તે રસ્તો ઓળંગ્યો નવાબને કંઈક કહેવા માટે. પરંતુ થાકી ગયો હતો. જુના સ્પીકરોનો અવાજ તેને વારંવાર સંભળાતો હતો. જેનાથી તેના કાનમાં કોઈવાર તમરા બોલવા લાગતા હતા, હજુ તો થોડા દિવસ પહેલા જ સરદાર પટેલ ભાષણ આપી અને ગયા હતા. અને તેમના ચોટદાર ભાષણથી નવાબની ખુરશી હચમચી ગઈ હતી. પોતે નવાબ માટે કામ કરતો હતો. વિશ્વાસ હતો કે જો જુનાગઢ ભારતમાં રહી ગયુ, તો નવાબ આપણને ચોક્કસ પાકિસ્તાન લઈ જશે. રસ્તાઓમાં ધુળની ડમરીઓ ઉડતી હતી. સક્કરબાગ ઝુ ત્યારે એટલુ વિશાળ પણ ન હતું, અને તેની અંદરના કુવાના મીઠા પાણીને પીવા દોલતપરા ઈલાકામાંથી મુસ્લિમો અને દલિતોની લાઈનો લાગી હતી. સિંહોની ડણકનો ત્યાના લોકોને ભય ન હતો, કારણકે લગભગ નવાબે પોતાના હાથે શિકાર કરી લીધા હતા. પોતે દોડતો હતો, શરીરમાં થાક લાગ્યો હતો, પરંતુ તેને કશું મહેસુસ થતુ ન હતું. પગમાં કોઈવાર કાંટા વાગતા હતા, પરંતુ ભાગવાનું સુખ વધારે હતું. મજેવડી ગેટ પાસે પહોંચતાની સાથે તેનો શ્વાસ જવાબ દઈ ગયો. પણ ભાગવુ તેના માટે જરૂરી હતું. મજેવડી ગેટનું અત્યારે રિનોવેશન થાય છે, પણ ત્યારે તે શાનદાર લાગતો હતો. કારણ કે ઓરિજન એ ઓરિજનલ. ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં ભારત સાથે જોડાવાની વાતો ચાલતી હતી. અને મુસ્લિમો પોતાના દબે પગે ચાલતા હતા, જ્યારે તેમને ગમે ત્યાં આસરો આપો, ત્યાં પોતાનું નિવાસસ્થાન ગ્રહણ કરી લે. જો કે એવુ નથી કે ઘણા રહી ગયા. કેટલાક ભાગીને મુંબઈ ચાલ્યા ગયા. ત્યાંથી પાકિસ્તાન. ખૂબ ઓછા હતા, જે પોતાના અંતિમ મુકામ સુધી પહોંચી શક્યા બાકીનાઓનું કત્લ કરવામાં આવ્યુ. તેના અમ્મી અબ્બુ પણ પાકિસ્તાન ગયેલા. એવી તેને ખબર મળેલી, પણ એ ખબર વાસ્તવમાં ખોટી હતી, કારણ કે અડધે રસ્તે જ તેમને મારી નાખવામાં આવેલા. તેને તો આ કોઈ વાતનો અંદાજો પણ ન હતો. થોડીવાર આરામ અને ફરી પાછો દોડવા લાગ્યો. સોટા જેવા પગ હવે હરણની જેમ ભાગતા હતા. ત્યાં રેલ્વે સ્ટેશન આવ્યુ. સરદાર પટેલનો ગેટ. ઘડિયાલ ચાલતી હતી. હવે તો નથી ચાલતી, પણ આડેધડ ડંકાઓ વાગ્યા કરતા હતા. કોઈવાર તેર પણ વાગી જતા. અને આજે તેના ચહેરા પર બાર વાગી ગયેલા હતા. તેણે કબ્રસ્તાન તરફથી શોર્ટકટ લેવાનું નક્કી કર્યુ. ઝાડી જાખરા વધારે, તો પણ તેને ચીરીને બહાર નીકળ્યો.
કોર્ટની સામે આવેલા મહોબ્બત મકબરાએ પહોંચ્યો. તો ત્યાંના એક મુસ્લિમ સૈનિકે એ વાતની ખબર આપી કે નવાબ, તો હમણાં જ ગયા. તેણે નવાબ જે દિશામાં ગયા તે દિશા તરફ પગ ઉપાડ્યા. વધુ કંઈ સાંભળ્યુ નહિ. આજુબાજુમાં ગાંધીટોપી ધારકો જે શામળગદાસ ગાંધીને સપોર્ટ કરતા હતા, તે ચાલ્યા આવતા હતા. ઉભા રહી તેમને જોવાની તેની કોઈ પણ પ્રકારની ઈચ્છા ન હતી. આ તો કેટલા દિવસોથી અને માનો તો વર્ષોથી ચાલતુ આવતું હતું. રેલ્વે સ્ટેશન પણ સાવ ખંડેર હતું. પહેલા તેમાં ખેદિવ બેલ લાગેલો હતો. અત્યારે તો એ બહાઉદ્દિન આર્ટસ કોલેજમાં છે. માંગરોળથી તણાઈને આવ્યો હતો. અને વજીર બહાઉદ્દિને તેને ટ્રેન આવે ત્યારે વગાડવા માટે ખાસ રાખ્યો હતો. બેલ સવારનું શાંત વતાવરણ હોય ત્યારે આજે પણ તેનો ઘંટ કડિયાવાડના લોકોને ઉઠાડી દે છે. આદત પ્રમાણે રેલ્વે ત્યારે પણ મોડી હતી. જંગલમાંથી આવતી આ રેલનો પાવો વાગ્યો તેણે સાંભળ્યો અને દોડ્યો. ટ્રેન પર બેઠેલા લોકોની તરફ એક નજર કરી. બધુ પાછળ છુટતુ જતુ હતું. વચ્ચે હનીફે તેને રસ્તામાં રોક્યો પણ તે કોઈકાળે ઉભો રહેવા માગતો ન હતો. હવે આવતા જન્મે મળીએ કહીને ફરી દોડવા લાગ્યો. થોડીવારમાં આઝાદ ચોક અને બાદમાં કાળવા ચોક પણ આવ્યુ. ત્યાંથી સીધો ગિરનાર પર્વતનો રસ્તો પકડ્યો. ગિરનારના તો તેર નામ છે. તેને ખબર નવાબ કદાચ મંત્રણા કરવા માટે ઉપરકોટ ગયા હશે. અને જો ત્યાં ન મળે તો ફરી તેને ચિતાખાના ચોકમાં આવવુ પડશે, જ્યાં એક સમયે ચિતાઓ રખડતા હતા. ઉપરકોટ સુધી પહોંચતા તો તેનો શ્વાસ ધમણની માફક હાંફવા લાગ્યો હતો. ત્યાં ગયો તો ભારતનો ઝંડો લહેરાવવામાં આવી રહ્યો હતો. મગજ વિચારોથી ઘેરાવા લાગ્યુ. ટોળા વચ્ચે તેની શખ્સિયત ખોવાયેલી લાગી. બાજુમાં ઉભેલા વ્યક્તિને પૂછ્યું, ‘આપણે હવે ક્યા દેશમાં છીએ ? ’ સામેથી જવાબ આવ્યો, ‘ભારત.’ જ્યારે તેની બધી મહેનત પાણીમાં ગઈ હોય તે રીતે, પરંતુ એક રસ્તો હજુ પણ બચ્યો હતો. તેણે ફરીવાર ટોળામાં ઘેરાયેલા એક વ્યક્તિને પૂછ્યુ ‘અને નવાબ…?’ સામો જવાબ મળ્યો, ‘એ તો કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન ચાલ્યા ગયા.’ તે ઘુટણીયે પડી ગયો….
~ મયુર ખાવડુ
Leave a Reply