મને તું અત્ર, તત્ર અને સર્વત્ર આપજે
એક તો એક પણ તું મને મિત્ર આપજે
હું ક્યાં કહું છું આપજે બત્રીસ લક્ષણો
ભલે ને થોડો ઘણો તું વિચિત્ર આપજે
લોહીનાં સંબંધથી વધે સબંધ દોસ્તીનાં
કર્ણ, સુગ્રીવ જેવો મને તું મિત્ર આપજે
દોષમાં થી તારે એ જ દોસ્તાર હોય છે
દિગંબરી ઢાંકતી દોસ્તીનું વસ્ત્ર આપજે
મિત્ર મેળવવાં બનવું પડે છે પહેલાં મિત્ર
સાચી સમજણનું મને તું ચિત્ર આપજે
હસું, રડું જેની સાથે ને ગુસ્સો ય કરી શકું
સ્વ ને સ્વ થી સદા સાંધનાર સૂત્ર આપજે
મિત્ર ભાવે નિહાળું હું આ સમસ્ત જગને
સત્ય, પ્રેમ, કરુણાનું તું મને ગોત્ર આપજે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply