કેટલા વર્ષો થયા હશે એ જમાનાને! ૩૦-૩૫ જેટલા લગભગ… 2017-18 ની સાલ હશે. એ જમાનો અમારો હતો, યુવાની હતી, અને લવ હતો. અમે નવું નવું ઇન્ટરનેટ વાપરતા થયા હતા, પાંચ,સાત કે દસ વર્ષથી. અને એ અમારી છેલ્લી જનરેશન હતી, જે પ્રેમપત્ર અને ઇમેઇલ એકસાથે વાપરી શકતી હતી.અમ અધખુલ્લી બારીમાંથી પણ કોઈનું વેઈટ કર્યું હતું અને ઓનલાઈન ઈંતેજારમાં નિસાસા નાંખી શકતા હતા.તમને આજના યુવાનોને તો પ્રેમપત્ર શું એ પણ ખબર નહીં હોય. પણ અમે લખ્યા હતા ખુબ બધા, મીઠી મીઠી લાંબીલચક સંવેદનાઓ કાગળમાં ચિતરવાની મજા જ કૈક ઔર હોય છે. અને પછી અચાનક જ અમે છલાંગ લગાવી હતી ઇન્ટરનેટની માયાજાળ રૂપી મોહક દુનિયામાં… ઓરકુટ, ફેસબૂક, ટ્વીટર અને વોટ્સઅપની દુનિયામાં. એક નવી જ જિંદગી ખુલી ગઈ હતી, પ્રેમ માટે, દોસ્તી માટે, ટાઈમ વેસ્ટ કરવા માટે, નવું નવું શીખવા માટે..
પ્રેમ…. આ શબ્દની શું નજાકત હતી, પ્રેમ,લવ, પ્યાર શબ્દ સાંભળતા જ એક રોમાંચ છૂટી જતો. ફેસબુક પર કોઈ ગમતી કન્યા આપણું સ્ટેટ્સ લાઈક કરે, કે ઈનબોક્સ મેસેજમાં કરેલા હાઇ-હેલ્લો નો જવાબ આવતા જ શિયાળાની રાતના 2 વાગ્યે પણ પુરા બદનમાં ગરમી ચડી જતી. અને એ ફસબૂકથી શરૂ થયેલી દાસ્તાન જો વોટ્સઅપ સુધી જો પહોંચી અમારા અને આકાશ વચ્ચે વેંતછેતુ જ અંતર રહેતું. અમારા મેસેજની સામે બ્લુ ટિકની રાહમાં અમે કલાકો એના લાસ્ટસીન સામે જોયા કરતા. શું જમાનો હતો યાર.. અને વોટ્સઅપ પરથી કરેલા ફ્રી કોલમાં પહેલી વાર એનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે હાર્ટબીટ ફાસ્ટ ફાસ્ટ થઇ ગઈ હતી. ઓનલાઈન સંબંધ પછી ઓફલાઈન મુલાકાતોમાં તબદીલ થતો. મલ્ટીપ્લેક્સમાં અઢીસો રૂપિયાની ટિકિટમાં કોર્નરની સીટ પર બેસીને પૉપકોન ખાધા હતા અને પેપ્સી પીધી હતી. (હસવું આવે છે?? પણ હે યુવાનો, અમે પાંચસો રૂપિયામાં એક આખી ડેટ કરી લેતા હતા.ત્યારે અત્યારના જેવી મોંઘવારી ન્હોતી.)
અને …… અને એક દિવસ વોટ્સઅપ પર એનું લાસ્ટસીન બઁધ થયું હતું. ફેસબુક પર એની પ્રોફાઇલ દેખાતી નહોતી અને ફોન સ્વીચ ઑફ હતો. અને અમારી જિંદગીમાં એક તોફાન આવી ગયું હતું. દુનિયા ખતમ થઇ ગઈ હતી. કેવી હતી એ કોણ હતી એ પણ હું ક્યાં જાણું છું, મેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતા જોઈ હતી, જેવો કૈક ઘાટ થયો હતો. ત્યારે એક એહસાસ થયો હતો કે ટેક્નોલોજી કમ્યુનિકેશન ગમે એટલું આગળ વધે પણ જો કિસ્મત માં જુદાઈ લખી હોય તો બધું જ વ્યર્થ બની જાય છે.
“ફોન કરતા રહા ફોન ભી ના લિયા, મૈને ખત ભી લીખે સાલભર ખત લીખે, મેરી આવાઝ
પહોંચી નહીં, ખો ગયી મેરી—-કહીં…”
ચાલ્યા રાખે…લવ-બવમાં તો સુખ-દુઃખ આવ્યા કરે. એ સિવાય પણ ઘણું બધું હતું અમારી એ વખતની જિંદગીમાં. એક સલમાન હતો, એક શાહરુખ હતો, એક અમિતાભ બચ્ચન હતો,( તમે નવી પેઢી એ ખાસ એની ફિલ્મો જોઈ નહીં હોય, પણ જેના નામે અત્યારે બોલિવૂડમાં એવોર્ડ અપાય છે એ જ બચ્ચન.) બચ્ચન આમ તો અમારી પેઢીનો ના કહેવાય પણ તો ય અમે એને બીજા એક્ટર્સ કરતા વધારે ચાહતા. અને શાહરૂખે તો હમણાં થોડા સમય પહેલા જ નવરા નાટકીયા દેશભક્તિનો ડોળ કરતા લોકો થી થાકીને ફિલ્મો બનાવવાનું બઁધ કર્યું છે.પણ અમે એની પાછળ પાગલ હતા. એની હેરસ્ટાઇલ થી લઈને બોલી પણ એના જેવી રાખવાની કોશિશ કરતા. તમને એ નાનકડો કદરૂપો લાગતો હશે પણ અમારે તો એ જ હીરો હતો. ક્રિકેટમાં તમે જુવાનિયાઓ ખાસ રસ લેતા નથી. પણ એમાં તમારો વાંક નથી.તમે નાનપણમાં એક ઓવરમાં 4-5 સિક્સર જોવા આઈપીએલમાં જ ટેવાય ગયા છો.અમે પણ એ આઇપીએલથી કંટાળી ગયેલા. જો કે ત્યારે આઇપીએલનું લાઈવ ટેલિકાસ્ટ થતું. અત્યારની જેમ શૂટિંગ કરીને એપિસોડ બ્રોડકાસ્ટ નહોતા થતા.જો સમય હોય ને રસ હોય તો અમારા ટાઇમના ધોની-કોહલીને ઈન્ટરનેટ પર રમતા જોઈ લેજો. કદાચ,એ પણ તમને બોરિંગ જ લાગશે. તો પણ અમને નો માઈન્ડ.
જો કે એ સિવાય એક ખાસ વાત કે મને તમારી પેઢીની થોડીક દયા પણ આવે.તમને નવી પેઢી હવે ખુલ્લેઆમ કિસ કરી શકો છો, પણ ફિલ્મોમાં જોઈ શકતા નથી, આ બધી સંસ્થાઓએ તો હદ કરી છે યાર. એના લીધે સેન્સર બોર્ડે સિનેમામાં કિસિંગ સીન પર પણ પ્રતિબન્ધ મૂકી દીધો. પણ અમારે તો એક સન્ની લિયોન હતી, જેની પાછળ અમે તો ઠીક પણ અમારા વડીલો ય ભાન ભૂલી ગયા હતા. પણ એની સલાહ હું તમને આપતો નથી કારણ કે હવે તો તમે એને ટકકર આપે એવી લલનાઓ નેટ પર જોઈ લીધી છે.ને તમને તો સાલું આ બધું નવીન જ લાગતું નથી.પણ અમે તો પહેલા આખા મહિનામાં એક જીબી નેટ ને પછી રોજ એક જીબીની લિમિટમાં નેટ યુઝ કરતા એટલે અભાવને કારણે ક્રેઝ ઘણો વધારે રહેતો.(અમે પણ ધીમે ધીમે યૂઝડ ટુ તો થઈ જ ગયેલા.)
તમે થોડા નસીબદાર કે થોડા કમનસીબ છો… તમારે રોમાન્સ કરવા માટે હવે મોંઘા ગેસ્ટહાઉસ ને હોટેલ્સ સિવાય કોઈ જગ્યા બચી નથી. અમારા વખતે લુખ્ખા પોલીસવાળા ને અમુક સંસ્કૃતીના નકલી રખેવાળોએ પાર્કમાં પ્રેમીઓને હેરાન કરવા શરૂ કર્યું હતું. પણ હવે તો સાલું પાર્કમાં પ્રેમીઓને એન્ટ્રી પર જ પ્રતિબંધ! ને શહેરની બહાર સુમસામ રસ્તાઓ જેવું તો કંઈ બચ્યું જ નથી.બે શહેર વચ્ચેનું ડિસ્ટન્સ જ ઝીરો છે, ત્યાં તમે ક્યાં અભાગીયાઓ રોમાન્સ કરવાના હતા!
એની વે,જેવા તમારા નસીબ! મારે તો તમને યુવાનોને એટલું જ કહેવું છે કે “એ આનેવાલી નસ્લો, એ આને વાલે લોગો, ભોગા હે હમને જો કુછ વો તુમ કભી ન ભોગો, જો દુઃખ થા સાથ અપને તુમકો નસીબ ના હો, પીડા જો હમને ઝેલી, તુમસે કરીબ ના હો..”
પણ વાત વેલેન્ટાઈનની ને પ્રેમની કરું તો એવા વહેમમાં ના રહેવું કે તમે ઓડિયો વિઝયુઅલ ઓફલાઈન તમારી પ્રેમી-પ્રેમિકાને એક એક સેંકડની હિલચાલ રેકોર્ડિંગ સહિત જોઈ શકતા હો એટલે તડપવું નહીં પડે. એ તો બેડલક હશે તો ગમે એટલા ધમપછાડા પછી પણ રોવાય જ જશે.
યુવાનો અમેય પ્રેમ કર્યો છે, અમારી રીતે, તમેય કરો તમારી રીતે. પછડાટ ખાવ, ઉભા થાવ ને પ્રેમ કરવા મંડી પડો.. વિરહ અમારે પણ હતો ને તમારે પણ હશે. પણ એય એક મજ્જા છે દોસ્તો..
“કુછ સાલ પહલે દોસ્તો યે બાત હુઈ થી, હમકો ભી મહોબ્બ્ત કિસીકે સાથ હુઈ થી”
તમને લાગતું હશે કે બુઢાએ લાંબુ લેક્ચર આપી દીધું ને તમે તો સાલાઓ હવે દોઢ કલાકની ફિલ્મમાં જ બોર થઈ જાવ છો તો આવા લેક્ચરમાં તો ઊંઘ જ આવી જાય ને! પણ હું સાલું કન્ફ્યુઝ થઈ જાવ છું કે મારે તમારી પેઢીની દયા ખાવી કે અદેખાઈ કરવી?એમાંને એમાં આ બધું લાબું લચક થઈ ગયું.ચાલો હવે તમે મને કાઢી મુકો એ પેલા હું જ રજા લઉં. અમને જૂની પેઢીને પણ એટલી મેનર્સ તો છે જ.
2050 ના વેલેન્ટાઇન નિમિત્તે તમને બધાને ઇશ્ક મુબારક હો…
(રીપોસ્ટ)
~ ભગીરથ જોગીયા
Leave a Reply