એક દિવસ એવું થયું કે ટીચરે ક્લાસરૂમમાં આવીને વિદ્યાર્થીઓને પૂછી લીધું કે ૨જી ઓકટોબરે શું આવે…? અને વિધ્યાર્થીઓ એ પણ તરત જ જવાબ આપ્યો કે ગાંધી જયંતી. એટલે શિક્ષકે એમને શાબાસ કહ્યું, અને ફરી પૂછ્યું કે બીજું શું આવે…?
ક્લાસમાં મૌન પથરાઈ ગયું અને ખાસ્સા સમય સુધી બધાય એકબીજાના મુખ જોયા, પણ ક્યાંયથી કોઈ જવાબ આવ્યો નહિ. આવે પણ ક્યાંથી…?
ગાંધી જયંતિ સિવાય ૨ ઓક્ટોબરના દિવસે શુ છે એ કોઈને કદી શીખવવામાં જ નથી આવ્યું. પાછળના કેટલાક દિવસોથી આ તરફ પ્રજાનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. દોરાઈ રહ્યું છે, કારણ કે આ વિષય પર એક ફિલ્મ આવી રહી છે. પણ, હજુય લોકો આ બાબતને એટલી ગંભીરતાથી નથી લઈ રહ્યા. અમુક લોકો (બધા તો નહીં જ) એવા પણ છે કે જે આ બાબતને ગાંધીજી વિરોધી માનસિકતામાં ખપાવી દેતા જોવા મળે છે. એમનો મત એવો છે કે આ દિવસ ઉજવી મહાત્માને ઝાંખા કરવાનો પ્રયત્ન થાય છે, પણ શું વાસ્તવમાં એ કરવું શક્ય છે ખરું…? મને ઇ નથી સમજાતું કે કોઈ એકને યાદ કરવાથી કોઈ અન્યની યાદ કઈ રીતે ભુલાવી દેવાય…🤔 છતાંય આ દિવસ આહ પણ રહસ્ય છે. કારણ કે શિક્ષણ વ્યવસ્થામાં આપણને આ શીખવવામાં કે પુસ્તકોમાં ભણાવવામાં આવે તો, બાળકોને મોઢે એ દિવસ માટે બીજો જવાબ આવે ને ?
મારા ઘરની વાત કરું તો સચિવાલયનું ક્રેડીટ સોસાયટીનું કેલેન્ડર છે, ( મેં સંદેશ દ્વારા છપાયેલા કેલેન્ડરમાં પણ જોયું છે, ત્યાં પણ આવું જ છે) એ બંને રેફરન્સ તરીકે લીધેલા કેલેન્ડરોમાં ૨જી ઓક્ટોબરના ખાનામાં લખ્યું છે માત્ર ગાંધી જયંતિ. જો કે જે લખ્યું છે એ જરાય ખોટું નથી. આપણા રાષ્ટ્રીય પિતા તરીકે એમનું સન્માન જરૂરી છે. પણ તમારામાંથી કેટલાને ખબર છે કે ૨જી ઓકટોબરના દિવસે જ આ દેશના સૌથી ઈમાનદાર અને મજબુત ગણાતા દ્વિતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ પણ આવે છે. તો આ “લાલ બહાદુર શાસ્ત્રી” જન્મ જ્યંતી કોઈ કેલેન્ડરમાં કેમ નથી…? આમ જોઈએ તો શાસ્ત્રીજીને આપણે બે વખત મર્યા છે. એક વખત ભારતના ભૌતિક વિશ્વમાંથી અને બીજા સિસ્ટમેટિકલી રાજનૈતિક પોલિટિક્સની રમતમાં પ્રજાના માનસિક વિશ્વમાંથી પણ એમને મારી નાખવામાં આવ્યા.
ફિલ્મમાં કહે છે કે આ દેશ ગાંધી અને નહેરુનો છે, ત્યારે મીસ ફૂલે સહજ પણે સવાલ કરે છે કે તો શાસ્ત્રીજીનો કેમ નહિ…? અને ફિલ્મના એક પાત્રને ગુસ્સો આવી જાય છે. કદાચ આ જ ઇફેક્ટ રાજનૈતિક ધોરણે પણ અનુસરાઈ છે. જેના કારણે શાસ્ત્રીજી પ્રજાના અને દેશના મનસપટલ પરથી વિસરાઈ ગયા છે. દેશની દિશાને સૌથી મક્કમ દિશા તરફનું નિર્દેશન કરનાર સ્વતંત્ર ભારતના બીજા પ્રધાનમંત્રી અચાનક કેમ ભુલાઈ ગયા…? તમને આ પ્રશ્ન ક્યારેય થાય છે…? (નહિ થયો હોય તો નવી ફિલ્મ તાસ્કેન્ટ ફાઇલ જોયા પછી થશે) છતાંય નથી થતો, તો વાંધો નથી. પણ જો આ પ્રશ્ન તમને પણ થાય છે, તો આગળ પણ આ વાંચજો…
( નોંધ : તમે પણ તમારા કેલેન્ડરમાં શાસ્ત્રીજીની જન્મ જયંતિ વિષે લખ્યું છે કે કેમ…? જરાક, જોઈ લેજો ને )
જ્યારે પણ સ્વતંત્રતાની અને સંગ્રામોની વાત થાય છે, ત્યારે માત્ર ગણ્યા ગાંઠ્યા નામ જ સામે આવે છે. તો શું એટલા માણસો દ્વારા જ આઝાદી મળી ગઈ હશે…🤔 વિચારવા જેવું છે, થોડુંક નહિ ઘણું બધું છે, જે આ દેશના લોકોએ વિચારવા જેવું છે. અત્યારે આપણે જે વર્તમાનમાં જીવી રહ્યા છીએ, જે રાજનીતિમાં રચ્યા પચ્યા રહીએ છીએ, ત્યાં જો તમને પૂછવામાં આવે કે આ કોનો દેશ છે…? તો મોટા ભાગના લોકો દ્વારા કહેવામાં આવે છે કે, આ ગાંધી અને નેહરુનો દેશ છે. (ફિલ્મમાં પણ આ જ દ્રશ્ય આજના એક આખાય પ્રવાહને દર્શાવે છે) કેમ…? આ દેશ લાલ બહાદુર શાસ્ત્રી કે એમના જેવા અસંખ્ય બલિદાની આપનાર લોકોનો નથી…? ખરેખર વિચારજો… આઝાદ, ભગતસિંહ, બોઝ, સુખદેવ, લક્ષ્મીબાઈ, પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ એવા તો અસંખ્ય નામ છે… પણ એના માટે સંશોધન કરવું પડશે. સહજ તો અમુક જ નામ સાંભળવા મળશે…
પોલીટીક્સ અને જીઓ પોલીટીક્સ આ બંને સમજવું એ સામાન્ય માણસના સમજ કે ગાજના બહારની વાત છે. અમેરિકામાં કોણ જીતે એના પર દુનિયાની નજર રહે છે, એ જ રીતે દરેક દેશના રાજકારણ પર દુનિયા ચાંપતી નજરે પોતાનો લાભ જોતી હોય છે. કારણ કે આ યુગ બ્લડ વોર નહિ પરંતુ કોલ્ડ વોરનો છે, દરેક દેશ અન્ય દેશના રાજકારણમાં પોતાના દેશના હિતને ધ્યાનમાં રાખતો હોય છે. પણ આ બધી બહુ ઊંડી અને મોટી મોટી વાતો છે, આપણને આ બધું સમજાઈ જવું થોડું અઘરું છે. સામાન્ય માણસને તો એનું પેટ ભરાય ત્યાં સુધી જ એની જિંદગી છે બાકી એની બહારની એને ખબર પણ પડતી નથી, કે રાજનકારણીઓ એમને ખબર પણ પાડવા દેવા નથી માંગતા. વાસ્તવમાં આ બધું એવું પોલિટિકલ ચક્રવ્યૂહ છે જ્યાં માત્ર તેમને જ આગળ કરવામાં આવે છે, જેમના નામથી રાજકીય ફાયદાઓ લઈ શકાતા હોય. ગાંધીજી ગમે તેટલા મહાન હોય (એમની મહાનતા બાબતે લેશ માત્ર સંદેહને સ્થાન નથી, પણ એમના નામનો રાજનૈતિક લાભ સૌથી વધુ મળતો હોવાથી એમનું કદ સદંતર આજે પણ વધતું રહ્યું અને બીજા અસંખ્ય નામો સદંતર હાંસિયામાં ધકેલાઈ ગયા. એટલી હદે આ કદ વધ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીના નામોમાં ભારતના ૮૦% લોકો ૧૦થી વધુ વ્યક્તિત્વને ઓળખતા પણ નહીં હોય. આજે પણ દરેક પાર્ટીઓ અમુક નિર્ધારિત નામો પર જ ચાલે છે.)
આપણે વાત કરી રહ્યા છીએ, એક સમયે ભારતના મજબૂત વડાપ્રધાન રહેલા લાલ બહાદુર શાસ્ત્રીજી વિશે. એ સમય હતો ૧૯૬૫નો, ત્યારે ઈમાનદારી જેમની રગે રગમાં ભરી છે એવા નેતા લાલ બહાદુર શાસ્ત્રી ભારતના દ્વિતીય વડાપ્રધાન પદ શોભાવતા હતા…!!
એમના દ્વારા ઈમાનદારીનો પરિચય એટલે આપી શકાય કે આટલા મોટા લોકતંત્રનાં વડાપ્રધાન થઈને પણ એમણે એમ્બેસેડર કાર લોન લઇને ખરીદી હતી. કહેવાય છે કે એક વખત જ્યારે એમની પત્ની માટે સાડી ખરીદવા ગયા, ત્યારે દુકાનદાર મોંઘીદાટ સાડી બતાવવા લાગ્યો. પણ શાસ્ત્રીજી એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાઈ ખિસ્સામાં અત્યારે આટલા રૂપિયા જ છે, એટલે એ પ્રમાણેની જ સાડી બતાવો..!
છેને કમાલ નેતા..!!
પણ શાસ્ત્રીજીના મૃત્યુ વિશેના અઢળક રહસ્યો આજે પણ અકબંધ છે, કારણ કે આપણે ઘણા મહાન વ્યક્તિત્વને આજે પણ નથી જાણતા. જેનું કારણ છે પોલિટિકલ લાભની રાજનીતિ અને એના આધારિત સદંતર નમતો જતો નિતીપ્રવાહ. પણ એક ફિલ્મના કારણે ફરી એકવાર આ વિષય લોકોમાં ચર્ચા જગાવી રહ્યો છે. તો જાણીએ આ બાબતે થોડુંક વધુ…
શાસ્ત્રીજીની સાચી સરનેમ હતી શ્રીવાસ્તવ, પણ જાતિમાં ન માનનારા આ માણસે પોતાની સરનેમ બદલીને શાસ્ત્રી કરી નાખી, જેથી તે કઈ જાતિના માણસ છે એ કોઈને ખબર જ ના પડે. એમણે પોતાની પત્નીને પણ ખાદી પહેરવા પ્રેરેલા અને મૃત્યુ પછી એમની પાસે માત્ર એક કાર જ હતી એ પણ સરકારી લોન પર લીધેલી
તમને ખબર હોય તો ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એક તરફ અન્ય દેશોની નજર કદાચ ન્યુક્લિયર ક્ષેત્રે ભારતની હરણફાળ પર હતી. એટલે જ જીઓ પોલીટીકલ સમીકરણો તો ભારતના પક્ષમાં જરાય ન હતા, તેમ છતાંય ‘બહાદુર’ શાસ્ત્રીજીના ઓર્ડર પર ભારતીય સેનાએ પાકિસ્તાનને યુદ્ધ ભૂમિમાં ધૂળ ચટાડી દીધી હતી અને પાકિસ્તાન એ યુદ્ધ ભારત સામે હાર્યું હતું. ડર્યા વગર દુશ્મન સમક્ષ સામી છાતીએ ઉભા રહે એવા સ્વતંત્ર ભારતનાં પહેલા બહાદુર અને બીજા વડાપ્રધાન શાસ્ત્રીજી હતા…!
એ પછી તાસ્કંદ એગ્રીમેન્ટ (ભારત પાકિસ્તાન શાંતિ એગ્રીમેન્ટ) કરવા માટે શાસ્ત્રીજી રશિયા ગયા અને અયુબખાન સાથે એમની મુલાકાત થઇ, અને એ પછી જ રાત્રે રહસ્યમય પ્રકારે એમનું મૃત્યુ થયું. ત્યારે ભારત સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે તેમનું મૃત્યુ એ હાર્ટ એટેકને કારણે થયું હતું. પણ કેટલાક એવા સળગતા પ્રશ્નો છે, જે તેમના મૃત્યુને આજ પણ વધુ રહસ્યમય બનાવે છે…!!
( મૃત્યુ સમય : ૧૧ જાન્યુઆરી ૧૯૬૬ સવારે ૧:૩૨ મિનિટ )
★ વિશ્વના સૌથી મોટી લોક વ્યવસ્થાના વડાપ્રધાનનું મૃત્યુ વિદેશી ધરતી પર (તાસ્કેન્ટ, રશિયામાં) થયું હોવા છતાં પણ એમની બોડીનું પોસ્ટમોર્ટમ સુધ્ધાં કરવામાં કેમ ન આવ્યું…? આવ્યું હોય તો એની રિપોર્ટ કેમ પબ્લિકલી ઉપલબ્ધ નથી કરવામાં આવી.
★ શાસ્ત્રીજી જે લાલ ડાયરી અને દૂધ પીવા માટે પોતાની સાથે થર્મોસ રાખતા હતા, એ બંને વસ્તુઓ એમના મૃત્યુ પછી પણ ફરીને ભારત પરત કેમ ન આવી…? શુ એ રહસ્યમયી રીતે લુપ્ત થઈ ગઈ…?
★ શાસ્ત્રીજીના મૃત્યુ બાદ શાસ્ત્રીજીનાં બે મેડીકલ રિપોર્ટ બન્યા હતા. જેમાંથી એક રિપોર્ટ રશિયાની સરકાર જોડે અને બીજો રિપોર્ટ ભારત સરકાર જોડે આવ્યો, બંને અલગ છે. આ રિપોર્ટ પ્રમાણે એક રિપોર્ટમાં ૮ માંથી માત્ર ૬ ડોકટરોએ જ સાઈન કરી છે, તો બે ડોક્ટરોએ સાઈન કેમ ન કરી…? (કહેવાય છે કે શંકાસ્પદ મૃત્યુ વાળા રિપોર્ટમાં આઠેયના સિગ્નેચર હતા, પણ જેમાં ધરાર હાર્ટ અટેક સુચવાયું એમાં છ જણે જ સાઈન કરેલા. તો પ્રશ્ન એ થાય કે એવું કયું કારણ હતું કે બે ડોકટરોએ ધરાર હાર્ટ અટેક ન સ્વીકારતા સહી ન કરી…?)
★ જે રાત્રે શાસ્ત્રીજીનું મૃત્યુ થયું (જેને સરકાર દ્વારા હાર્ટ અટેક કહેવામાં આવ્યું) એ જ રાત્રે શાસ્ત્રીજીનાં કુક અચાનક કેમ બદલી નાખવામાં આવ્યા…? શુ કુક બદલવા પાછળ કોઈ ચાલ હતી કે પછી એમ જ…? અને જો અમસ્થુ હોય તો, કુકનું ટૂંકા ગાળામાં અકસ્માત નિધન શા માટે…?
★ કહેવાય છે કે શાસ્ત્રીજીના બે પર્સનલ મદદનીશ હતા. કદાચ બે જ આઈ વિટનેશ પણ હોઈ શકે. તો પછી શાસ્ત્રીજીના મૃત્યુ પછી તરત જ એ બંનેનું અકસ્માતમાં મૃત્યુ કેમ…? રામનાથ પર્સનલ અટેન્ડન્ટ હતા જેમના એક એક્સિડન્ટમાં એ બચ્યો પણ એણે પગ ગુમાવી જીવ બચાવ્યો અને બીજામાં મરી ગયો. બીજા હતા ડૉ આર.એન.ચુગ એમની પણ અમુક દિવસે ડેથ થઈ ગઈ, એ પણ કાર એક્સીડેન્ટ (અગેઇન નો વિટનેશ, નો ઇન્કવાઈરી એન્ડ નથિંગ) એ પણ અકસ્માતમાં જ કેમ…?
★ શાસ્ત્રીજીએ મારતા પહેલા એમનાં ઘરે કરેલ ફોનમાં એમ કહ્યું હતું, કે હું એક સ્પેશયલ માણસને મળ્યો છું. ભારત આવીને આ અંગે વધુ જાણકારી આપું. એ સ્પેશીયલ પર્સન એમનાં ફોટોઝમાં દેખાય છે એમ બોઝ જેવા દેખાતા હતા. તો શું એ વ્યક્તિ બોઝ જ હતા ? (બોઝ એમ પણ રૂપ બદલવામાં માહેર હતાં)
★ મેડીકલમાં સામાન્ય રીતે જોતા બે પ્રકારે ઇન્જેક્સ્ન આપવામાં આવે છે ઈમરજન્સી અને સામાન્ય. ઈમરજન્સી હોય તો મસ્ક્યુલર લેવલ પર અપાય જેથી દવા જલ્દી શરીરમાં પહોંચે એટલે આ સીધું નસની અંદર આપવામાં આવે પણ શાસ્ત્રીજીને એમ ન આપાયું. એમની હેલ્થ ઈમરજન્સી સ્થિતિમાં હોવાથી એમને મસ્ક્યુલર પ્રકારનું જ ઇન્જેક્શન અપાય, જેથી દવા એમને તરત અસર કરે. પણ ડોક્ટરની રિપોર્ટ મુજબ એમને ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શન અપાયું હતું. (ઇન્ટ્રા મસ્ક્યુલર ઇન્જેક્શનમાં દવા સામાન્ય રીતે મસ્ક્યુલર કરતા ઓછી ઝડપે અસર કરે છે) શુ આ કોમન વાત મેડિકલ ડૉક્ટર્સને નહિ ખબર હોય. કોમનસેન્સ પણ નહિ, અથવા એવું પણ બને કે જાણી જોઈને આ બધું કરવામાં આવ્યું હોય…?
★ ઘણી બધી અફવાઓ મુજબ એવું પણ કહેવામાં આવે છે, કે શાસ્ત્રીજીને હાર્ટ એટેક નહિ પણ ઝેર આપીને મારવામાં આવ્યા હતા. એમનું શરીર મૃત્યુ પછી કાળું/જાંબલી પડી ગયું હતું અને તેમના મૃત દેહ પર કેટલાક લોહીના કટસ પણ હતા. જો વાસ્તવમાં એ હાર્ટ અટેક જ હોય, તો એના સિમ્પટમ્સ એવા કેમ હશે…? બીજું શાસ્ત્રીજી હાર્ટ અટેક પેશન્ટ હતા, છતાં અમુક રિપોર્ટ્સ મુજબ એમને ઓક્સિજન નહોતો અપાયો…? એવું કેમ…? જો કે હાર્ટ પેશન્ટ માટે એ જરુરી હોય છે.
★ તાસ્કંદ જે હોટલમાં શાસ્ત્રીજીને રોકાવાનું હતું એ અંતિમ સમયે બદલી નાખવામાં આવી. અને એમનું રહેવાનું આયોજન હોટેલના સ્થાને એક બંગલામાં કરવામાં આવ્યું… (એક લોજીક પ્રમાણે કદાચ હેલ્થ ઇસ્યુ ધ્યાનમાં લેતા સીડીયો ન ચડવાનું કારણ હોઈ શકે, જે હેલ્થ માટે ફિટ ન હતું. એટલે બંગલો પસંદ કરાયો હોય. છતાંય પ્રશ્ન તો રહે જ કે આ છેલ્લી ઘડીએ જ કેમ…? હોટેલ નહિ ને બંગલો…? બે હાર્ટ અટેક આવેલ હોવા છતાં એમના રોકાણ સ્થળે ઓક્સિજન કે ઓપરેશન થિયેટર પણ નહીં. પ્રધાનમંત્રી લેવલના વ્યક્તિ માટે પ્રોટોકોલ પણ કોઈ વસ્તુ હોય કે નહીં…?)
★ હોમી ભાભાનું પણ મૃત્યુ, જેમના અંડરમાં ભારત ન્યુક્લિયર ક્ષેત્રે શાસ્ત્રીજીની દેખરેખમાં કામ કરી રહ્યું હતું. શાસ્ત્રીજીના મૃત્યુના ૧૩માં જ દિવસે એમનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું…? શાસ્ત્રીજી સાથે જોડાયેલા લોકો સાથે જ એક પછી એક આ બધું કેમ…?
આટલા બધા ડાઉટ્સ આંખો સમક્ષ હોવા છતાં પણ શા માટે સરકાર દ્વારા એમની બોડીનું પોસ્ટમોર્ટમ ન કરવામાં આવ્યું…? શાસ્ત્રીજી સામાન્ય માણસ નહિ પણ ભારત દેશના પ્રધાનમંત્રી હતા. જો કે આ બધી તપાસ માટે કેટલીક ઈન્કવાયરી પણ બેસાડવામાં આવી. છતાં પણ કોઈ જ પ્રકારનું કોન્ક્રીટ સોલ્યુશન ત્યારે હાથ ન લાગ્યું. એટલું જ નહી પણ તેમના મૃત્યુ અંગેનાં અમુક ડોક્યુમેન્ટસ પણ આજ સુધી બહાર નથી આવ્યા, અને ઘણી બધી વાતો ત્યારે પણ છુપાવવામાં આવી હતી અને આજે પણ એ બધું એક રહસ્ય જ છે..!!
જો એ વખતના જીઓ પોલીટીક્સની વાત કરવામાં આવે, તો રશિયાની KGB અને અમેરિકાની CIA વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું. ભારત એ બંને દેશ માટે ત્યારે મહત્વપૂર્ણ કડી હતું. પણ તેમ છતાંય ભારત હમેશાં બંને દેશ વચ્ચેનાં યુદ્ધમાં ચુપ રહેતું હતું. તો શું આ પ્રકારનો વિવાદ ઉભો કરીને બે માંથી કોઈ એક દેશ ભારતની શાંતિ ભંગ કરી, ભારતને કોઈ એક પક્ષમાં આવવા માટે મજબુર કરવા માંગતો હોય એવું બની શકે ખરું…?
જોગાનુજોગ એ જ વખતે ભારત ન્યુક્લિયર પર પોતાનું કામ કરી રહ્યું હતું. શાસ્ત્રીજીએ આ કામ હોમી ભાભાને સોંપેલું. હોમી ભાભા એમાં મુખ્ય લીડર હતા, શાસ્ત્રીજીની પરમીશન હતી. ૧૧ જાન્યુઆરી ૧૯૬૬નાં દિવસે શાસ્ત્રીજીનું મૃત્યુ થયું અને એના ૧૩ દિવસ પછી એક પ્લેન અકસ્માતમાં ૨૪ જાન્યુઆરી ૧૯૬૬નાં દિવસે હોમી ભાભાનું પણ મૃત્યુ થયું…!! પાછો અકસ્માત…? હોમી ભાભા જોડે કેમ…? શુ વિશ્વની નજર ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામ પર હતી…? શુ આ બધા વચ્ચે કોઈ સમાનતાઓ કે લિંક હતી…? કે અમસ્થા જ આ આખી ભ્રમજાળ રચાઈ રહી હતી…?
ભારતનું પોલીટીક્સ..!!
શાસ્ત્રીજી ભારતના ઈમાનદાર અને મજબુત નેતાઓમાના એક હતા, અને જ્યાં સુધી એ વડાપ્રધાન બની રહે ત્યાં સુધી ‘બીજા કોઈનો’ ચાન્સ આવે એમ ન હતો. એટલે પણ તેમના મૃત્યુ પર કેટલાક પડદા પાડવામાં આવ્યા હોય. એવું બની શકે ખરા…?
આટલા બધા સવાલો છુપાયેલા છે, ભારતના મજબુત અને ઈમાનદાર નેતા શાસ્ત્રીજીના મૃત્યુ પાછળ. પણ આટઆટલા સવાલો છંતાય આજ પણ કોઈ પુખ્તા સબુત નથી. અને સબુત વગર તો ન્યાય તંત્રમાં શું થાય..!!
( આ બધાં સવાલો તાસ્કંદ ફાઈલ જોયા પછી હજુ પણ મગજમાં ઘૂમી રહ્યા છે..)
માહિતી શોધ, સુધાર અને આલેખન : સુલતાન સિંહ
મૂળ આર્ટિકલ લેખન : જય ગોહિલ
( નોંધ : આખોય આર્ટિકલ ૧૦૦% સત્ય હોવાનો કોઈ દાવો નથી કરવામાં આવી રહ્યો, પણ હા ૧૦૦% અસત્ય પણ નથી. આ બધા મુદ્દાઓ પર આખી ફિલ્મ તૈયાર થઈ છે જે સેન્સર પણ થઈ છે એટલે નક્કર એમાં સત્ય હશે જ… બીજું કે સંપૂર્ણ સત્યતા નથી એમ અસત્યતા પણ નથી. હા અર્થઘટન કદાચ સહેજ થોડું બહુ વિષયથી દૂર જતું લાગી શકે છે. એટલે દરેક વાંચકે કોઈ પણ બાબત સંપૂર્ણ સત્ય માનતા પહેલા એકવાર ચકાસવા પ્રયત્ન જરૂર કરવો. સુધાર હોય તો કમેન્ટમાં સૂચન કરી શકશો. અસ્તુ…)
Leave a Reply