આકાંક્ષા ચૌહાણ
( આર્ટિસ્ટ & પોએટ )
તો સર્જક આયોજિત આજના એક્સક્લુઝીવ ઇન્ટરવ્યૂમાં આપણી સાથે છે, રાજકોટ શહેરની ચિત્ર સુંદરી. આઈ મીન કે જીવનના ચિત્રોને જે રંગોના મિશ્રણ અને લાગણી, ભાવો તેમજ અનુભૂતિના રસને ભેળવીને પોટ્રેટ અને કેનવાસ પર જીવતા કરતી ચિત્રકારા. આમ તો આકાંક્ષા ચૌહાણ એ ચિત્રકાર સાથે સાથે એક પોએટ પણ છે. મુક્ત પ્રકારની કવિતાઓમાં બહુ સારા શબ્દોનું મિશ્રણ કરવાની કળા આ પ્રકૃતિમય આકાંક્ષા ધરાવે છે.
આકાંક્ષાની સફર આપણે એના જ શબ્દોમાં જાણીશું તો કદાચ વધારે માહિતી આપણને મળશે. તો હવે આપણે વાતચીત તરફ જઈએ…
તો આકાંક્ષા, મારો પ્રથમ પ્રશ્ન એમ છે કે તને આર્ટિસ્ટ બનવાનું અંદરથી ક્યારે આવ્યું…? આઈ મીન સામાન્ય માણસથી લઈને આ આર્ટિસ્ટ સુધીની સફર… ધ્યાન રહે કે અહીં હું કોઈ જ મોટી સફળતાની વાત નથી કરતો, પણ હા એક સામાન્ય માણસથી આર્ટિસ્ટ સુધી આવવા સુધીનો જે સમય હોય છે એ વિશે જણાવવાનું કહી રહ્યો છે…
આમ તો મને જ એ ચોક્કસ તબક્કો યાદ નથી આવતો, કે મેં ક્યારે ચિતેડા ચિતરવાની શરૂઆત કરી. બસ જ્યારે હું સ્કૂલમાં હતી પાંચમા, છઠ્ઠામાં ત્યારે ચિત્રપોથી સિવાયના ચિત્રોને પણ હું આબેહૂબ દોરતી. એ સમયગાળામાં મારા ફોઇએ મને પ્રોત્સાહન આપ્યું કે ‘સારું કરશ’ બસ એવા શબ્દો સાંભળતા જ મને આ કાર્ય માટે પ્રેરક બળ મળ્યું. એ સમય દરમિયાન તો સ્કૂલમાં પણ ત્યારે મોનીટર અને બીજી છોકરીઓ ઘરેથી દોરવા આપેલ ચિત્રોને મારી પાસે જ દોરાવતી. અને સ્ટ્રેન્જ પણ એમના ચિત્રો દોરવામાં પણ મને અનેરો આનંદ જ મળતો.
( આકાંક્ષા સામાન્ય રીતે યુ નો વોટ, કે ગમતી વસ્તુ ક્યારેય કાંટાળા જનક નથી લાગતી. બસ આવું જ કંઈક તારા શબ્દો પરથી લાગી રહ્યું છે. )
હા, આ ચિત્રોના શોખ સાથે જ ક્રમશઃ મારો અભ્યાસ પણ આગળ વધતો રહ્યો હતો. પણ, પ્રાથમિક લેવલના શિક્ષણ પછી મેં 10 અને 12 માં ધોરણમાં પણ કમ્પ્યુટરની જગ્યાએ ડ્રોઈંગ વિષય જ રાખ્યો. કારણ કે એ કરવું ત્યારે મને બહુ જ ગમતું, એઝ યુ સેય કે ગમતી વસ્તુ કરવામાં કંટાળો નથી આવતો. એ જ ગાળા દરમિયાન અંદાજે 11માં કે 12માં ધોરણમાં ક્યારે એ મને પાકું યાદ નથી, પણ મેં ત્યારથી જ એકવાર ફ્રિ પિરિયડમાં બહાર મેદાનમાં બેઠા હતા ત્યારે નાના છોકરાઓના ખભે લટકતા મોટા દફતર જોયા, કરમાયેલું મોઢું જોયું, ત્યારે એ વિલું મોઢું જોઈને જ મેં એ દ્રશ્ય પર એક કવિતા લખી. એ કવિતા મેં અમારા સઁસ્કૃતના સરને બતાવી અને બસ પછી બીજી એકાદ બે પણ લખી નાખી. આમ મને લખવામાં પણ મજા આવતી ગઇ અને સમયાંતરે કંઈક ને કંઈક લખાતું પણ ગયું.
જો કે કોલેજમાં આવી ત્યારે બીજા વર્ષમાં મેં યુથ ફેસ્ટિવલ માં ભાગ લીધો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આયોજિત પાદપૂર્તિ સ્પર્ધામાં 44 લોકોમાંથી મારો પ્રથમ ક્રમ આવ્યો અને મારા લેખન કાર્યને એ પછી વેગ મળતો રહ્યો. એ જ અરસામાં મારા કાર્યોમાંથી ચિત્ર થોડુંક સાઈડમાં ખસી ગયું. પણ હા મેં 10માં ધોરણના વેકેશનમાં એટલા દિવસ ડ્રોઈંગ કલાસ કરેલા અને પછી ડાયરેકટ માસ્ટર ડિગ્રી પતાવ્યા પછી, ફરી સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં હું 6 મહિના ચિત્રો વિશે જ ઊંડાણમાં શીખી. ત્યાં રાજસ્થાનની અરુણા ખેમકા સાથે મારો ભેટો થયો, અને બસ પછી તેની પાસે રહીને તેની ઘરે જ ઓઇલ, વોટર અને સ્ટીલ લાઈફ પણ શીખી. એ અરસામાં જ મને કોઈ જાતની ડિગ્રી વિના સ્કૂલમાં ચિત્ર શિક્ષકની નોકરી મળી. એ મુક્યાં બાદ હું રાજકોટ પબ્લિક સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે પણ રહી. મેં 2016 માં ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા સાથે મારી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે એક્ઝિબિશન પણ કર્યું.
બસ આમ જ હું રંગ તરબોળ અને કાવ્યોમાં અત્યાર સુધી ગોથાં ખાતી રહી છું. હા ક્યારેક મને એ અફસોસ જરૂર રહ્યો છે, કે મેં ફાઈન આર્ટ કેમ ન કર્યું. પણ મારી પાસે એ ડિગ્રી ન હોવાનો રંજ પણ હવે મને નથી લાગતો. કારણ કે જીવનમાં એ જરૂરી તો નથી જ કે ડિગ્રી હોય તો જ કંઈક થવાય.
અને હા હમણાં જૂનમાં જ ફરી અમારા સ્કેટચિંગ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા આયોજિત એકઝીબિશનમાં હું ભાગ લેવાની છું. તો આ એક હતી આકાંક્ષા ચૌહાણ અર્થાત પ્રકૃતિ, જેની સફર વિશે તમે પૂછ્યું.
ડીગ્રી વગર કઇ ન થવાય એ જરૂરી નથી. આ વાક્ય કબીરના એક દોહા સાથે ક્યાંક લાગે વળગે છે હો… કે પોથી પઢ પઢ પર પંડિત ભયા ન કોઈ… એટલે કે જરૂરી નથી કે શાસ્ત્રોનું વાંચન અને અભ્યાસ જ પંડિત બનાવે છે. ક્યાટેક શાસ્ત્રોની સમજ પણ પંડિત જેટલી શ્રષ્ઠતા વ્યક્તિના લાવી શકે છે. અને જ્યારે આ સ્ટેજ આવે છે ત્યારે, આ જિંદગી કોઈ ડીગ્રીની મહોતાજ નથી રહી જતી.
તો પછી આકાંક્ષા એમ જણાવ કે તને સામાન્ય લાઈફ માંથી અહીં સુધી અવવામાં કઇ કઇ તકલીફો પડી. આઇમિન કયા કયા પ્રકારના લોકો કે સંજોગો સાથે લડવું કે વેઠવું, સહન કરવું પડ્યું…?
હું હજુ પણ સામાન્ય જ છું. હું કોઈ સેલિબ્રેટી નથી બની ગઈ એટલે અહીં સુધી એ શબ્દ જરાક વિચિત્ર છે.
આઈ મીન કે સામાન્ય વિદ્યાર્થી તરીકેથી ચિત્ર તરફ તારો જે વળાંક હતો, એમાં અવરોધ અને સપોર્ટ બંને હશે જ…
હા, સામાન્ય રીતે આપણા કાર્યનો ઘરમાં જ વિરોધ હોય છે, જેના ઘણા કારણો હોઈ શકે. પણ મને મારુ ગમતું કામ કરવામાં ઘરમાંથી કોઈ જ અવરોધ રુપ થયું નથી. મને મારી રુચિનું કામ કરવામાં સતત પ્રેરણા ને પ્રોત્સાહન મળતા જ રહ્યા છે ને જે અવિરત ચાલુ જ રહેશે. હા અમુક અંશે બંધનો ખરા જેમ કે જે કાંઈ પણ કરવું હોય એ રાજકોટમાં રહી ને જ કરવું. ક્યારેક આ બંધનો વિચિત્ર લાગતા પણ આઈ થિંક ઘરના કંઇક વિચારીને જ આવા બંધનો જોડતા હોય છે.
એના સિવાય ખાસ કોઈ અવરોધ જોવા મળ્યો નથી. હા એકવાર એવું જરૂર બન્યુ હતું કે મને ચિત્ર શિક્ષકની નોકરી મળી ગઈ. પણ એ સમયગાળા દરમિયાન કોઈએ એવુ કહેલું કે તે પોતે જ ફાઈન આર્ટસ નથી કર્યું, તો છોકરાઓને તું શું શીખવીશ…? પણ, આવી વાતોને ગણકારવી ન જોઈએ, કારણ કે જો તમારામાં આવડત છે, તો કોઈ ડિગ્રીની જરૂર નથી પડતી.
એટલે આ સાથ અને વિરોધને અવગણી આખરે તું તારા ભવિષ્યને સામાન્ય કરતા અલગ રસ્તે એટલે કે ચિત્રના રંગીન રસ્તા પર લઈ આવી. તો આ અરસામાં તારા દ્વારા નિર્મિત તારી સૌથી સફળ પેઇન્ટિંગ કઈ છે…? એના વિશે જણાવ કે કયા સંજોગમાં અને ક્યાંથી તને એ વિશે પ્રેરણા મળી. ત્યારબાદ કેવી રીતે તે એને પૂર્ણ કરી…?
મારા મતે આમ તો દરેક ચિત્રો ખાસ જ હોય છે, જેમાં કંઈક ને કંઇક તો આગવું જરૂર હોય જ છે. પણ જો સૌથી ખાસ કોઈ કહેવાનું હોય તો એ હેન્ડમેડ પેપર પર કરેલું લાજ કાઢતી બાયનું ચિત્ર છે, તેનું સ્મિત અને પહેરવેશ મને બહુ આકર્ષે છે. આ ચિત્ર પૂરું કરવા માટે મેં બહુ ધીરજ રાખી હતી, કેમ કે મારો વિચાર તો એક જ દિવસે એક બેઠકમાં પતાવવું. પણ, એવું થઈ શક્યું ન હતું. કારણ કે પેઇન્ટિંગમાં જે પરંપરાગત ભાટ વાળો ડ્રેસ છે એનું કામ બહુ ઝીણવટ ભર્યું હતું જે કરવામાં સમય બહુ ગયો. અને સાચું કહું તો એ કરવાની મજા પણ આવી.
ઝીણવટ ભર્યા કામમાં કંટાળો અને આનંદ આ બંને ભાવની સંભાવનાઓ રહે છે. જો કે તને એમાં મજા આવી એટલે કે તે એ તારા આનંદ માટે કર્યું, તને એ કરવું ગમે છે…
એની વે, ચિત્રોમાં પણ જીવંતતા ઉડીને આંખે વળગે એવી હોય છે. તારા ચિત્રોમાં પણ તે એવા ઘણા ભાવોને જીવંત થતા જોયા જ હશે.
શુ ચિત્રોમાં ભાવ, લાગણીઓ અને વર્તમાન અનુભવોનો પડછાયો હોય છે ખરા… તો આ દ્રષ્ટિએ તારી પેઈન્ટિંગસમાં મુખ્યત્વે કયા ભાવો હોય છે…? શુ એ ભાવ એકાંતનો અનુભવ સૂચવે છે, કે પછી પ્રકૃતિનું નિરૂપણ…?
સામાન્ય રીતે મારા ચિત્રોમાં દરેક ભાવોને હું ઉપસાવુ છું, અથવા એ ઉપસાવવાનો હું પ્રયાસ કરું છું. જો કે બાળકોની સૌમ્યતા પણ મારા અમુક પોર્ટ્રેટમાં ઝીલાઇ છે, પ્રકૃતિના મિજાજ, પ્રાણીઓના ચારકોલ સ્કેચ વગેરે અને રિફ્લેશન પડતા હોય તેવા ચિત્રો પણ તેમાં તે સીધા અને ઊંધા બેય તરફ ચીતરવા પડે છે. કદાચ એ બધા મિશ્રિત ભાવોને રજુ કરે છે, જેમાં પ્રકૃતિ પણ એક ભાગ છે.
તો આકાંક્ષા તને આજ સુધી ક્યારેય એવું નથી લાગતું, કે તારા પોટ્રેઇટ્સ તારા જીવનમાં અનુભવાતા એકાંતનો પડઘો પાડે છે…? મેં જ્યારે પ્રથમ વખત તારા સૌથી મોટા પ્રકૃતિના સૌંદર્યને રજૂ કરતા પાઈન્ટિંગને જોયું ત્યારે મને લાગ્યું કે તું આ સૌંદર્યને દર્શાવી તારા જીવનમાં આ સૌંદર્યની ઝંખના કરે છે. આ ઝંખના એકાંતની આડપેદાશ પણ હોઈ શકે છે ને…?
ના પોર્ટ્રેટ ક્યારેય એકાંત ના પડઘાઓ નથી હોતા . હા કવિતા કે લેખન અહીં લાગુ નથી પડતા, એ વાત હું સ્વીકારું છું. વિભિન્ન ઉંમરની વ્યક્તિઓ મુજબ પોર્ટ્રેટ પણ જુદા જુદા પ્રકારના હોય છે, વૃધ્ધોના કરચલીઓ વાળા પણ હોય કે જેમાં કોઇ જ ભાવ નથી હોતો અથવા હોય તો પણ નહીવત હોય છે, બાળકોનો બાળ સહજ ચહેરો પણ ઉપસાવવો પડે છે. કેમ કે કુતુહલ સભર મોટી આંખો, ગોળમટોળ મોઢું અને આમ જોતા તો એ સ્થિર બેસે જ બહુ ઓછા, માટે તેને ધ્યાન કેન્દ્રિત કરી બેસાડવા જ એક કઠોર તપસ્યા સમાન છે
તો હવે આપણે ચિત્રો પરથી સહેજ સાહિત્ય તરફ પણ નજર કરી લઈએ… સાહિત્યમાં જોઈએ તો તારી કવિતાઓનું હાર્દ મૂળ રૂપે શુ હોય છે…? પ્રેમ, પ્રકૃતિ કે પછી વર્તમાન પરિસ્થિતિ…?
મારી કવિતા…! જો કે તું પૂછે છે તો હું કહું છું, કે હમણાંથી મેં કઈ જ ખાસ લખ્યું નથી. અગાઉ મેં જે કાંઈ પણ લખ્યું છે એ જંગલ, વરસાદ, માણસના મનોભાવ એ બધા વિષયો પર જ આધારિત છે. મને કોઈ પ્રકારની છંદબદ્ધ ગઝલ કે બંધારણની માહિતી નથી અને મારે એ કેળવવી કે મેળવવી પણ નથી. મારે કવિયત્રી બનવું પણ નથી , સૂઝતું , ગમતું ને બસ લખાઈ જતું રહે એટલું બરાબર છે. પ્રકૃતિ નિરૂપણ મારો સ્વભાવગત ગુણ છે.
જો કે આકાંક્ષા મેં તો એવું પણ સાંભળ્યું છે કે ચિત્રકાર પોતે જ પ્રકૃતિમય સ્વભાવ વાળા હોય છે. કારણ કે દરેક ચિત્ર અને દ્રશ્ય પ્રકૃતિને આભારી છે. અને સુંદરતાના તાદ્રશ્ય સાક્ષાત્કાર વગર એનું સર્જન કે નિરૂપણ પણ એક રીતે તો સાવ અશક્ય જ છે ને…? એની વેયઝ ગુડ. તો તું ભલે તને કવિ સમાજથી બહુ દૂર માની રહી છે. તો પણ
તારા અંગત મત મુજબ તારી સૌથી પ્રિય કવિતા અને પેઇન્ટિંગ વિશે તો જણાવ…
મને સૌથી ગમતી તો કવિતા તો એ 4 ગુટ ની છત પર ટાંગેલી મારી પેન્ટિંગ છે, જે બનવતા મને પુરા 3 મહિના કરતા પણ વધુ સમય લાગેલો. મારા અંગત મત મુજબ તો મારી બધી જ કવિતા મને ગમે છે, મેં એને કોઈને બતાવવા કે ક્ષતિઓ કઢાવવા માટે નથી લખી. બસ આનંદ ખાતર જ લખી છે, એટલે બધી જ મારી પ્રિય છે.
વાહ બધી જ કવિતાઓને ફેવરેટ એટલે કે યોગ્યતા, લાગણી અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એક સમાન કેટેગરીમાં જ રાખવી એ પણ એક મોટા દિલની વાત છે. મારા માટે તો મારી કવિતાઓ વિશેનો પ્રશ્ન સમજવો જ બહુ અઘરો છે…😊
તો સંજય કોરિયા સાથે કણસાગરા કોલેજમાં આયોજિત પેઇન્ટિંગ એક્ઝિબિશન વિશે તારા અનુભવો કેવા રહ્યા…?
એ અનુભવો યાદગાર હતા. જુલાઈ 2016 માં મારુ પહેલું જ એક્ઝિબિશન રાજકોટની કણસાગરા કોલેજમાં થયું હતું. હું તો ખાલી એકવાર કોલેજમાં બધાને મળવા અને મારી કવિતાઓ અમારા હિન્દીના સરને બતાવવા માટે જ ગઈ હતી. આ મુલાકાત દરમીયાન વાતચીત દ્વારા સર પૂછી બેઠા કે હાલમાં શું કરે છે…? અને મેં ફોનમાં મારા ચિત્રો બતાવીને કહ્યું, કે બસ અત્યારે તો આ કરું છું. ત્યાર બાદ એમણે પૂછ્યું હતું કે અંદાજીત કેટલા ચિત્રો છે…? મેં એમને સંખ્યા કીધી, અને બસ ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા સાથે મારુ પેઇન્ટિંગ પ્રદર્શન અમારી કોલેજમાં જ ગોઠવાયું. ત્યાંના હોલમાં, એક્ઝિબિશનનો એ પહેલો જ દિવસ હતો, જ્યારે કેમેરા, મુખ્ય મહેમાનો, સ્ટેજ પર મારી બેઠક, ફુલછાબ ના તંત્રી, રાજકોટ જિલ્લા કલા સંઘના પ્રમુખ, કોલેજની વિદ્યાર્થીનીઓ વગેરે ઘણા બધા લોકો પણ હાજર હતા, જે અનુભવ એ દિવસે મને ખાસ બનાવતો હતો. એ અનુભવમાં બહુ જ ગમતું હતું મને. પહેલી જ વાર સ્ટેજ પરથી મારે ત્યારે બોલવાનું હતું, એટલે મેં ઘરે મમ્મીને પણ ના પાડેલી કે તું ને પપ્પા તો ત્યાં આવતા જ નહીં. ઉદ્ઘાટનમાં હું તમને લોકોને જોઈને તો કઈ બોલી જ નહિ શકું
સામાન્ય રીતે લોકો આ સ્ટેજ પર આવીને પોતાના પરિવાર ફેમિલીને સાથે રાખે છે, કે જુઓ આજે હું પ્રથમ વખત ઓન સ્ટેજ કઇ બોલવાનો છું/ બોલવાની છું પણ તે એના વિરુદ્ધનું કર્યું. આઈ અંડરસ્ટેન્ડ કે સ્ટેજ ફિયર અઘરી વસ્તુ છે, પણ ઘરના લોકો આપણી હિંમત હોય, એ ક્યારેય કમજોરી ન જ હોઈ શકે.
હું રહ્યો સર્જન સાથે જોડાયેલો માણસ એટલે મારા દરેક પ્રશ્નમાં આદત જળવાશે જ એટલે હવે તું એ જાણવ કે, સાહિત્ય અને ચિત્ર આ બંનેને તું કયા દરષ્ટિકોણથી જુએ છે…? આઈ મીન એમા કેટલી સામ્યતા અથવા અલગતા તારા મતે તું તારવી શકે છે…?
ક્યારેક એવું લાગે છે કે સાહિત્ય મને તેમાં વધુને વધુ ખેંચતુ જાય છે, અને જાણે મને તેમાં ઘરકાવ કરી દે છે. સાહિત્ય કઈક અલગ જ રીતે મગજને વિચારતું કરી દે છે, એ અસરો પ્રકૃતિની જેમ નિરંતર વહે છે, એટલે ગમે છે. જો કે સાહિત્યની ચિત્રો સાથે કોઈ જ સામ્યતા નથી આ તો થયો મારો મત કદાચ કોઈ ને ભલે લાગતી હોય બેયમાં સામ્યતા. મને બ્રશથી કાગળ પર રમવું ગમે છે કલરની સાથે, એટલે બસ હું મંડી પડું છું
ધેટ્સ ગ્રેટ…
તો હવે કદાચ આ આપણા ઇન્ટરવ્યુનો છેલ્લો પ્રશ્ન જ હશે. પ્રકૃતિ સાથે એક સર્જક તરીકે મારો પણ અજોડ સબંધ છે. પ્રકૃતિ જ છે જે મને સમજે છે, મને જાણે છે, મને ઓળખે છે અને મારી સાથે છે, હું આ પ્રકૃતિના પ્રેમમાં છું એમ પણ કહી શકાય. પણ સાથે જ એ પણ કહી દઉં કે મારી દ્રષ્ટિએ પ્રકૃતિનો પરસ્પેકટિવ આખો અલગ જ છે. જે કદાચ ઈશ્વરીય તત્વ સાથે જોડાયેલ છે.
આ વાત તારા પ્રકૃતિ નામ યાદ આવતા થયું કે ઇન્ટરવ્યૂમાં એનો ઉલ્લેખ પણ કરી લઉ. તો આકાંક્ષા… તારું હુલામણું અથવા સાહિત્ય માટે ઉપનામ તરીકેનું નામ પ્રકૃતિ છે, એ પાછળનો કોઈ ઇતિહાસ છે ખરો…? અને હા પ્રકૃતિ અને પ્રેમમાં તને કેટલી સામ્યતાઓ દેખાય છે…? ઓબવીયસલી ચિત્ર સાથે પ્રકૃતિ અને સાહિત્ય સાથે પ્રેમ અતૂટ રૂપે સંકળાયેલા જ હોય છે.
પ્રકૃતિ નામ મેં એટલે જ રાખ્યું છે, કારણ કે પ્રકૃતિમય રહેવું મને ગમે છે. કોણ જાણે કેમ પણ છતાંય મને ઝાડ, જંગલ, પહાડ અને આ બધું જ ગમે છે. મારા મનમાં પ્રકૃતિનું સૌંદર્ય એક અલાયદું આકર્ષણ પેદા કરે છે. એના સાનિધ્યમાં રહેવું, જોવું, માણવું મને એટલું ગમે છે કે, મેં તો 10 માં ધોરણ પછી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જવાનું જ વિચારેલું. છાપામાં આવતા તેને લગતા, અભ્યાસ અર્થે ના વગેરે કટિંગ પણ મેં સાચવેલા , પણ પછી એ કઈ જ થયું નહીં. અને આજે જે કાંઈ છે એ પીંછી અને પોટ્રેટના ઓળગોળ જ બધુ છે.
વાહ… સરસ…
તો આ હતો આકાંક્ષા ચૌહાણ સાથેનો સર્જક દ્વારા થયેલ સંવાદ. આશા છે આપ ઘણું બધું ચિત્રો અને ચિત્રકારની લાઈફ વિશે સમજી શક્યા હશો.
ઈન્ટરવ્યું લેખન – સુલતાન સિંહ
વધુ પ્રશ્નો માટે આપ કમેન્ટ દ્વાર અહીં જણાવી શકો છો.
જો આપની આસપાસ પણ આ પ્રકારનું સ્પેશ્યલ ટેલેન્ટ છુપાયેલું છે. તો સર્જક હશે એ વખતે આપની સાથે… hello@sarjak.org પર આપ સર્જકનો સંપર્ક કરી શકો છો.
Leave a Reply