વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મોની જે સાવ ખોટી અને અવાસ્તવિક ઇમેજ ઉભી કરવા માટેની અમુક બની બેઠેલી સંસ્થાઓ કે વ્યક્તિઓ ઝંડો લઈને બેઠી છે… એ ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આવનારા સમય માટે હળવું ઝેર છે…
જ્યારથી અમુક પ્રજા આ ટોળામાં જોડાઈ છે, મેં કોઈ જ ફિલ્મના લગભગ નકારાત્મક પ્રતિભાવો આવા લોકો દ્વારા નથી સાંભળ્યા. એટલે શું આપણે એમ માની લેવું કે, વર્ષે રિલીઝ થતી ૫૦૦-૬૦૦ ફિલ્મો પણ આવે છે તો એ બધી જ એન્ટિક જ હોય છે…? કે પછી પ્રીમિયર વાળા શોમાં બેસીને મફત જોવા મળતી હોવાથી, અને બેપાંચ મળવાની કે ટિમ સાથે સારા સંબંધની લાલચે આવા લોકો બધી જ ફિલ્મો ઓસ્કાર મેળવવા જેટલી સક્ષમ દર્શાવીને પોતાનો મતલબ કાઢી રહ્યા છે, પણ આ મતલબ વૃત્તિના કારણે ફિલ્મની વાસ્તવિક છબી લોકો સામે નિષ્પક્ષ પણે નથી આવી શકતી. એક રીતે કહીએ તો આ લોકો દર્શકો અને ભાવકો બંને પક્ષોને એવી રીતે છેતરી રહ્યા છે, કે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો જ લોકો રીવ્યુ જોઈને પણ જોવા નહીં જાય.
હવે આવા લોકો કહેશે તો રીવ્યુ કેવો હોય…? સ્પષ્ટ છે કે રીવ્યુ એ માત્ર રીવ્યુ જ રહે તો સારું, એ ખુશામત ન બની જાય એટલું જ ધ્યાન રાખવું રહ્યું. કારણ કે તટસ્થ પણું સતત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘટતું જઈ રહ્યું છે. છેલ્લો દિવસ જેવી સરસ મુવી પછી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે સુવર્ણકાળ આવ્યો છે એના પર ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો આખોય આધાર રહેલો છે. એટલે જો આવા માખણ ઘેલા કે પક્ષપાતી રીવ્યુ લખાવાના બંધ નહિ થાય તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિયતા ઉપર પ્રશ્નાર્થ મુકાઈ જશે…? એક ગુજરાતી તરીકે આપણે એને પ્રોત્સાહન આપવાનું છે, પણ એનો અર્થ સાવ એવોય નહી કે ભૂલો સાવ અવગણી દેવામાં આવે. ટીકા ટીપ્પણી પર વધુ સુંદર બનાવવા માટેનો અવકાશ પૂરો પડે છે.
જે રીતે હિન્દી ફિલ્મોનું વિવેચન થાય છે, એજ પ્રકારે તટસ્થ વિવેચન અહીં પણ થાય એ જરૂરી છે. (અપવાદ તરીકે એ જ સમસ્યા ત્યાં પણ છે, પણ વાસ્તવમાં એ કામ માર્કેટિંગ કરી આપતી સંસ્થાઓનું છે. રીવ્યુ લખનાર લોકોનો નહી.) જો આ જ રીતે સ્પષ્ટ અને નિષ્પક્ષ મૂલ્યાંકન નહીં કરવામાં આવે, તો ગુજરાતી ફિલ્મોનું નામ લાંબા ગાળે ખાડે જ જશે. જો દરેક ફિલ્મને સારી ચીતરવામાં આવશે, તો પછી સારા ખરાબ અંગેનો તો કોઈ ભેદ બાકી જ નહીં રહી જાય. વર્તમાન સમયમાં એવું કલચર વિકસી રહ્યું છે કે જાણે ગુજરાતી ફિલ્મ એટલે સારી જ સમજવી, દરેક ફિલ્મને સપોર્ટ કરવો, દરેક ફિલ્મ સિનેમા ઘરોમાં ફરજીયાત જોવા જ જવી…
પણ કઈ જોવી…? અને કઈ નહી…?
આ ખરેખર ચિંતાનો વિષય છે.
કારણ કે નકારાત્મક અને તટસ્થ સૂચનો જ ફિલ્મને વધુ બહેતર અને ઇન્ડસ્ટ્રીને મજબૂત થવા દિશા સૂચન કરે છે. તટસ્થ રીવ્યુ જ સારા કાર્યોને વાહવાઈ અને બની બેઠેલા ખોટા નામ મોટા દર્શન ખોટા ફિલ્મ મેકરોને વાસ્તવિક અરીસો બતાવી શકશે.
જે પ્રવાહ છે એ મુજબ તો જાણે જેમ્સ કેમરુંન દ્વારા સર્જિત ટાઇટેનિક અને ગુજરાતી દિગ્દર્શકે મોબાઈલના કેમેરા દ્વારા રચેલી ફિલ્મ, એ પણ સાવ કન્સેપ્ટ વગરની ફિલ્મ પણ બહુ ઉચ્ચ દર્શાવાઇ રહી છે.
પાછળના બે વર્ષથી આ ગુજરાતી ફિલ્મોને સપોર્ટ આપવાની ગુજરાતમાં લાગેલી આંધળી દોટે તો એવો ઉપાડો લીધો છે કે હવે ગુજરાતી ફિલ્મો જોવાનું મૂડ જ નથી થતું. આ બધું જોઇને આવા રીવ્યુ લખનાર લોકોથી નફરત થવા લાગી છે, જ્યાં જુઓ ત્યાં સાવ એક જ જેવા રીવ્યુ, પોસ્ટો અને નબળી માર્કેટિંગ જોઈ જોઈને… સાલા નમાલા લોકો એક જ જેવા રીવ્યુ ચિતરી ચિતરીને પણ જરાય શરમાતા નથી. અલ્યા લેખન એ વ્યવસાય બને ત્યાં સુધી ઠીક છે, પણ સાવ ધંધો બનાવીને તો બિચારા લોકોને છેતરવાનું બંધ કરો. શુ PAGE3 લાઈફ દેખાડવા સાવ આવા ખોટા આધારહીન અર્થઘટનો લખવાના…?
આ બધું આંખો સામે જોઈ જોઇને હવે તો દરેક જગ્યાએ મળતા રીવ્યુ પક્ષપાતી જ લાગે છે. કોઈ બિચારો નિષ્પક્ષ લખતો હોય એના રીવ્યુ વાંચવાનો પણ જીવ નથી ચાલતો. એટલે ખરેખર તો જ્યાં સુધી અહીં તટસ્થ રીવ્યુ નહિ લખાય, ત્યાં સુધી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ નહિ આવી શકે. કારણ કે રીવ્યુ જ એવું માધ્યમ છે જ્યાં ફિલ્મ મેકરની નબળી બાજુઓ તેમજ સબળી બાજુઓ બંને જાણી શકાય છે.
સમજાતું તો એ નથી કે આવા રીવ્યુ લખનારા અને લખાવનારા લોકો કેમ એ વાત ભૂલી જાય છે, કે આલોચક વગર સુધારને પણ કોઈ અવકાશ જ નથી. અને આ વિકૃત પ્રકારે તો ગુજરાતી ને સપોર્ટ કરનારા લોકોએ પણ લસણ ખાઈને સુઈ જ જવું જોઈએ. કારણ કે જો સ્ટોરી સારી હશે, તો જાતે જ એ પોતાનું સ્થાન બનાવી લેશે. ખરેખર આવા લોકો એવું કહે છે કે એ લોકો નેટીવ ભાષાને સહાયક બને છે, પણ વાસ્તવમાં આવા સબંધ સાચવવા લખતા પક્ષપાતી અથવા પૈસા લઈને લખાતા રીવ્યુઓ જ ધીમી ગતિએ આ ઇન્ડસ્ટ્રીની ગોડ ખોદી રહ્યા છે.
(નોંધ – ગુજરાતી ફિલ્મનો તટસ્થ રીવ્યુ હજુ સુધી મેં એવા લોકો પાસેથી તો નથી જ જોયો, જે ખાસ કરીને પ્રીમિયરમાં શો જોતા હોય છે. આવા બહુ ઓછા લોકો ધ્યાનમાં આવે છે, જે ખરેખર ગંભીર પક્ષપાતનું ઉદાહરણ મૂકે છે. જે યોગ્ય નથી.)
ફિલ્મ સાથે જોડાયેલા લોકો માટે આ કડવું તો છે, પણ છતાય આ જ સત્ય છે. જો રીવ્યુઅર થઈને આપણે જ બધાંયને એક લાઈનમાં મુકી દઈશું, તો પછી સારા ખોટા લોકોને પોતાની મહેનતનું ફળ કઈ રીતે મળશે…??
ફ્રી હિટ : અરીસો ક્યારેય પક્ષપાતી ન હોઈ શકે. અને રીવ્યુ લખનાર પણ ભાવકો માટેનો ફિલ્મના અસ્તિત્વને રીફલેક્ટ કરતો આઈનો જ તો છે..
અસ્તુ…
~ સુલતાન સિંહ
( 27/10/2018 )
Leave a Reply