જાતમાંથી કંઈક જાતું હોય છે,
આ બધુ ત્યારે લખાતું હોય છે.
ક્યાં ગજું છે આપણા આ કંઠનું?,
કોઈ આવીને જ ગાતું હોય છે.
– નીતિન વડગામા
ડો. શરદ ઠાકરે એમના એક પ્રવચનમાં કહેલું કે, જ્યારે તમે સમાજ માટે કલમ ઉપાડો ત્યારે કોઈ અદ્રશ્ય શક્તિ આવીને તમારી પાસે લખાવી જતી હોય છે. તમારું પોતાનુ જ લખાણ વાંચીને તમને એવું લાગે કે આવું તો હું ન લખી શકું. ‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય. ‘ગબ્બર ઈઝ બેક’ જોયા બાદ મારે તો માત્ર એટલુ જ કહેવાનું હતું કે, ‘ફિલ્મની હોસ્પિટલ સિકવન્સમાં જે બતાવ્યુ છે તેવું બન્યુ પણ હોઈ શકે અથવા બની પણ શકે છે. એ ફિલ્મ સામેનો ઈન્ડિયન મેડિકલ એસો.નો વિરોધ ગધેડાને તાવ આવે એવો છે.’ પરંતુ અનાયાસે જ અનેક વિગતો-ઉદાહરણોના અંકોડા જોડાતા ગયા અને એક અતિશય લાંબો લેખ લખાઈ ગયો. આજે લોકો પાસે વાંચવાનો સમય નથી. લોકો લાંબુ વાંચતા નથી અને સોશ્યલ મીડિયા પર તો હરગિઝ નહીં. એવી પ્રચલીત માન્યતા વચ્ચે લેખ સારો હોવાનો વિશ્વાસ હોવા છતાં બહુ પ્રતિભાવોની મને પોતાને જ અપેક્ષા નહોતી. પણ તમે જ્યારે કોઈ સામાજિક નિસબત સાથે કલમ ચલાવો ત્યારે કદાચ કોઈ અદ્રશ્ય શક્તિ માત્ર તમારી પાસે લખાવી જ નથી જતી પરંતુ એક વિશાળ વર્ગને એ લખાણ વંચાવી પણ જતી હોય છે!
એ લેખ ફેસબુક પર મુક્યા બાદ એનું જે ઝડપે અને જેટલુ શેરિંગ થયુ એ અકલ્પનિય હતું. લોકો ખાસ વાંચવાની ભલામણ કરીને એ લેખ શેર કરી રહ્યા હતા. કદાચ પોતાની અને સાચી વાત પડઘાતી લાગે ત્યારે સમાજ એ લખાણને સામેથી જ ઝીલી લેતો હોય છે. એ લેખ માટે પત્રકારત્વ-લેખન ક્ષેત્રના મારા કેટલાક આદર્શોએ મને કહેલા શબ્દો મારા માટે કોઈ એવોર્ડથી કમ નહોતા. મેડિકલ ફિલ્ડમાં માલ પ્રેકટિસિંગ અંગેના સુગર કોટિંગ વિનાના કડવા ડોઝને અનેક તબીબ મિત્રો-વડીલોએ પણ ઉમળકાભેર આવકાર્યો. મારા એફબી ઈનબોક્સ અને વોટ્સએપમાં જેમને તબીબીઆલમના કડવા અનુભવો થયા હોય એમના મેસેજીસનો ઢગલો થવા લાગ્યો. લેખ મુકાયાની ગણતરીની મિનિટોમાં જ વોટ્સએપમાં એક તબીબમિત્રનો મેસેજ ટપક્યો. લખ્યું હતું, ‘તમારો મેડિકલ વિશેનો લેખ ગમ્યો. એક અંગત અનુભવ કહું છું. જે તમે મારું નામ લીધા વિના લખો એવી ઈચ્છા છે. જેથી દુનિયાને ખબર પડે કે આ ફિલ્ડમાં આવું પણ ચાલે છે અને અહીં કેટલાક ફરજનિષ્ઠોને તેમની ઈમાનદારી બદલ કેટલુ વેઠવું પડે છે.’
આગળ તેઓ પોતાનો અનુભવ લખે છે, ‘હું એક જાણીતી કાર્ડિયાક હોસ્પિટલમાં જોબ કરતો હતો. રોઝાના દિવસોમાં રાત્રે એક પેશન્ટ આવ્યું. હું મેડિકલ ઓફિસર તરીકે નાઈટ ડ્યુટી પર હતો. પેશન્ટની ઉંમર પિસ્તાલિસેક વર્ષ હશે. રોઝા કરવાના કારણે એમનું સુગર ઘટી ગયેલું. જેના કારણે ચેસ્ટ પેઈન થતા તેઓ હોસ્પિટલે દોડી આવેલા. મેં ઈ.સી.જી કાઢીને તરત જ કહી દીધુ કે નોર્મલ પેઈન છે. આમ છતાં કાલે ફિઝિશિયન આવે એટલે બતાવી જજો. જેથી તમને સારું લાગે. બીજે દિવસે રાત્રે હું જ્યારે ડ્યુટી પર આવ્યો ત્યારે જોયું કે એ પેશન્ટ(વિના કારણે અને વિના વાંકે) આઈ.સી.યુમાં હતું. અને એ ફિઝિશિયને મારી ખબર લઈ નાખી. એ ફિઝિશિયનનું સાહિત્યીક કાર્યક્રમોના આયોજનોમાં પણ મોટું નામ છે.’
બીજા એક પેથોલોજિસ્ટ મિત્રએ લેભાગુ પેથોલોજી લેબોરેટરીઝ દ્વારા થતા ચોંકાવનારા ‘સિંક ટેસ્ટ’ તરફ ધ્યાન દોર્યુ. ઘણી વાર તબીબે એક જ દર્દીને ઘણા બધા ટેસ્ટ કરાવવાના લખી આપ્યા હોય છે. હવે લેબોરેટરીઝ સાથે ડોક્ટરનું સેટિંગ હોય અથવા લેબોરેટરીઝ ડોક્ટરની મથરાવટી જાણતી હોય કે માત્ર દર્દીને ખંખેરી ખાવાનો ખેલ હોય એ તો રાજા રામ જાણે પણ ઘણી લેબ લખી આપેલા ટેસ્ટ પૈકીના અમુક કરે અને એ જો નોર્મલ આવે તો બાકીના ટેસ્ટ કર્યા વિના એમ જ નોર્મલનો રિપોર્ટ આપી દે. જેમ કે બ્લુડ સુગરમાં બે ટેસ્ટ થાય. ફાસ્ટિંગ અને પીપી. જો આ પૈકી એક નોર્મલ હોય તો બીજુ ટેસ્ટ કર્યા વિના જ નોર્મલ લિમિટમાં આપી દે. એ માટેનું સેમ્પલ સિંકમાં ઢોળી દેવામાં આવે. એટલે એને ‘સિંક ટેસ્ટ’ કહેવાય.
ડોક્ટર્સની પોલ એમ.આર.થી વધારે કોને ખબર હોય…? એમ.આર. રહી ચૂકેલા અને હાલ ફિલ્મ નિર્માણ અને લેખન સાથે સંકળાયેલા રાજકોટના લેખક મુકુલ જાની કહે છે, ‘લેબ.વાળાની માલ પ્રેકટિસ ડોક્ટરની મીઠી નજર નીચે જ ચાલતી હોય છે.’ મુકુલ જાનીએ એમના બ્લોગ પર લખેલા એક લેખમાં લેબોરેટરીઝની માલ પ્રેકટિસનો જૂનાગઢનો એક અદભુત કિસ્સો નોંધ્યો છે. તેઓ લખે છે કે – ‘ એક પેશન્ટને ઇ.એસ.આર. આફ્ટર વન અવર નામનો રિપોર્ટ દસ મિનિટમાં આપી દેવામાં આવ્યો, લેબવાળાના કમનસીબે, દર્દીની સાથે જે સગો હતો એ પેરા મેડિકલ પર્સન એટલે એને સવાલ તો થાય જ કે ટેકનીકલી જે રિપોર્ટ કરવા માટે આખા વિશ્વમાં ક્યાંય પણ એક કલાકનો સમય ઓછામાં ઓછો જોઈએ (અને જેનું નામજ ઇ.એસ.આર. આફ્ટર વન અવર છે!) એ રિપોર્ટ, આ લોકોએ દસ મિનિટમાં આપી દીધો, તો એવી કઈ ટેક્નોલૉજી લઈ આવ્યા કે હજુ અમેરિકાને પણ ખબર નથી!
હવે એમના જ લેખના એક એવા કિસ્સાની વાત, જે વાંચીને હાલત ફિલ્મ ‘અપરિચિત’ના અંબી જેવી થઈ ગઈ. શ્વાસોચ્છવાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. દિમાગ બોઈલરની જેમ ફાટવા લાગ્યુ. મગજની નસો પણછની જેમ ખેંચાઈને છટકવા લાગી. ડોક્ટરની બેદર્દીનો એક એવો કિસ્સો, જે વાંચીને આ શ્રેણીનો બીજો લેખ લખ્યા વિના રહી ન શક્યો. વાંચો રાજકોટનો એ કિસ્સો મુકુલ જાનીના જ શબ્દોમાં.
* * *
“આયેશાના બાપુ, કહું છું રહેવા દો, આવું નાપાક કામ ના કરાવો, પરવરદિગારના ગુનેગાર ઠરીએ, કયામતના દિવસે ખુદાતાલાને શું જવાબ દઈશું…? દીકરો હોય કે દીકરી, છે તો આપણું જ ફરજંદ ને!”
“બસ…હવે મારે કંઈ સાંભળવું નથી, એક દીકરી છે, એટલે બીજી તો ન જ જોઈએ, બેટો હોત તો બરાબર હતું..”
એ યુવાન દંપતી સોનોગ્રાફી કરાવી એ હોસ્પિટલની બહાર નીકળતાં રકઝક કરતું હતું જેને અમે, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ્ઝ, એ સમયે શહેરના સૌથી મોટા ‘કતલખાના’ તરીકે ઓળખતા. અલ્તાફ અને ઝુબૈદા, મારા એક સાથી મેડિકલ રિપ્રેઝ્ન્ટેટીવના સગાં હતાં અને શહેરથી ત્રીસેક કિલોમીટર દૂરના એક તાલુકા મથકેથી આવેલાં. એક છ વરસની દીકરી હતી આયેશા, અને ઝુબૈદા હવે ફરીથી ગર્ભવતી હતી. અલ્તાફને કોઈ સંજોગોમાં દીકરી નહોતી જોઈતી, એટલે ઝુબૈદા બેગમને સોનોગ્રાફી માટે લઈ આવેલો. અહીંનો રિપોર્ટ સ્પષ્ટ કહેતો હતો કે ગર્ભમાંનું સંતાન ફીમેલ છે, અને ઝુબૈદા આ પાપ કરવા તૈયાર નહોતી, એની આ બધી લમણાઝીક હતી. છેવટના ઉપાય તરીકે, આ આખો કેસ મારા એ મિત્ર એમ.આર. પાસે આવ્યો જેના આ સગાં હતાં. એણે આ આખી ઘટના સાંભળી જે જગ્યાએ સોનોગ્રાફી કરાવેલી એ કુખ્યાત હોસ્પિટલનું નામ સાંભળી દાળમાં કાળું હોવાની શંકા ગઈ એટલે બીજા એક જાણીતા ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું.
જે નવો સોનોગ્રાફીનો રિપોર્ટ આવ્યો એ જોઈને અલ્તાફ, ઝુબૈદા અને અમારા બધાના પગ તળેથી ધરતી ખસી ગઈ! એ એટલા માટે કે અમે જેને કતલખાનું કહેતા એ હોસ્પિટલનો રિપોર્ટ સદંતર ખોટો હતો, એ હોસ્પીટલના રિપોર્ટ મુજબ ઝુબૈદાના ગર્ભમાં એક જ સંતાન હતું અને એ ફીમેલ, જ્યારે હકીકત એ હતી કે ઝુબૈદાબાનો ના પેટમાં એક નહીં પણ બે શિશુ આકાર લેતાં હતાં. અને એમાંયે એક દીકરો અને એક દીકરી. આ આખી ઘટનાને સીધીસાદી રીતે સમજવાની કોશિશ કરીએ તો, પહેલાં જ્યાં રિપોર્ટ કરાવેલો એ હોસ્પિટલમાંથી જાણી જોઈને ખોટો રિપોર્ટ આપવામાં આવેલો જેથી આ કતલખાને આવેલું ‘ઘરાક’ પાછું ન જાય. એક તો ભૃણહત્યાનું કામ જ સાવ અનૈતિક અને ગેરકાનૂની પણ અહીં તો કમાવાની લાલચમાં ડૉક્ટર અનીતિના તમામ પાતાળ ભેદી ગયા હતા. આજે અલ્તાફ, ઝુબૈદા અને એનાં ત્રણ સંતાનોનો પરિવાર ખુશખુશાલ છે, પણ બીજા કેટલાયે પરિવારો એવા હશે જે અહીં આ પાપ કરવા માટે આવ્યા હશે અને જાણ્યે અજાણ્યે, એમના આ પાપની સજા એમને આ ડૉક્ટરના હાથે જ મળી હશે.
એ હોસ્પિટલ શહેરનું સૌથી મોટું કતલખાનું હતું. આવા બીજા તો અનેક કતલખાના ત્યારે હતા અને આજે પણ ધમધમે છે.
* * *
ઉપરવાળાની મહેરબાની હતી કે અલ્તાફ-ઝુબૈદાના ભાવિ સંતાનો બચી ગયા, નહીં તો સમાજમાં દેવદૂત મનાતો એ સફેદપોશ થોડા રૂપિયા માટે યમદૂત બની બેઠો હતો. વિધાતાએ લખેલા લેખ આડે દાટા દેવા તૈયાર થયો હતો. કોઈના બે અણમોલ રતનને આ ધરતી પર અવતરતા એ અટકાવી દેવાનો હતો. માત્ર થોડા રૂપિયા માટે. ધિક્કાર હો. જેની કૃપાથી આવા લોકો એમબીબીએસ કરી શક્યા હોય તે દેવી સરસ્વતી આમના પર કોપાયમાન નહીં થતી હોય…? આવા ટાણે આવા લોકોની વિદ્યા કુરુક્ષેત્રના કર્ણની જેમ ભુલાઈ શા માટે નહીં જતી હોય…? દીકરો મેળવવાની લ્હાયમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવા હાલી નીકળેલા લોકો તો અજ્ઞાની હોય, પણ એમને સમજાવીને સાચા માર્ગે વાળવાની ઉચ્ચ શિક્ષિત તબીબની ફરજ નથી…? ઝુબૈદાની કુખમાં ઉછરી રહેલા બે બે ફૂલને ધુળમાં મેળવી દેવાનો અધિકાર એ તબીબને કોને આપ્યો…? બધા આવા નથી હોતા પણ આવા કેટલાકના કારણે આખા તબીબી વ્યવસાય પરના લોકોના વિશ્વાસના પાયા હચમચી રહ્યા છે.
ફ્રિ હિટ્સ
એક ખાનગી હોસ્પિટલનું દ્રશ્ય:
આજે આપણે એક દર્દીને ગુમાવી દીધો.
– કેમ? શું થયું?
એ સાજો થઈ ગયો.
* * *
દર્દી: ડોક્ટર તમે સ્યોર છો ને કે મને ન્યૂમોનિયા જ છે. મેં ક્યાંક સાંભળેલુ કે એક ડોક્ટર દર્દીને ન્યૂમોનિયાની સારવાર આપતા રહ્યાં અને એ દર્દી ટાઈફસ (પરોપજીવી જંતુના ચેપથી આવતો તીવ્ર ચેપી તાવ)થી ગુજરી ગયો.
ડોક્ટર: તમે ચિંતા ન કરો. મારા કેસમાં એવું નહીં થાય. હું કોઈને ન્યૂમોનિયાની સારવાર આપુ તો એ ન્યૂમોનિયાથી જ મરે છે
~ તુષાર દવે
આર્ટિકલ લખાયા તારીખ : ૨૩-૦૬-૨૦૧૫
Leave a Reply