ભારત ચીન વચ્ચે લદાખમાં અત્યારે સ્ટેન્ડઓફ છે. થોડા દિવસ પહેલા ગલવાન ઘાટીમાં એક અપ્રિય ઘટનાં પણ બની ચુકી છે. ચાઈનાને ક્યાં અને કેમ પેટમાં દુઃખે છે એ વિશે હું થોડાં દિવસો પહેલાં લખી ચુક્યો હતો. એમાં જીનપિંગ ક્યાં ભરાય ગયો છે, એ વિશે મેં વાત કરી હતી. ભારત સતત પોતાના ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે જ એ નિર્ણય સાથે આજે જ એક મહત્વપૂર્ણ ગલવાન નદી પર આપણે આપણો પુલ બનાવાનો પૂરો કર્યો. આ સાથે આજની શું પરિસ્થિતિ છે ? અને આ ગલવાન પર ચીન કેમ નજર રાખીને બેઠું છે અને ચીનની સાયકોલોજી શું છે એની પણ મને ખબર પડે એટલી વાત કરીશ.
૧) જમીન અને એ જમીનની જનતા
યુદ્ધ તો જીતી લેવાય, જમીન તો કેપ્ચર થઇ જાય પણ એ જમીનની જનતાને પોતાની સાથે કેવી રીતે રાખી શકાય ? જો કોઈ નેતા એ જમીનની જનતાને પોતાની સાથે રાખી શકે તો એ નેતા જ એ જમીનનો ખરો વિજેતા બને. પણ જો એ જમીનની જનતાને સાથે ન રાખી શકે તો, એને રોજ યુદ્ધનો સામનો કરવો પડે. આનું એક ઉદારહણ આપું તમને આર્ટીકલ 370. ૭૦ વર્ષોથી કશ્મીરનાં અમુક વિસ્તારમાં વિસ્તરતા અલગાવવાદીઓને એક આશા હતી કે એક દિવસ આ 370 આર્ટીકલને લીધે અમે આઝાદ થઈશું. કારણ 370 એ ભારતનો પૂર્ણ અધિકાર કશ્મીર ઉપર કરતો ન હતો. ૭૦ વર્ષથી આ સાયકોલોજીએ એમની અંદર ઘર કરી લીધું અને અલગાવવાદ વધી ગયો. સામે છેડે લદાખ પર ચીન સતત કબજો મેળવવા ઇચ્છતું હતું, એનું ઈકોનોમિકલ અને જીઓલોજીકલ મહત્વનું કારણ તમને પાછળ આપું. હવે ૭૦ વર્ષ પછી આ આર્ટીકલને ખત્મ કરીને ભારતે સંપૂર્ણ રીતે કેન્દ્રશાસિત કબજો મેળવી લીધો અને ધડાધડ અલગાવવાદ અને પાકિસ્તાન તરફથી આવતા આતંકવાદીઓનો સફાયો કરવા માંડયો છે. બે દિવસ પહેલાં જ કશ્મીર ડીજીનું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું કે આગામી ૧૨ દિવસમાં કશ્મીરમાં જેટલા પણ આતંકવાદી હાલમાં મોજુંદ છે, તેમનો સફાયો થઇ જશે. આ પછી માત્રને માત્ર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં આંતકવાદીઓ પર જ બાજ નજર રાખવી પડશે. હવે ભારતે લદાખને કેન્દ્ર નીચે મૂકી દીધું અને સીધો વહીવટ પોતાની નીચે લઇ લીધો. આનાથી ચીનનાં પક્ષધર અને પાકિસ્તાનની નીચે રહેલા કેટલાક અલગાવવાદીઓનો રસ્તો પણ બંધ થવા પામી ગયો છે. ચીનનાં પાકિસ્તાનનાં દૂત એ તો એમ કીધું કે 370 એ સ્ટેન્ડઓફનું મુખ્ય કારણ છે. વિચારો આ બયાન એને કેમ આપ્યું હશે.
ચીન એ perception મેનેજમેન્ટમાં ઢગલો રૂપિયા ખર્ચે છે. વોર ખાલી મિલિટ્રીથી જ લડી શકાય એવું નથી. ઇકોનોમિક, ઇન્ફોર્મેશનની સાથે સાથે સામેના દેશનું માઈન્ડ ઓળખીને એની અંદરનાં કોન્ફ્લીકટને તકમાં બદલતા ચીનને બહુ જ સારી રીતે આવડે છે. મિસઇન્ફોર્મેશન, ફેક ન્યુઝ, પ્રોપેગેન્ડા ફેલાવા માટે ચીનનો નવો આવેલો વેસ્ટ કમાંડ આર્મી ચીફ માસ્ટર છે. તમે એમ માનતા હોય કે ટ્વીટર કે ફેસબુક ચીનમાં નથી ચાલતું એટલે ચીન સોશિયલ મિડીયામાં કશું નાં કરી શકે, તો એ તમારી ભૂલ છે. સામેવાળાનું માનસિક મનોબળ તોડવા માટે ચીન સતત એના મુખપત્રથી ફેક વિડીયો, ફેક નેરેટીવ, ફેક ઇન્ફોર્મેશન મુકવાની ચાલુ કરી દીધી છે અને અફસોસ તો એ છે કે ભારતની આંતરિક લડાઈને લીધે અને એક માણસનાં વિરોધને લીધે કેટલાક લોકો એ ફેક ઇન્ફોર્મેશનને સાચી પણ માની લે છે. પણ આ ભારતના ડી.એન.એમાં છે. ભારતમાં કદીય કોઈ દુશ્મન આવ્યો નથી એને લાવવામાં આવ્યો છે. આ ભારતનો ઈતિહાસ છે. આંતરિક લડાઈને લીધે દેશના જ સાપોએ અજગરને આમંત્રણ આપ્યું હોય એવા અસંખ્ય કિસ્સાઓથી આપણો ઈતિહાસ ભરેલો છે.
ચાઈનાથી કેટલા દેશોને દેવામાં ફસાવી ચુક્યો છે એનું લીસ્ટ જોશો તો ચીનની માનસિકતા તમને ખબર પડશે. એ દેશને ચીન રૂપિયા એટલી હદ સુધી આપે કે એનો નેતા એનો ગુલામ થઇ જાય. અને એ દેશ એમાંથી કદીય બહાર ન આવે. ઢગલો ઉદાહરણ છે, આ ચીન દુનિયામાં એવું દર્શાવા માંગે છે. એ માત્ર સુપર પાવર છે અને એશિયામાં એનો કોઈ દુશ્મન હોય તો માત્રને માત્ર ભારત સૌથી મોટુ લોકતંત્ર. જ્યારે તમે ક્લોઝ નજર રાખો તો ખબર પડે ચીન ભારતને કઈ રીતે ઘેરે છે. પાકિસ્તાન, શ્રીલંકા હબનટોટા, નેપાળની કમ્યુનીસ્ટ પાર્ટી, માલદીવ, સી.પેક, દિબુતી અને બીજું કેટલુય. અહિયાં માનસિકતા રમે છે. ભારતનાં કેટલાક લોકો માની લે કે ચીન આપણાથી વધુ સુપર પાવર છે અને આપણે કદીય લડી ન શકીએ. પણ દરેકનાં રસ્તાઓ હોય તો ભારતે શું રસ્તો કાઢ્યો છે એ હું પછી લખીશ.
ભારતનાં લોકોમાં ચીન એ સુપર પાવર છે, ભારત તેની સામે કઈ નથી એવી માનસિકતા ઉભી કરવામાં એક સરકારે ભારતની કમ્યુનીસ્ટ પાર્ટી સાથે મળીને બહુ મોટી ભૂમિકા ભજવી છે. હું નામ લેવા નથી માંગતો.
૨) લદાખ ચીન માટે શું કામ જરૂરી છે ?
એક આર્મી ઓફિસર છે. ઓફિસર શેખરકર. જેણે ચાઈના સાથે ઘણીવાર ડીલ કરી છે. કે ચીનાઓને કંટ્રોલમાં કઈ રીતે રાખવા. એણે કહ્યું હતું કે ચાઈનાની નજર ગલવાન પર છે, એની સાથે કારાકોરમ પાસ, દોલતબગઓલ્ડી, અને પેન્ગોંગસુ લેક પર પણ છે. જો ચાઈના ગલવાન આખું કેપ્ચર કરી લે તો ગલવાનથી લઈને કારાકોરમ પાસ અને ત્યાંથી એની નજર સિઆચીન ગ્લેશિયર પર છે, એ ગ્લેશિયરથી એ પી.ઓ.કેને જોડવા માંગે છે જેથી એ ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર સુધી ઇઝી એક્સેસ કરી શકે. પણ દોલતબગઓલ્ડી પર ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને ચીન પર ચાપતી નજર રાખે છે. કોઈ તમને એમ કહે કે ચીન એ આખું ગલવાન કેપ્ચર કરી લીધુ એ માની લેજો એ જુઠું બોલે છે. ૧૫ જુનને રાતે ગલવાન ઘાટી જે ૧૪૦૦૦ ફીટ ઉચી છે એના પર પોતાનો ટેન્ટ બનાવીને ચીને એને કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ ૧૬ બિહાર રેજીમેન્ટનાં બહાદુર સિપાહીઓ એના ટેન્ટને એજ રાતે ઉખાડીને ફેફી દીધો આજે ચીન એલ.એ.સી થી એક કિલોમીટર પાછળ છે. ( જેને જોવું હોય એ એકદમ ચિત્રાત્મક ફોટો અહિયાં નીચે મુક્યો છે) એટલે વિદેશ મંત્રાલયનું બયાન હતું કે ચીને એલ.એ.સી બદલવાનો પ્રયત્ન કર્યો અને આપણા જાંબાઝ સૈનીકોએ એને પાછળ ધકેલી દીધા. તો અહિયાં આપણે ચીનનાં સપનાં પર પાણી ફેરવી દીધું છે. બીજા કોઈ પણ કઈપણ જુઠાણા ફેલાવે તો માનવું નહિ.
૩) તો હવે સમસ્યા ક્યા અને કેટલી છે ?
મોટી સમસ્યા પેન્ગોંગસુ લેક પર છે. એનું ચિત્ર નીચે મુકેલું છે.
પેન્ગોંગસુ લેક પર કોઈ જ પ્રકારની એલ.એ.સી નિશ્ચિત નથી. છેલ્લાં ૫૮ વર્ષોમાં આપણે આ કેમ નથી કરી એ પ્રશ્ન સતત રહેશે. હવે એનું ચિત્ર નીચે જોવો તો એમાં ટોટલ ૮ ફિંગર છે. ટૂંકમાં ૮ ખાંચા માની લો. ભારત પોતાની જમીન ફિંગર ૮ સુધી માને છે જયારે ચીન પોતાની જમીન ફિંગર ૨ સુધી માને છે. પણ કોઈ જ પ્રકારનો નિર્ણય થયો નથી. એટલે ભારત અત્યાર સુધી ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ કરવા જતું અને ચીન ફિંગર ૨ સુધી પેટ્રોલિંગ કરવા આવતું. ચીને ફિંગર ૪ સુધી ૧૯૯૯માં રોડ બનાવ્યો હતો. પાક્કો રોડ. અને કેટલીય વાર આ જગ્યા એ સમસ્યા થઇ છે. ચીન બે કદમ આગળ આવે અને એકદમ પાછળ જાય એમ કરીને એક કદમ આગળ આવી જાય. હવે અત્યારે છેલ્લાં ૨ મહિનાથી પરિસ્થિતિ એવી છે. ચીન આપણને ફિંગર ૮ સુધી પેટ્રોલિંગ કરવા જવા દેતું નથી. અને પોતે ફિંગર ૪ સુધી આવીને બેસી ગયું છે અને ફિંગર ૨ પર જવા માંગે છે. ભારતની આર્મી ચીનની સામે ફિંગર ૪ સુધી પહોંચી ગઈ છે અને એની સામે બેસી ગઈ છે અને એને ફિંગર ૮ થી પાછળ જવા માટે વાત ચાલી રહી છે. ભારતે પણ ફિંગર ૪ સુધી આપણું બીલ્ડઅપ કરી દીધું છે. ટૂંકમાં પેન્ગોંગસુ લેક એ હાલ મોટી સમસ્યા છે અને આપણે એને ફિંગર ૮ સુધી પાછળ જવા માટે કહ્યું છે. અને એની માટે બધી જ તૈયારીઓ ચાલુ છે.
ભારત શું કરશે અને કેવી રીતે નેવી મુખ્ય ભૂમિકા હિન્દ મહાસાગરમાં નિભાવશે એ ચર્ચા ફરી ક્યારેક કરીશ.
શહીદ જવાનોને નમન તેમણે ચીનાઓને ૧૪૦૦૦ ફિટ પરથી પાછળની બાજુ ધકેલી દીધા અને એમના ટેન્ટને ઉખાડીને ફેંકી દીધો. જય હિન્દ. !
~ જય ગોહિલ
Leave a Reply