમ કે…
પ્રોફાઈલ પિક
લાસ્ટ સીન
ઓનલાઈન / વરાઇટિંગ / ઓફલાઇન
મેસેજ રિસીવડ / રીડ / સીન / નોટ ઓપન
બંને બાજુની ચેટના શબ્દો/વાતો
કદાચ આનાથી વધુ કાઈ જ નથી જેના દ્વારા સાચા ખોટાની પરખ થઈ શકે…
એટલે જ્યારે પણ આવા પ્રસંગે તમારે નિર્ણય લેવાનો કે મંથન કરવાનો સમય આવે ત્યારે સૌપ્રથમ તો પૂરતી માહિતી વગર આવા કરતુતમાં પોતાની હાજરી નોંધાવશો જ નહીં. કારણ કે આજકાલ મોટાપાયે બદનામ કરવાની ઘેલછા ઘણા નિમ્ન સ્તર સુધી લોકોને લઈ જાય છે…
★ શુ ન કરવું…?
– જ્યાં સુધી તમે એ બાબતે સ્યોર નથી ત્યાં સુધી આવા પોસ્ટ અને કમેન્ટમાં પડવુ નહિ.
– જાણકારી વગર કોઈ માહિતી શેર કરવી નહીં.
– પૂરતી તાપસ વગર કોઈ પણ સ્ક્રીનશોટ વાળી ચેટને સત્ય ન માની લેવું.
– હમેશા બુદ્ધિ અને સમજક્ષમતા અંધળા અનુકરણ કરતા પહેલા કામે લગાડો.
– જાણકારી વગર કોઈને અપશબ્દો બોલવા કે લડી લેવાની ભાવના ન રાખો.
– કોઈ સત્ય સામે દેખાય એટલું સરળ નથી હોતું અને અંતિમ સત્ય તો આંખે દેખાતું હોઈ જ ન શકે.
– સૌથી અગત્યનું છે પોતાની બુદ્ધિનો પ્રયોગ.
– જ્યારે તમારી એક્ટ કોઈના જીવન પર અથવા એના માનસન્માન સાથે જોડાયેલી હોય ત્યારે એના પર સમય આપી ચિંતન કરવું.
★ કોઈ માર્ગ છે…?
– ટેક્નિકલી આ બધું પૃવ થઈ શકે છે, પણ ટેક્નિકલી… તમે જોઈને ફર્ક કે સાચા ખોટાનો ભેદ ઉકેલી શકો…
– સ્ક્રીનશોટ કરતા વધારે વિશ્વાસ જે તે વ્યક્તિ પર કરતા શીખો.
– જાણકારી વગર શેરવાનું ટાળો.
★ અસત્ય સાથે સત્યની સંભાવનાઓ :-
જેમ દરેક સ્ક્રીનશોટ ખોટો નથી હોતો… ઇ જ પ્રકારે દરેક સ્ક્રીન શોટ સાવ સાચો પણ નથી હોતો. આધુનિક યુગ ઘણા ફાયદા અને ગેરફાયદા સાથે આપણી સામે આવે છે, એટલે રોબોટીક યુગમાં મશીનના ગુલામ થવાની સાથે બુદ્ધિના ઉપયોગ દ્વારા પોતાના માણસ અસ્તિત્વને જીવાડજો..
ઘણું બધું કહેવાઇ ચૂક્યું છે એટલે, છેલ્લે એટલું જ કહીશ જાણકારી વગર કોઈની વાત પર વિશ્વાસ કરતા પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારી અજાણતા કોઈકના જીવનનું અસહ્ય પગલું પણ બની શકે છે. આજ કાલ માન સન્માન જીવન અને અસ્તિત્વ સાથે સંકળાયેલું હોય છે, એટલે તમે કોઈકના મોતનું કારણ પણ બની શકો છો… તમારી અજ્ઞાનતા તમને ગુનેગાર અથવા હત્યારા પણ બનાવી શકે છે.
એટલે જાગૃત બનો અને પોતાની સ્વ બુદ્ધિનો પૂરતો ઉપયોગ કરો.
( નોંધ – કોઈ પણ મેસેન્જરના કસ્ટમાઇઝડ ચેટબોક્સ સરળતાથી બનાવી શકાય છે. એટલે બુદ્ધિ વાપર્યા વગર કોઈ પણ વાતને સત્ય સ્વીકારી લેતા 500 વાર વિચારજો. ક્યાંક એવું ન બને તમે કોઈના જીવનો ભોગ લઈ લો.)
અસ્તુ..
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply