ચીન સાથેનાં લદાખમાં થયેલાં સ્ટેન્ડઓફ, એના સાઇકોલોજિકલ વોરફેર, ગલવાન પર જવાનોએ ચીનાઓને ચટાવેલી ધૂળ વિષે મેં આગળના આર્ટીકલમાં વાત કરી હતી. એ સાથે જ પેન્ગોંગસુ લેક પર ચાલી રહેલા હાલનાં સ્ટેન્ડઓફ વિશે પણ મેં ક્લીયર કહ્યું હતું. ચાઈનાએ એની જિંદગીમાં ભૂલ એ કરી એણે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર બનવાનો નિશ્ચય તો કર્યો પણ એણે એને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાંથી કાઢવા માટેનો એક સૌથી મુર્ખ એવો નિર્ણય લીધો. એમાંય ઓગસ્ટ ૨૦૧૯માં ભારત સરકારે ૩૭૦ હટાવીને એ નિશ્ચિત કરી લીધું કે આજ નહિ તો કાલે અમે પી.ઓ.કે માં બનતાં સી.પેકમાં માથું માર્યા વગર રહીશું નહિ. એની સાથે ચાઈના તિલમિલી ઉઠ્યું અને કોરોના વાઈરસે વર્લ્ડ ઓર્ડરમાં ભયંકર બદલાવના સંકેત પણ આપી દીધા. એટલે કોરોના વાયરસ જયારે દુનિયા પર અત્યારે મંડરાઈને બેઠો છે, ત્યારે ચીનાઓને વિચાર આવ્યો કે આ અરસામાં જ મહત્વપૂર્ણ કામો પુરા કરી દઈએ. જેમાં હોન્કોંગમાં સિક્યુરીટી બીલ પસાર કરીને અવૈધ કબજો મેળવી લઈએ, થોડી ચાંચ લદાખમાં મારીએ અને આવે એટલે જમીન હડપી લઈએ, સાઉથ ચાઈના સમુદ્રમાં જેટલો હડપાય એટલો સમુન્દ્ર હડપી લઈએ અને સાથે સાથે બીજા દેશોમાં વિખવાદ ઉભા કરીએ.
પણ ચાઈના એ ભૂલી ગયું કે ભારત, અમેરિકા, બ્રીટન આ ૩ મોટા દેશોની ગાદી પર બિરાજમાન જે માણસો છે એ માણસો ડિફેન્સિવ રમવામાં માનતા નથી. એમનું મગજ એટેકિંગ મોડમાં જ હોય છે. આ સાથે ચાઈનાને હરાવવા માટે શું તૈયારી કરવામાં આવી છે, એનું જેટલું આંતરરાષ્ટ્રીય સમાચારોની એક વ્યૂહ રચના પરથી તમને માહિતી આપું અને એના પરથી લાગે છે, ભારતનો અભિમન્યુ ચીનનો કોઠો QUAD થકી વીંધી નાખશે ખરો.
એ અભિમન્યુને ખબર હતી કે ચીનને વીંધવા માટે મારે અમેરિકા, ઓસ્ટ્રેલીયા, જાપાનની જરૂર પડશે એટલે ૨૦૦૭માં સાવ નિષ્ક્રિય થયેલા QUAD ગ્રુપને (અમેરિકા+જાપાન+ભારત+ઓસ્ટ્રેલીયા) અમેરિકામાં ટ્રમ્પ આવ્યા પછી ફરી શરુ કરવામાં આવ્યું. અને ત્યારથી ચીનને નીપટાવાનાં સમીકરણો પણ રચાવા માંડયા. અમુક જગ્યાએ ભારતે છેલ્લાં કેટલાક દશકોમાં નિષ્ક્રિયતા દાખવી એમાં નેવી પણ એક મુખ્ય ભાગ હતો. ૧૯૭૧માં થયેલા યુદ્ધમાં ચીને પાકિસ્તાનની મદદ કરી ન હતી, કારણ કે ભારતે ખુલ્લી અને લુખ્ખી ધમકી આપી હતી કે જો ચીન પાકિસ્તાનની મદદે આવશે તો ભારત ‘સ્ટ્રેટ ઓફ મલ્લકા’ ને બંધ કરી દેશે અને ચીનનો ૯૦% વેપાર એ સ્ટ્રેટ ઓફ મલ્લકાથી જ થાય છે. ત્યારે ચીનને ખબર પડી ગઈ ભારતની મજબૂતી ક્યા છે ?
પણ પછીના વર્ષો નેવી માટે સતત નિષ્ક્રિય રહ્યા. આ સમયે ચીને ભારતને ઘેરવા માટે બંગલાદેશનો ચટગાવ, શ્રીલંકાનો હબનટોટા કબજે કર્યો, દીબુતીનો અમુક ભાગ કબજે કર્યો, પાકિસ્તાનનો ગ્વાદર, માલદીવનો પોર્ટ આ બધામાં ચીને લોકોને પૈસા આપી આપીને અમુક ભાગ કબજે કરી લીધો અને ભવિષ્યમાં ભારત એને ૧૯૭૧ જેવી ધમકી ન આપી શકે એની પૂરી તૈયારી કરી લીધી. એટલે જ કીધું પાછળનાં દશકમાં ભારતની નેવી પર એટલું ધ્યાન આપવામાં ન આવ્યું જેટલું આપવું જોઈએ. એમાં કેટલાકનાં સોલ્યુશન લાવવામાં આવ્યા. જેમ કે માલદીવની સરકાર બદલી નાખવામાં આવી, જેથી નવી સરકાર સીધી જ ભારત તરફી થઇ ગઈ. ( બદલાઈ નથી બદલવામાં આવી છે – અમેરિકા અને ભારતની ચાપતી નજર હતી ચૂંટણી વખતે) સેસલ્સ સાથે, બાંગ્લાદેશ સાથે ભારતે લોન અને વ્યાપાર આપીને પોતાના પક્ષમાં કર્યા, શ્રીલંકામાં હબનટોટાની બાજુમાં મટાલા એરપોર્ટનો એગ્રીમેન્ટ કરવામાં આવ્યો જેથી ચીન પર ચાપતી નજર રાખી શકાય. દિબુતીમાં હમણાં થોડા સમય પહેલા જ ભારતના રાષ્ટ્રપતિ ગયા અને સંબંધોને મજબૂતી આપવામાં ભૂમિકા ભજવી. અને એની સાથે જ ચાઈનાનાં મગજ પર એક ઊંડો ઘા ત્યારે કરવામાં આવ્યો જયારે ‘એશિયા પેસિફિક’ શબ્દને બદલે ચીનને સાયકોલોજીકલી એવો સંદેશ પહોચાડવા માટે કે ‘ચીન તું અહિ એકલુ છે’, ‘એશિયા પેસિફિક’ શબ્દને મોદી-ટ્રમ્પ- સીન્ઝો આબે – એશિયન દેશો મળીને “ઇન્ડો પેસિફિક” બોલવા લાગ્યા. મતલબ ઇન્ડીયન ઓસન + પેસિફિક ઓસનમાં અમે બધા જ ભેગા છીએ અને ચીન તું એકલું છે. આવી તો ઘણી ઘટનાં પણ આ પૂર્વ ભૂમિકા આજની પરિસ્થિતિ માટે.
હવે આજની પરિસ્થતિ પર નજર કરીએ.
જો જિંગપીંગ એમ માની લે છે કે કોરોના એના માટે એક અવસર છે, અને એ આ કાળમાં કઈ પણ કરી શકે છે તો એ પણ ભૂલી ન જઈ શકે કે દુનિયા આખી પણ એ હેસિયત ધરાવે છે. ચીન, હોંગકોંગ, તિબેટ, તાઈવાનને તો દબાવાનો પ્રયત્ન કરે જ છે, પણ એ જાપાનનો આઈલેન્ડ પોતાનો માનીને એને દબાવે છે, ઓસ્ટ્રેલિયામાં સાઈબર એટેક કરીને એને દબાવે છે, અને ભારતને લદાખમાં દબાવાનો પ્રયત્ન કરે છે. પણ ભારતના અભિમન્યુ એ છેલ્લાં ૬ વર્ષોમાં જે યાત્રાઓ કરી હતી, એ પાકિસ્તાન માટે તો કરી જ નથી. એણે એ યાત્રાઓ માત્રને માત્ર ચીનને ધ્યાનમાં રાખીને જ કરી છે. જેવું ગલવાનનાં ન્યુઝ દુનિયામાં પ્રસરતા થયા. જાપાને ચીન તરફ મોઢું રાખીને બેલેસ્ટીક મિસાઈલો ગોઠવી દીધી, અમેરિકાએ સાઉથ ચાઈના સી માં ઇન્ડો પેસિફિક કમાંડની પોતાની ૬૦% નેવી ઉતારી દીધી (આ ચીનનું છાપું ખુદ કહે છે) અને એટલું જ નહિ ચીન જાપાન વચ્ચે જે સેન્કાકું આઈલેન્ડનો વિવાદ છે એના પર જાપાનની દાવેદારી મજબુત કરવા માટે એક બિલ પસાર કરવામાં આવ્યું, જાપાન દ્વારા. આ દ્વારા જાપાન ચીન વચ્ચે જોરદાર તણાવ ઉભો થયો છે. અને જાપાનની પાછળ અમેરિકા એ દાદો બનીને ઉભું રહી ગયું છે એમના એગ્રીમેન્ટ પ્રમાણે. જો કે ઓસ્ટ્રેલીયા જોડે તો થોડા દિવસ પહેલા જ આપણે આઈલેન્ડ સ્વેપ એગ્રીમેન્ટ કરી ચુક્યા. ટૂંકમાં આ Quad ગ્રુપ એ ચીનને સખત રીતે ઘેરી લીધું છે, જો તમે નજર રાખો તો… એટલું જ નહિ, હોંગકોંગનાં કેસમાં શું બ્રીટન શાંત રહેશે ? બિલકુલ નહિ !
ઉરી વખતે આર્મી, બાલાકોટ વખતે એરફોર્સ અને હવે નેવીનો સમય પાકી ગયો છે. ભારત + અમેરિકા + જાપાન + ઓસ્ટ્રેલીયા જોડે મળીને ચીનનો વેપાર તરત જ ૬-૮ મહિના બંધ કરી શકે એમ છે, અને એટલું જ નહિ એને ઓઈલની સપ્લાય પણ બંધ થઈ જાય એટલી કારગર રણનીતિ પર આ દેશ કામ કરી રહ્યા છે. ચીનને દાદો બનાવનો શોખ હશે, પણ એને ખબર નથી કે અભિમન્યુને કોઠો વીંધતા બહુ જ સારી રીતે આવડે છે. આજના અભિમન્યુને તો ઓળખો છો ને?
હજી તો ઘણી વાતો છે, સમય આવ્યે કરીશું… જય હિન્દ… !
~ જય ગોહિલ
વધુ વાતો પછી…
અભિમન્યુ : ભાગ ૨ | ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના
Leave a Reply