શરૂઆતમાં લોકડાઉન થયું અને કેસ સાવ ઓછા હતા ત્યારે આપણામાંથી મોટાભાગના લોકોએ સંક્રમણ અટકાવવાની જવાબદારી સરકાર, આરોગ્ય વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પર નાંખી હતી. પણ હવે કોરોનાનો આંકડો દસ લાખને પાર પહોંચ્યો ત્યારે તંત્રની સાથે સાથે વ્યકિતગત સાવચેતી પણ મહત્વનો ભાગ ભજવશે.
હવે એ સમય નથી કે સરકારે શું કર્યું, શું ના કર્યું એવા વિચારો કરીને દોષના ટોપલાને ખો આપતા ફરીએ. માટે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને પોતાની રીતે જ જાગૃત બનીએ. એ માટે અમુક સામાન્ય તકેદારીઓ વ્યક્તિગત કે દેશ માટે ઘણી ઉપયોગી બની રહેશે.
૧. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સમજ તો હવે આખી દુનિયામાં નાના ભૂલકાંઓને પણ આવી ગઈ છે.( અમુક મોટેરાઓ હજી સમજતા નથી તો એમના કર્યા એ ભોગવશે ને આપણે પણ ભોગવવા તૈયાર રહેવું પડશે.)
૨. પહેલી પાયાની કાળજી તો અત્યારે એ રાખવાની છે કે લગભગ તમામ હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી સ્વસ્થ નાગરિકે હોસ્પિટલમાં ના જવું પડે એ માટે બનતું કરી છૂટવું.
૩. સામાન્ય શરદી,ખાંસી કે તાવ અત્યારની પરિસ્થિતિમાં શારીરિક કરતા માનસિક સ્વાસ્થ્ય ડરને કારણે બગાડી શકે છે એટલે ઠંડાપીણાં, ફાસ્ટફૂડ, મીઠાઈઓ અને બહારના ખોરાક જે ઉપરછલ્લી હેલ્થ બગાડી શકે એનાથી ખાસ દૂર રહેવું.
૪. હળદરવાળું દૂધ, આયુર્વેદિક ઉકાળાઓ, તુલસી, અરડૂસી, અશ્વગંધા કે સુદર્શન જેવા ઔષધો નાના મોટા વાઇરલ ઇન્ફેક્શનથી દૂર રાખીને આ સીઝનમાં સ્વસ્થતા બક્ષે છે. એનો ઉપયોગ મહત્તમ કરી લેવામાં કચાશ ના રાખવી. (યાદ રહે કે આ બીમાર પડ્યા પહેલાના ઉપચારો છે, પછીનાં નહિ.)
૫. એલોપેથીમાં વિટામિન સી, બી કોમ્પ્લેક્ષ અને ઝીંક જેવી દવાઓ સામાન્ય માણસ અને કોરોનાના દર્દીઓ માટે અતિજરૂરી હોવાથી ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે આગોતરા પગલાંરૂપે લેવામાં પણ ફાયદો રહેલો જ છે.
૬. આમ છતાં તાવ, શરદી કે ખાંસી જેવા લક્ષણો દેખાય તો શરૂઆતમાં બહુ ઘાંઘા ના થઈ જવું. ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ શરૂ કરવી. અત્યારે પરિસ્થિતિ પ્રમાણે ડોક્ટરો અને હોસ્પિટલોની તંગી છે. કસમયે ડોકટરનો કોન્ટેકટ શક્ય ના હોય તો તાવ માટે પેરાસિટામોલ, શરદી માટે લિવોસેટિરિઝીન અને ગળામાં ઇન્ફેક્શન માટે એઝીથ્રોમાયસીન જેવી દવાઓ શરૂ કરી શકાય.( સરકારી ગાઈડલાઈનમાં આ જ દવાઓનો ઉલ્લેખ હોવા છતાં બને ત્યાં સુધી ડોકટરની સલાહ વગર આડેધડ ઉપયોગ ટાળવો.)
૭. હાંફળાફાંફળા થઈને સામાન્ય લક્ષણોમાં તરત જ મોટી હોસ્પિટલમાં દોડધામ કરી મુકવાથી શક્ય છે કે પૈસા, સમય અને શક્તિ બધું જ વ્યય થશે.( આપણી હોસ્પિટલમાં બિનજરૂરી અવરજવરને કારણે કોઈ ગંભીર અને જરૂરિયાતમંદ દર્દીને સારવારમાં વિલંબ થઈ શકે છે.)
૮. બે કે ત્રણ દિવસ સુધી રોકાયેલા શરદી, ખાંસી અને તાવની અવગણના ના કરવી. ડોકટરની સલાહ પ્રમાણે એક્સ-રે, છાતીનો સીટી સ્કેન (HRCT) કે કોરોના ટેસ્ટ કરાવવામાં છોછ ના રાખવો.
૯. નોનકોવિડ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફિઝિશયન-ચેસ્ટ ફિઝિશયન સરકારી ગાઈડલાઈન પ્રમાણે જ વિવિધ રિપોર્ટ અને દવાઓ થકી જ કોરોનાની સારવાર કરે છે. માટે મધ્યમવર્ગીય કે ઉચ્ચ મધ્યમવર્ગીય દર્દીઓને દેખીતી રીતે જ પોષાય એવી સારવાર સગવડ અને ત્યાં મળી રહેશે. આવા સંજોગોમાં અમુક દર્દીઓ આ ઑપશન પસંદ કરીને સરકારી હોસ્પિટલ પરનું ભારણ ઘટાડે એ પણ દેશસેવા જ છે. (અમુક નોનકોવિડ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ હોય છે, અને ના હોય તો ઓપીડી બેઝ રિપોર્ટ્સ અને પ્રિસ્ક્રિપ્શન લઈને હોમ આઇસોલેશન ઉત્તમ.)
૧૦. સરકારી ગાઈડલાઈન પ્રમાણે ટેસ્ટ મર્યાદિત સંખ્યામાં થાય છે. માટે પ્રાઇવેટ હોસ્પિલ કે ફિઝિશયન જો એક્સ-રે અને HRCT રિપોર્ટને આધારે સારવાર કરે તો એમાં કંઈ જ ખોટુ નથી. સીટી સ્કેનના રિપોર્ટ પ્રમાણે થતી સારવાર કોરોના માટે ઉત્તમ છે.
૧૧. હવે પરિસ્થિતિ એવી છે કે કોવિડ હોસ્પિટલમાં બેડની હાલાકી ઘણા દર્દીઓને ભોગવવી પડે છે. આ સંજોગોમાં સામાન્ય લક્ષણોવાળા દર્દીઓએ સામે ચાલીને જ ઘરે આઇસોલેશન પાળવું જોઈએ. સામાન્ય દર્દીઓને ઘણાખરા કેસમાં માત્ર ટેબ્લેટ ફોર્મની દવાઓથી જ ઈલાજ થતો હોવાથી ઘરે સારવારનો ઑપશન બેસ્ટ છે.
૧૨. ઘરે આઇસોલેશન પાળવાથી હોસ્પિટલમાં ભીડ ઘટે છે, સંક્રમણની તકો પણ ઘટે છે અને ગંભીર દર્દીઓના ભાગે બેડની અછત ભોગવવાની ઓછી આવશે. આ ઉપરાંત, હોસ્પિટલ સ્ટાફ પણ એમની એકાગ્રતા વધુ જાળવી શકે છે.
૧૩. ઘરે સારવાર દરમિયાન તાવની અવરજવર કે ખાંસીનું વધતું ઘટતું પ્રમાણ સામાન્ય છે, પણ શ્વાસમાં તકલીફ થાય તો એ લક્ષણને ગંભીરતાથી લઈને હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરવો.
૧૪. ઘણા કિસ્સાઓમાં જોયું છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાં કે પ્રાઇવેટ વાહનોમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સતત અટવાયા કરે છે. ( પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘણીવાર જુદા જુદા નિયમોને કારણે કે બેડની અછતને કારણે દર્દીઓને દાખલ કરવા ના કરવા જેવી બાબતે આનાકાની થઈ શકે છે.)જે એમની શારીરિક અને માનસિક પરિસ્થિતિને બિલકુલ અનુકૂળ નથી. માટે ખાસ ઇમરજન્સી સિવાય દર્દીને ઘરે રાખીને હોસ્પિટલ સાથે ફોનથી કે અન્ય સગાઓએ રૂબરૂ કોન્ટેકટ કરીને ખાતરી કરી લેવી સમય અને ભાગદોડ બચાવી શકે છે.
૧૫. બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે અન્ય કોઈ મોટી બીમારીઓ ના હોય એવા કિસ્સાઓમાં લાખો દર્દીઓ હોસ્પિટલમાં કે ઘરે સાવ સામાન્ય સારવારથી જ સાજા થઈ ગયા છે. માટે કોરોનાના નામથી બિનજરૂરી ચિંતાઓથી દુર રહેવું. અને સાવ બેફિકર થઈને ખોટા રોફમાં પણ ના રહેવું.
૧૬. તમામ સલાહોને અંતે એક મહત્વની સલાહ એ કે એક વ્યવસ્થિત ફેમિલી ડોકટરનો સંપર્ક આ જમાનામાં રાખવો ફરજીયાત છે. કોરોનાની મહામારી હોય કે બીજા કોઈ પણ નાનામોટા રોગમાં ફેમિલી ડોકટર સાથેનો સંપર્ક આપણા પરિવારને સાચી સલાહ અને યોગ્ય સારવાર અને સાચા સમયે હોસ્પિટલમાં રેફરન્સ સુધીની ઘણી બધી મદદ કરી શકે છે.
~ ભગીરથ જોગિયા
Leave a Reply