પુસ્તક ઉધાર વાંચવા આપ્યા પછી તેને પરત આપવાની કે માંગવાની પવિત્ર કળા વિશે પુસ્તક લખાવું જોઈએ, તેવું આપણા વિદ્વાન લેખકો અને પ્રકાશકોને પણ કેમ ધ્યાનમાં નથી આવ્યું પુસ્તકો ઉધાર વંચાતા રહેશે તો પ્રકાશક કેવી રીતે ધંધો કરશે અને લેખકનાં પુસ્તકની નવી આવૃતિ કેમ થશે આ અંગે આપણા સુજ્ઞ લેખકો અને પ્રકાશકોનું હું ધ્યાન દોરવું ઉચિત માનું છું. લખવામાં અત્યંત લજ્જા આવે તેવા વિષયોમાં આ વિષયનો સમાવેશ થતો હોવાથી કોઈ લખતું પણ નથી.
જ્યોતીન્દ્ર દવેએ એક સભામાં પ્રવચન આપતી વખતે કહેલું કે, ‘હવે તો સંતતિનિયમન જરૂરી જ છે, કારણ કે અચાનક લેખકો વધી ગયા છે. લેખકો મનુષ્યમાંથી જ સર્જાતા હોવાથી હવે સંતતિનિયમન વિશે આપણે ગંભીરતાથી વિચારવું જોઈએ.’ જ્યોતીન્દ્રને તો લેખકો વધી ગયા તેની ચિંતા હતી, કે લેખકો વધી જતા ઉધાર પુસ્તકનું ચલણ વધવા લાગ્યું તેનો બળાપો હતો, તે જાણી શકાયું નથી.
ઓફિસના કર્મચારીને જ્યારે તમે પુસ્તક ઉધાર વાંચવા આપો છો ત્યારે તેના માથાનાં વાળ અને નિવૃતિની વય વિશે અચૂક જાણી લેવું. આવા વાંચકો નિવૃત થવાની ઉંમરે જ સ્ટાફ આખા પાસેથી પુસ્તકો ઉધાર માગવા લાગે છે. સમાજમાં વ્યાપેલું આ એક નૂતન દુષણ છે. જેનાથી કોઈ બચી નથી શકતું. રાજા રામમોહનરાયે સતીપ્રથા અને વિલિયમ બેન્ટીકે ઠગોના ઉત્પાતનો ભારતમાંથી નાશ કર્યો હતો, તેમ પુસ્તક ઉધાર માગનારાઓનો પણ નાશ કરવો જરૂરી થઈ ચૂક્યો છે. જે-તે વ્યક્તિ આવા લોકોનો નાશ કરે છે, તો સાતમાં ધોરણનાં પાઠ્યપુસ્તકમાં તેની જીવની પ્રગટ કરવાની જવાબદારી પણ અમે જ લઈશું.
મારી પાસેથી મહિલાઓ ખૂબ પુસ્તક માગે છે, કારણ કે મારું શરીર એવું છે કે મહિલાઓ પણ કાઠલો પકડીને કહી શકે, ‘જા નથી દેવી તારી ચોપડી, શું કરી લઈશ ’ આ કારણે જ મેં મહિલાઓને પુસ્તકો ઉધાર આપવાનું બંધ કરેલ છે. મહિલા મિત્રને અથવા બહેનોને હું પહેલાથી જ એક પુસ્તક ભેટમાં આપી દઉં છું. મારા પૂર્વ સહકર્મચારીઓ આ વાતથી અવગત હશે જ. સ્ટાફમાં રહેલ એક એક મહિલાને મેં પુસ્તક આપ્યું છે.
1960ના દાયકામાં સિડની હેરિસ નામના ખ્યાતનામ કટાર લેખકે, જેને કટાર લેખન સાથે સાથે સારો એવો પુરસ્કાર પણ મળતો, તેણે જ ભરી સભામાં કહેલું કે મારા જેવા બુદ્ધીજીવી લેખક બનવા માટે તમારે અખૂટ વાંચવું પડશે અને ત્યારથી અમેરિકામાં પુસ્તકો ઉધાર માંગવાની પરંપરાનો આરંભ થયેલો તેવું માનવામાં આવે છે.
ઉપલેટા બસ સ્ટેન્ડમાં દિવાલના ઉપરના ભાગના અંતિમ છોડે, મને નગેન્દ્ર વિજયનું પુસ્તક કોસમોસ ટીંગાતુ મળેલું હતું. જેને એક સમયે મારા મિત્રો સહિત હું પણ શોધતો હતો. એ છેલ્લી પ્રત હતી. મેં તે ભાઈને પૂછ્યું, ‘ત્યાં ઉપર આભ સુધી પુસ્તક રાખવાનું કારણ શું ’
મને કહે, ‘મિત્રો આ પુસ્તક ઉધાર ખૂબ માગતા એટલે ત્યાં જ લટકાવી દીધું. પાંચ વર્ષથી પૈસા ખર્ચી લેનારની રાહ જોતો હતો. આજે તમે મળી ગયા.’ એમ કહી તેને ત્યાંથી ચોપડી ઉતારતા અડધી કલાકનો સમય લાગ્યો.
જ્હોન રસ્કિન તો આવા ઉધારીયાવને ટોણો મારીને કહેતો, ‘જે પુસ્તક વાંચવા જેવું હોય તે ખરીદવા જેવું પણ હોય છે.’ દરેક વાંચક જેમ કોઈ પાસેથી ઉધાર લીધેલ એક ચોપડું તો પરત કરતો જ નથી, તેમ જ્હોન રસ્કિન પણ આ વિધાન આપતા સમયે તેમાંથી બાકાત નહીં રહ્યો હોય. ખૂબ ઓછા ગુજરાતીઓની પોતાની અંગત લાઈબ્રેરી હોય છે. મારી માનો તો પુસ્તકો ખરીદવાનું શરું કરો, તો ધીમે ધીમે ક્યારે ચોપડા ભેગા થઈ જાય ખબર જ ન પડે. અને પછી ધીમે ધીમે ક્યારે ઉધારીમાં ગાયબ થઈ જાય એ પણ જ્ઞાત ન રહે.
એક શ્રેષ્ઠ નવલકથાકાર બનવા માટે જાપાનના હારુકી મુરાકામીનું ક્વોટેશન દરેક નવલકથાકારે આત્મસાત કરવું રહ્યું. નોબલના આંગણે આવી બે વખત પરાજીત થનારા મુરાકામી લખે છે, ‘નવલકથાકાર બનવા માટેની પ્રાથમિક શરત એ છે કે તમે ટનમાં નવલકથાઓ વાંચી હોવી જોઈએ. ક્લાસિક નવલકથાઓ પણ વાંચેલી હોવી જોઈએ અને રોમાંચક પણ.’ મુરાકામીના આ વિધાનના પરિણામે જ બાદમાં જાપાનમાં નવલકથા લખવાનું ચલણ ધીમે ધીમે ઓછું થતું ગયું. કારણ કે જાપાનમાં પણ ગુજરાતીઓની જેમ ધંધાર્થીઓ વધારે છે. ગુજરાતીઓ અને જાપાનમાં કંઇ વધારે ફર્ક નથી. ત્યાં પણ પુસ્તકો માગનારા પડ્યા જ છે.
ચીનના પ્રેસિડેન્ટ જીનપીંગ અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે બંધ ગાડીમાં કોઈને દર્શન દીધા વિના ચોરી છૂપે પસાર થઈ ગયા હતા. તેની જગ્યાએ શિન્ઝો આબેએ ખુલ્લી જીપમાં કોઈના બાપની બીક રાખ્યા વિના મોઢું દેખાડ્યું, કારણ કે તેમને ખબર પડી ગયેલી કે આ બધા તો આપણા જેવા જ છે.
પુસ્તક ખરીદવા બાબતે ગુજરાતીઓ કેટલા પ્રમાદી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આપું. હું નાનો હતો ત્યારે પ્રાથમિક શાળાના અમારા શિક્ષકે મારા મિત્ર બટુકને ઉભો કરી પૂછ્યું ‘આ તારી ચોપડીમાં તારી જગ્યાએ ધનજી રામજી મદનનું નામ લખેલું છે. કાલે ચોપડી ખોવાઈ ગઈ ત્યારે કોણ જવાબ આપશે ’
બટુક કહે, ‘ધનજી રામજી મદન એ મારા બાપુજી જ છે. એ જે ચોપડી વાંચી અને ભણ્યા એ જ ચોપડી વાંચી અને હવે હું ભણું છું.’ સાહેબને પછી ખબર પડી કે છેલ્લા 25 વર્ષથી સરકારે પાઠ્ય પુસ્તકનો કોર્ષ પણ નથી બદલ્યો.
ઓશો રજનીશ કોઈ ભગવાન નહોતા. એ મારા તમારા જેવા એક વ્યક્તિ જ હતા. એ વખતે અક્કલના ઓથમીરો કંઈક વધારે, જેની ઓશોને ખબર પડી ગયેલી. ઓશોએ ખૂબ વાંચ્યું હતું. તેઓ પ્રવચનમાં પણ ફ્રોઈડથી લઈને બુદ્ધ સુધીની વાતો કરતા. કહેતા કે, ‘કોઈ આજે મને ફ્રોઈડ વિશે પૂછે અને મને ન ખબર હોય તો મારા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય એટલે હું વાંચુ છું.’ તેમની અંગત લાઈબ્રેરીમાં પુસ્તકોનો ખજાનો હતો. જેમાં તેઓ એક પણ લીલી-પીળી લીટી નહોતા કરતાં. પુસ્તકનું પાનું પણ વાંકુ ન થવા દેતા. ખૂબ હળવેકથી ખોલતા. તેમના અંગત પુસ્તકાલયમાં કોઈ ને પણ જવાની મનાઈ હતી. વર્ષો સુધી લોકો ઓશોને ભગવાન માનતા રહ્યાં અને આજે પણ માને છે. પણ ઓશો પુસ્તકો વાંચી જીનિયસ બન્યા હતા તે કોઈ માનતું નથી. પુસ્તકો વાંચી કોઈ ભગવાન બને તેવું એ સમયે કોઈ માનતું નહીં એટલે જ ઓશો પાસેથી કોઈએ ઉધાર પુસ્તક નહોતું માગ્યું.
એક જગ્યાએ મેં એક વર્ષ જેટલા સમય માટે લાઈબ્રેરીયન તરીકે પણ સેવા આપી છે. મારા અનુભવ પરથી કહું તો પુસ્તક દીધા પછી પાછું માંગવું એ કઠણ હ્રદયનાં માણસનું કામ છે. જે સોઈ ઝાટકીને કહી દે, ‘કાલે ચોપડી લાવજો, બાકી 14 રૂપિયા દંડ થશે.’
જેમ લોકો કોરોનાની રસીની રાહ જોઈ રહ્યાં છે તેમ હું પણ એક રસીની રાહ જોઈ રહ્યો છું. જે પુસ્તક લઈ જનારને મારવામાં આવે અને તે પુસ્તક વાંચી લે કે તુરંત પાછો આપી જાય. મારી તો નમ્ર વિનંતી છે કે હવે કોરોનાની વેક્સીન માટે આટલું સંશોધન કરો જ છો તો ભેગાભેગ આ એક રસી પણ શોધી જ લેજો.
~ મયૂર ખાવડુ
Leave a Reply