મારા મિત્રએ મને પૂછેલું,‘પ્રસ્તાવના લખનારા લેખકની લાયકાતમાં શું શું આવે ?’ મેં પૂરતો અભ્યાસ કર્યા પછી તેને કહ્યું, ‘દરેક અજાણ્યા લેખકને તે ઓળખતો હોવો જોઈએ. તે ઉંમર લાયક હોવો જોઈએ. તેણે હોલસેલનાં ભાવે જથ્થાબંધ ભાષણો આપેલા હોવા જોઈએ. સોશિયલ મીડિયા પર તેના નામે બે ત્રણ છમકલા ચાલતા હોય તો આનાથી વધારે ઉત્તમ કશું નથી.’
મારી વાત સાંભળીને તેણે હકારમાં માથું ડોલાવ્યું. પ્રસ્તાવના લખતા સમયે લેખક ભારે મૂંઝવણમાં મુકાય છે. ઘણાં કિસ્સામાં લોકો અને કેટલાંક આયોજકો તે 60 વર્ષનો હોવા છતાં તેને યુવા લેખક કહેતા હોય છે. આવા સમયે તેણે યુવા લેખકનું લેબલ બાજુ પર મુકી ખરા અર્થમાં 60 વર્ષનું વૃદ્ધ થવું પડે છે. ગુજરાતી ભાષામાં એક પરંપરા છે કે અનુભવીઓ અને સિનીયરો પાસે જ પ્રસ્તાવના લખાવાય અથવા તો જે તે વિષયના નિષ્ણાંતો પાસે પ્રસ્તાવના લખાવી શકાય.
હમણાં અમારા એક મિત્રએ સિંહ પર પુસ્તક લખેલું. તેમણે પૂરતું સંશોધન કર્યું હતું. ચારેક વર્ષની મહેનત પણ ખરી. રસ્તામાં તે મળી ગયો તો મેં તેને પૂછ્યું, ‘અરે કેમ, પછી તમારું સિંહ પરનું પુસ્તક ક્યારે આવે છે ?’
વીલા મોઢે મને કહે, ‘નથી આવી રહ્યું.’
તેના ગળે ડૂમો આવી ગયો. ચોપડી ન છપાય હોય તેમને આશ્વાસનની ખૂબ જરૂર હોય છે. મેં તેની પીઠ પર હાથ ફેરવી આશ્વાસન આપતા પૂછ્યું, ‘થયેલું શું ?’
મને કહે, ‘પેલા પ્રકાશક હઠ લઈ બેસેલા કે તમે સિંહ પાસે પ્રસ્તાવના લખાવો.’ આ ઘટના પછી સિંહો પર પુસ્તકો નથી લખાતા. અને લખાય છે તોપણ ઓછા લખાય છે. આપણી પાસે સિંહ સાહિત્ય ગણ્યું ગાંઠ્યું છે. જેમાં સિંહોએ પ્રસ્તાવના નથી લખી.
દીપડાઓ પર મારા તાલાલાના એક મિત્ર સંશોધન કરી રહ્યાં છે. ઉપરથી તેઓ ફોન પર જીદ્દ કરે છે કે, ‘મહેશનું સિંહ સાહિત્ય જ્યાં છપાવાનું હતું ત્યાં જ મારે ચોપડી છપાવવી છે. તેની ન છપાઈ તો એવું થોડું છે મારી પણ નહીં છપાઈ.’ મેં તેને હજુ સુધી નથી કહ્યું, કે તું જ્યાં પુસ્તક છપાવવાનો છો તે પ્રકાશકનો દીપડા પાસે પ્રસ્તાવના લખાવવાનો આગ્રહ રહેશે.
અમારા મિત્ર રણમલે પંદર વર્ષ મહેનત કરી દસ જેટલી ટૂંકી વાર્તાઓ સામાયિકોમાં છપાવી. હવે તેમને પુસ્તક કરવું હતું. પુસ્તકમાં પ્રસ્તાવના કરવાનું આવતા તે ઉત્તમચંદ નામના અમારા શહેરના અતિ પ્રતિષ્ઠિત સાહિત્યકાર પાસે ગયો. ઉત્તમચંદે પુસ્તક બે મહિના સુધી અભ્યાસ કરવા રાખ્યું અને પછી તેની પ્રસ્તાવના લખવાની ઘસીને ના પાડી દીધી. ભેંસ દૂધ ન આપે ત્યારે માલિકનું જેવું મોઢું હોય તેવું ડાચુ કરીને રણમલ મારા ઘરે આવ્યો અને ઉત્તમચંદ કાકાએ પ્રસ્તાવના લખી દેવાની ના પાડી છે તે અંગે મને જણાવ્યું. સાથે એમ પણ જણાવ્યું, કે ઉત્તમચંદને મારી વાર્તાઓ સમજાતી નથી. તેઓ કહે છે, ‘સમજાતી નથી એટલે હું પ્રસ્તાવના ન લખી શકું.’
પછી તો પ્રસ્તાવના વિના જ રણમલે પુસ્તક પ્રકાશિત કર્યું. પુસ્તકનું વિમોચન થયાના એક મહિના પછી રણમલ મારા ઘરે ગુસ્સામાં આવ્યો અને બોલ્યો, ‘આજનું રવિવારનું છાપું તે વાંચ્યું ?’
મેં પ્રતિપ્રશ્ન કર્યો, ‘લે આજે સારું કોણે લખી નાખ્યું?’
‘તું ચાલ ઉત્તમચંદ પાસે.’ આમ કહી તે મને લઈ ગયો. અમે ઉત્તમચંદના ઘરમાં પ્રવેશ કર્યો. કાકાએ અમને આવકાર્યા પણ રણમલ ગુસ્સામાં લાલઘુમ હતો. મને જાણવાની ઉત્કંઠા હતી કે થયું છે શું ?
ઉત્તમચંદ કાકાના ઘરમાં રહેલ છાપાની પૂર્તિ ખોલી તેણે મને કહ્યું, ‘જો, પ્રસ્તાવના લખવાની ના પાડી દીધેલ, પણ મારી કૃતિના તેમણે રવિવારની કોલમમાં છોતરા ઉડાવ્યા. આમ તો મોટા ઉપાડે કહેતા હતા કે મને વાર્તાઓ સમજાણી નથી.’
મેં જોયું. રણમલની ચોપડી ભંગારવાળો પણ ન લે તે રીતે ઉત્તમ ભુક્કા ઉત્તમચંદે બોલાવ્યા હતા. ઉત્તમચંદે જવાબ આપ્યો, ‘કોલમની ડેડલાઈન નજીક આવી ગઈ હતી. છેલ્લે તારી જ ચોપડી વાંચેલી એટલે પછી મારી વિવેચનની કોલમમાં એને જ આટીએ લીધી.’ ઉત્તમચંદ કાકાના જવાબથી કોલમનું સ્તર ગબડ્યાનું કારણ મને મળી ગયું.
આમ તો જેવા તેવાને પ્રસ્તાવના લખવા પણ ન અપાય, કારણ કે જવાબદારી ખૂબ મોટી છે. લેખકે પ્રસ્તાવનામાં જે તે લેખક વિશે લખ્યું હોય અને તે ભવિષ્યમાં એવો ન બને તોપણ વાંચકો પ્રસ્તાવના લખનારને ફટકારવા નથી આવતા. જેને આપણી ભાષામાં માન સાચવ્યું કહેવાય. આપણે ગુજરાતી ભાષાનું માન આ રીતે સાચવ્યું છે.
રણમલનાં બીજા પુસ્તક વખતે મેં તેને અપૂર્વલાલ પાસે પ્રસ્તાવના લખાવવાનું કહેલ, તો મને ખીજાઈને કહે, ‘એ ભાઈ દરેકની પ્રસ્તાવનામાં લખે છે, કે આ લેખક ફ્રાન્ઝ કાફ્કા જેવું લખે છે. ગુજરાતી સાહિત્યને તેની પાસે ખૂબ આશાઓ છે.’ રણમલ આટલું બોલ્યો એટલે હું ઘણું બધું સમજી ગયો. ન સમજવાનું પણ સમજી ગયો.
રણમલનાં બીજા પુસ્તકની પ્રસ્તાવના લખાવવા અમે વૈદ્યનાથ શર્મા પાસે ગયા. તેમણે એક ઓફિસ પણ ખોલી રાખેલી. જે વાત સાંભળી અમને શંકા ગઈ કે લેખકની ઓફિસો હોય ખરી ? અંદર ગયા તો એક ભાઈ કોમ્પયુટર પર ધડાધડ આંગળીઓ પછાડતા હતા. તેમનામાં કિબોર્ડદયા નામનો એક પણ છાંટો ન હતો. રણમલે પ્રસ્તાવના લખાવવા શર્મા સાહેબ પાસે આવ્યા છીએ, આમ કહેતા પેલા ભાઈએ અમને એક ફોર્મ આપ્યું. મેં ફોર્મ હાથમાં લેતા પૂછ્યું, ‘આ શું ?’
મને કહે, ‘વિગત ભરી નાખો, પ્રસ્તાવના લખાઈ જશે.’ આટલું બોલી તે ફરી કોમ્પયુટરમાં પરોવાયો.
ફોર્મમાં કેટલાંક પ્રશ્નો આ મુજબ હતા.
1) તમે કોના જેવા લેખક બનવા માગો છો ?
2) તમારા જીવનનો સો શબ્દમાં એક પ્રસંગ વર્ણવો ?
3) લેખક તરીકેની શરુઆત ક્યારે કરી ?
4) આ તમારું કેટલામું ચોપડું છે ?
5) કોઈ પારિતોષિક મળ્યાં ખરાં ?
6) વૈદ્યનાથ શર્મા સાહેબ સાથે આપનો શું સંબંધ ?
7) 200 શબ્દમાં શર્મા સાહેબનાં ફરજીયાત વખાણ કરો.
રણમલે ફોર્મ ભર્યું પછી અમે બંન્ને આપવા ગયા. મારાથી રહેવાયું નહીં એટલે પૂછી બેઠો, ‘શ્રીમાન, આ સવાલો અને પ્રસ્તાવના કોઈ જગ્યાએ સંલગ્ન છે ? પ્રસ્તાવના લેખનમાં આવું મેં કોઈ દિવસ જોયું નથી.’
શર્મા સાહેબના સેક્રેટરીએ ભ્રુકુટી ચડાવતા કહ્યું, ‘પ્રસ્તાવના હું જ લખવાનો છું. આ જુઓ આજની ત્રીસ હમણાં પતાવી. પાંચ દિવસમાં તમારી પ્રસ્તાવના તૈયાર થઈ જશે.’
જ્યારે પ્રસ્તાવના લખાઈને આવી ત્યારે તેની પ્રથમ લીટી લખેલી હતી, ‘આ યુવા લેખકને હું બાળપણથી ઓળખું છું.’ જો કે મેં અને રણમલે તે લેખકને અગિયારમાં ધોરણની ગુજરાતીની ચોપડીનાં બારમાં પાઠનાં રંગીન ફોટા સિવાય કોઈ જગ્યાએ નહોતા જોયા. રણમલે સંકલ્પ લીધો કે ત્રીજી ચોપડીની પ્રસ્તાવના તો કોઈ સારા લેખક પાસે માથે ઉભીને લખાવું.
બે વર્ષ પછી રણમલની ત્રીજી ચોપડી છપાઈ. દુખનાં વર્ષ જતા ક્યાં વાર લાગે !
પુસ્તક સફળ નીવડ્યું એટલે ત્રણ મહિના પછી રણમલની પ્રશસ્તિમાં એક પ્રવચનનું આયોજન થયું. ઓળખાણ હોવાથી હું પણ આગલી હરોળમાં બેઠો હતો. મારી પાસે ઓળખાણ સિવાય કંઈ ન હતું. ખિસ્સામાં એક રૂપિયો પણ નહીં. રણમલના ત્રીજા પુસ્તકની પ્રસ્તાવના લખનારા જયવીર શુક્લ નામના અમારા શહેરના લાંબુ લખનારા લેખક ઉભા થયા અને હરખાતા હરખાતા બોલ્યા, ‘આ સફળ પુસ્તકની પ્રસ્તાવના મેં લખી છે. જેનો મને અદકેરો આનંદ છે.’
ટોળામાંથી એક ભાઈ ઉભા થઈ બોલ્યા, ‘પ્રસ્તાવના તો ઓછી લખો. કાલ નવ વાગ્યાથી ચોપડી લઈ બેઠો હતો, બાર વાગ્યા સુધી પ્રસ્તાવના જ વાંચી અને હજુ ત્રણ પાનાં બાકી છે.’ સભામાં નિરવ શાંતિ છવાઈ ગઈ.
~ મયૂર ખાવડુ
Leave a Reply