કેરીમીનાટી : યુવા અને બહુચર્ચિત યુટ્યુબર
દિલથી થનારું કાર્ય મનની તુલનામાં બેગણું વધુ ઝડપથી માણસને સફળતા અપાવે છે, અને પોતાની એક અલગ જ છાપ પણ છોડી જાય છે. 19 વર્ષના ભારતીય યુટ્યુબર એટલે કે યુટ્યુબના કેરીમીનાટીએ આ વાતને સંપૂર્ણ રીતે સાર્થક કરી બતાવી છે. પાછળના કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં આવેલા કેરી નામના ઝંઝાવાતે આખાય ઈન્ટરનેટને હચમચાવી મૂક્યું હતું. કહેવાય છે કે જ્યાં સુધી કોમ્પિટિશન કરનાર કોઈ જ ન હોય ત્યાં સુધી, બધાય પોતાની જાતને જ રાજા માની લેતા હોય છે. પણ, હર બાપ કા એક બાપ જરૂર હોતા હે…
કેરીમીનાટી એટલે કે વાસ્તવિક જીવનનો અજય નાગર. જેની દરેક વિડીયો શરુ થાય છે ‘તો કેસે હે આપ લોગ…?’ લાઈન સાથે. જો કે આ જ લાઈને ટીકટોકમાં પણ અનેક ટ્રેન્ડ સર્જ્યા હતા. આજે આપણે માત્ર ટીકટોકરને રોસ્ટ કરનારા કેરીને જ નહી, પણ અજય નાગરને પણ જાણીશું. એ અજય નાગર જે આજે કેરીમીનાટી નામની ચાલતી ફરતી બ્રાંડ બની ચુક્યો છે.
કેરી કોણ છે, એ પ્રશ્ન હવે કોઈને પૂછવાની જરૂર જ રહી જતી નથી. જો તમે સોશિયલ મીડિયામાં એક્ટીવ રહો છો, તો સોશિયલ મીડિયામાં કે યુટ્યુબ પર અત્યાર સુધીમાં સર્ચ કરીને તમે એને એક વાર તો જોઈ જ લીધો હશે. કેરી એટલે યુટ્યુબમાં ફેસ કેમ દ્વારા પોતાની વીડિયોમાં બેખૌફ પણે બોલીને અનેક લોકોને રોસ્ટ કરનારો (એક રિતે તો જેવું છે, જેટલું અસહ્ય છે, એને જેવું છે એવું જ સાચું કહેનારો. પણ થોડુંક એની પોતાની યુનિક સ્ટાઇલમાં કહી દેનાર, કે જે લગભગ આપણા અંદર ઉઠતી અવાજ મુજબ જ હોય છે) યુટ્યુબર. જે હાલ ભારતીય યુટ્યુબરોમાં ઊંચું સ્થાન ધરાવે છે. યુટ્યુબ પર એના હાલમાં 2 કરોડથી વધારે સબસ્ક્રાઇબર છે.
કેરીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું એ પ્રમાણે વ્યક્તિ જીવનમાં બધું જ પોતાના અનુભવોથી શીખતો હોય છે. જ્યારે તેમને પોતાના આ ટેલેન્ટ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે આ બધું તમે ક્યાંયથી ડાયરેકટ શીખી શકતા નથી. જીવનમાં અનુભવો તમને ઘણું બધું શીખવે છે. જો કે પોતાને અત્યાર સુધીના કરિયરમાં અનુભવના નિચોડ બાબતે કેરી બસ એટલું જ કહે છે કે એમણે પોતાની સફરમાં એટલું જ શીખ્યું છે કે બસ સતત શીખતાં જ રહેવું જોઈએ. તેઓ પોતાના જીવનમાં બહુ આગળનું વિચારવા કરતા આજનું અથવા આજે તેઓ શુ કરી શકે છે એ વિશે વધુ વિચારતા હોય છે. જો કે કોન્ટેન્ટ વિશે તેઓ વધુ સતર્ક રહે છે.
અજય નગર કોણ છે ?
કેરીમીનાટીનું મૂળ નામ અજય નાગર છે. જો કે આ વાત તે એના અનેક વિડીયોમાં કહી ચુક્યો છે છતાં અનેક લોકોને આ વિશે ખબર નથી. કેરીનો જન્મ ૧૨ જુન ૧૯૯૯ના દિવસે થયો હતો. કેરી અત્યારે ૨૧ વર્ષના છે, અને યુટ્યુબમાં તેઓ બહુ ચર્ચિત નામ છે. કેરી મૂળ ફરીદાબાદ હરિયાણાના રહેવાશી છે. કેરીએ ૨૦૧૬માં સ્કુલ છોડ દીધી હતી. એમણે પોતાના યુટ્યુબ કરિયર માટે પોતાના શિક્ષણને અધવચ્ચે મુક્યું હતું. જો કે આ વાત એમણે એમના પરિવારને કેવી રીતે કરી એ પણ એક રસપ્રદ કિસ્સો છે.
કેરીને ૧૦ વર્ષની નાની ઉંમરમાં યુટ્યુબ વિશે સાંભળવા મળ્યું હતું અને એણે પોતાની એક “StealthfeArzz” નામની યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. આ ચેનલમાં તે ગેમની ટીપ્સ અને ટ્રીકના વિડીયો પણ અપલોડ કરવા લાગ્યો. જોકે તેને ત્યા સફળતા નહોતી મળી, પણ એ સમયે તે યુટ્યુબ બાબતે એટલો ગંભીર ન હતો. પણ ૨૦૧૪ મા ૧૫ વર્ષની ઉંમરે આ વાતને એણે ગંભીરતા પૂર્વક લીધી. આ સાથે જ એણે પ્રોફેશનલી આ કામ કરવાની શરૂઆત કરી. કેરીએ એક બીજી યુટ્યુબ ચેનલ ખોલી જેનું નામ “AddictedA1” રાખ્યું, જ્યા તે અલગ અલગ ગેમના વિડીયો અને સન્ની દેયોલના અવાજમા કોમેન્ટ્રી પણ કરતો હતો. એમણે પોતાની ઓરીજીનલ યુટ્યુબ ચેનલ કેરીમીનાટી પણ ૨૦૧૪માં જ શરુ કરી હતી. ૨૦૧૫માં એમણે પોતાની ચેનલનું નામ CarryDeol કરી નાખ્યું હતું, જે પછી કેરીમીનાટી કરવામાં આવ્યું હતું. જો કે અવનવું કરવાના એના શોખના કારણે ૨૦૧૭થી એણે રોસ્ટીંગ કરવાનું શરુ કર્યું હતું અને પોતાની બીજી ગેમિંગ ચેનલ CarryIsLive પણ શરુ કરી હતી.
કેરી અને અજય : માણસ એક પણ જીવન અલગ
આપણે તો કેરીને માત્ર કેરીમીનાટી તરીકે અને એક યુટ્યુબરની રીતે જ જાણીએ છીએ, જો કે એવું નથી. કેરી અને અજય એક જ વ્યક્તિ હોવા છતાં બંને ઘણી રીતે સંપૂર્ણ અલગ અસ્તિત્વ ધરાવે છે. અજય નાગર કેરીનું એ સ્વરૂપ છે જે સોશિયલ મીડિયામાં દેખાતા બેખૌફ કેરીમીનાટી પાછળનું સહજ રૂપ છે. કેમેરાની સામે લોકો સામે સંપૂર્ણ પણે ખુલીને વ્યક્ત થતા અજય નાગર પોતાના અંગત જીવનમાં ખૂબ જ ઇન્ટ્રોવર્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે.
એક ઈન્ટરવ્યું દરમિયાન એમણે પોતે જ આ બબાતે કહ્યું હતું કે યુટ્યુબ અને સોશિયલ મીડીયમમાં એ એટલા ખુલીને બહાર આવી શકે છે, જેટલું ખુલીને તેઓ વાસ્તવિક જીવનમાં બહાર નથી આવી શકતા. અથવા એમ પણ કહી શકાય કે તે ઇચ્છીને પણ પોતાના વાસ્તવિક જીવનમાં બંને અસ્તિત્વને મિક્ષ નથી કરી શકતા. એટલે કે કેરી અને અજય બંને વ્યક્તિ એક જ છે, પણ એમનું વ્યક્તિત્વ ખુબ જ અલગ રહે છે. વાસ્તવિક જીવનમાં પણ કેરી જેવું જીવતા એમને એમના જ અંદર કોઈક ખૂણે રહેલો અજય રોકી લે છે.
કેરીમીનાટી નામ પાછળ શુ છે સ્ટોરી…?
આ બાબતે કોઈ ચોક્કસ સ્ટોરી નથી. પણ એક ઇન્ટરવ્યૂમાં કેરીએ આ અંગે કહ્યું છે કે એને શરૂઆત કાઉન્ટર સ્ટ્રાઇક ગેમમાં લાઈવ ટ્રોલિંગ દ્વારા કરી હતી. આ ટ્રોલિંગ તેઓ શની દેઓલની મિમિક્રી દ્વારા કરતા હતા, જેના કારણે એમની ચેનલનું નામ શની દેઓલથી કેરી દેઓલ કરી નાખ્યું. આ પાછળના કારણમાં તેઓ કહે છે કે એમના ગેમમાં તેઓ બધાને કેરી કરતા હતા એટલે ફ્રેન્ડ્સ એમને કેરી કહેતા હતા. બસ આ જ સ્ટોરી હતી જો કે આગળ જતાં એમણે રોસ્ટિંગ વગેરે શરૂ કર્યું. જ્યારે રોસ્ટ શરુ કર્યું ત્યારે એમને કેરી દેઓલ નામ ઠીક ન લાગ્યું અને અચાનક એમના મનમાં મીનાટી શબ્દ ક્લિક થયો અને એમણે પોતાનું નામ કેરીમીનાટી રાખ્યું. કેરી આ બાબતે કહે છે કે આ શબ્દનો કોઈ જ અર્થ નથી, બસ એમ જ… એમના મનમાં આ શબ્દ આચાનક જ આવ્યો હતો અને એમણે આ નામ રાખી લીધું હતું.
સફળતા બાબતે કેરી શું માને છે
કેરી કહે છે કે કાંઈ પણ કરો તો એમાં તમે એનું 100% આપો, ભલે એ સફળ થાય કે ન થાય એને તમે તમારા દ્વારા તો 110% આપવાનો પ્રયત્ન જરૂર કરો. જેથી કરીને પાછળથી તમને એમ ન થાય કે કાશ આમાં હું આ કરી શક્યો હોત. જેથી તમે તમારા અંતરને જવાબ આપી શકો કે મેં મારું 110% આપ્યું હતું. હવે એ સફળ નથી થયું તો નથી થયું, એમાં શું થઈ શકે.
કેરીની ચેનલ અને વ્યુ
CarryMinati – ૨૧.૬ મીલીયન સબસ્ક્રાઈબર અને ૧.૪૧ બિલીયન વ્યુ
CarryIsLive – ૫.૬૧ મીલીયન સબસ્ક્રાઈબર અને ૫૧૯ બિલીયન વ્યુ
યુટ્યુબ અને છંછેડાયેલ વિવાદ અને એની અસરો
કેરી ઘણા સમયથી યુટ્યુબમાં વિડીયો બનાવે છે. જો કે વર્તમાન સમયમાં કેરી અચાનક જ ચર્ચામાં આવ્યો હતો. વર્તમાન સમયે કેરી દ્વારા ટિકટોકર અમીર સિદ્દીકીને રોસ્ટ કરવાના કારણે, એ ચર્ચામાં આવ્યો હતો. આ ટીકટોકર પણ ટીકટોક પર પોપ્યુલર ક્રિયેટર હતો. આ વિડીયોમાં કેરીએ ટિકટોકરને રોસ્ટ કર્યો હતો તેમજ ટિકટોક પ્લેટફોર્મ પર ચાલતી કોપી પેસ્ટ અને વાહિયાત કન્ટેન્ટને પણ પોતાની સ્ટાઇલમાં વખોડી નાખી હતી.
કેરી નામનું આ ઝંઝાવાત ઉઠયું કેવી રીતે ?
ત્યાં સુધી બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું જ્યાં સુધી કેરીનો એક વિડીયો ન આવ્યો. પણ થોડાક દિવસ પહેલા કેરીએ યુટ્યુબની ચેનલ પર ટિકટોકને લગતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેનું નામ હતું ‘youtube v/s Tiktok : The End’ આ વીડિયોમાં કેરીએ એક ટિકટોક સ્ટારને રોસ્ટ કર્યો હતો. આ રોસ્ટીંગ વિડીયો એ હદે પોપ્યુલર બન્યો અને વાયરલ થયો કે આ પછી ભારતીય યુટ્યુબના એવા અનેક રેકોર્ડ કેરીએ પોતાને નામ કર્યા હતા, જે વિશે વિચારવું પણ આ પહેલા મુશ્કેલ લાગતું હતું. એક યુટ્યુબર માટે આ આંકડાઓ માત્ર સ્વપ્ન જેવા જ હોય છે, જેને કેરીએ અમુક જ સમયમાં પોતાને નામ કરી નાખ્યા હતા.
કેરીના કેટલાક રેકોર્ડ :
• ૨૪ કલાકમાં સૌથી વધુ ૧.૮ મીલીયન સબસ્ક્રાઈબરમાં આવેલ ઉછાળો
• ૧ મીલીયન વ્યુ માત્ર ૧.૫ કલાકમાં મેળવનાર સૌથી ઝડપી વિડીયો
• ૨ મીલીયન વ્યુ માત્ર ૪ કલાકમાં મેળવનાર સૌથી ઝડપી વિડીયો
• માત્ર ચોવીસ કલાકમાં વિશ્વભરમાં બીજો સૌથી વધુ પસંદગી પામનાર યુટ્યુબનો વિડીયો.
• વિડીયો પર સૌથી વધારે 797kથી વધુ કમેન્ટસ
• સૌથી ઝડપી ૩ મીલીયન, ૪ મીલીયન અને ૫ મીલીયન લાઈક મેળવનાર વિડીયો રેકોર્ડ
• ૧૦ મીલીયન લોકો સુધી પહોચનાર ભારતનો સૌથી પ્રથમ વિડીયો, તેમ જ ઝડપી ૧૦ મીલીયન લાઈક મેળવનારો વિડીયો પણ બન્યો
• કેરીમીનાટીને એક દિવસ અને અઠવાડિયામાં સૌથી વધારે સબસ્ક્રાઈબર મેળવ્યા હતા.
કેરીને મળેલા યુટ્યુબ ક્રિયેટીવ એવોર્ડ્સ
સિલ્વર | ૧,૦૦,૦૦૦ સબસ્ક્રાઈબર – ૨૦૧૬
ગોલ્ડ | ૧,૦૦૦,૦૦૦ સબસ્ક્રાઈબર – ૨૦૧૭
પ્લેટીનીયમ | ૧૦,૦૦૦,૦૦૦ સબસ્ક્રાઈબર – ૨૦૨૦
આ વિડીયો પછી કેવો રહ્યો હતો માહોલ
ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરમાં માહોલ :
કેરીની ચર્ચાઓ જ્યારથી શરુ થઇ હતી ત્યાર પછી કોઈ પણ પ્લેટફોર્મ એવું રહ્યું નથી, જ્યાં કેરીનો ઝંઝાવાત ન ત્રાટક્યો હોય. મિમથી લઈને એની ટૂંકી વીડિયો દ્વારા અવનવા હેશટેગ અને કેમ્પઈન કે વિરોધ અથવા સમર્થન સાથે અમુક સમય પૂરતો તો માત્ર અને માત્ર કેરી જ બધેય જોવા મળ્યો હતો. જો કે હવે ધીરે ધીરે બધું શાંત થઈ રહ્યું છે. પણ કેરીના એ વાવાઝોડાએ લગભગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અમુક સમય પૂરતા હચમચાવી નાખ્યા હતા. કેરી નામની સુનામી ત્રણેય પ્લેટફોર્મમાં એકસમાન જોવા મળી હતી.
ટિકટોકમાં કેવા હતા રિએક્શન :
ટિકટોકમાં પણ કેરીનો જ રાગ રેલાયેલો હતો. ટીકટોકના અનેક લોકોએ ભરપૂર અને દિલખોલીને કેરીને સમર્થન આપ્યું હતું. જો કે અનેક લોકોએ ત્યાં પણ કેરીના નામની ચેનલો/એકાઉન્ટ બનાવીને લાખો ફોલોઅર મેળવી લીધા હતા. (કેરીની ભાષામાં કહીએ તો મોકે કા ફાયદા) જો કે કેરી ત્યાં પણ ઘણો સમય ટ્રેન્ડિંગમાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેરી સામે પડેલા લગભગ પોપ્યુલર ટિકટોકરને ટિકટોકે જાતે જ સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ટિકટોકમાં પણ મેજર કમ્યુનિટી કેરીના સમર્થનમાં જોવા મળી હતી. જે ટિકટોકમાં પોપ્યુલર ક્રિએટર બનવા લોકો વર્ષોથી વલખા મારે છે એ જ ટિકટોકમાં કેરીએ એકાઉન્ટ બનાવી, માત્ર એક વિડીયો અપલોડ કરીને પોપ્યુલર ક્રિએટરનો બેઝ મેળવી લીધો હતો. જો કે એણે ત્યાં માત્ર એક દોડતાં ગધેડાનો વીડિયો નાખીને લાખો વ્યુ મેળવી લીધા હતા.
કેટલાક લોકો તો ટિકટોકના ઘટતા રેટિંગનું કારણ પણ કેરીને જ માને છે. જો કે અમુક હદે સોશિયલ મીડિયાના ઉઠેલા વિરોધના કારણે આ હોઈ શકે છે. પણ સંપૂર્ણ પણે આ પાછળ કેરી ન હોઈ શકે, એક પ્રકારે આ ચાઈના એપનો વિરોધ પણ ગણાવી શકાય. જો કે આ વિવાદે આ વિરોધ ઝડપી બનાવ્યો હતો, કારણ કે આ વિડીયો ડીલીટ થયા પછી ટિકટોકના રીવ્યુ સતત નેગેટિવ થયા અને રેટિંગ 4.4થી 1.2 સુધી આવી ગયા. આ સમયે ગુગલે લગભગ એપમાંથી 8 મિલિયન રેટિંગ ડિલિટ કરીને ફરી એપના રેટિંગને 4 આસપાસ લઈ આવવામાં સફળતા મેળવી હતી. આમ ટિકટોકને પણ મોરલી ઘણું નુકશાન પહોંચ્યું છે.
યુટ્યુબમાં કેવો છે માહોલ :
ટીકટોક અને યુટ્યુબના આ વિરોધ વચ્ચે કેરીના સમર્થનમાં અનેક યુટ્યુબરો આવ્યા હતા. ટિકટોક દ્વારા યુટ્યુબરો પર નિશાન સાધવામાં આવ્યા હતા જેના જવાબમાં કેરીએ એક વીડિયો બનાવી હતી. ત્યાર બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને આમિર સિદ્દીકી દ્વારા એના માટે એક વીડિયો બનાવાયો જેને કારણે જ કેરીએ એને ટિકટોક vs યુટ્યુબ ધ એન્ડ નામના વીડિયોમાં રોસ્ટ કર્યો હતો. જો કે અંતમાં એનો વીડિયો અનેક રેકોર્ડના આંકડાઓ વટાવ્યા પછી યુટ્યુબ દ્વારા ડિલિટ કરવામાં આવ્યો હતો. આ બાબતે અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, અને અનેક લોકોએ ખુલીને કેરીને સમર્થન પણ કર્યું હતું.
મિમર કમ્યુનિટીનો માહોલ :
કેરીના સમર્થન અને વિરોધ માટે એના અનેક રિએક્શનના ફોટામાંથી અનેક પ્રકારના મિમ્સ બનીને સોશિયલ મીડિયામાં અવનવા સ્વરૂપે રજૂ થયા હતા. એક લાંબા સમય માટે એણે મિમર લોકોમાં પોતાનું વર્ચસ્વ કાયમ કરી લીધું છે. જેમાં ‘મીઠાઈ કી દુકાન પર લેકર જાઉંગા તો 200 મેં બિક જાયેગા’, ‘બડે તેજ હો ગયે હો’ અને ‘અબે ઓ સાર્વજનિક ***’ જેવા અનેક મિમ સોશિયલ મીડિયામાં અવારનવાર જોવા મળી રહ્યા છે. જો કે લાંબા સમય સુધી કેરીનો આ સ્વેગ યથાવત રહેશે.
~ સુલતાન સિંહ
Leave a Reply