હમણાં આપણા બચ્ચન સાહેબ ટ્વીટર પર સોલિડ ટ્રોલ થઈ ગયા. કારણ? તો કે બિગ બી રામમંદિર ભૂમિપૂજન નિમિતે વધામણાં આપતા ભૂલી ગયા હતા. આમ તો આ મુદ્દો શરમજનક લાગે. પણ બચ્ચનજીએ જે રીતે ટ્રોલીયાઓના માથા ‘દિવાર’ ભેગા ભટકાવીને ‘કુલી’ જેવા પંચ ફટકાર્યા એ વાંચીને મોજના ફુવારા ઉડવા માંડ્યા. એક ટ્રોલીયાએ બિગ બી ને કહ્યું કે તમે કોરોનામાં ગુજરી ગયા હોત તો સારું હતું. આમ તો એ અનામી ટ્રોલીયાને કોઈ ઓળખતું પણ નહોતું. પણ બચ્ચન સાહેબે મોટું મન રાખીને એને લાંબોલચક જવાબ આપ્યો કે હું કદાચ જીવું તો એ કરોડો ભારતીયોનો પ્રેમ અને દુઆઓની અસર હશે. પણ જો ગુજરી ગયો તો તમે કોમેન્ટ કરવા ક્યાં જશો? તમે અનામી છો અને તમારા બાપુજી ય અનામી છે. મતલબ કે તમે જીવનમાં કંઈ કર્યું જ નથી વગેરે વગેરે…😉
પણ આ બધી સામસામી દલીલો વાંચીને વિચાર આવ્યો કે આ વાતાવરણ જોતા તો ભવિષ્યમાં આપણે ટ્રોલ વિષયમાં ઘણી બધી પ્રગતિ કરી શકીશું…😄
માનો કે આપણે મરીઝ કે ગાલિબનો કોઈ શેર સોશિયલ મીડિયામાં મુક્યો હશે તો ય ટોળાઓ આવીને આપણને ખખડાવી નાંખશે કે ઉમાશંકર જોશી અને સુંદરમની કવિતાઓ કેમ પોસ્ટ નથી કરતા? આપણે કહીશું કે એ તો મરીઝની હેપ્પી બર્થડે હતી એટલે… તો જવાબ આવશે કે ઉમાશંકર જોશીની બર્થડે નથી? કે એ બધાની યાદ નથી રહેતી? ચોક્કસ કવિઓની જ યાદગીરી રાખો છો? સાવ જ દેશદ્રોહી છો. હિંદુવિરોધી હહહ… આપણે થાકીને કહેવું પડશે કે ઉમાશંકર જોશીની બર્થડે વખતે હું મામાના ઘરે ગયેલો. માટે હવે માફ કરો સરકાર…😣
આ તો થઈ સામાજિક વાત.. પણ ભૂલેચૂકે આપણને કોઈ કાળ ચોઘડિયાએ ભવન ફરી જવાથી રાજકારણની સાવ નોર્મલ પોસ્ટ મુકાય ગઈ તો તો કંઈક આ પ્રમાણેના ખેલ થાય.
પોસ્ટ: આજે સાયેબને બે છીંક ઉપરાછાપરી આવી.
કોમેન્ટ 1: કેમ ભાઈ? છીંક સાહેબને જ આવે? ફલાણાને ખાંસી આવતી’તી ત્યારે કેમ કંઈ ના બોલ્યા?
આપણે: લે.. એ તો મને ખબર જ નથી. હવે બીજીવાર ખાંસી આવે ત્યારે કહેજો. પોસ્ટ મુકીશ.
કોમેન્ટ 1: એમ છટકી નથી જવાનું. (એમ કરીને બે ચાર ગુગલિયા લિંક મુકતા) આ જુઓ… ફલાણા પક્ષના ઢીકણા નેતાને ટીબી હતી. ક્યાં છે તમારી પોસ્ટ?
આપણે: નથી ભાઈ નથી…
કોમેન્ટ 1: હા, ત્યારે સાબિત થઈ ગયું કે તમને ચોક્કસ ધર્મ માટે બહુ લગાવ છે. (મળતીયાઓને ટેગ કરીને) એ ક, ખ, ગ, ઘ, ચ આવજો અહીંયા બધા. સબક શીખવાડીએ આ દેશદ્રોહીને…
ક: આ તો છે જ સાવ રાષ્ટ્રપ્રેમ વગરનો. Xના તહેવારો વખતે કાયમ પોસ્ટ કરે છે. પણ Y ના તહેવારો ધરાર ભૂલી જાય છે.
ખ: આને તો મેં આગળ સીધો કરી નાંખેલો. પણ હજી સુધરતો નથી.
ગ: અરે આને તો પાકિસ્તાન મોકલી દો.
આપણે: અરે, પણ છીંક કોઈની, પોસ્ટ અમારી એમાં તમે શું કામ વિઝાને ટીકીટના રૂપિયા ખર્ચો છો?
ઘ: એમ નહિ ભાઈ. ચોખવટ કર કે છીંક બાબતે અમારા જ સાહેબ શું કામ દેખાયા? બાકી આ વખતે તો દેશ છોડાવીશું.
આપણે: એમ ત્યારે છોડાવજો. બીજું શું?
(ક,ખ,ગ,ઘ,ચ બધા કોરસમાં): જોયું? આપણો રાષ્ટ્રવાદ એટલે સોલિડ હો. ઉભી પૂંછડીએ ભગાવ્યો…( એ મદારીઓને પછી ખબર પડે કે આ તો બ્લોક કર્યા.) 😝
— — — —
આ તો એક કાલ્પનિક ઉદાહરણ આપ્યું. બાકી તો શાહરૂખના વખાણ કરીએ તો આલોકનાથના વખાણ કરાવે. પીઝાનો ફોટો મુકો તો રોટલાના કરાવે. આલિયાના વખાણ કરાવો તો ધરાર એ કંગનાનું સર્ટિ આપણી પાસે ફડાવે. મૂળ તો અમુક ટોળી એકસરખી કમઅક્કલ કે નફ્ફટ ભેગી થાય એટલે ઉંદરડીએ અમલ પીધા જેવો તખ્તો ઘડાય જાય.
એક ટ્રોલ તો હમણાં એવું જોયું કે જેમાં બે રાજકીય પક્ષોના કોમેન્ટવીરો સામસામી ત્યારે કેમ ના બોલ્યા? હે, ત્યારે કેમ ના બોલ્યા જેવી દલીલો પોણો દિવસ સુધી કરતા રહ્યા. ( દોઢ દિવસે બે ય આંગળા ફુલાવીને થાકી જાય ત્યારે ય આપણને ખબર ના પડે કે કોણ, ક્યારે ને શું કામ નહોતું બોલ્યું! 🤗
આ ટ્રોલીયાઓની વાતો પાછી વારે ઘડીએ પાકિસ્તાન મોકલી આપવાની હોય. કેમ જાણે ઈમરાન એનો બનેવીલાલ હોય! હી હી હી. અને થતો હોય તો ય આપણે રિકવેસ્ટ કરવી જોઈએ કે પાકિસ્તાન મોકલો જ છો તો ભેગાભગ બ્લુચિસ્તાન હિંગળાજ માતાના દર્શને પણ મોકલજો. ને કદાચ ભવિષ્યમાં તમારો પગાર વધે તો લંડન, પેરિસ, ન્યુયોર્કનું પણ ગોઠવી આલજો હો બોસ…😋
કોઈ ટ્રોલીયાઓ શરૂઆત કરે કે ત્યારે કેમ નહોતા બોલ્યા? તો વધારે દલીલો કર્યા વગર કહી દેવાનું. હે, નાડી વગરના લેંઘા! ત્યારે હું નહોતો બોલ્યો એટલે જ તને આજે બોલવા મળ્યું છે. છતાંય નહોતો જ બોલ્યો તો માની લેજે કે ગોદડું ઓઢીને સુઈ ગયેલો. (આવી એકાદ કોમેન્ટમાં જ કચરો કરીને બ્લોક કરવાથી એ પોતે જ કાયમ માટે ગોદડા ઓઢી જાય એવો અમૂલ્ય આનંદ પ્રાપ્ત થશે….🤣
આઓ ટ્રોલ કરે એ તો આધુનિક ભારતીય સમાજનું યુવાસૂત્ર છે. એનાથી બચવાનો કોઈ ઉપાય નથી. એયને થોડાક ટાંટિયા ખેંચીને આપણે બીજે રમતા થઈ જવું ને એમને વહેતા કરી મુકવા. અને છતાંય ક્યારેક સમય ને મૂડનો સમન્વય થાય તો બચ્ચન બાબુની જેમ છોતરા પણ કાઢી નાંખવા… આટલું કરવાથી તન અને મન બન્ને સ્વસ્થ રહેવાની સો ટકા ગેરેંટી હો…😎
અંતે બચ્ચન બાબુએ તાજેતરમાં જ કરેલી ટ્વીટ એ તો દરેક ટ્રોલીયાઓને સણસણતો તમાચો જ છે:
“દલીલે અકસર જૂઠ કે લિયે દી જાતી હૈ,
સત્ય તો સ્વયં અપના વકીલ હોતા હૈ!”
” મૈં છુપાના જાનતા તો જગ મુજે સાધુ સમજતા,
શત્રુ મેરા બન ગયા હૈં છલરહિત વ્યવહાર મેરા!”
(હરિવંશરાય બચ્ચન)
– ભગીરથ જોગિયા
Leave a Reply