સંપાદકની કલમે:
નિરંતર સાહસ જ્યોત – શહીદ દિવસ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં
23 માર્ચ, 2025
આજના દિવસે, 23 માર્ચે, ભારત દેશે પોતાના ત્રણ નિર્ભય પુત્રો — ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ગુમાવ્યા હતા. જેની યાદો આજે પણ ભારતના અંતકરણ માં શ્રદ્ધાંજલિ આપવા માટે થંભી જાય છે. આ એજ યુવાનો છે કે અંગ્રેજો સામેની લડતમાં જેમના અપ્રતિમ બલિદાને લાખો લોકોના હૃદયમાં દેશભક્તિ અને પ્રતિકારની ક્રાંતિકારી અગ્નિ પ્રજ્વલિત કરી દીધી હતી. આજનો દિવસ એટલે કે બલિદાન દિવસ અથવા શહીદ દિવસ, જે રીતે આપણે તેને યાદ કરીએ છીએ, તે ફક્ત કેલેન્ડરની એક બદલાઈ રહેલી તારીખ જ નથી; પરંતુ તે એક આહ્વાન છે જે આપણને સ્વતંત્રતાની કિંમત અને તેમના સાહસ તથા દ્રઢ નિશ્ચય પર વિચાર કરવા માટેની પ્રેરણા આપે છે. એ બાવીસ ત્રેવીસ વર્ષની આયુ ધરાવતા યુવાનો જેમણે અત્યાચાર સામે લડવાની હિંમત કરી હતી.
1931માં એટલે કે આજના જ દિવસે, લાહોર સેન્ટ્રલ જેલની દરેક દીવાર અને એના અંદરના ખાલીપાએ ફાંસીએ ચઢતા આ યુવાનોના અદ્ભુત શૌર્યનું દૃશ્ય જોયું. આ ત્રણેય આઝાદી મારે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનો એટલે કે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ. ભગત સિંહ, જે માત્ર એક ક્રાંતિકારી જ નહિ પણ એટલા જ બુદ્ધિજીવી કે જેમની કલમ પણ તેમની ક્રિયાઓ જેટલી જ શક્તિશાળી હતી; સુખદેવ, એટલે એ યુવાન જેને અંગ્રેજોના અત્યાચાર સામે લડવા બ્રીટીશર વિરોધી આખું વિદ્રોહનું સંગઠન એકત્ર કર્યું હતું; અને રાજગુરુ, જે કાચા શૌર્યનું પ્રતીક એટલે કે યુવા લોહી જે દેશની આઝાદીના યજ્ઞમાં રેડાઈ જવા તત્પર હતા. આવા યુવાન ક્રાંતિકારીઓને આજના દિવસે બ્રિટિશ રાજ દ્વારા ફાંસી આપવામાં આવી. તેઓ ફાંસીના માંચડે ચડ્યા ત્યારે એમની ઉમર અનુક્રમે માત્ર 23, 23 અને 22 વર્ષની જ હતા, પરંતુ તેમના બલિદાને એક એવો વારસો રચ્યો જે સમયને પાર આજ પણ લોકો યાદ કરે છે.
જો કોઈ પૂછે કે તેમનો ગુનો શો? તો એ ગુનો હતો ન્યાયની અવિરત શોધ અને એ અડગ માન્યતા કે ભારત સ્વતંત્ર શ્વાસ લેવાને લાયક છે. ભારત એ કોઈની ગુલામી સહન કરવા માટે નથી, આ દેશના દરેક વ્યક્તિને સ્વતંત્રતાનો પૂર્ણ અધિકાર છે.
આ શહીદોની કથા આજના સમયે ઇતિહાસના પુસ્તકોના પાનાઓ સુધી સીમિત રહી જાય એવું શક્ય નથી અને હોવું પણ ન જોઈએ. આ યુવાનોનું બલિદાન રાષ્ટ્રના આત્મામાં કોતરાયેલી એવી ઉર્જા છે જે ગુલામીની રાખમાંથી ઉભા થવાની સંભાવના અને સામર્થ્ય ધરાવે છે. ભગત સિંહના બોમ્બ માત્ર વિસ્ફોટક નહોતા; તે ગુલામીથી તેવી રહેલ માણસોના અંતરમાં આઝાદીની આગની જાગૃતિના પ્રતીક હતા, જેનો હેતુ વિનાશ નહીં, પરંતુ ગુલામ બનેલા લોકોની નિષ્ક્રિયતાને તોડવાનો હતો. તેમના લખાણો – સમાજવાદી ઉપદેશ અને સમાન સમાજની દૃષ્ટિથી ભરપૂર — એક એવી વિચારધારાને દર્શાવે છે, જે પોતાના સમયથી પણ ઘણું આગળ હતું. સુખદેવ, જે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (એચએસઆરએ) ના અજ્ઞાત સભ્ય હતા, તેમણે આંદોલનમાં શિસ્ત અને ઉદ્દેશ્ય પમ ઉમેર્યા હતા, જ્યારે રાજગુરુની સંકટ સામેની નિર્ભયતાએ તેમના સંઘર્ષને બળ આપનારા યુવાન સાહસનું એક શ્રેષ્ઠતમ ઉદાહરણ સમાજને આપ્યું.
તેમની ફાંસી તેમને શાંત કરવા માટે હતી, આઝાદીની ઉઠતી હુંકારને દબાવી દેવા માટેની હતી. જેમાં કેટલાક બની બેઠેલા ક્રાંતિકારી પણ મૌન સમર્થનમાં હતા, કારણ કે અંગ્રેજ સામે સારા દેખાવા અને સત્તાની લાલસામાં જોયા કરવાની માનસિકતાથી ગ્રસિત હતા. પરંતુ આ યુવાનોના બલિદાને આ બધાયની આશા પર પાણી ફેરવી દીધું. કારણ કે આ યુવાન બલિદાને ધર્યા કરતા વિપરીત સ્વરૂપ ધારણ કર્યું. જીવન પર્યંત જે અવાજ ન જગાડી શકી એવા એમના બલિદાની ઉદઘોષ દ્વારા ક્રાંતિની અવાજ ગુંજાયમાન બની. એમના અંત પછી એમની હુંકાર દબાઈ નહિ પણ વધુ મજબુત અને મક્કમ બની. “ઇન્કિલાબ ઝિંદાબાદ” (ક્રાંતિ જીવંત રહે) ના નારા, જે તેઓ ફાંસીના મંચ તરફ જતાં બોલ્યા, એ આજે પણ ગુલામીના સ્તરને પડકારીને ગુંજે છે, આ જ ઉદઘોષ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા એ ભેટ નથી, પરંતુ અને યુવાન લોઈ રેડીને, લડીને મેળવેલો અધિકાર છે.
બ્રિટિશે તેમના વિદ્રોહને દફનાવવાનો વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તેમણે જે ભૂલ આ ફાંસી આપવાની ચાલ દ્વારા કરી એ એમના માટે એક મોટી ભૂલ સાબિત થઇ. કારણ કે આ બલિદાન પછી ઇન્કલાબની જે ગુંજ ઉઠી અને ક્રાંતિના બીજ રોપાયા એમણે બલિદાનના 16 વર્ષ પછી ભારતની સ્વતંત્રતાના દ્વારા ખોલી નાખ્યા.
2025માં શહીદ દિવસની ઉજવણી કરતાં, તેમના બલિદાનની લગભગ એક સદી પછી, ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની સુસંગતતા હજી પણ ટકી રહી છે. એવા યુગમાં જ્યાં ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના આદર્શો નવા પ્રકારના દમન — સામાજિક, આર્થિક કે રાજકીય — દ્વારા પરીક્ષણમાં મૂકાય છે, તેમનું જીવન આપણને પ્રશ્ન કરવા, પ્રતિકાર કરવા અને કાર્ય કરવા પ્રેરે છે. તેઓ સંત કે અલૌકિક માનવો નહોતા; તેઓ સામાન્ય યુવાનો હતા જેમણે અસામાન્ય માર્ગ પસંદ કર્યો. એમનો વારસો આપણને પડકાર આપે છે: આપણે કયા મૂલ્યો માટે ઊભા રહીશું? દેશ આપણા માટે શું કરશે એ પ્રથમા આપણે દેશ માટે શું ત્યાગ કરવા તૈયાર છીએ?
આજે સમગ્ર ભારતમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે, તેમની મૂર્તિઓ પર ફૂલો ચઢાવવામાં આવશે, નેતાઓ અને વક્તાઓ દ્વારા સારા સારા ભાષણો આપવામાં આવશે અને તેમના સન્માનમાં ગીતો ગવાશે. પરંતુ સાચી શ્રદ્ધાંજલિ ઔપચારિકતામાં નહીં, કાર્યમાં રહેલી છે. કર્મો દ્વારા જ ભવિષ્યનું વાસ્તવિક સર્જન થાય છે. આ શહીદોનું સન્માન કરવું એટલે તેમના એવા રાષ્ટ્રના સ્વપ્નને અપનાવવું જ્યાં કોઈ ભય કે અસમાનતાથી બંધાયેલું ન હોય, જ્યાં ઇન્કિલાબ એક નારા તરીકે નહીં, પરંતુ જીવનશૈલીમાં રોજીંદા ક્રમ સ્વરૂપે ખીલે.
આ સંપાદકીય કલમ દ્વારા, હું અમારા વાચકોને યાદ કરવાની રીતધારાઓથી આગળ જોવા વિનંતી કરું છું. ચાલો, ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની અદમ્ય ઇચ્છાશક્તિથી પ્રેરણા લઈએ અને આપણા સમયના પડકારોનો સામનો તેમના જેવા જ જોશ સાથે કરીએ. તેમની શહાદત એ અંત નહોતી, પરંતુ એક શરૂઆત હતી. એક એવી જ્યોત જે હજી પણ તેજસ્વી રીતે ઝગમગે છે, ન્યાયી અને સ્વતંત્ર ભારતનો માર્ગ પ્રકાશિત કરે છે.
સુલતાન સિંહ
Read this in English Language (Translated from Gujarati) – Read Here
Leave a Reply